પાઇય-સદ્દ-મહણ્ણવો

January, 1999

પાઇયસદ્દમહણ્ણવો (प्राकृत शब्द-महार्णव) (1923-1928) : પંડિત હરગોવિંદદાસ શેઠે તૈયાર કરેલો પ્રાકૃત ભાષાઓનો વિસ્તૃત શબ્દકોશ. લેખકે આ કોશ ચાર ભાગોમાં ક્રમશ: પ્રસિદ્ધ કર્યો હતો. 1923માં સ્વરથી શરૂ થતા શબ્દોવાળો પહેલો ભાગ પ્રગટ કર્યો. એ પછી 1924માં क  થી न સુધીના વ્યંજનોથી શરૂ થતા શબ્દોવાળો બીજો ભાગ પ્રસિદ્ધ કર્યો. 1925માં प થી ल સુધીના વ્યંજનોથી શરૂ થતા શબ્દોવાળો ત્રીજો ભાગ પ્રકાશિત કર્યો. 1928માં व થી ह् સુધીના વ્યંજનોથી શરૂ થતા શબ્દોવાળો અને અગાઉ રહી ગયેલા क्ष થી ह સુધીના સ્વર કે વ્યંજનથી શરૂ થતા શબ્દોવાળો અંતિમ ચોથો ભાગ બહાર પાડ્યો. એ પછી પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટીએ પરિશિષ્ટના શબ્દો યોગ્ય સ્થળે ગોઠવી તેનું પુનર્મુદ્રણ અને પ્રકાશન કર્યું છે.

આ કોશમાં અકારાદિ અનુક્રમ મુજબ શબ્દો રજૂ કરી તેનો હિંદી ભાષામાં અર્થ આપવામાં આવ્યો છે. પ્રત્યેક પ્રાકૃત ભાષાના શબ્દને રજૂ કરી તેનો સંસ્કૃત ભાષામાં પ્રતિશબ્દ એટલે તેની છાયા આપી છે. એ પછી હિંદી ભાષામાં તેનો અર્થ મૂળ પ્રાકૃત ગ્રંથોમાંથી સંદર્ભ અને ઉદ્ધરણ ટાંકીને આપ્યો છે. લેખકે આ કોશને 38 તરંગોમાં વહેંચ્યો છે; કારણ કે એ શબ્દોનો મહાસાગર છે. વળી આ શબ્દકોશની પ્રસ્તાવનામાં પ્રાકૃત ભાષાઓ વિશે અભ્યાસપૂર્ણ માહિતી આપી છે.

કોશકાર શેઠ હરગોવિંદદાસે કોશને અંતે આપેલી પુષ્પિકામાં પોતાનો પરિચય પણ રજૂ કર્યો છે. તે મુજબ કોશકાર દક્ષિણ ગુજરાતમાં આવેલા રાધનપુરના વતની, શ્રીમાળી વણિક જ્ઞાતિના શેઠ ત્રિકમચંદ્રના જ્યેષ્ઠ પુત્ર હતા. તેમણે પોતાના નાના ભાઈ વૃદ્ધિચંદ્ર સાથે કાશી જઈ ગુરુ વિજયધર્મસૂરિ પાસે અભ્યાસ કરી ન્યાય અને વ્યાકરણતીર્થની ઉપાધિ મેળવી. નાના ભાઈ પ્રવ્રજ્યા લઈ ‘વિશાલવિજયસૂરિ’ના નામે ઓળખાયા, જ્યારે કોશકાર પોતે લંકા જઈ પાલિ ભાષાનો અભ્યાસ કરી કલકત્તા યુનિવર્સિટીમાં અધ્યાપક બન્યા. ગુરુ વિજયધર્મસૂરિની પ્રેરણાથી અને પત્ની સુભદ્રાદેવીની સહાયથી તેમણે 14 વર્ષ સુધી પરિશ્રમ કરી 70 હજાર શબ્દોનો બનેલો આ પ્રાકૃત ભાષાનો કોશ તૈયાર કર્યો. તેમાં તેમણે આપેલાં 250થી વધુ ગ્રંથોનાં સંદર્ભો અને ઉદ્ધરણો તેમની વિદ્વત્તા તથા મહેનતની ઝાંખી કરાવે છે. આ શબ્દકોશમાં મહારાષ્ટ્રી, શૌરસેની, માગધી, પૈશાચી, ચૂલિકાપૈશાચી અને અપભ્રંશ ભાષાઓ તથા અશોકનાં શિલાલેખોની ભાષા વગેરેના શબ્દો અને દેશ્ય શબ્દોનો સંગ્રહ છે.

ધનપાલનો ‘પાઇયલચ્છીનામમાલા’ બેત્રણ હજાર શબ્દોનો નાનકડો કોશ છે. હેમચંદ્રાચાર્યનો ‘દેશીનામમાલા’ ફક્ત દેશ્ય શબ્દોનો કોશ છે. ‘અભિધાનપ્પદીપિકા’ ફક્ત પાલિ ભાષાના શબ્દોનો કોશ છે. ‘જૈનાગમશબ્દસંગ્રહ’ ફક્ત આગમોના શબ્દોનો કોશ છે. ‘અભિધાનરાજેન્દ્ર’ એ ‘પાઇયસદ્દમહણ્ણવો’ કરતાં ઓછા શબ્દો અને લાંબાં ઉદ્ધરણો ધરાવતો કોશ છે. ‘ડિક્શનરી ઑવ્ પાલિ લૅંગ્વેજ’ ફક્ત પાલિ ભાષાના શબ્દોનો કોશ છે, જ્યારે ઇલસ્ટ્રેટેડ અર્ધમાગધી ડિક્શનેરી હિંદી ભાષામાં નથી. પરિણામે સૌથી વધુ શબ્દો, ટૂંકાં ઉદ્ધરણો, બધી પ્રાકૃત ભાષાઓ અને હિંદી ભાષામાં અર્થ આપતો ‘પાઇયસદ્દમહણ્ણવો’ એ ભારતમાં સૌથી વધુ લોકપ્રિયતા ધરાવે છે.

પ્ર. ઉ. શાસ્ત્રી