પાંચાલી : મધ્યકાલીન બંગાળી કાવ્યપ્રકાર. સંસ્કૃત શબ્દ `પાંચાલી’ પરથી બંગાળીમાં `પાંચાલી’ આવ્યો છે, જેનો અર્થ ઢીંગલી થાય છે. એ શબ્દ ગાવાની એક શૈલી માટે પણ પ્રચલિત છે. શરૂઆતમાં આ જાતનાં કાવ્યોનું ગાન પૂતળીનાચ જોડે સંકળાયેલું હતું અને એ કાવ્યપ્રકાર ‘પાંચાલિકા’ તરીકે પણ ઓળખાતો. આ કાવ્યપ્રકાર પંદરમા શતકના છેલ્લા દાયકામાં પ્રચારમાં આવ્યો એમ મનાય છે.
આ કાવ્યપ્રકારને પાછળથી ‘મંગલકાવ્ય’ તરીકે ઓળખાવવામાં આવ્યો. તે કથનાત્મક દીર્ઘકાવ્ય છે. એમાં પૌરાણિક દેવ-દેવીઓની પ્રશસ્તિ હોય છે. એ કાવ્યો મંદિરોમાં પૂજા વખતે અને ધાર્મિક ઉત્સવો વખતે ગવાતાં હોય છે. શરૂઆતમાં એ કાવ્યો લાંબાં હતાં; પણ સમય જતાં એ ટૂંકાં થતાં ગયાં અને પૌરાણિક દેવ-દેવીની પ્રશસ્તિ ઉપરાંત સામાજિક વિષયોને પણ એ પ્રકારમાં સ્થાન મળ્યું તથા કાવ્યગાનમાં પણ પરિવર્તન થયું. પૂર્વે આ કાવ્યો એક વ્યક્તિ દ્વારા કે સમૂહ દ્વારા ગવાતાં, પણ પંદરમી સદીથી અઢારમી સદી સુધી એ કાવ્યો ધાર્મિક ઉત્સવોની ઉજવણીના એક અંગ રૂપે ગવાતાં અથવા સામાજિક સમારંભમાં પણ ગવાતાં. વળી કાવ્યગાનના પ્રકારમાં પણ વૈવિધ્ય હતું. શરૂઆતનાં પાંચાલી કાવ્યો કીર્તન-કાવ્યોની જેમ ગવાતાં. પણ પછીનાં પાંચાલી કાવ્યો કીર્તનશૈલી તેમજ અન્ય શૈલીમાં પણ ગવાતાં.
શરૂઆતથી જ પાંચાલી-કાવ્યના બે પ્રકાર પ્રચલિત હતા : એક પ્રકારમાં રામ, કૃષ્ણ ને દેવતુલ્ય મનાતી વ્યક્તિઓની પ્રશસ્તિ હતી. જયદેવના ‘ગીતગોવિંદ’ને પણ પાંચાલી લેખવામાં આવે છે. એ પાંચાલી પ્રકાર કઠપૂતળીનાં નૃત્યો જોડે પણ ગવાતો.
બીજા પ્રકારનાં પાંચાલીકાવ્યોમાં મનસા, ચંડી વગેરે દેવીઓની સ્તુતિ હતી. આ પ્રકારનું પ્રથમ પાંચાલી-કાવ્ય ‘મનસામંગલ’ 1494માં વિપ્રદાસે રચ્યું હતું. ‘મનસા-પાંચાલી’ પૂર્વ-બંગાળ અને બંગાળમાં ઈશાન પ્રદેશમાં બહુ પ્રચલિત હતાં. ‘મનસા પાંચાલી’ મુકુંદ કવિ કંકરે 1555માં રચ્યું હતું અને તે ઘણું પ્રચલિત હતું.
‘ધર્મમંગલ’ પાંચાલી-કાવ્ય સત્તરમી સદીમાં રૂપરામે રચ્યું. એ કાવ્ય નાટ્યનો પ્રકાર હતું. રૂપરામે જાતે જ એમનું નાટ્યવૃંદ તૈયાર કર્યું હતું, અને એ કાવ્યો અનેક સ્થળે એ ગાતાં ગાતાં ભજવતા હતા.
ચન્દ્રકાન્ત મહેતા