પાટીલ, નાના (જ. 3 ઑગસ્ટ 1900, યેડે મચિન્દ્ર, જિ. સાંગલી; અ. 6 ડિસેમ્બર 1976, મિરજ) : ‘ગ્રામ રાજ્ય’ની ધારણાને અમલમાં મૂકનાર મહારાષ્ટ્રના અગ્રણી દેશભક્ત તથા ક્રાંતિકારી નેતા. એક ગરીબ મરાઠા કુટુંબમાં જન્મ. માતાપિતા વારકરી પંથના. તેમનો ઉછેર ચુસ્ત ધાર્મિક વાતાવરણમાં થયો હતો. 16 વર્ષની વયે પ્રાથમિક શાળાંત પરીક્ષા પસાર કરી તુરત જ તલાટી તરીકે નોકરી સ્વીકારી.
મહારાષ્ટ્રના અગ્રણી સમાજસુધારક મહાત્મા જ્યોતિ ફુલે દ્વારા સ્થાપવામાં આવેલ ‘સત્યશોધક સમાજ’ તરફ તેઓ આકર્ષાયા. આ સંસ્થાનો હેતુ સમાજમાંના અસ્પૃશ્યો અને નીચલા વર્ગના લોકોને સામાજિક ન્યાય અને માનવઅધિકારો મળી રહે તે જોવાનો હતો. નાના પાટીલે સંનિષ્ઠપણે આ આંદોલનમાં ઝંપલાવ્યું. તેમણે મહારાષ્ટ્રના જુદા જુદા પ્રદેશોનો વ્યાખ્યાન-પ્રવાસ હાથ ધર્યો. તેમણે આડંબરી અને ભભકદાર લગ્નસમારંભો અને દહેજપ્રથાની નિરર્થકતા અને અનિષ્ટ અસરો લોકોને સમજાવી. આમ કરીને મહેનતકશ લોકોની સામાજિક રૂઢિઓ અને વ્યવહારોમાં ક્રાંતિકારી ફેરફારો આણ્યા. આના પરિણામસ્વરૂપે તેઓ જનસુધારણાના આરાધ્યદેવ બની રહ્યા. જોકે આ આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવવાના બદલામાં તેમણે પોતાની નોકરીનો ભોગ આપવો પડ્યો.
સામાજિક સુધારણાની પ્રવૃત્તિઓથી સંતોષ ન માનતાં નાના પાટીલે 1930ના સત્યાગ્રહ આંદોલનમાં પણ ઝંપલાવ્યું. તેમના પ્રયાસો થકી કૉંગ્રેસને ખેડૂતો તથા કામદારોના સંગઠિત બળનો ટેકો સાંપડ્યો. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં તેમણે ભારે નામના મેળવી. આ આંદોલન ચલાવવા તેઓ ભૂગર્ભમાં રહ્યા. સ્વાર્થી અંગત હેતુઓ માટે જે લોકો બ્રિટિશ સત્તાવાળાઓને માહિતી પૂરી પાડતા હતા તેમના માટે નાના પાટીલે શિક્ષાત્મક પ્રણાલી અપનાવી. આવા દેશદ્રોહીઓને અપંગ થઈ જાય ત્યાં સુધી ઢીંચણ પર પતરાથી નિર્દયતાપૂર્વક માર મારવામાં આવતો. આને લીધે જ નાના પાટીલનું આંદોલન ‘પતરી સરકાર’ તરીકે ઓળખાયું. તેમણે અને તેમના સાથીદારોએ ધૂળે ખાતેની બૅંક લૂંટી. આ લૂંટમાંથી મળેલ પાંચ લાખ રૂપિયા તેમણે આંદોલન પાછળ ખર્ચ્યા. બ્રિટિશ સરકારે તેમની ધરપકડ માટે રૂ. 10,000નું ઇનામ જાહેર કર્યું હતું. જોકે છેલ્લે સુધી તેઓ ધરપકડને ટાળી શક્યા હતા. ભૂગર્ભવાસ દરમિયાન નાના પાટીલને ઘણી યાતનાઓ વેઠવી પડી હતી.
1947 પછી તેઓ પિઝન્ટસ ઍન્ડ વર્કર્સ પાર્ટીમાં જોડાયા. આ પક્ષનું મુખ્ય ચાલક બળ નાના પાટીલ પોતે જ હતા. પાછળથી વૈચારિક મતભેદોને લીધે તેમણે આ પક્ષ સાથે છેડો ફાડ્યો અને સામ્યવાદી પક્ષમાં જોડાયા.
મહારાષ્ટ્રમાં ગ્રામરાજ્યની સ્થાપના માટેનું આંદોલન નાના પાટીલે શરૂ કર્યું. આથી ‘ગ્રામરાજ્ય’ના સ્થાપક તરીકે તેમની નામના થઈ. કોરેગાંવ, પટના તથા સતારામાં ઘણા લાંબા સમયથી વિકસેલો ગેરકાયદે દારૂ ગાળવાનો ધંધો તેમણે માત્ર ચાર માસના ગાળામાં બંધ કરાવ્યો. સંયુક્ત મહારાષ્ટ્ર માટેના આંદોલનને પણ તેમનું નેતૃત્વ પ્રાપ્ત થયું હતું.
તેઓ પ્રભાવક વક્તા હતા. તેમના પ્રવચનમાં સાદી ભાષા અને ગ્રામીણ જીવનના રોજબરોજના દાખલાઓ અને ટુચકાઓનો ભરપૂર ઉપયોગ થતો. પ્રવચન પ્રસંગે લોકો તેમના પર નાણાંની વર્ષા કરતા. તેમની તથા તેમના સાથીદારોની ધરપકડના હુકમ પછી વ્યાખ્યાન-પ્રવાસ દરમિયાન એકઠાં થયેલાં નાણાંનો ઉપયોગ સ્થાનિક શાળાઓ અને ધર્મશાળાઓની મરામત અને નિભાવ પાછળ કરવામાં આવ્યો. 1946માં કૉંગ્રેસનું મંત્રીમંડળ રચાતાં તેમની સામેનું ધરપકડનું હુકમનામું રદ કરવામાં આવ્યું. 1957 અને 1667માં નાના પાટીલ બે વાર લોકસભામાં ચૂંટાઈ આવ્યા. તેમણે ભારતીય સાંસ્કૃતિક મંડળના સભ્ય તરીકે સોવિયેત યુનિયનની મુલાકાત લીધી હતી.
નવનીત દવે