પાકી આડત : માલ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક કરાવી આપવાની સેવા માટે તથા ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી જવાબદારી ઉઠાવવા માટે આડતિયાને મળતો નાણાકીય બદલો. સામાન્ય સંજોગોમાં આડતિયો બંને પક્ષકારો વચ્ચે સોદા કરાવવાનું કાર્ય કરે છે. તે સેવા માટે તેને કાચી આડત મળે છે, છતાં કેટલીક વાર આડતિયો માલના વાસ્તવિક માલિકની જેમ માલનું વેચાણ પણ કરે છે અને ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી વધારાની જવાબદારી ઉઠાવે છે. આવી બંને પ્રકારની કામગીરી કરનારને આસામી અથવા આશ્વાસી આડતિયો (del credre) અને તેને મળતા નાણાકીય બદલાને પાકી આડત કહેવાય છે.
આસામી આડતિયા જેવો આડતિયાનો બીજો પ્રકાર છે, જે ઉપર વર્ણવેલાં કાર્યો ઉપરાંત બીજી કેટલીક કામગીરી બજાવે છે. તેને ‘ફૅક્ટર’ અને તેની કામગીરીને ‘ફૅક્ટરિંગ’ કહેવાય છે. સામાન્ય સંજોગોમાં ફૅક્ટર કોઈ પણ ઉત્પાદક અથવા વેચાણકાર જેવી અન્ય વ્યક્તિનાં લેણાં વસૂલ કરી આપવાનું, ઘાલખાધનું જોખમ ઉઠાવવાનું અને લેણું વસૂલ થાય ત્યારે ઉત્પાદક/વેચાણકારને નાણાં ચૂકવીને ફરતી મૂડી (circulating capital) પૂરી પાડવાનું કામ કરે છે. આ કામગીરીને ‘સેવાનું ફૅક્ટરિંગ’ કહેવાય છે. આમ છતાં કેટલીક વાર ફૅક્ટર ઉત્પાદક/વેચાણકારને માલના ભરતિયા(invoice)ની 90 % રકમ તાત્કાલિક અને બાકીની રકમ વસૂલાત થયે ચૂકવે છે. આ કામગીરીને ‘નાણાં પૂરાં પાડવા સહિતનું સેવાનું ફૅક્ટરિંગ’ કહેવાય છે. યુ.કે.માં ફૅક્ટરિંગની કામગીરી બૅન્કો અને નાણાકીય ગૃહો પણ કરે છે. તેમની પેટાકંપનીઓએ (subsidiary companies) 60 % ઉપરાંતનું ફૅક્ટરિંગ બજાર સર કર્યું છે. ભારતની રાષ્ટ્રીયકૃત બૅન્કોની બિનઉપજાઉ અસ્કામતો(non-performing assets)નું પ્રમાણ ઘણું વધી ગયું હોવાથી આવી અસ્કામતો ખરીદી લઈને, બૅન્કોને વસૂલાત કામગીરીની ઝંઝટમાંથી મુક્ત કરીને, તેમને તે તરલ મૂડી પૂરી પાડીને અને બૅન્કો પોતે પોતાના બૅન્કિંગ વ્યવસાય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે તે હેતુથી ‘ફૅક્ટરિંગ સંસ્થા’ સ્થાપવાનો વિચાર 1998-99ના વર્ષ માટેના કેન્દ્ર સરકારના અંદાજપત્રની રજૂઆત દરમિયાન નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો.
જયન્તિલાલ પો. જાની