પાટકર, મેધા (જ. 1 ડિસેમ્બર 1954, મુંબઈ) : રાજકીય કાર્યકર અને નર્મદા-વિરોધી આંદોલનનાં અગ્રણી નેત્રી. પિતા વસંત ખાનોલકર હિંદ મજદૂર સભાના નેતા હતા અને ભારતના સ્વાતંત્ર્ય-સેનાની હતા. માતા ઇન્દુમતી પોસ્ટ અને ટેલિગ્રાફ-વિભાગમાં કામ કરતાં પોસ્ટમાસ્ટર બનેલાં. સામાજિક કાર્યકર તરીકે તેમણે ઠીક ઠીક કામ કર્યું હતું.
તેમણે શાલેય અને કૉલેજશિક્ષણ મુંબઈમાં લીધું હતું. તેમણે શાળાજીવન દરમિયાન કલા-પ્રવૃત્તિઓ અને વક્તૃત્વ-સ્પર્ધામાં ભાગ લઈ ઇનામો મેળવ્યાં અને એ નિમિત્તે બહોળા વાચનનો શોખ વિકસાવ્યો. ઝાંસીની રાણી તેમનું પ્રિય ઐતિહાસિક મહિલા પાત્ર રહ્યું છે, તો સાવિત્રીબાઈ ફુલે તેમનો આદર્શ છે.
1976માં વિજ્ઞાનશાખાનાં સ્નાતક થયા બાદ સહાયક વ્યાખ્યાતા તરીકે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સોશિયલ સાયન્સિઝમાં જોડાયાં. પીએચ. ડી.નો અભ્યાસ કરતાં કરતાં સાહિત્યના વાચન-લેખનનો શોખ વિકસ્યો. 1979માં મોરબીનો મચ્છુ બંધ તૂટ્યો ત્યારે એક ટુકડી લઈ લોકસેવા કરવા તેઓ મોરબી આવ્યાં હતાં.
તેમણે પ્રવીણ પાટકર સાથે લગ્ન કર્યાં, પરંતુ સામાજિક કાર્યો અને જાહેર જીવનની વ્યસ્તતા લગ્નભંગાણ તરફ દોરી ગઈ. કૉમ્યૂનિટી એઇડ ઍન્ડ સ્પૉન્સરશિપ પ્રોગ્રામમાં સેવા આપતાં ઝૂંપડાવાસીઓ માટેની કામગીરીમાં જોડાયાં. 1983માં ‘યુનિસેફ’ના આંગણવાડી પ્રોજેક્ટમાં વહીવટી કાર્યોના ભાગ રૂપે 1984માં ડાંગ અને સાબરકાંઠાના આદિવાસી વિસ્તારોની વારંવાર મુલાકાત લેવાની હોઈ તેમનો નજદીકથી અભ્યાસ કરવાની તક તેમને સાંપડી, જે દ્વારા તેમની સાચી પરિસ્થિતિનું ચિત્ર તેમને સ્પષ્ટ થયું. તેમણે મનોમન આ આદિવાસીઓની વહારે ધાવાનો મનસૂબો કર્યો. આ મનસૂબાના પરિણામ રૂપે નર્મદાવિરોધી આંદોલનમાં તેઓ સક્રિય બન્યાં. મહિલા-આદિવાસીઓમાં જાગૃતિ આણી કેવડિયા કૉલોની, હરસુદ, ફેરકૂવા, મુંબઈ અને મણિબેલીમાં બહોળા પ્રમાણમાં સમર્થકો મેળવ્યા અને આદિવાસીઓનાં માનીતાં ‘મેધાદીદી’ બન્યાં. આદિવાસીઓના લાંબા પરિચયે તેમની ભીલારી અને પાવડી ભાષા મેધા માટે સહજ બની ગઈ. આ કાર્યો કરતાં કરતાં તેમણે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પુરસ્કારો પણ મેળવ્યા. નોબેલ પુરસ્કારની સમકક્ષ ગણાતું રૂપિયા 15 લાખનું સ્વિસ પારિતોષિક પણ તેમને મળ્યું. તેની રકમ તેમણે સૌરાષ્ટ્ર-કચ્છના જળસંકટ માટેના ટ્રસ્ટમાં આપી દીધી. 1992માં 18 લાખ રૂપિયાનું મૂલ્ય ધરાવતો અમેરિકાનો ગોલ્ડમૅન ઍન્વાયરમેન્ટલ ઍવૉર્ડ તેમને એનાયત થયેલો. આ ઍવૉર્ડથી મળેલી રકમ તેમણે ભારતના વિકાસ માટે અમેરિકામાં સ્થિત થયેલી ઇન્ડિયા ડેવલપમેન્ટ સર્વિસને સુપરત કરી હતી. કોઈ સવિશેષ કે ઉલ્લેખનીય કામગીરી વિના તેમને એનાયત થયેલા આ ઍવૉર્ડ ‘વિકસિત દેશોના હાથા’ અને ‘વિદેશી એજન્ટ’ના આરોપો માટે નિમિત્ત બન્યા છે.
રક્ષા મ. વ્યાસ