પાંચાલનો મિત્રવંશ

January, 1999

પાંચાલનો મિત્રવંશ : ભારતમાં સોળ મહાજનપદોમાં પાંચાલ જનપદ ઘણું શક્તિશાળી હતું. ઉત્તર ભારતના રુહેલખંડ અને અન્તર્વેદીના કેટલાક વિસ્તાર પર પ્રાચીન પાંચાલ મહાજનપદનું આધિપત્ય હતું. ગંગા નદીને કારણે આ જનપદ બે ભાગ-ઉત્તર પાંચાલ અને દક્ષિણ પાંચાલમાં વહેંચાયેલું હતું.

ઉત્તર પાંચાલ(હાલનો રુહેલખંડ)ની રાજધાની અહિચ્છત્ર (હાલનું રામનગર, જિ. બરેલી) હતી. અહીં સત્તા ભોગવતા રાજવીઓના નામની પાછળ ‘મિત્ર’ શબ્દ જોવા મળે છે. અહિચ્છત્રમાંથી મળેલા સિક્કા પ્રાચીન ભારતના સિક્કાઓમાં ઘણી લાંબી અને એકસરખી શ્રેણીના છે. આ સિક્કા તાંબાના અને ગોળ છે. એના અગ્રભાગ પર નાની ચોરસ મુદ્રા ઊંડી અંકિત કરેલી હોય છે. એની અંદર ઉપલા ભાગમાં એક આડી હરોળમાં ત્રણ ચિહન – વેદિકાવૃત વૃક્ષ, નાગરક્ષિત શિવલિંગ અને સર્પવર્તુલ – અને એની નીચે રાજાનું નામ ષષ્ઠી વિભક્તિમાં આપેલું હોય છે. એમાં સૂર્યમિત્ર, વિષ્ણુમિત્ર, ધ્રુવમિત્ર, ઇન્દ્રમિત્ર, અગ્નિભાનુમિત્ર, ભૂમિમિત્ર, જયમિત્ર, ફાલ્ગુનીમિત્ર, બૃહસ્પતિમિત્ર, અનુમિત્ર, અયુમિત્ર, વરુણમિત્ર અને પ્રજાપતિમિત્ર જેવાં નામો છે. પૃષ્ઠભાગ પર તે તે રાજાના નામની અંદર આવતાં દેવ કે દેવીની આકૃતિ અથવા ક્યારેક તેનું પ્રતીક નજરે પડે છે; જેમ કે અગ્નિમિત્રના સિક્કાઓ પર અગ્નિદેવની આકૃતિ, સૂર્યમિત્ર અને ભાનુમિત્રના સિક્કાઓ પર સૂર્યનું બિંબ, ઇન્દ્રમિત્રના સિક્કાઓ પર ઇન્દ્રની આકૃતિ, ફાલ્ગુનીમિત્રના સિક્કાઓ પર ફાલ્ગુની નક્ષત્રની દેવીની આકૃતિ નજરે પડે છે. આ સિક્કાઓ ઈ. સ. પૂ. બીજી અને પહેલી સદીના છે. આમાંના કેટલાક રાજાઓનાં નામ શુંગ અને કાણ્વ રાજાઓનાં નામોને મળતાં આવે છે.

રામજીભાઈ ઠા. સાવલિયા