પાઝ, ઑક્ટેવિયો (. 31 માર્ચ 1914, મેક્સિકો સિટી, મેક્સિકો; . 19 એપ્રિલ 1998 મેક્સિકો સિટી) : મેક્સિકોના નોબેલ પુરસ્કારવિજેતા કવિ-નિબંધકાર.

પાઝ સ્પૅનિશ માતા અને મેક્સિકન પિતાનું સંતાન હતા. આંતરવિગ્રહના લીધે કુટુંબની પાયમાલી થયેલી. પરિણામે ઑક્ટેવિયોનો ઉછેર ગરીબાઈમાં થયો હતો. એમનો અભ્યાસ રોમન કૅથલિક શાળામાં થયેલો. ત્યાં એમને લાગેલું કે તે નાસ્તિક છે. કૉલેજનું શિક્ષણ એમણે નૅશનલ યુનિવર્સિટી ઑવ્ મેક્સિકોમાં લીધું હતું.

માત્ર 19 વર્ષની વયે, 1933માં એમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ફૉરેસ્ટ મૂન’ પ્રગટ થયેલો. 1937માં પાઝ સ્પેનની મુલાકાતે ગયા હતા; ત્યાં એમણે પ્રજાસત્તાક રાજ્યનાં લક્ષણોને બરાબર પારખ્યાં. એમના આ અનુભવો ‘બિનીથ યૉર ક્લિયર શૅડો ઍન્ડ અધર પોઇમ્સ’માં રજૂ થયા છે; તેનું પ્રકાશન 1937માં સ્પેનમાં થયેલું. આ ગ્રંથ દ્વારા તેઓ આશાસ્પદ સર્જક તરીકે ઓળખાયા. સ્પેનથી પાછા ફરતાં પહેલાં પૅરિસની મુલાકાત લઈ તે રૉબર્ટ ડેસ્નસ અને બીજા પરાવાસ્તવવાદી કવિઓને મળ્યા; તેની ગાઢ અસર એમના જીવન પર પડી. બ્રિટિશ કવિ-વિવેચક ટી.એસ. એલિયટની પણ તેમના પર પ્રબળ સર પડી હતી.

પાઝે કેટલાંક સાહિત્યિક સમાલોચનાનાં સામયિકોની સ્થાપના નિર્દેશનસંપાદન કરેલાં, જેમાં મુખ્યત્વે ‘બારાન્દલ’ (1931), ‘ટૉલર’ (1938) અને ‘એલ હિજો પ્રોડિગો’(1943)નો સમાવેશ થાય છે. આઠમા દાયકામાં એમણે સાહિત્ય અને રાજકારણના અન્ય એક સામયિક ‘પ્લુરલ’નું સંપાદન કર્યું હતું. એમનાં કવિતાવિષયક પ્રકાશનોમાં ‘રૂટ્સ ઑવ્ મૅન’ (1937), ‘ધ સનસ્ટોન’ (1957) અને ‘ધ વાયલન્ટ કંડિશન’(1958)નો સમાવેશ થાય છે. આ જ સમયગાળામાં એમણે તત્વજ્ઞાનને લગતા નિબંધો તથા સાહિત્ય અને રાજકારણના વિવેચનને લગતાં પુસ્તકો પણ આપ્યાં.

મેક્સિકોના એલચી તરીકે પાઝે 1962થી 1968 સુધી ભારતમાં સેવા આપી હતી. 1968માં એમણે ઉદ્દામવાદી વિદ્યાર્થીઓ સાથેના મેક્સિકોના પશુ જેવા વર્તનના વિરોધમાં રાજીનામું આપ્યું. એમના જીવન અને કાર્ય ઉપર ભારતમાં ગાળેલાં આ વર્ષોનો ગાઢ પ્રભાવ પડ્યો.

ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, યુ.એસ. અને મેક્સિકોમાં તેમણે જીવન ગાળ્યું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં એમણે શિક્ષણકાર્ય કર્યું. આઠમા દાયકાનાં મોટાભાગનાં વર્ષો હાર્વર્ડમાં ગાળ્યાં. તેઓ પોતાને સમાજવાદી ગણાવતા અને રાજકીય ઉદ્દામ વિચાર ધરાવનારાની ટીકા કરતા.

1962 પછીના એમના મુખ્ય કાવ્યસંગ્રહો : ‘બ્લાન્કો’ (1967), ‘ટુ પોઇમ્સ’ તથા ‘ડિસ્કોઝ વિઝુઅલ્સ’ (Discos Visuales, 1968) વગેરે છે. 1979માં એમનાં ચૂંટેલાં કાવ્યો ‘સિલેક્ટેડ પોઇમ્સ’માં પ્રગટ થયાં.

ઑક્ટેવિયો પાઝ

ભારતના અનુભવો પછીના એમના ગદ્યસંચયોમાં ‘પોસ્ટસ્ક્રિપ્ટ’ (1970) તથા ‘કન્જંક્શન ઍન્ડ ડિસ્જંક્શન’(1970)નો સમાવેશ થાય છે. એલચી તરીકે રાજીનામું આપવાનાં કારણો  ટિપ્પણ રજૂ કરતા નિબંધો ‘ધી અધર મેક્સિકો, ક્રિટિક ઑવ્ ધ પિરામિડ’(1972)માં છે. એમનાં અન્ય અગત્યનાં પુસ્તકોમાં ‘ઑલ્ટરનેટિંગ કરન્ટ’ (1967) તથા ‘ધ સાઇરન ઍન્ડ ધ સીશેલ’ (1976) વગેરે છે.

1933થી શરૂ કર્યા પછી તેમણે 30 ઉપરાંત પુસ્તકો લખ્યાં. તેમનો ‘વન અર્થ, ફોર ઑર ફાઇવ વર્લ્ડ્ઝ’ (1984) ગદ્યગ્રંથ અત્યંત મહત્ત્વનો લેખાયો છે. સમકાલીન લેખકો તથા વિચારકોમાં તેઓ મહત્ત્વનું સ્થાન ભોગવતા. તેમણે લૅટિન અમેરિકન જીવન અને સંસ્કૃતિની વાસ્તવિકતા તથા સંકુલતાનું સમભાવપૂર્વક તાદૃશ નિરૂપણ કર્યું છે. ‘સન સ્ટોન’ નામનું તેમનું કાવ્ય વસ્તુત: રાષ્ટ્રગીત બની રહ્યું હતું. તેમનાં લખાણો દ્વારા તેમણે અમેરિકા તથા લૅટિન અમેરિકાની પ્રજા વચ્ચે સહૃદયતાનો સેતુ રચ્યો હતો. તેમણે ફિડલ કૅસ્ટ્રોના સામ્યવાદી શાસનની આકરી ટીકા કરી હતી, છતાં ક્યૂબાના લેખકો પણ તેમની ભારોભાર પ્રશંસા કરતા હતા. તેમને 1990નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર અપાયો હતો. કૅન્સરની લાંબી માંદગી પછી એમનું 84 વર્ષની વયે અવસાન થયું.

યોગેશ જોશી