પાટણ : ગુજરાત રાજ્યના પાટણ જિલ્લાનું જિલ્લામથક, પાટણ તાલુકાનું તાલુકામથક અને જિલ્લાનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર.

ભૌગોલિક સ્થાન : તે 23 55´થી 24 41´ ઉ. અ. અને 71 31´થી 72 20´ પૂર્વ રેખાંશની વચ્ચે આવેલો છે. આ જિલ્લો ખંભાતના અખાત તથા અરવલ્લી હારમાળાની વચ્ચેના નીચાણવાળા ભાગમાં આવેલો છે.  આ જિલ્લાની ઉત્તરે અને ઈશાને બનાસકાંઠા જિલ્લો, પૂર્વે અને અગ્નિએ મહેસાણા જિલ્લો, દક્ષિણે સુરેન્દ્રનગર જિલ્લો, નૈર્ઋત્યે, પશ્ચિમે તેમજ વાયવ્યે કચ્છ જિલ્લો અને તેનું નાનું રણ જે પાકિસ્તાન સાથે સીમા રૂપે આવેલાં છે. કચ્છ જિલ્લો પાકિસ્તાન સાથે સીમા ધરાવે છે. બનાસકાંઠા જિલ્લો, કચ્છ જિલ્લા સાથે સીમા ધરાવે છે. બનાસકાંઠા જિલ્લાના સમી અને હારીજ તાલુકા અને કચ્છના રણવિસ્તાર વચ્ચે વસાહત ખૂબ જ ઓછી છે પરિણામે પાકિસ્તાન આ સીમામાર્ગે કંઈ અજુગતું ન કરે તે માટે ગુજરાતે સજાગ રહેવું જરૂરી છે.

ભૂપૃષ્ઠ – આબોહવા : પાટણ જિલ્લાની પશ્ચિમે કચ્છનું નાનું રણ આવેલું છે જેથી સાંતલપુરનો વિસ્તાર પ્રમાણમાં વેરાન જોવા મળે છે. જે પ્રમાણમાં અર્ધ રણ પરિસ્થિતિવાળો  જે રેતાળ અને ખારાશવાળો છે. કોઈક જગ્યાએ કાંટાળી વનસ્પતિ જોવા મળે છે. જ્યારે પૂર્વ અને મધ્યનો વિસ્તાર નદીઓના કાંપ-માટીના નિક્ષેપથી રચાયેલો  હોવાથી તે મેદાની સ્વરૂપે જોવા મળે છે. આસપાસના પ્રદેશ કરતાં સહેજ ઊંચાણવાળી ભૂમિ જોવા મળે છે. જેને ‘ગોઢ’ કહે છે. આ મેદાન  25થી 50 મીટર ઊંચું છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ બનાસ, સરસ્વતી અને ખારી છે. આ નદીઓ ઋતુપર્યંત છે. વરસાદની માત્રા જે વર્ષે વધુ હોય ત્યારે જ આ નદીઓ બે કાંઠે જોવા મળે છે. આ નદીઓ રણમાં સમાઈ જતી હોવાથી તે કુંવારિકા તરીકે ઓળખાય છે. નાની નદીઓમાં ચેકરીઆ, ઉમરદાસી, સપેણ, પુષ્પાવતી પણ ગણાવી શકાય.

આ જિલ્લો સમુદ્રથી અંતરિયાળ ભાગમાં હોવાથી આબોહવા વિષમ રહે છે. ઉનાળો ગરમ રહે છે. મે માસનું સરેરાશ તાપમાન 40 સે. જ્યારે શિયાળામાં જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 25 સે. ની આસપાસ રહે છે. જૂનથી મધ્ય સપ્ટેમ્બર માસ વર્ષાઋતુનો ગણાય છે. વરસાદ 600 મિમી. જેટલો પડે છે. કચ્છના નાના રણની સીમાવર્તી વિસ્તારોમાં વરસાદ ઓછો પ્રાપ્ત થાય છે.

વનસ્પતિ – પ્રાણીજીવન : આ જિલ્લો રણની નજીક હોવાથી તેમજ ભૂમિ રેતાળ અને ખારાશવાળી હોવાથી જંગલો આવેલાં નથી. અહીંનાં સ્થાનિક વૃક્ષોમાં વડ, વરખડો, લીમડો, ખીજડો અને દેશી બાવળ, ગાંડો બાવળ, કેરડાં, બોરડી જેવી કાંટાળી વનસ્પતિ છૂટીછવાઈ ઊગી નીકળે છે. રણની નજીક આવેલા વિસ્તારમાં ઘૂડખર જોવા મળે છે. આ સિવાય સસલાં, શિયાળ, શાહુડી વગેરે છે.

જમીન – ખેતી – પશુપાલન : આ જિલ્લાની જમીનોમાં વિવિધતા છે. દક્ષિણ ભાગમાં કાળી જ્યારે વાગદોડની પશ્ચિમે આવેલી જમીન રેતાળ અને ઓછી ફળદ્રૂપ છે. ઓછો વરસાદ અને ઊંચા તાપમાનને લીધે થોડોક વિસ્તાર ક્ષારીય પણ છે. ખડકોના ખવાણથી રેતાળ અને અફળદ્રૂપ હોવાથી જમીનનું ઉપરનું પડ નક્કર કે સખત બની જાય છે. ઈશાન ભાગમાં ગોરાડુ જમીન છે. અહીં ઘઉં, બાજરી, જુવાર, કઠોળ જેવા ખાદ્યપાકો લેવાય છે. રોકડિયા પાકોમાં કપાસ, તેલીબિયાં, જીરું, વરિયાળી, ઇસબગૂલ અને તમાકુની ખેતી થાય છે. મોટે ભાગે અહીંની ખેતી વરસાદ ઉપર આધારિત છે. આ સિવાય કૂવા, પાતાળ કૂવા અને નહેરોના પાણીનો ઉપયોગ થાય છે. નદીપટમાં ખેતી સાથે પશુપાલનની પ્રવૃત્તિ વિકસી છે. અહીં કાંકરેજ ઓલાદનાં ગાય બળદ, મહેસાણી ભેંસ, પાટણવાડિયા ઘેટાં-બકરાં, ઊંટ, ગધેડાં જેવાં પાલતુ પશુઓ છે. નદીના પટમાં બટાકા, શાકભાજી વગેરે વવાય છે.

ઉદ્યોગો – પરિવહન : અહીં ખેતી ઉપર આધારિત ઉદ્યોગોનું પ્રમાણ વધુ છે. ફૂડ પ્રોસેસિંગ, હળવાં ઇજનેરી તથા યાંત્રિક સાધનો, સાબુ, સ્ટીલનું રાચરચીલું, તેલની મિલો, આટામિલ, સિમેન્ટ પાઇપ બનાવવાના, ઑઇલ એન્જિન અને પંપ-રિપૅરિંગનાં કારખાનાં આવેલાં છે. દૂધ અને દૂધની આડપેદાશો બનાવવાના અને વિતરણ કરવાના નાના એકમો આવેલા છે.

આ જિલ્લામાં પરિવહનની સુવિધા સારી છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 68 જે રાજસ્થાનનાં શહેરોને સાંકળે છે. રાજ્ય ધોરી માર્ગ નં. 7, 10, 130 પસાર થાય છે. આ સિવાય જિલ્લા માર્ગો અને ગ્રામ્ય માર્ગોનું જાળું પથરાયેલું છે. રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો, ટૅક્સી, ઑટોરિક્ષાની સગવડ મોટાં શહેરોમાં છે. પાટણ અને અમદાવાદ વચ્ચે રેલમાર્ગનું અંતર 108 કિમી. છે. ભગતકી કોઠી (જેસલમેર), મહેસાણા, ઓખાને સાંકળતો બ્રૉડગેજ રેલવેમાર્ગ આ જિલ્લામાં છે. પાટણ મહત્ત્વનું રેલવેજંકશન છે. આ જિલ્લામાં કોઈ હવાઈ મથક નથી, પરંતુ હેલિપેડ ઊભું કરાયું છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 5,792 ચો.કિમી. અને વસ્તી (2011 મુજબ) 13,43,734 છે. આ જિલ્લામાં સાક્ષરતાનું પ્રમાણ 72.30% છે. 20.92% લોકો શહેરોમાં વસે છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 935 સ્ત્રીઓ છે. પછાત જાતિ અને આદિવાસી જાતિનું પ્રમાણ અનુક્રમે આશરે 9.18% અને 0.99% છે. અહીં મહત્તમ ગુજરાતી ભાષા (93.36%) બોલાય છે  આ સિવાય હિન્દી ભાષા (1.10%) પણ બોલાય છે. હિન્દુ ધર્મ અને ઇસ્લામધર્મીઓનું પ્રમાણ અનુક્રમે 88.91% અને 10.63% છે. આ જિલ્લાને વહીવટી દૃષ્ટિએ પાટણ, સિદ્ધપુર, હારીજ, રાધનપુર, સમી, શંખેશ્વર, સાંતલપુર, સરસ્વતી અને ચાણસ્મા એમ નવ તાલુકામાં વહેંચવામાં આવેલ છે. ગ્રામ પંચાયતની સંખ્યા 464 છે. નગરપાલિકા પાટણ, સિદ્ધપુર, રાધનપુર, હારીજ અને ચાણસ્મામાં છે. શહેરોની સંખ્યા 5 છે. ગામડાંઓની સંખ્યા 517 છે.

જિલ્લામાં ખાનગી અને રાજ્યસરકાર સંચાલિત પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શાળાઓ આવેલી છે. જેની સંખ્યા 3,200 કરતાં વધુ છે જેમાં 1,606 પ્રાથમિક શાળાઓ છે. પાટણ ખાતે 655 શાળાઓ જેમાં CBSE, ICSE અને રાજ્ય સરકાર દ્વારા માન્ય અભ્યાસક્રમને મહત્ત્વ અપાયું છે.

જોવાલાયક સ્થળો : આ જિલ્લામાં જોવાલાયક સ્થળોમાં પાટણ ખાતે બે ઐતિહાસિક સ્મારકો જેમાં સહસ્રલિંગ તળાવ અને રાણીની વાવ છે. જૈન મંદિરો, કાલિકા માતાનું મંદિર, સિદ્ધપુર ખાતે આવેલ રુદ્રમહાલય માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. સમી તાલુકાના શંખેશ્વર ગામમાં પાર્શ્વનાથદાદાનું જૈન મંદિર, મોઢેરાનું મોઢેશ્વરીમાતાનું મંદિર વગેરે છે.

પાટણ (તાલુકો) : પાટણ જિલ્લાના નવ તાલુકાઓમાંનો એક તાલુકો.

તે 23 86´ ઉ. અ. અને 71 77´ પૂ. રે. પર આવેલો છે. જેનો વિસ્તાર 742.07 ચો.કિમી. છે. આ તાલુકાની ઉત્તરે અને પશ્ચિમે બનાસકાંઠા જિલ્લો, દક્ષિણે ચાણસ્મા તાલુકો અને પૂર્વે સિદ્ધપુર તાલુકો તેમજ મહેસાણા જિલ્લો આવેલા છે. અને વસ્તી (2011 મુજબ) 2,95,621 છે. જેમાં શહેરની સંખ્યા એક અને ગામડાંઓ 90 છે. સાક્ષરતાનો દર 69.5% છે. આ તાલુકાનું મુખ્ય મથક પાટણ છે.

આ તાલુકાનું ભૂપૃષ્ઠ એકંદરે સમતળ સપાટ છે. આ તાલુકાની નદીઓ સરસ્વતી અને ખારી છે, જે ઋતુપર્યંત છે. ચોમાસાની ઋતુમાં જો સારો વરસાદ પડે તો જ નદી બે કાંઠે જોવા મળે છે.

આ તાલુકો સમુદ્રથી દૂર હોવાથી તેની આબોહવા વિષમ રહે છે. ઉનાળા ગરમ અને શિયાળા ઠંડા રહે છે. મે માસનું તાપમાન 44 સે. સુધી પહોંચી જાય છે. જાન્યુઆરી માસમાં એટલે શિયાળા દરમિયાન તાપમાન 11 સે. જેટલું નીચું ચાલ્યું જાય છે. સરેરાશ વાર્ષિક વરસાદ 600 મિમી. જેટલો પડે છે. મોટે ભાગે વરસાદ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન છૂટોછવાયો પડે છે.

આ તાલુકામાં સ્થાનિક વૃક્ષો જેમાં વડ, પીપળો, લીમડો, વરખડો, ખીજડો, ખાખરો, આકડો, દેશી અને વિલાયતી બાવળ છૂટાંછવાયાં જોવા મળે છે. ગામના ગોંદરે જ્યાં નાનાં વરસાદી તળાવ હોય છે ત્યાં વૃક્ષોનું પ્રમાણ વધુ જોવા મળે છે.

અહીંની જમીન કાળી, રેતાળ અને ગોરાડુ છે. પરંતુ તેમાં ફળદ્રૂપતા ઓછી હોય છે. આ જમીનમાં નાઇટ્રોજનનું તત્ત્વ ઓછું, ફૉસ્ફરસ અને પોટાશનું તત્ત્વ મધ્યમ હોય છે. ખેતીકીય પાકોમાં ઘઉં, બાજરી, જુવાર જેવા ખાદ્યાન્ન જ્યારે રોકડિયા પાકોમાં કપાસ, જીરું, વરિયાળી, ઇસબગૂલ, તેલીબિયાં, અજમો જેવા પાકોનું વાવેતર થાય છે. આ વિસ્તારમાં ખેડૂતો હવે પશુપાલનની પ્રવૃત્તિમાં વધુ રસ લેતા થયા છે. દરેક ગામમાં ડેરી ઊભી કરાઈ છે. અહીં કાંકરેજ ઓલાદનાં ગાય-બળદ, મહેસાણી ભેંસ, પાટણવાડિયાં ઘેંટા-બકરાં, ઊંટ, ગધેડા જેવાં પાલતુ પશુઓ જોવા મળે છે.

આ તાલુકામાં આશરે 1000 કિમી.ના પાકા રસ્તા જોવા મળે છે. દરેક ગામને તાલુકામથકને પાકા રસ્તા સાથે સાંકળવામાં આવ્યાં છે. રાજ્ય ધોરી માર્ગ નં. 220, 7, 130, 10 અને જિલ્લા માર્ગો આવેલા છે. આ તાલુકામાંથી મહેસાણા-કાકોશીને સાંકળતો બ્રૉડગેજ રેલમાર્ગ પસાર થાય છે. આ તાલુકામાં મુખ્ય રેલવેસ્ટેશનોમાં ખલીપુર, પાટણ, નોરતા છે.

આ તાલુકામાં પ્રાથમિક શાળા વિનાનું એક પણ ગામ નથી. બાલમંદિરો, બાલવાડી, પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ આવેલી છે. વિવિધ વિદ્યાશાખાઓ ધરાવતી કૉલેજો પણ છે. જે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સાથે સંલગ્ન છે.

પાટણ (શહેર) : પાટણ જિલ્લા અને પાટણ તાલુકાનું મુખ્ય મથક અને શહેર.

તે આશરે 23 50´ ઉ. અ. અને 72 50´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 43.89 ચો.કિમી. અને શહેરની વસ્તી 1,72,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી (2011 મુજબ) 1,90,000 છે. આ શહેર સમુદ્ર સપાટીથી 76 મીટરની ઊંચાઈ ધરાવે છે.

આ શહેરની આબોહવા પ્રમાણમાં વિષમ છે. ઉનાળો માર્ચથી જૂન માસ સુધીનો જે દરમિયાન મહત્તમ તાપમાન 41.7 સે. જ્યારે લઘુતમ તાપમાન 18 સે. રહે છે. શિયાળો નવેમ્બરથી ફેબ્રુઆરી સુધીનો ગણાય છે. તે ગાળાનું મહત્તમ તાપમાન 32 સે. જ્યારે લઘુતમ તાપમાન 8 સે. રહે છે. વર્ષાઋતુનો સમયગાળો જુલાઈથી સપ્ટેમ્બર માસ સુધીનો છે. અહીં વરસાદ અનિયમિત અને અચોક્કસ હોય છે. સરેરાશ વરસાદની માત્રા 600 મિમી. જેટલી છે.

અહીં ખાદ્યાન્નનો વેપાર અધિક છે.  પાટણ જિલ્લાના તાલુકાઓમાંથી ખાદ્યપાકો અને રોકડિયા પાકોની આવક અહીં વધુ છે. પરિણામે અહીં અનાજનું મોટું પીઠું છે. વાણિજ્ય બૅન્કો, સહકારી બૅન્કો તેમજ નાણાં ધીરનારનો વ્યવસાય પણ વધુ છે. અહીં આશરે 2000 જેટલા જથ્થાબંધ વેપારીઓની પેઢીઓ આવેલી છે. જિલ્લાના મોટા ભાગના ઉદ્યોગો પાટણમાં કેન્દ્રિત થયેલા છે. અહીં 1,16,000 ચોમી. વિસ્તારમાં ઔદ્યોગિક વસાહત છે, તેમાં 17 જેટલા શેડ છે. અહીં હળવાં ઇજનેરી તથા યાંત્રિક સાધનોનાં અને ઇસબગૂલ તૈયાર કરવાનાં કારખાનાં છે. પાટણમાં સાબુનાં, લાકડાં અને સ્ટીલનું રાચરચીલું બનાવવાનાં, દાળનાં, તેલમિલનાં, આટામિલનાં, સિમેન્ટ પાઇપનાં, ઑઇલ એન્જિન અને પંપ-રિપૅરિંગનાં કારખાનાં ઉપરાંત ચશ્માંની ફ્રેમ બનાવવાનું કારખાનું આવેલાં છે.

અહીં હાથસાળ ઉપર મશરૂ, રેશમી પટોળાં તથા સુતરાઉ કાપડ વણાય છે. સોલંકી રાજ્યકાળમાં અહીં પટોળાંના 700 જેટલા કારીગરો હતા. મશરૂ અને પટોળાં વણવાનું કામ ખત્રી કોમના તેમજ મુસ્લિમ કોમના માત્ર ગણ્યાગાંઠ્યા કુશળ કારીગરો સંભાળે છે. પટોળાં તૈયાર કરનાર હવે માત્ર બે જ કુટુંબો રહ્યાં છે. આખા વર્ષમાં માત્ર ત્રણથી ચાર પટોળાં જ તૈયાર થઈ શકે છે; તેમાં વણાટ વખતે સિંહ, હાથી વગેરે જેવા આકારો તથા અન્ય ભૌમિતિક આકૃતિઓ ઉપરાંત નારીકુંજર, પાતભાત, ફૂલવાડી, ચોકડીભાત અને પશુપક્ષીઓની આકૃતિઓ ઊપસતી આવે છે. આવા એક પટોળાની કિંમત સામાન્ય વ્યક્તિની ખરીદશક્તિની બહાર હોય છે. મશરૂ બનાવવામાં તાણો કૃત્રિમ રેશમનો અને વાણો સૂતરનો હોય છે. 1940માં અહીં મશરૂની 500 જેટલી સાળ હતી. પાટણની ખત્રી અને શેખ કોમ તેનું વણાટકામ કરે છે. અગાઉ પાટણમાં કિનખાબ પણ તૈયાર થતું હતું. પાટણના કુંભારો માટીની કોઠી તથા અન્ય વાસણો ઉપરાંત માટીનાં રમકડાં પણ બનાવે છે. અહીંનાં સૂડી-ચપ્પુ પણ વખણાય છે.

આ શહેર જિલ્લાનું મુખ્ય મથક હોવાથી પરિવહનનાં સાધનોની સુલભતા વધુ છે. મ્યુનિસિપાલિટી દ્વારા સિટી- બસ ઉપલબ્ધ છે જેનો લાભ આસપાસની ગ્રામીણ વસ્તી લે છે. પાટણ બસસ્ટૅન્ડે રાજ્ય પરિવહનની બસો, ખાનગી બસો, ઑટોરિક્ષા મળી રહે છે. પાટણ મહત્ત્વનું રેલવેસ્ટેશન છે. અમદાવાદથી ભગત કી કોઠી ટ્રેન માર્ગનું મુખ્ય સ્ટેશન છે. બાંદ્રા(મુંબઈ)થી ભગત કી કોઠી (જોધપુર) સુધી નવા ટ્રેનમાર્ગનું આયોજન થઈ રહ્યું છે. જેનો લાભ પાટણને પણ થશે. મહેસાણા, અમદાવાદ અને ઓખાને સાંકળતા રેલમાર્ગોનું પણ મોટું સ્ટેશન છે. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 68 અને રાજ્ય ધોરી માર્ગ નં. 7,14,130ની નજીક આ શહેર આવેલું છે. અમદાવાદ અને પાટણ વચ્ચેનું અંતર 108 કિમી. છે. આ શહેરની નજીકનું હવાઈ મથક સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક છે જે અમદાવાદ ખાતે આવેલું છે. ડીસા હવાઈ મથક અને પાટણ વચ્ચે 51 કિમી.નું અંતર છે.

અહીં હિંદુઓની વસ્તી વધુ છે. ધર્મની દૃષ્ટિએ ટકાવારી જોઈએ તો હિંદુઓ 87.11%, મુસ્લિમ 11.35%, જૈન 1.27% છે. સાક્ષરતાનું સરેરાશ પ્રમાણ 72% છે. અહીં પુરુષો અને સ્ત્રીઓની ટકાવારી અનુક્રમે 53% અને 47% છે.

 આ શહેરમાં શૈક્ષણિક સંસ્થાઓ વધુ છે. અહીં બાલવાડીથી શરૂ કરીને ઉચ્ચતર શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. જાણીતી શાળાઓમાં શેઠ બી. ડી. હાઈસ્કૂલ, પી. પી. જી. એક્સપરીમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલ, આદર્શ વિદ્યાલય, ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ, શેઠ એમ. એન. હાઈસ્કૂલ, પ્રેરણા મંદિર હાઈસ્કૂલ, પાયોનિયર સ્કૂલ ઑફ સાયન્સ, લૉર્ડ ક્રિશ્ના સ્કૂલ ઑફ સાયન્સ અને એકલવ્ય સ્કૂલ ઑફ સાયન્સ છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કૉલેજમાં કે. ડી. પોલિટૅકનિક, ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કૉલેજ અને એમ. એન. સાયન્સ કૉલેજ, શેઠ એમ. એન. લૉ કૉલેજ, GMERS મેડિકલ કૉલેજ પણ છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આવેલી છે. જેની સાથે ઉત્તર ગુજરાતની કૉલેજો સંકળાયેલી છે.

પાટણ ખાતે હેમચંદ્રાચાર્ય ગ્રંથભંડારમાં અનેક હસ્તલિખિત ગ્રંથો છે. પાટણના ગ્રંથભંડારોએ ગુજરાતના ઇતિહાસની જાળવણી કરવામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. દુનિયાભરમાં બહુ ઓછાં સ્થળે અને ઓછા પ્રમાણમાં મળે એવાં 800-900 વર્ષ પહેલાંનાં પુસ્તકો અહીંના જ્ઞાનભંડારમાં જળવાયાં છે. એક જ્ઞાનમંદિરમાં 15,000થી વધુ જૂનાં પુસ્તકો પણ ઉપલબ્ધ છે, જે પૈકીનાં કેટલાંક તાડપત્ર પર લખાયેલાં છે. પાટણમાં 11 મોટા ગ્રંથભંડારો છે. આ સમૃદ્ધિ સાચવવા માટે ‘હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિર’ની સ્થાપના કરવામાં આવી છે.

પાટણમાં સહસ્રલિંગ તળાવના અવશેષો, ખાન સરોવર, રાણી(ભીમદેવની રાણી ઉદયમતી)ની વાવ, બારોટની વાવ, ગૂમડા મસ્જિદ, શેખ મસ્જિદ; ગઝની મસ્જિદ; શેખ ફરીદની મસ્જિદ; મહેબૂબસાહેબની, પીર સુલતાન દાજીહુદની, બાવા હાજીની અને મીર મુખ્તમ શાહની દરગાહો, ગેબનશાહ અને કાળુ પીરનાં સ્થાનકો; બહાદુરશાહનો કૂવો; દામાજીરાવ બીજાની છત્રી અને મંદિર; હેમચંદ્ર જ્ઞાનમંદિર, મહાવીરસ્વામી તથા શાંતિનાથ-નેમિનાથનાં મંદિરો, ગૌતમસ્વામીનું મંદિર, પંચાસરા પાર્શ્વનાથનું નવું મંદિર; જસમા ઓડણની દેરી; રાજગઢીનો ભાગ; રાણીનો મહેલ, કાલિકા માતાનું(કાલિકા, ભદ્રકાળી તથા અંબાજીની મૂર્તિઓવાળું) મંદિર, સિંધવાઈ માતાનું મંદિર, હરિહરેશ્વરનું જૂનું મંદિર, દેરાણી-જેઠાણીનો કૂવો, કિલ્લો વગેરે જોવાલાયક સ્થળો છે. અન્ય જોવાલાયક ઇમારતોમાં જાફરમાંનો સરકારવાડો, ઇસ્પિતાલ, કાઝીખાન, કાઝી ડોસામિયા, જમાલદીન ઇસફ, મહમદ સોદાગર, ફતેહખાન જમાદાર, અને ગન્ધરબ સુલતાનની હવેલીઓનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત સિદ્ધપુર અતિ પ્રાચીન તીર્થ છે, તેનું બિંદુ સરોવર માતૃશ્રાદ્ધ માટે જાણીતું છે. જ્યારે સોલંકી યુગનાં ખંડિયેર શિલ્પો અને રુદ્રમાળા વધુ પ્રસિદ્ધ છે. ઊંઝા  ખાતે ઉમિયામાતાનું મંદિર આવેલું છે. શંખેશ્વર જૈનોનું તીર્થધામ જાણીતું છે.

અહીં શાંતિનાથનું જે મંદિર હતું તે મસ્જિદમાં ફેરવી નાખવામાં આવેલું; આ મસ્જિદ આજે શેખ ફરીદના રોજા તરીકે ઓળખાય છે. એક મંતવ્ય મુજબ અહીંનું સહસ્રલિંગ તળાવ મૂળ ‘દુર્લભ સરોવર’ તરીકે ઓળખાતું હતું. તે સિદ્ધરાજ જયસિંહના પૂર્વજ રાજા દુર્લભરાયે બંધાવેલું. તેની પૂર્વમાં દામાજીરાવ ગાયકવાડે 1766-67માં એક શિવમંદિર બંધાવેલું, તે આજે પણ હયાત છે. હરિહરેશ્વરના મંદિરની નજીક ‘બ્રહ્મકુંડ’ નામથી જાણીતું બનેલું અષ્ટકોણીય જળાશય આવેલું છે. આ બ્રહ્મકુંડની પાસે અમદાવાદના સર ચિનુભાઈ માધવલાલ બૅરોનેટના કુટુંબનાં પૂર્વજ સતી પ્રાણકુંવરબાઈની સમાધિ આવેલી છે. તેમણે ઈ. સ. 1799(વિ. સં. 1855)માં અહીં સતી તરીકે સમાધિ લીધેલી.

પાટણનો ઇતિહાસ એ ગુજરાતના મધ્યકાળનો ઇતિહાસ છે. પાટણની સાથે તેના સ્થાપક વનરાજ ચાવડાના મિત્ર અણહિલ ભરવાડનું નામ સંકળાયેલું છે. ‘અણહિલવાડ’, ‘અણહિલપુર પાટણ’, ‘અણહિલ પાટક (કે વાટક)’, ‘અણહિલ પત્તન’, ‘અણહિલવાડ પત્તન’ તથા પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યમાં ‘અણહિલવાડ (કે વાડ્ય)’, ‘અણહિલ પટ્ટણ’ જેવાં નામોનો ઉલ્લેખ મળે છે. મુસ્લિમ ઇતિહાસકારો તેને નહરવાલા (કે નહેરવાલા) તરીકે ઓળખાવે છે, જે સરસ્વતીની નહેર સાથેનો સંબંધ સૂચવે છે. અનુશ્રુતિ પ્રમાણે વિ. સં. 802(ઈ. સ. 746, 28 માર્ચ)ના વૈશાખ સુદ ત્રીજ(સોમવાર)ના દિવસે અણહિલ ભરવાડે બતાવેલી જગાએ વનરાજ ચાવડાએ આ શહેરની સ્થાપના કરી હતી. તીર્થકલ્પમાં જણાવ્યા પ્રમાણે લક્ખારામ (કે લક્ષારામ) નામના પ્રાચીન ગામના સ્થળે તે વસાવવામાં આવેલું. લક્ખારામમાં અરિષ્ટનેમિ ચૈત્યનો ધ્વજારોપણ મહોત્સવ ઈ. સ. 446(વિ. સં. 502)માં થયો હતો. અહીં એક અગ્રહાર હતો, જે હાલ ‘અઘાર’ ગામ તરીકે ઓળખાય છે.

ગુજરાતને ‘ગુજરાત’ નામ મળ્યા પછી પાટણ તેનું પહેલું પાટનગર બન્યું. પાટણ તેની સ્થાપના બાદ 14મી સદી સુધીનાં લગભગ 650થી વધુ વર્ષ પર્યંત ગુજરાતનું પાટનગર રહેલું; એટલું જ નહિ, તે ગુજરાતનું રાજકીય અને વિદ્યાકીય ઉપરાંત સંસ્કૃતિનું કેન્દ્ર પણ હતું. સહસ્રલિંગ તળાવને કાંઠે અનેક મઠો અને પાઠશાળાઓ હતાં. રાજસ્થાન, સિંધ, માળવા અને ઉત્તર ભારતના સાર્થવાહોના માર્ગોનું તે કેન્દ્ર રહેલું. ભીમદેવ પહેલો, કર્ણદેવ, સિદ્ધરાજ અને કુમારપાળના શાસન દરમિયાન તે સમૃદ્ધિની ટોચે હતું, ત્યારે પાટણનો ઘેરાવો 30 કિમી. જેટલો હતો. 84 ચૌટાં અને 84 ચોક હતાં. તે વખતે પાટણની વસ્તી પણ ઘણી હતી. તેની વસ્તીનું પ્રમાણ દર્શાવવા ત્યારે ‘નરસમુદ્ર’ જેવો શબ્દપ્રયોગ પણ થતો. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે તેને ધર્માગાર તો કનૈયાલાલ મુનશીએ તેને સામર્થ્ય અને સમૃદ્ધિમાં તથા વિદ્યા અને રસિકતામાં યોગ્ય રીતે જ અયોધ્યા અને પાટલિપુત્ર, રોમ, ઍથેન્સ અને પૅરિસ સાથે સરખાવેલ છે.

જૂનું પાટણ અનાવાડા ગામ નજીક આવેલું હતું. કાલિકા માતાનાં મંદિરો, રાણીની વાવ, હિંગળાજ ચાચરનો ઓવારો, ફાટીપાળ દરવાજો વગેરે જૂના પાટણના ભાગરૂપ હતાં. ઈ. સ. 1411માં અમદાવાદ ગુજરાતની રાજધાની બનતાં પાટણની જાહોજલાલીમાં ઓટ આવી. તેનાં દેવમંદિરો તથા વિદ્યાલયોનું મહત્ત્વ ઘટતું ગયું. મુઘલકાળ દરમિયાન હિસામુદ્દીન બાબી પાસેથી દામાજીરાવ બીજાએ તે જીતી લીધું અને 1766માં દામાજીરાવે વડોદરાથી રાજધાની પાટણમાં ખસેડી હતી. પરંતુ દામાજીરાવના અવસાન બાદ ફરી પાછી વડોદરા ખાતે તે ખસેડી લેવામાં આવી. કર્નલ ટોડે પ્રાચીન પાટણનું વર્ણન તેના પ્રવાસગ્રંથમાં કરેલું છે. કુમારપાળના રાસાને આધારે પ્રાચીન પાટણની શોધ થઈ હતી. હાલનું પાટણ મુસ્લિમ કાળનું છે.

શિવપ્રસાદ રાજગોર

નીતિન કોઠારી