પશ્ચિમ મેદિનીપુર

July, 2025

પશ્ચિમ મેદિનીપુર : પશ્ચિમ બંગાળ રાજ્યનો નવો બનાવેલો જિલ્લો.

મૂળ મેદિનીપુર જિલ્લાને બે વિભાગમાં વહેંચવામાં આવ્યો છે : 1. પૂર્વ મેદિનીપુર, 2. પશ્ચિમ મેદિનીપુર. આ બે જિલ્લાની જાહેરાત 1 જાન્યુઆરી, 2002ના રોજ કરવામાં આવી હતી.

પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની વહીવટી સુગમતાને લક્ષમાં રાખીને તેમાંથી એક નવા જિલ્લાની રચના કરવામાં આવી છે. જેને કારણે આ જિલ્લાને બંગાળના ઉપસાગરનો કોઈ પણ ભાગ સીમા રૂપે આવતો નથી. જે નવો જિલ્લો ઊભો કરાયો છે તે જહારગામ છે. તેની રચના વર્ષ 2017માં કરવામાં આવી હતી.

વર્તમાન એટલે કે 2025ના વર્ષમાં આ જિલ્લાની સીમાએ આવેલા જિલ્લા જોઈએ તો ઉત્તરે બાંકુરા, વાયવ્યે પુરુલીઆ, પશ્ચિમે જહારગામ જિલ્લો અને ઝારખંડ રાજ્ય, દક્ષિણે ઓડિશા જ્યારે પૂર્વે પૂર્વ મેદિનીપુર જિલ્લો આવેલો છે. આ જિલ્લાને બંગાળના ઉપસાગરનો કોઈ પણ ભાગ સીમા રૂપે આવેલો નથી.

આ જિલ્લો 21  47´ ઉ. અ.થી 23  00´ ઉ. અ. અને 86  33´ પૂ. રે.થી 87  44´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. સમુદ્ર સપાટીથી આશરે 23 મીટર ઊંચાઈ ધરાવે છે.

જિલ્લાની પ્રતિકૃતિ

ભૂપૃષ્ઠ : આ જિલ્લાનો ઉત્તરભાગ પ્રમાણમાં ખડકાળ છે અને કાંપના સમતળ મેદાનો આવેલા છે. જ્યારે પશ્ચિમ ભાગમાં ઘસારાના મેદાનો અને અગ્નિભાગમાં કાંપના ફળદ્રુપ સપાટ મેદાનો અને મુખત્રિકોણના મેદાનો આવેલા છે જે નદીઓના નિક્ષેપને કારણે નિર્માણ પામેલા છે. આ જિલ્લાની મુખ્ય નદીઓ કાંગ્સાબાટી, શીલાબાટી, કોલાગાહી હલ્દી અને સુવર્ણરેખા છે. અહીં વિવિધ ભૂમિસ્વરૂપો નિર્માણ કરવામાં આ નદીઓનો ફાળો મહત્ત્વનો છે.

આબોહવા – વન્યસંપત્તિ : અહીંની આબોહવા ગરમ મોસમી પ્રકારની છે. ઉનાળો એપ્રિલથી મધ્ય જૂન સુધીનો અનુભવાય છે. આ ગાળામાં લઘુત્તમ તાપમાન 30  સે. જ્યારે મહત્તમ તાપમાન 40  સે. જેટલું રહે છે. રોજ સાંજે ઝંઝાવાત સાથે વરસાદ પડે છે તેને કાળવૈશાખી અથવા ધૂળના વંટોળ તરીકે પણ ઓળખાય છે. વર્ષાઋતુ મધ્ય જૂનથી લગભગ ઑગસ્ટના અંત સુધી અનુભવાય છે. અહીં નૈઋત્યના પવનો વરસાદ આપે છે. વાર્ષિક વરસાદ લગભગ 1500 મિમી. જેટલો રહે છે. શિયાળાની ઋતુનો સમયગાળો 2 કે 3 માસ સુધીનો રહે છે. આ ઋતુ દરમિયાન મહત્તમ તાપમાન 8  સે. જ્યારે લઘુતમ તાપમાન -14  સે. જેટલું અનુભવાય છે. આ ગાળામાં શિયાળો અને વસંત બંને ઋતુ સાથે રહે છે. વાતાવરણમાં ધૂળની રજકણોનું પ્રમાણ કાર્ય રહેતું હોવાથી લોકો શરદી-સળેખમ(Allergies)થી પીડાય છે.

સુંદરીના વૃક્ષો – મેનગ્રોવ

આ જિલ્લામાં જંગલો, ખેતીકીય પ્રદેશો, સમુદ્રકિનારો હોવાથી વનસ્પતિનું વૈવિધ્ય જોવા મળે છે. અહીંના જંગલોમાં સાલના વૃક્ષો મખ્ય છે. મોટા ભાગના સાગના જંગલો ગોડાપીયાશાલાના ડુંગરોની હારમાળામાં આવેલા છે. અહીં કાસુરિના અને સુંદરીના વૃક્ષો વધુ છે. અહીં સાગ, વાંસ, મહુડો, આમલી, પલાશ જેવા વૃક્ષારોપણ રહેલા છે. જંગલી ફૂલોનું પ્રમાણ અધિક છે.

ગીચ જંગલોમાં ઔષધિના છોડ પણ રહેલાં છે. રેતીના ઢૂવા છે ત્યાં કાંટાળી વનસ્પતિ પણ જોવા મળે છે. અહીંના જંગલોમાં હરણ, જંગલી ભેંસ, દીપડો, મગર (જળપ્લાવિત વિસ્તારો) કોઈક જગ્યાએ કવચિત વાઘ પણ જોવા મળે છે. સમુદ્રકિનારે ચીજો જળપ્લાવિત વિસ્તારોમાં સ્થાનિક અને યાયાવર પક્ષીઓ પણ જોવા મળે છે. સમુદ્રકિનારાના વિસ્તારમાં વનસ્પતિ અને વન્યજીવોની વિવિધતા રહેલી છે. આ જિલ્લાના ગામડાઓમાં વસવાટ કરતાઓને અવારનવાર હાથીઓના ટોળાનો સામનો કરવો પડે છે.

જંગલી હાથીના ટોળા

અર્થતંત્ર : આ જિલ્લાની મોટા ભાગની વસ્તી ખેતી સાથે સંકળાયેલી છે. તેમાં ગ્રામ્ય વિસ્તારના લોકોનું પ્રમાણ 80% કરતા પણ અધિક છે. આ જિલ્લામાં ડાંગરનું ઉત્પાદન વધુ મેળવાય છે. આ સિવાય શણ, ઘઉં, કઠોળ, તેલીબિયાં, શેરડી અને બટાટાની ખેતી થાય છે. આ ખેત-પ્રવૃત્તિ માટે પાણીનો પુરવઠો વરસાદ સિવાય નદી અને સિંચાઈ દ્વારા મળી રહે છે. જંગલ વિસ્તારમાં વસતા સ્થાનિક લોકોની રોજી જંગલપેદાશો પર રહેલી છે જેમાં સાલ, સાગ, બાવળ, મહુડો, આમલી અને નેતર મુખ્ય છે.

અહીં બાગાયતી ખેતીને વધુ પ્રાધાન્ય અપાયું છે. જેમાં કેરી અને કાજુ મુખ્ય છે. ખેતી પર આધારિત ઉદ્યોગો, પેટ્રોકેમિકલ ઉદ્યોગો, રસાયણ ઉદ્યોગ મુખ્ય છે. આ સિવાય પશુપાલન પર આધારિત ડેરી ઉદ્યોગ અને ચર્મ ઉદ્યોગ પણ વિકાસ પામ્યો છે. મત્સ્ય અને મરઘાં-બતકાં ઉછેરની પ્રવૃત્તિ પણ જોવા મળે છે.

પરિવહન : મેદિનીપુર રેલવેસ્ટેશન મોટા શહેરો નહીં, પરંતુ નાના ગામડાં અને નગરો સાથે પણ સંકળાયેલ છે. આ રેલવેસ્ટેશન ખડગપુર – બંકુરા – આદરા લાઇન પર આવેલું છે. અનેક લોકો ટ્રેનો હાવરા અને મેદિનીપુર તેમજ આદરા અને મેદિનીપુર વચ્ચે કાર્યરત છે. આશરે દસ એક્સપ્રેસ ટ્રેનો આ સ્ટેશને થોભે છે. મેદિનીપુર અને ખડગપુર વચ્ચે વધુ અંતર ન હોવાથી તે દક્ષિણ પૂર્વ રેલવેનું મુખ્ય મથક બન્યું છે. મેદિનીપુર રેલવેસ્ટેશનને આધુનિક ઢબે તૈયાર કરવામાં આવી રહ્યું છે.

મેદિનીપુર રેલવેસ્ટેશન

આ શહેરને ‘મેગાસિટી’ તરીકે નિર્માણ કરવાનો નિર્ણય 1997માં લેવામાં આવ્યો હતો. હાવરા અને કૉલકાતા વચ્ચે વાહનો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં.- 60 અને 54 ઉપર દોડી રહ્યા છે. અહીં વાહનોની ગીચતા વધુ થતી હોવાથી નવા ધોરી માર્ગ – પુલ બનાવવાનું નક્કી કરાયું છે. આ શહેરમાં મોટરો, ઑટોરિક્ષા, સાઇકલોનું પ્રમાણ વધી ગયું છે. આ જિલ્લામાંરાજ્યપરિવહન નિગમની બસો અને ખાનગી બસોની સગવડ છે. આ જિલ્લામાંથી રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 60 અને 5A પસાર થાય છે. આ જિલ્લાના મુખ્ય બસસ્ટેશનો હાવરા, ખડગપુર, દીસપુર અને જહારગ્રામ છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર આશરે 6,308 ચો.કિમી. જ્યારે વસ્તી (આશરે 2025 મુજબ) 65 લાખ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી 52 લાખ જેટલી છે. સાક્ષરતાનો દર આશરે 79 છે. સેક્સ રેશિયો આશરે દર 1000 પુરુષોએ 966 મહિલાઓ છે. આ જિલ્લામાં બંગાળી, હિન્દી, તેલુગુ અને ઉર્દૂ પણ બોલાય છે. અહીં હિન્દુઓ, મુસ્લિમો અને ખ્રિસ્તીઓની વસ્તી વિશેષ છે. જ્યારે શીખ, બૌદ્ધ અને જૈનોનું પ્રમાણ ઓછું છે. જિલ્લામાંના શહેરો અને ગામડાંઓમાં જુદા જુદા તબક્કાની શિક્ષણસંસ્થાઓની સગવડ છે. અહીં કૉલેજો તથા અન્ય ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓ આવેલી છે. મોટા નગરો અને ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે.

મેદિનીપુર શહેર : પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનું જિલ્લામથક અને શહેર. તે 22 25 ઉ. અ. અને 87 56 પર આવેલું છે. આ શહેરનો વિસ્તાર આશરે 18.65 ચો.કિમી. છે. આ શહેરની વસ્તી (આશરે  2025 મુજબ) 2,45,000 છે. આ શહેર કંગસાબતી નદીકિનારે વસ્યું છે. તે શહેરની જમીન કાંપની ફળદ્રુપ છે. આ શહેરની ભૂમિ કાંપના સમતળ મેદાની પ્રદેશમાં વસ્યું છે. રંગમતી નદી પાસે આવીલ જમીન લેટેરાઇટ પ્રકારની ફળદ્રૂપ જોવા મળે છે. આ સમતળ મેદાનીના ઉત્તર ભાગની ભૂમિ પ્રમાણમાં ખડકાળ છે.

મેદિનીપુર શહેર

પશ્ચિમ મેદિનીપુર જિલ્લાનું જિલ્લામથક અને શહેર હોવાથી તે કૃષિપેદાશોનું મુખ્ય મથક છે. આ શહેરમાં ખેતીને લગતા યંત્રો, સાધનો બનાવવાનો મુખ્ય ઉદ્યોગ છે. ખાસ કરીને ટ્રૅક્ટર, વીજળીના સાધનો, ખેતબિયારણ અને ખાતરોનું મુખ્ય બજાર છે. શણ અને શણની ચીજવસ્તુઓ બનાવવાનું મુખ્ય કેન્દ્ર છે. વાંસ, લાકડા વગેરેમાંથી બનતી કલાત્મક ચીજવસ્તુઓનું મોટું બજાર છે. ખાદ્યપ્રકમણના એકમો, ગોળ બનાવવાના કારખાના, સો મિલ, કાપડના ઉદ્યોગો, રસાયણ ખાતરના એકમો, ડાંગર છડવાની મિલો પણ આવેલી છે. ડેરી પેદાશો જેવી કે ‘સંદેશ’, ચીઝ, માખણની ડેરીઓ આવેલી છે. જંગલ પેદાશોનું પણ બજાર છે.

વાંસની કલાત્મક વસ્તુઓ

આ શહેરમાં ચિકિત્સાલયો, મેડિકલ કૉલેજો આવેલી છે. વિદ્યાસાગર યુનિવર્સિટી શહેરની એકમાત્ર યુનિવર્સિટી છે. પૂર્વ અને પશ્ચિમ મેદિનીપુર જિલ્લાની કૉલેજો આ યુનિવર્સિટી સાથે જોડાયેલી છે. અહીં ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ટૅકનિકલ વ્યાવસાયિક સંસ્થા, હોમિયોપેથિક મેડિક કૉલેજ, લૉ કૉલેજ, રાજા નરેન્દ્રપાલ ખાન મહિલા મહાવિદ્યાલય, ઓરિએન્ટલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ ઍન્ડ ટૅકનૉલૉજી, ટીચર્સ ટ્રેનિંગ કૉલેજ, આર્ટ કૉલેજ, DAV પબ્લિક સ્કૂલ, CBSE સંલગ્ન શાળાઓ આવેલી છે. આ સિવાય જવાહર નવોદય વિદ્યાલય, ગર્લ્સ હાઈસ્કૂલ, કેથલિક ચર્ચ હાઈસ્કૂલ વગેરે શૈક્ષણિક સંસ્થાઓ આવેલી છે.

વિદ્યાસાગર યુનિવર્સિટી

પશ્ચિમ જિલ્લાનું ખડગપુર મોટું શહેર છે. જ્યારે બીજા ક્રમનું મોટું શહેર મિદનાપુર છે. આ શહેરમાં હિન્દુ અને મુસ્લિમો બે જ મુખ્ય વસ્તી છે. બ્રિટિશ શાસન પહેલાના ઘણા મંદિરો અને મસ્જિદો આ વિસ્તારમાં આવેલા છે. તે એમ સૂચવે છે કે બે ધર્મો કેટલા સહ-પ્રચલિત છે. ભારત અને બાંગ્લાદેશના મુસ્લિમો માટે તે એક મહત્ત્વપૂર્ણ ધાર્મિક સ્થળ છે. મિદનાપુરે તાજેતરના ઇતિહાસમાં ક્યારેય મોટા હિન્દુ-મુસ્લિમ તણાવ જોયા નથી. આ એકવીસમી સદીમાં ઉચ્ચ શહેરીકરણ અને આધુનિકીકરણને કારણે 2022માં શહેરની વસ્તીની ગીચતા વધતા સમગ્ર જિલ્લામાંથી ઘણા બધા સ્થળાંતર થયા હોવાનું જણાયું છે.

શહેરના જોવાલાયક સ્થળોમાં ચંપાલેશ્વર (શિવ) મંદિર, પાથરા ગામ ખાતે ઉત્કૃષ્ટ હિન્દુ અને જૈન મંદિરો, હનુમાન જેઉ મંદિર, શીતળા મંદિર, દેવી કાલીમંદિર, રુકિમણી મંદિર, દિવાન બાબાની મઝાર, બાપ્ટિસ્ટ ચર્ચ, સેન્ટ જોન્સ ચર્ચ, બ્રહ્મોસમાજ મંદિર, ગોપેગઢ હેરિટેજ પાર્ક, સુકુમાર સેનગુપ્તા સ્મૃતિ ઉદ્યાન, વિવેકાનંદ હૉલ, વિદ્યાસાગર હૉલ વગેરે છે.

ગોપેગઢ હેરિટેજ પાર્ક

‘સંદેશ’ મીઠાઈ

અહીંની જાણીતી વાનગીઓમાં ‘માચરતેલ ઝાલ’, ‘મોચર ટોક’ (કાચી કેરીમાંથી મસાલેદાર વાનગી), ‘પોસ્તો બાટી’, ‘ખીરેર ગોની’, ‘સંદેશ’, ‘રસગુલ્લા’ વગેરે છે.

નીતિન કોઠારી