પાઇનેસી : અનાવૃત બીજધારી વનસ્પતિઓના કૉનિફેરોપ્સીડા વર્ગનું એક કુળ. તે મધ્યજીવી (mesozoic) મહાકલ્પ(era)ના જુરૅસિક કલ્પથી જાણીતી છે. આ વનસ્પતિઓ ઊંચી પર્વતમાળા અને સમશીતોષ્ણ કટિબંધમાં જોવા મળે છે.
તે મુખ્યત્વે બહુવર્ષાયુ વૃક્ષ રૂપે હોય છે અને બે પ્રકારની શાખાઓ ધરાવે છે અપરિમિત વૃદ્ધિ દર્શાવતી લાંબી શાખાઓ અને પરિમિત વૃદ્ધિ દર્શાવતી ટૂંકી પાર્શ્વીય શાખાઓ. તેને સોયાકાર લાંબાં અને શલ્કી ફોતરાં જેવાં બે પ્રકારનાં પર્ણો હોય છે અને તેનું મૂળતંત્ર સોટીમય પ્રકારનું હોય છે. તેની સાથે ફૂગ આંતરનિવાસ કરી કવકમૂલ (mycorrhiza) બનાવે છે. પ્રકાંડની આંતરિક રચનામાં દ્વિતીય જલવાહકમાં જલવાહિનિકીઓ જલવાહક મૃદુતક કોષો ધરાવે છે. જલવાહક તંતુઓનો અભાવ હોય છે. પ્રજનન અંગો શંકુ જેવી રચના બનાવે છે, તેથી તેમને શંકુધારી (conifers) કહે છે. માદા શંકુ મધ્યસ્થ અક્ષ અને તેની ફરતે સર્પિલાકારે ગોઠવાયેલા નિપત્ર શલ્કો (bract scales) અને અંડકધારી શલ્કો (ovuliferous scales) ધરાવે છે. પુંશંકુના મધ્ય અક્ષની ફરતે લઘુબીજાણુ પર્ણો ગોઠવાયેલાં હોય છે. પરાગરજ સપક્ષ કે પક્ષવિહીન અને પવનપરાગિત હોય છે. નરજન્યુ કોષો કશાવિહીન હોય છે. ભ્રૂણની ફરતે બે કે તેથી વધુ બીજપત્રો આવેલાં હોય છે.
આ કુળ Abies (50 જાતિ) , Cathaya (2 જાતિ), Cedrus (4 જાતિ), Ketelerie (4થી 8 જાતિ), Larix (10થી 12 જાતિ), Picea (50 જાતિ), Pinus (90થી 100 જાતિ), Pseudolarix (2 જાતિ), Pseudotsuga (7 જાતિ), Tsuga (15 જાતિ) નામની 10 પ્રજાતિઓનું બનેલું છે.
ભારતમાં પાઇનસની નૈસર્ગિક રીતે છ જાતિઓ થાય છે : 1. Pinus roxburghii Sarg. (P. longifolia Roxb.) : તે ‘ચીડ’ પાઇન તરીકે જાણીતી જાતિ છે. તે અફઘાનિસ્તાનથી ભુતાન સુધી 2,300 મી. ઊંચાઈએ પહાડોના ઢોળાવો પર થાય છે. તે 50થી 60 મી. ઊંચું વૃક્ષ છે અને તેનું પ્રકાંડ 1.5થી 3.0 મી.નો વ્યાસ ધરાવે છે. તેમાંથી ટર્પેન્ટાઇન, રાળ અને પ્લાયવૂડ મેળવવામાં આવે છે. 2. Pinus wallichiana A. B. Jacks (P. excelsa) : તેને બ્લૂ પાઇન કે કેઇલ કહે છે. તે હિમાલયમાં ગઢવાલ, સિમલા, રામપુર, બુરૌરથી માંડીને કુલુ, ચામ્બા અને કાશ્મીરમાં વિતરણ પામેલી જાતિ છે અને 3,000 મી.ની ઊંચાઈએ શુદ્ધ કે મિશ્ર જંગલો બનાવે છે. તેમાંથી ઇમારતી લાકડું, રાળ અને ટર્પેન્ટાઇન મળે છે. (3) Pinus insularis Endl. (P. Khasya Royle) : તેને ખાસી પાઇન કહે છે. પૂર્વ હિમાલયના ખાસિયા અને ચિત્તાગોંગના પહાડોમાં થાય છે. તેનું વિતરણ મ્યાનમાર સુધી થયેલું છે. પશ્ર્ચિમ હિમાલયમાં આ જાતિ બિલકુલ થતી નથી. તે 22.5 મી.થી 30.0 મી. ઊંચું સદાહરિત વૃક્ષ છે અને બહિર્વર્ધી (excurrent) સ્વરૂપ ધરાવે છે. (4) Pinus gerardiana Wall. ex. Lamb. : તેને ચિલગોજા પાઇન કહે છે. તેનાં બીજ ચિલગોજા કે નિયોઝા તરીકે બજારમાં વેચાય છે. તે ઉત્તરપશ્ર્ચિમ હિમાલયમાં 1,500થી 3,600 મી.ની ઊંચાઈએ થાય છે. તેની ઊંચાઈ 15થી 21 મી. જેટલી હોય છે. (5) P. armandi Franchet. તે ઉત્તર-પૂર્વીય હિમાલય, અરુણાચલ પ્રદેશ અને નેફા પ્રદેશમાં 1,500 મી.ની ઊંચાઈએ ઊગે છે. આ વૃક્ષની ઊંચાઈ 15થી 18 મી. જેટલી છે. તે ચાઇનીઝ જાતિ છે. (6) P. merkusii Jungh : તે મૂળ મ્યાનમારની વતની છે અને તેનું વિતરણ હિમાલયના પૂર્વીય ભાગમાં થયેલું જોવા મળે છે.
પાઇનસ વૃક્ષનાં થડ ઉપર ત્રાંસો કાપ મૂકી તેમાંથી ઝરતો પદાર્થ એકત્રિત કરવામાં આવે છે જેને ઓલિયો રેઝિન કહેવામાં આવે છે. વૃક્ષોને કાપી નાના ટુકડા કરી તેનું ઊંચા દબાણે નિસ્યંદન કરવામાં આવે છે. તેમાંથી ટર્પેન્ટાઇન-ઑઇલ મેળવવામાં આવે છે, જેનો દ્રાવક તરીકે રંગ-રસાયણ ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં વપરાશ થાય છે. પાઇનસનું લાકડું ઠંડા પાણીમાં લાંબા સમય સુધી ડુબાડી રાખવાથી તે મજબૂત, ટકાઉ અને રોગપ્રતિકારક બને છે. રેલવેના ડબ્બા, સ્લીપર, પેટી અને બાંધકામમાં તે ખૂબ જ ઉપયોગી છે.
આ કુળની પ્રજાતિ Abies balsaminaમાંથી કૅનેડા બાલ્સમ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત Cedrus deodare (દેવદાર વૃક્ષ) અત્યંત જાણીતી વૃક્ષજાતિ છે. તે પાઇનસની જેમ ઉપયોગી છે. આ ઉપરાંત Picea, Tsuga, Larix, Pseudolarix વગેરે પ્રજાતિઓ હિમાલયમાં નૈસર્ગિક રીતે ઊગે છે. જ્યારે દક્ષિણ ભારત (ઉદકમંડલમ-ઉટકામંડ પર્વતમાળામાં), મહાબળેશ્વર અને બીજાં સ્થળોએ તેનો ઉછેર કરવામાં આવે છે. દક્ષિણ ગોળાર્ધમાં આ વનસ્પતિઓ વિપુલ પ્રમાણમાં જોવા મળતી નથી. આ તમામ વનસ્પતિઓ ઇમારતી લાકડા તરીકે પ્લાયવૂડ-ઉદ્યોગમાં તથા ટર્પેન્ટાઇનની બનાવટમાં ખૂબ ઉપયોગી છે.
જૈમિન વિ. જોશી