પશ્ચિમ-યુરોપીય ચલચિત્ર

January, 2025

પશ્ચિમયુરોપીય ચલચિત્ર : ફ્રાન્સ, જર્મની, ઇટાલી, ગ્રીસ અને સ્વીડન જેવા પશ્ચિમ યુરોપના દેશોનાં ચલચિત્રો. વિશ્વનાં ચલચિત્રો પર યુરોપીય ચલચિત્રોનો પ્રભાવ પ્રારંભથી રહ્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાં યુરોપીય ચલચિત્રો આંતરરાષ્ટ્રીય બજાર પર પ્રભુત્વ ધરાવતાં હતાં. બીજા વિશ્વયુદ્ધે યુરોપીય ચિત્ર-ઉદ્યોગ પર બહુ મોટા પ્રમાણમાં અસર કરી. યુદ્ધ ચાલુ હતું તે દરમિયાન અથવા તો પૂરું થયા બાદ ઘણા તેજસ્વી સર્જકો બહાર આવ્યા. તેમણે પોતાનાં ચલચિત્રો દ્વારા યુદ્ધનો વિરોધ કર્યો અને નાઝીવાદ તથા ફાસીવાદના લીરા ઉડાડ્યા. આ સર્જકોએ યુદ્ધ જોયું હતું અથવા તો તેની વિભીષિકામાંથી તેઓ પસાર થયા હતા. તેમણે ઇતિહાસ બદલાતો જોયો હતો અને તેમાંથી મળેલા અનુભવો વડે પોતાનાં ચલચિત્રો સમૃદ્ધ કર્યાં હતાં. ઉપરાંત પશ્ચિમ યુરોપની નાટ્યપરંપરામાંથી પણ તેમણે વખતોવખત પ્રેરણાયાન કર્યું હતું.

પશ્ચિમ યુરોપીય ચિત્રોમાં ફેન્ચ ચલચિત્રોની સદાય એ વિશેષતા રહી છે કે તે માત્ર અમેરિકાના જ નહિ, બીજા યુરોપીય દેશોના પ્રભાવથી પણ દૂર રહ્યાં છે. નવી વિચારધારાના સર્જકો રૉબર્ટ બ્રેસાં, ઝ્યાં લુક ગોદાર્દ, ત્રૂફો વગેરેએ ફ્રેન્ચ ચલચિત્રોનો પ્રવાહ બદલી નાખ્યો. ફ્રાન્સ તો વિશ્વમાં ચલચિત્રનો પ્રારંભ કરનાર દેશ છે. 192729નો ગાળો ફ્રેન્ચ મૂકચિત્રોનો સુવર્ણયુગ હતો. આલ્બર્ટ પ્રેજ્યો, રેને બ્લાયર, જીના મેન્સ, એબેલ ગાંસ વગેરેનાં ચલચિત્રો નોંધપાત્ર બની રહ્યાં. 1936ના અરસામાં ઝ્યાં રેન્વા, માર્સેલ કાર્ને, ઝ્યાં ગ્રેમિલાન વગેરે સર્જકોએ નોંધપાત્ર સર્જન કર્યું. બીજા વિશ્વયુદ્ધમાં ફ્રેન્ચ ચલચિત્રોનો વિકાસ રૂંધાયો. જોકે યુદ્ધ દરમિયાન ફ્રાન્સ એકમાત્ર એવો દેશ હતો જ્યાં ચલચિત્રનિર્માણ ચાલુ રહ્યું હતું. રેને ક્લેમેન્ટનું યુદ્ધચિત્ર ‘લા વેટાલિયે દુ રેલ’ (1940) અને રૉબર્ટ બ્રેસાંનું ‘લે દામેસ દુ બોઈ દ બોલોન્યે’ (1945) આ ગાળામાં જ સર્જાયાં.

વિત્તોરિયો દા સિકા

બીજા વિશ્વયુદ્ધ પછીનાં વર્ષોમાં એક બાજુ ફ્રેન્ચ ચિત્રો વ્યાવસાયિક રૂપે સ્થાપિત થયાં અને બીજી બાજુ ત્રૂફો અને ગોદાર્દ જેવા સર્જકો બહાર આવ્યા.

1959માં કેન્સ ચલચિત્ર સમારોહમાં તમામ પારિતોષિકો નવા ફ્રેન્ચ સર્જકોને મળતાં એ પછીના સમયમાં 70 જેટલા નવા સર્જકોએ તેમનાં પ્રથમ ચલચિત્રો બનાવ્યાં હતાં. તેમણે વ્યાવસાયિક ચલચિત્રોના જૂના માપદંડો તોડી નાખ્યા અને શેરીઓમાં આવીને ચલચિત્રોનું સર્જન કર્યું. એ પછીનાં વર્ષોમાં ફ્રાન્સનાં ચલચિત્રો પોતાની આગવી ઓળખ જાળવી રાખવા સાથે નાવીન્ય અપનાવવામાં અગ્રેસર રહ્યાં છે. આજે પણ જૂની પેઢી સાથે નવી પેઢી સક્રિય રહીને પોતાની આ વિશેષતા જાળવી રહી છે. આલિયો, મૉરિસ પિયાલેન, ઝ્યાં લુઈ વેર્તુચેલી, વાલેરિયન બોરોવાચ્યુક, એલેન જેસુઆ અને ક્લૉડ સોટેટ વગેરે સર્જકો ઉલ્લેખનીય છે.

વીસમી સદીના પૂર્વાર્ધમાં અને ઉત્તરાર્ધમાં જર્મનીમાં જે રાજકીય ઊથલપાથલો થઈ તેની અસર જર્મન ચલચિત્રો પર વ્યાપક પ્રમાણમાં પડી છે. ખાસ કરીને બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીના ભાગલા અને વીસમી સદીના છેલ્લા દાયકામાં જર્મનીના એકીકરણને કારણે જર્મન ચલચિત્રો ત્રણ તબક્કામાં વહેંચાઈ ગયાં છે : ભાગલા પહેલાંનાં, ભાગલા પછીનાં અને એકીકરણ પછીનાં ચલચિત્રો.

પ્રથમ વિશ્વયુદ્ધ પહેલાંનાં અને પછીનાં વર્ષોમાં જર્મન ચલચિત્રઉદ્યોગ ઝડપભેર વિકસ્યો. ઑસવાલ્ડ, લુબિત્ઝ, વિયને, મુરનો, લગ, લેની, પિક, ડૂપાં, ગ્રુને, રૉબિન્સન અને ફૉન ગેલર્ક જેવા સર્જકો ત્યારે સક્રિય હતા. એ સમયે હૉલિવુડને બાદ કરતાં સૌથી વધુ ચલચિત્રો જર્મનીમાં સર્જાતાં હતાં. 1929માં ‘જર્મન લીગ ફૉર ઇન્ડિપેન્ડન્ટ ફિલ્મ’ની સ્થાપના બાદ સેન્સરશિપ સખત થઈ. એ સમયે રાજકીય કારણોસર લુબિત્ઝ, નેગ્રી, બ્રુકૉંવ્સ્કી, ડૂપાં, પિક, લેની, મુરનો, જેનિંગ્ઝ વગેરે સર્જકો જર્મની છોડી ગયા. આ જ અરસામાં ડાબેરી વિચારધારા ધરાવતી રાજકીય જાગૃતિનો વિષય લઈને ઘણાં ઉલ્લેખનીય ચલચિત્રો સર્જાયાં; જેમ કે, સ્ટર્નબર્ગનું ‘ધ બ્લૂ એન્જલ’ (1930), પાઇસ્ટનું ‘કૉંગ્રેસ ડાન્સિઝ વેસ્ટ ફ્રન્ટ’ (1931), ઑસવાલ્ડનું ‘ધ કૅપ્ટન ફ્રૉમ કેપેનિક’ (1931) અને લગનું ‘એમ’ (1931).

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચલચિત્ર-ઉદ્યોગનું રાષ્ટ્રીયકરણ કરાયું ત્યારે 1933 પહેલાં નિર્માણ પામેલાં અનેક ચલચિત્રોની સમીક્ષા કરવા ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. ચલચિત્ર-ઉદ્યોગમાંથી યહૂદીઓને હાંકી કાઢવાની ઝુંબેશ શરૂ કરાતાં અનેક સર્જકો જર્મની છોડી ગયા હતા. યુદ્ધ પૂરું થયા પછી અનેક ચલચિત્રો અને સર્જકોને કાળી યાદીમાં મૂકી દેવાયાં હતાં. જર્મનીના ભાગલા પડ્યા બાદ પશ્ચિમ જર્મનીમાં વ્યાવસાયિક અને વૈચારિક સ્વાતંત્ર્યને કારણે જાતીયતાથી માંડીને અનેક વિષયનાં ચલચિત્રો બનવા માંડ્યાં. 1960ના દાયકામાં શામોન્ટ બ્રધર્સ, સેન્ફ, શ્લોન્ડોર્ફ, સ્ત્રોબ, ક્લુગે, ફાસબાઇન્ડર, હર્ઝોગ, શોફ, વિમવેન્ડર્સ વગેરે સર્જકો બહાર આવ્યા. તેમણે જર્મન ચલચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી. એકીકરણ પછીના જર્મનીમાં પણ ચલચિત્રનિર્માણ ચાલુ જ છે અને વિવેચકો એવું માની રહ્યા છે કે આવનારા સમયમાં જર્મન ચલચિત્રો નિર્ણાયક ભૂમિકા ભજવશે.

બંને વિશ્વયુદ્ધોની ઘેરી અસરથી ઇટાલિયન ચલચિત્ર-ઉદ્યોગ મુક્ત રહી શક્યો નહોતો. પ્રથમ વિશ્વયુદ્ધને કારણે તો તેની હાલત એટલી ખરાબ થઈ હતી કે 1921 આવતાં સુધીમાં આ ઉદ્યોગ દેવાળિયો થઈ ગયો હતો. એ પછી સવાક ચિત્રોનો (બોલપટોનો) યુગ શરૂ થતાં સ્થિતિમાં સુધારો થયો. પણ સખત સેન્સરશિપને કારણે તેનું ફલક વ્યાપક થઈ શક્યું નહીં.

દિગ્દર્શનમાં વ્યસ્ત વિત્તોરિયો દા સિકા

મુસોલિનીએ 1935માં ‘ચેન્ત્રો સ્પેરિમેન્તાલે દ સિનેમેટોગ્રાફિયા’ અને 1937માં ‘ચિનેચિતા’ની સ્થાપના કરી. એ સમયે ઓગણીસમી સદીના સાહિત્ય તરફ કેટલાક સર્જકો વળ્યા, જેમાં મારિયો સોલ્દાતી, રેનાતો કાસ્તોલાની, આલ્બર્તો લાગુદા જેવા ફિલ્મ-ડિરેકરો મુખ્ય હતા. 1942માં આર્થિક કારણોસર સર્જકો શેરીઓમાં આવી ગયા. સામાન્ય માણસો પાસે તેમણે અભિનય કરાવ્યો. તેમનામાંથી જ વિષયો પસંદ કર્યા. રોઝેલિનીનાં ચિત્રો ‘રોમા, ચિતા, અર્પેતા’ (1945), ‘પાઈસા’ (1947), વિતોરિયો સિકાનું ‘બાઇસિકલ થીવ્ઝ’ (1948), જુસેપે દ સાન્તિસનું ‘કાકિઅયા ટ્રૅજિકા’ (1947) જેવી ઉત્કૃષ્ટ ફિલ્મોનું સર્જન થયું અને નવયથાર્થવાદનો ઉદય થયો. આ – ચિત્રોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચ્યું, પણ તેમને વ્યાવસાયિક સફળતા નહોતી મળી એટલે 1950 આવતા સુધીમાં નવયથાર્થવાદનો અંત આવવા માંડ્યો.

1960ના દાયકામાં ફેલિની અને એન્તોનિયોની સક્રિયતાને કારણે ઇટાલિયન ચિત્રોના પુનરુત્થાનની આશા જાગી. આ બંનેનાં ચિત્રોને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી. નની લોય, જાન ફ્રાન્કો વોસિયો, ફ્રાન્ચેસ્કો રોઝી વગેરે સર્જકો આગળ આવ્યા. ત્યારે પણ નવયથાર્થવાદના પ્રભાવ હેઠળ કેટલાક સર્જકો કામ કરી રહ્યા હતા. તેમાં એર્માનો, બોલ્ઝી, પિયરી પાસોલીની, માઉરો બોલોન્યિની મુખ્ય હતા. પેત્રી, બેલોકિચિયો, બર્તોલુસી અને જુર્લિનીનાં ચિત્રોમાં ઔદ્યોગિક ઇટાલિયન સમાજ નિરૂપિત થયો હતો.

1967માં ડિરેક્ટર સિલ્વેરિયો બ્લાસીએ ઉતારેલી ટેલિફિલ્મ(શ્વેત અને શ્યામ) ‘કારાવાજિયો’માં સત્તરમી સદીના ક્રાંતિકારી બારોક ચિત્રકારનું જીવન દર્શાવ્યું છે. આ ફિલ્મથી ઇટાલિયન અસ્મિતાની ખોજ ઇટાલિયન સાંસ્કૃતિક ઇતિહાસમાંથી કરવાની પ્રણાલિકા પાંગરી.

સાતમા-આઠમા દાયકામાં ઇટાલિયન ચિત્રઉદ્યોગમાં અમેરિકના નાણાંનું રોકાણ થવા માંડતાં અને સર્જકોએ વ્યાવસાયિક કારણોસર બાંધછોડ કરવા માંડતાં, ઇટાલિયન ચિત્રોની મૌલિકતાને અસર પહોંચવા માંડી. એ પછી મોટા ભાગનાં ચિત્રોમાં અમેરિકના કલાકારો અને વ્યાવસાયિક કથાવસ્તુઓને પ્રાધાન્ય મળવા માંડ્યું.

ગ્રીક ચિત્રો તરફ દુનિયાનું ધ્યાન 1960 પછી ખેંચાવા માંડ્યું. આર્થિક મુશ્કેલીઓ સામે સતત ઝૂઝતા રહેલા ગ્રીક ચિત્ર-ઉદ્યોગ અંગે ’60માં સરકારે ઘડેલી નીતિને કારણે વિદેશી નિર્માતાઓને સહનિર્માણમાં રસ પડવા માંડ્યો. ’60 – ’70ના દાયકામાં ગ્રીક સર્જકોની એક નવી પેઢી બહાર આવી. જ્યૉર્જ વેલ્લાસ, ગ્રેગા ટાલાસ, નિકોસ, કોન્ડોરસ, માઇકલ કેકોયાનિસ, થેઓ એન્જેલોપોલસ તેમાં અગ્રણી હતા. એ અરસામાં ચિત્રોની ગુણવત્તામાં સુધારો થયો અને ‘ન્યૂ ગ્રીક સિનેમા’નું સ્વરૂપ નિશ્ચિત થતું જણાયું. ગ્રીક ચિત્ર-ઉદ્યોગને ટકાવી રાખવામાં ‘ગ્રીક ફિલ્મ સેન્ટરે’ પણ મહત્વની ભૂમિકા અદા કરી. નવમા દસકામાં વિભિન્ન આંતરરાષ્ટ્રીય સમારોહોમાં રજૂ થયેલાં ગ્રીક ચિત્રોના નિર્માણમાં તેનો મોટો ફાળો હતો.

સ્વિટ્ઝર્લૅન્ડનાં ચિત્રો બહુભાષી રહ્યાં છે. અહીં જર્મન, ફ્રેંચ અને ઇટાલિયન ભાષામાં ચિત્રોનું નિર્માણ થાય છે. 1970ના દાયકા સુધીમાં જર્મન-સ્વિસ ચિત્રોનો વિકાસ શરૂ થયો અને કેટલાક સર્જકોએ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી, જેમાં ડૅનિયલ શિમિડ, રૉલ્ફ લિસ્સી, ટૉમસ કોરફર મુખ્ય છે. આ ઉપરાંત જૂન કોવાક, જૅકલિન, અન્ના મેરી મેવિલ્લે, તાનિયા સ્તાલિન, આકા શિમિડ વગેરે મહિલા-સર્જકો પણ ઉલ્લેખનીય છે.

સ્વીડનનાં ચલચિત્રોએ દુનિયાને ઉચ્ચ કક્ષાનાં કલાકારો-સર્જકો આપ્યાં છે. ગ્રેટા ગાર્બો અને ઇન્ગ્રિડ બર્ગમૅન જેવી અભિનેત્રીઓ અને ઇંગમાર બર્ગમૅન જેવો સર્જક સ્વીડનની દેન છે. વિક્ટર જોરત્રોમ, મૉરિસ સ્ટીલર, જુલિયસ જેન્જોન, ગુસ્તાવ મોલેન્ડર, કોફતા એકમૅન, એલ્વિન હેન્સાં, ફોસ્ટમૅન, એર્ન લક્સડૉર્ફ, કાર્લ ડિમલિંગ, હૉસ એકમૅન, એલ્ફ જોબર્ગ વગેરે સર્જકોએ સ્વીડિશ ચિત્રોને ખ્યાતિ અપાવી હતી. જોકે સૌથી વધુ પ્રતિષ્ઠા અપાવનાર સર્જકોમાં એક છે ઇંગમાર બર્ગમૅન. વિશ્વના ટોચના સર્જકોમાં સ્થાન ધરાવતા બર્ગમૅનનાં ‘થર્સ્ટ’, ‘પ્રિઝન’, ‘સમર-ઇન્ટરલૂડ’, ‘સાઇલન્સ’, ‘રોમ’ વગેરે ચિત્રો દુનિયાભરમાં વખણાયાં છે. આ બધાં ચિત્રો વચ્ચે સ્વીડનમાં જાતીયતા અને હિંસાથી પ્રચુર ચિત્રોનો પણ સમાંતર પ્રવાહ વહ્યો છે.

હરસુખ થાનકી