પસનાવડાનું સૂર્યમંદિર

January, 1999

પસનાવડાનું સૂર્યમંદિર : આઠમી સદીના ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનું મંદિર. પસનાવડા(તા. વેરાવળ, જિ. જૂનાગઢ)નું પ્રાચીન સૂર્યમંદિર ગર્ભગૃહ અને ગૂઢમંડપનું બનેલું છે. મંદિરને અધિષ્ઠાન નથી. સમચોરસ ગર્ભગૃહની દીવાલો સાદી છે. એના મથાળે ઉદગમ, અંબુજ અને કપોતના થર છે. ગર્ભગૃહ ઉપર ચતુશ્છાદ્ય શિખરની રચના છે. શિખરોના થરોના ભદ્ર-નિર્ગમ ચંદ્રશાલાઘાટની મધ્યતાલથી વિભૂષિત છે. ચતુશ્છાદ્ય પરના બીજા બે થર તથા એની ઉપરનો કળશ પાછલા સમયનો છે. મંદિરના ગર્ભગૃહમાં સૂર્ય અને સૂર્યાણીઓની ખંડિત મૂર્તિઓ છે. ગૂઢમંડપની દીવાલના મથાળે જે કપોતનો થર છે એના પરનું છાવણ તદ્દન સપાટ છે. ગૂઢમંડપના પ્રવેશદ્વારની બંને બાજુએ બાકોરાંવાળી જાળીઓ છે. એ પૈકી એકમાં હંસનું આલેખન છે. મંદિરની આગળ ચારે બાજુએ સૂર્યમૂર્તિઓના કોતરકામવાળો ભારે કદનો એક શિલ્પખંડ પડેલો છે. સમયાંકનાની દૃષ્ટિએ આ મંદિર આઠમી સદીની શરૂઆતનું હોવાનું મનાય છે.

 

રામજીભાઈ ઠા. સાવલિયા