પાઇયલચ્છીનામમાલા

January, 1999

પાઇયલચ્છીનામમાલા (‘પ્રાકૃતલક્ષ્મીનામમાલા’ – સંસ્કૃતમાં) (. . 973) : ભારતના મહાકવિ ધનપાલે દસમી સદીમાં રચેલો પ્રાકૃત ભાષાનો જાણીતો પ્રાચીન શબ્દકોશ. ગુજરાત રાજ્યના ભાવનગરમાંથી 1907માં અને પાટણમાંથી 1947માં આ કોશ પ્રસિદ્ધ થયેલો છે. આ કોશ 275 શ્લોકોનો છે. એ પછી ચાર પ્રશસ્તિ-શ્લોકો ધનપાલે રચ્યા છે. અમરકોશ જેવા સંસ્કૃત ભાષાના શબ્દકોશોની પદ્ધતિથી ધનપાલે 1,800 શ્લોકપ્રમાણનો એક સંસ્કૃત ભાષાનો શબ્દકોશ રચ્યો હતો, જે હાલ મળતો નથી. એ જ પદ્ધતિએ પ્રાકૃત ભાષાનો શબ્દકોશ પણ ધનપાલે રચ્યો છે. એમાં 998 વસ્તુઓ વિશે અઢી-ત્રણ હજાર જેટલા શબ્દોનો સંગ્રહ લેખકે કર્યો છે. મહાકવિ ધનપાલે પોતે જ જણાવ્યું છે તે મુજબ, કવિઓએ પોતાનાં કાવ્યોમાં પ્રયોજેલા રસભર્યા શબ્દોનો સંગ્રહ આ કોશમાં પોતે કર્યો છે. તેથી તત્સમ, તદભવ અને દેશ્ય  એ ત્રણેય પ્રકારના શબ્દો તેમાં સ્થાન પામ્યા છે. વળી તેમાં કેટલાંક ક્રિયાપદો પણ લેખકે નોંધ્યાં છે. કેટલાક શબ્દોની જાતિ પણ આ કોશમાંથી જાણી શકાય તેમ છે. ચાર પ્રશસ્તિશ્લોકોમાં જણાવ્યા મુજબ, ધનપાલે મન્નખેડ ગામમાં પોતાની નાની બહેન સુંદરી માટે ઈ. સ. 973માં આ કોશ રચેલો.

ધનપાલ ‘તિલકમંજરી’ જેવા ગદ્યકાવ્યના કવિ, ધારાનગરીના રહેવાસી અને રાજા ભોજના દરબારી કવિ હતા. તેઓ કાશ્યપ ગોત્રના, વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ અને ‘શંકાસ્ય’ નામના  ગામના વતની સર્વદેવના પુત્ર હતા. પિતા સર્વદેવે પોતાનો ભાઈ શોભન મહેન્દ્રસૂરિને સોંપી દીધો હોવાથી ધનપાલ પહેલાં જૈન ધર્મના વિરોધી હતા; પરંતુ પાછળથી તેઓ જૈનધર્મી બન્યા. રાજા ભોજે ધનપાલ કવિને ‘સિદ્ધસારસ્વત’ અને ‘કૂર્ચાલસરસ્વતી’ (દાઢીધારી સરસ્વતી) એ બે બિરુદો આપ્યાં હતાં. હેમચંદ્રાચાર્યે ‘શબ્દોની નિપુણતા ધનપાલ પાસેથી મેળવવી જોઈએ’  એમ કહી ધનપાલની પ્રશંસા કરી છે; તેનું મૂળ કારણ તેમણે લખેલો ‘પાઇયલચ્છીનામમાલા’  એ કોશ છે. પ્રાકૃત ભાષાના અગ્રેસર શબ્દકોશ તરીકે આ કોશની ઘણી પ્રતિષ્ઠા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી