પશ્ચિમ બંગાળ
પૂર્વ ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 210 30′ ઉ. અ.થી 270 15′ ઉ. અ. અને 850 45′ પૂ. રે.થી 890 50′ પૂ. રે. વચ્ચે આવેલું છે. આ રાજ્યનું ક્ષેત્રફળ લગભગ 88,752 ચોકિમી. જેટલું છે અને ઉત્તરે હિમાલયની તળેટીથી દક્ષિણે બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલું છે. ઉત્તરે સિક્કિમ અને ભુતાન, પૂર્વમાં આસામ અને બાંગ્લાદેશ, દક્ષિણમાં બંગાળનો ઉપસાગર તેમજ પશ્ચિમમાં નેપાળ, બિહાર અને ઓરિસાના સીમાપ્રદેશો આવેલા છે.
પ્રાકૃતિક રચના : પ્રાકૃતિક રચનાના સંદર્ભમાં પશ્ચિમ બંગાળને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય : (1) ઉત્તરમાં આવેલો હિમાલયનો પહાડી પ્રદેશ : રાજ્યની ઉત્તરમાં આવેલા દાર્જીલિંગ જિલ્લામાં હિમાલય ગિરિમાળાના ભાગ રૂપે – સિંગાલીલા (Singalila) પર્વતશ્રેણી વિસ્તરેલી છે. સમુદ્રસપાટીથી તેની વધુમાં વધુ ઊંચાઈ 3,658 મી. જેટલી છે. અહીં તિસ્તા અને રંગિતા નદીઓ ઊંડાં કોતરોમાં થઈને વહે છે. દાર્જીલિંગ અને કાલિમ્પોંગના પહાડો પર પ્રખ્યાત વિહારધામો આવેલાં છે, તે પૈકી દાર્જીલિંગ પ્રવાસીઓ માટે સ્વર્ગ સમાન આકર્ષક છે. ત્યાંથી દક્ષિણે આવેલા જલપાઈગુડી અને કૂચબિહાર જિલ્લાના પહાડી ભાગો પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળા છે. આ ક્ષેત્રમાં ટોર્સા, મહાનંદા, જલઢાકા, રૈડક વગેરે નદીઓ વહે છે અને તેમનાં વહેણ વેગવાળાં છે.
(2) દક્ષિણનાં કાંપનાં મેદાનો : રાજ્યની પશ્ચિમ બાજુએ આવેલી ટેકરીઓવાળા થોડાક ભાગોને બાદ કરતાં, બાકીનો મોટો ભાગ નદીઓનાં કાંપનિક્ષેપિત મેદાનોનો બનેલો છે. રાજ્યના મધ્ય ભાગમાં થઈને ગંગા નદી પશ્ચિમથી પૂર્વ તરફના થોડાક ભાગમાં વહે છે. પછીથી તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે; પરંતુ તેનું ‘ભાગીરથી’ નામનું એક વહેણ રાજ્યના મેદાન પ્રદેશમાં ઉત્તરથી દક્ષિણ તરફ જાય છે. વધુ દક્ષિણે જતાં તે ‘હુગલી’ તરીકે ઓળખાય છે.
ભાગીરથીને દામોદર તથા બ્રાહ્મણી, દ્વારકા, મયૂરાક્ષી, કોપાઈ, અજય, રૂપનારાયણ, કાંગ્સાબતી, હલ્દી જેવી અનેક શાખાનદીઓ મળે છે. આમ આ મેદાનો અહીં નદીઓની શાખા-પ્રશાખાઓથી ગૂંથાયેલી જાળ જેવી લાક્ષણિકતા ધરાવે છે. દક્ષિણમાં આ કાંપનાં મેદાનોનો ઉત્તરતરફી પેટાવિભાગ બારિન્દ તરીકે ઓળખાય છે. બારિન્દથી દક્ષિણમાં સમુદ્ર સુધી સંખ્યાબંધ જળશાખાઓ ધરાવતો મુખત્રિકોણપ્રદેશ વિસ્તરેલો છે. અહીં દર વર્ષે નદીશાખાઓ દ્વારા કાંપ, માટી, રેતી વગેરેની (નિક્ષેપ) જમાવટ થયા કરે છે અને વખત જતાં નવા રેતાળ ટાપુઓની રચના થતી રહે છે. રેતાળ કિનારા અને ટાપુઓ ધરાવતા આ ભાગમાં કળણવાળા પ્રદેશો અને મૅંગ્રોવ જંગલોના વિસ્તારો છે. અહીં હુગલી નદીના જળમાર્ગવ્યવહાર દ્વારા કૉલકાતા બંદર, સમુદ્ર સાથે સંકળાયેલું રહે છે.
આબોહવા : રાજ્યના દક્ષિણ વિભાગનાં મેદાનોમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. બંગાળનો ઉપસાગર તદ્દન નજીક છે, તેથી અહીં ઉપોષ્ણ કટિબંધીય (sub-tropical) આબોહવા પ્રવર્તે છે. સમુદ્રની સમીપતાને લીધે તાપમાનનો ગાળો ઓછો રહે છે. જુલાઈ તથા જાન્યુઆરીનાં તાપમાન અનુક્રમે 32o સે. અને 14o સે.થી ઊંચે રહે છે. રાજ્યના ઉત્તરતરફી પહાડી વિસ્તારો સમુદ્રથી પ્રમાણમાં દૂર આવેલા છે, તેથી દરિયાઈ અસરથી વંચિત રહે છે; વળી ઊંચાઈને લીધે અહીંનું તાપમાન એકંદરે નીચું રહે છે. આશરે 2,130 મી. ઊંચાઈએ આવેલા દાર્જીલિંગમાં જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 16.6o સે. તથા 4.4o સે. જેટલાં હોય છે; શિયાળામાં ક્યારેક દાર્જીલિંગનું તાપમાન શૂન્યથી પણ નીચે ઊતરી જતાં ત્યાં હિમવર્ષા થાય છે.
ચોમાસામાં બંગાળના ઉપસાગર પરથી વાતા ભેજવાળા પવનો સીધેસીધા મેદાનપ્રદેશમાં પ્રવેશતા હોવાથી ત્યાં ભારે વરસાદ પડે છે. ભેજનું પ્રમાણ 80% થી વધુ રહે છે. દક્ષિણના કિનારાના ભાગો 2,500થી 3,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે. વાયવ્યતરફી ભાગોમાં 1,400થી 1,600 મિમી. જેટલો વરસાદ પડે છે; વધુ ઉત્તર તરફ જતાં ફરીથી વરસાદનું પ્રમાણ વધે છે. ઉત્તરનાં પહાડી ક્ષેત્રોમાં 3,000થી 3,500 મિમી. જેટલો વરસાદ પડે છે. દાર્જીલિંગનો વાર્ષિક વરસાદ 3,077 મિમી. જેટલો છે. કેટલીક વાર બંગાળના ઉપસાગર પર હળવા દબાણનું કેન્દ્ર ઉત્પન્ન થતાં, સામાન્ય રીતે ઑક્ટોબરમાં આ રાજ્ય પર ચક્રવાત (વંટોળ) ફૂંકાય છે, જે – ક્યારેક જાનમાલને ભારે નુકસાન પહોંચાડે છે.
જમીનો : ઉત્તરના પહાડી જિલ્લાઓમાં ગ્રૅનાઇટ, નાઇસ અને શિસ્ટ જેવા તળખડકોના ખવાણથી ભૂખરા રંગની જમીનો તૈયાર થયેલી છે. ભેજવાળી આબોહવાને કારણે તેમાં ઘાસ અને પાંદડાંના કોહવાણથી જૈવિક દ્રવ્યો ભળે છે, આથી આ જમીનો ફળદ્રૂપ બની રહી છે. મધ્ય ભાગનાં મેદાનોમાં નદીઓનાં પૂરને લીધે કાંપની દળદાર જમીનો બની છે. દક્ષિણના મુખત્રિકોણપ્રદેશમાં રેતાળ કાંપની જમીનો જોવા મળે છે. મેદાનો-ત્રિકોણપ્રદેશમાં જોવા મળતી આ બંને પ્રકારની જમીનો અત્યંત ફળદ્રૂપ છે. રાજ્યના પશ્ચિમતરફી જિલ્લાઓ લાલ રંગની, લૅટરાઇટજન્ય જમીનો ધરાવે છે, જે ઉપજાઉ નથી.
જંગલો-કુદરતી વનસ્પતિ : આ રાજ્યમાં મુખ્યત્વે બે પ્રકારનાં જંગલો જોવા મળે છે : (1) મિશ્ર જંગલો : રાજ્યના પશ્ચિમ ભાગમાં આવેલા પુરુલિયા, બાંકુરા અને બીરભૂમ જિલ્લાઓમાં ભેજવાળાં પાનખર જંગલો છવાયેલાં છે. તેમાં સાલનાં વૃક્ષોનું પ્રમાણ વધારે છે. આ જંગલોમાં, તે ઉપરાંત હલકી જાતનો સાગ, ખેર, વાંસ, બિયો, ગૂગળ, સાદડ, ખાખરો, ધાવડો, રોહિડો (Soymide febrifuga), સિસૂ (sissoo) તેમજ બીજાં અનેક પ્રકારનાં વૃક્ષો થાય છે.
જોકે ખેતી માટે કેટલાક ભાગો સાફ કરવામાં આવ્યા છે. દાર્જીલિંગની ટેકરીઓના ઉત્તર તરફના તળેટી ભાગો સાલ, વાંસ, તાડ અને બીજાં વૃક્ષો તથા સવાના ઘાસ જેવી વનસ્પતિથી છવાયેલા છે. ઊંચાઈવાળા ઢોળાવો પર ઓક, ચંપો (magnolia) અને નાગચંપા(laurels)નાં વૃક્ષો તેમજ 3,000 મીટરથી વધુ ઊંચાઈવાળા ભાગોમાં સિલ્વર ફર(silver fir)નાં વૃક્ષો સામાન્ય છે. દાર્જીલિંગ જિલ્લામાં ઔષધીય વૃક્ષો અને છોડવાઓ (જેમ કે સિંકોના) તેમજ લાકડાંનું ઉત્પાદન મેળવવા માટે ઉપવન-ખેતી (plantation) વિકસાવવામાં આવી છે. અહીંનાં જંગલોમાં ગેંડા અને વાઘ જેવાં પ્રાણીઓ પણ વસે છે.
(2) ભરતીનાં જંગલો : દરિયાકાંઠાના ભરતી અને કળણવાળા મુખત્રિકોણપ્રદેશમાં આવેલાં જંગલો ‘સુંદરવન’ તરીકે જાણીતાં છે. ત્યાં સુંદરીવૃક્ષો(Heritiera lilloralis)નું પ્રમાણ સૌથી વધુ છે. આ સિવાય બ્રુગ્યુએરા (Bruguiera), રાઇઝોફોરા (Rizophora), સોનરેશિયા (Sonneratia), ઍવિસિનિયા (Avicennia) અને બીજી અનેક જાતની વાયુશિક્ (mangrove) વનસ્પતિઓ જોવા મળે છે. તેમાં વૃક્ષ, ક્ષુપ તથા છોડ એવાં ત્રણ પ્રકારનાં સ્વરૂપો મળે છે. આ પ્રકારની વનસ્પતિનાં મૂળ અને પાંદડાંની રચના વિશિષ્ટ પ્રકારની હોય છે. તેમનાં મૂળ શ્વસનછિદ્રો ધરાવે છે,
અહીંનું સુંદરવન આશરે 4,280 ચોકિમી. વિસ્તારમાં પથરાયેલું છે. તેમાંથી ઇમારતી અને બળતણયોગ્ય લાકડું તથા ગૌણ વનપેદાશો દ્વારા રાજ્ય સરકારને વાર્ષિક લગભગ સાત લાખ રૂપિયાની ઊપજ મળી રહે છે. વળી તે અનેક પ્રાણી અને પક્ષીસમુદાયોનું નિવાસસ્થાન પણ બની રહ્યું છે. તેમાં રહેતી મગર અને સફેદ વાઘની કેટલીક જાતો માનવભક્ષી છે. આ ઉપરાંત અહીં હરણ, જંગલી સૂવર, બિલાડા, સાપ વગેરેનું પ્રમાણ વધારે છે. સાજીનાખલી ખાતે પક્ષીઓનું અભયારણ્ય આવેલું છે. ત્યાં વિવિધ રંગબેરંગી પક્ષીઓ છે.
સિંચાઈ અને ખેતી : આ રાજ્યમાં અનેક સિંચાઈ યોજનાઓ તૈયાર કરવામાં આવી છે. ઉલ્લેખનીય યોજનાઓમાં દામોદર ખીણ, મયૂરાક્ષી, સુવર્ણરેખા, ફરાક્કા, કાંગ્સાબતી વગેરેનો સમાવેશ થાય છે. તેમાંથી નહેરો દ્વારા ખેતરોમાં – સિંચાઈ કરવામાં આવે છે. આ ઉપરાંત તિસ્તા-મહાનંદા, હિન્લો, સોહાજારે, તેરાગેરિયા અને તુર્ગા વગેરે નહેરોના જોડાણની યોજનાઓ છે.
રાજ્યની આવકમાં ખેતીનો ફાળો (30%) ધરીરૂપ રહ્યો છે. રાજ્યની લગભગ 56.5% વસ્તી ખેતીની પ્રવૃત્તિમાં સંકળાયેલી છે. આ રાજ્ય દેશના આશરે 15.8% ચોખા, 63% શણ અને 22.5% ચાનું ઉત્પાદન કરે છે. ડાંગરની ખેતી મુખ્યત્વે કાંપનાં મેદાનોમાં થાય છે. અહીં શિયાળુ ચોખા (અમન) અને ઉનાળુ ચોખા(ઔસ અને બોરો)ના વર્ષ દરમિયાન ત્રણ પાક લેવાય છે. રાજ્યની ખેતીલાયક કુલ જમીનનો આશરે – ભાગ ડાંગરની ખેતી હેઠળ આવે છે. અહીં શણના પાક માટે જમીનો, હવામાન, સારાં બિયારણ તથા અન્ય સાનુકૂળતાઓ ઉપલબ્ધ છે. જોકે મેદાનોની સરખામણીએ ઉચ્ચભૂમિમાં ઊંચી ગુણવત્તાવાળું શણ પેદા થાય છે. મુખ્યત્વે જલપાઈગુડી, કૂચબિહાર, હુગલી, ચોવીસ પરગણાં, નાદિયા, હાવરા, માલ્દા, દિનાજપુર વગેરે જિલ્લાઓમાં શણની ખેતીનો વ્યાપ વધુ છે. દાર્જીલિંગના પહાડી ઢોળાવો પર ચાના બગીચા આવેલા છે. દાર્જીલિંગ તેની સર્વોત્તમ ગુણવત્તાવાળી ચા માટે દેશભરમાં પ્રખ્યાત છે. આ ઉપરાંત, આ રાજ્યમાં શેરડી, તેલીબિયાં, તમાકુ, કઠોળ (મુખ્યત્વે ચણા), ઘઉં, જવ, મકાઈ, બટાટા અને શાકભાજી તેમજ ફળો(કેરી, ચીકુ, કેળાં, નાળિયેર વગેરે)ના પાક પણ લેવાય છે. વળી અહીં નાગરવેલનાં પાન અને રેશમના કીડાના ઉછેર માટે શેતૂરનાં વૃક્ષો પણ ઉગાડવામાં આવે છે.
ખનિજસંપત્તિ : આ રાજ્યમાંના રાણીગંજ અને દામોદર ખીણ વિસ્તારમાંથી કોલસો મેળવાય છે. ચૂનાખડક, ચિનાઈ માટી, અગ્નિજિત માટી, ડૉલોમાઇટ, અબરખ, ક્વાર્ટ્ઝ, કાયનાઇટ, કાચ-રેતી, રૉક ફૉસ્ફેટ વગેરે પેદાશોનું ખનન થાય છે. ઉદ્યોગો માટે જરૂરી ઇંધન તેમજ કાચો માલ આ પેદાશો દ્વારા પૂરો પડે છે. દેશની ‘ભારતીય ભૂસ્તરીય સર્વેક્ષણ’(G. S. I.)ની મધ્યસ્થ કચેરી આ રાજ્યમાં આવેલી છે. આ વિભાગે કરેલી મોજણી મુજબ ઉત્તરનાં પહાડી ક્ષેત્રો અને પશ્ચિમ વિસ્તારોમાં તાંબા-સીસા-જસતનાં ધાતુખનિજો હોવાની ભાળ મળી છે.
ઊર્જા અને ઉદ્યોગો : આજે હવે ખેતી, ઉદ્યોગ અને ઘરવપરાશ માટે વિદ્યુત-ઊર્જા રોજિંદી જરૂરિયાત બની ગઈ છે. રાજ્યની દામોદર ખીણ, મયૂરાક્ષી, કાંગ્સાબતી અને સુવર્ણરેખા જેવી મુખ્ય બહુહેતુક યોજનાઓ જળવિદ્યુતના ઉત્પાદન માટે વધુ અગત્ય ધરાવે છે. ઉત્તરે દાર્જીલિંગ જિલ્લામાં જલઢાકા નદી પર જળવિદ્યુતમથક સ્થાપવામાં આવ્યું છે. મુખ્યત્વે દામોદર ખીણ કૉર્પોરેશન (DVC) બહુહેતુક બંધો, તાપવિદ્યુત અને જળવિદ્યુતના ઉત્પાદનનું સંચાલન અને વિતરણ કરે છે. તિલૈયા, કોનાર, મૈથોન, પાન્ચેટ વગેરે મુખ્ય જળવિદ્યુતમથકો છે. વળી કોલસા દ્વારા બોકારો, ચંદ્રપુર, દુર્ગાપુર (257 મે.વૉ.), સાન્તાલ્ધી (1,350 મે.વૉ.), કોલાઘાટ, કૉલકાતા વગેરેમાં તાપવિદ્યુતનું ઉત્પાદન પણ કરવામાં આવે છે.
આ રાજ્ય દેશનાં આગળ પડતાં ઔદ્યોગિક રાજ્યો પૈકીનું એક છે. રાજ્યમાં દુર્ગાપુર અને બર્નપુરમાં લોખંડ-પોલાદનાં બે મોટાં કારખાનાં છે. આ ઉપરાંત નાનાં નાનાં કારખાનાંની સંખ્યા લગભગ 20 જેટલી છે. આ સિવાયના અન્ય ઉદ્યોગોમાં શણ, રેશમી અને સુતરાઉ કાપડ, ઇજનેરી, ઇલેક્ટ્રૉનિક્સ, ઑટોમોબાઇલ્સ, રંગ અને રસાયણો, ફાર્માસ્યુટિકલ્સ, ઍલ્યુમિનિયમ, રબર, સિરૅમિક્સ, સિમેન્ટ, ચામડાં અને પગરખાં, પ્લાયવુડ, સાઇકલ, કાગળ, ખાંડ, ડેરી, કાચ, ચા, ફળો અને શાકભાજીનું પ્રક્રમણ, ખાદ્યતેલ, લોટ અને ચોખાની મિલો, હાડકાં દળવાની મિલ (bone mill) તથા રેલવે-વૅગનને લગતા ઉદ્યોગો મુખ્ય છે. વળી રેલવે-એન્જિનો, તારનાં દોરડાં, ખાતરો, લશ્કરી સરંજામ બનાવતા તેમજ જહાજ-બાંધકામ કરતા એકમો પણ છે.
દુર્ગાપુર, બર્નપુર, કુલ્ટી, ખડ્ગપુર, આસનસોલ, જયકરનગર, ચિત્તરંજનનગર વગેરે જેવાં કેટલાંક છૂટાંછવાયાં ઔદ્યોગિક કેન્દ્રોને બાદ કરતાં રાજ્યનાં મોટાભાગનાં ઔદ્યોગિક કેન્દ્રો હુગલી નદીના બંને કાઠે ઉત્તર કલ્યાણીથી શરૂ થઈ, કૉલકાતા થઈને દક્ષિણે છેક બજબજ સુધી આશરે 70 કિમી. લંબાઈના પટ્ટામાં પથરાયેલાં છે. કૉલકાતા, આ પૈકીનું વ્યાપાર તેમજ ઔદ્યોગિક પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર છે. હુગલીનો આ પટ્ટો 100 જેટલી શણની મિલો ધરાવે છે. શણની મિલો મુખ્યત્વે હુગલીના ડાબા કાંઠે, (1) ભાટપરા-જગતદલ, (2) ટીટાઘર-ખર્દાહ અને બજબજ-બિરલાપુર અને (3) હુગલીના જમણા કાંઠે, (4) ચામ્પદાની અને (5) હાવરા જેવા પાંચ વિભાગોમાં કેન્દ્રિત થયેલી છે. શણ ઉદ્યોગ ઉપરાંત આ ઔદ્યોગિક પટ્ટામાં બીજા પણ અનેક ઉદ્યોગોનો વિકાસ થયો છે.
આ – રાજ્યમાં વિવિધ પ્રકારના કુટિર-ઉદ્યોગો પણ વિકસ્યા છે. આ પૈકી હાથવણાટનું સુતરાઉ તથા રેશમી કાપડ તેમજ – સાડીઓ બનાવવાનો ઉદ્યોગ મહત્વનો છે. પાવરલૂમવાળા પણ કેટલાક એકમો છે. તેનાથી અનેક કુટુંબોને રોજી મળે છે. મુર્શિદાબાદ, રઘુનાથપુરા, બિશ્નુપુર, સોનામુખી, માલ્દા, પુરુલિયા વગેરે આ કુટિર-ઉદ્યોગનાં મુખ્ય કેન્દ્રો છે.
પરિવહન અને પ્રવાસનકેન્દ્રો : આ રાજ્યમાં નદીઓ અને નહેરોના જળમાર્ગો સસ્તી અને ઉત્તમ પરિવહનસેવાઓ પૂરી પાડે છે. રાજ્યના બધા જ પ્રકારના રેલમાર્ગોની કુલ લંબાઈ 5,105 કિમી. જેટલી છે. તેના પર કૉલકાતા, હાવરા, આસનસોલ, સિલ્દાહ, બાન્ડેલ, બર્ધમાન, ખડ્ગપુર, ન્યૂ જલપાઈગુડી વગેરે મુખ્ય રેલમથકો છે. વળી આ રાજ્ય આશરે 65,000 કિમી. લંબાઈના સડકમાર્ગો ધરાવે છે. રાષ્ટ્રીય ધોરી માર્ગોની લંબાઈ લગભગ 3,664 કિમી. જેટલી છે.
કૉલકાતા નજીકનું ડમડમ હવાઈમથક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે હવાઈ સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત બેલુરઘાટ, કૂચબિહાર, માલ્દા, બાગડોગ્રા, પનાગઢ, બેહાલા, બૅરેકપોર, કલાઈકુન્ડા વગેરે અન્ય હવાઈ મથકો છે. કૉલકાતા એ આ રાજ્યનું પ્રથમ ક્રમ ધરાવતું ઘણું જ અગત્યનું બંદર છે. તે પછીના ક્રમે હલ્દિયા બંદર આવે છે, જેનો ઔદ્યોગિક સંકુલ તરીકે વિકાસ કરવામાં આવ્યો છે.
પશ્ચિમ બંગાળને દીર્ઘકાલીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો મળેલો છે, એટલું જ નહિ, પણ તે સાગરદ્વીપ તથા રેતાળ કિનારાથી લઈને છેક ઉત્તરમાંના હિમાલયના ઉત્તુંગ પહાડો જેવાં કુદરતી ભૂમિદૃશ્યો ધરાવે છે, તેથી અહીં અનેક પ્રવાસન કે પર્યટનકેન્દ્રોનો વિકાસ થયેલો છે.
રાજ્યનું પાટનગર કૉલકાતા અનેક જોવાલાયક સ્થળો ધરાવે છે. તેને બાદ કરતાં બાકીના દક્ષિણ ભાગમાં મુખ્યત્વે દીઘાનાં રેતપટ્ટ અને વિહારધામ, બખ્ખાલી સાગરટાપુ-વિહારધામ, સાગરદ્વીપ, સુંદરવન વગેરે દરિયાકાંઠાનાં પ્રવાસનકેન્દ્રો છે. દાર્જીલિંગ, મિરિક, કાલિમ્પોંગ, સંડકફુ, ફાલુત, કુર્સેયોન્ગ, જલદાપરા, દુઆર્સ વગેરે પહાડી વિહારધામો અને હવા ખાવાનાં સ્થળો છે. વળી શાન્તિનિકેતન, અયોધ્યા-ટેકરીઓ, ગૌર અને પાન્ડુઆ, મુકુટમણિપોર અને વિષ્ણુપુર, કામારપુકુર વગેરે અન્ય પર્યટનસ્થળો છે.
વસ્તી અને વસાહતો : આ રાજ્ય ત્રેવીસ જિલ્લામાં વહેંચાયેલું છે. રાજ્યની કુલ વસ્તી 9.03 કરોડ (2022) જેટલી છે. વસ્તીની ગીચતાનું પ્રમાણ દર ચોકિમી. પર સરેરાશ 766 વ્યક્તિઓનું છે, તેમ છતાં અમુક ચોક્કસ વિસ્તારોમાં અનેકગણી ગીચ વસ્તી છે. ફળદ્રૂપ કાંપનાં મેદાનો અને મુખત્રિકોણપ્રદેશમાં તો અતિગીચ વસ્તી જોવા મળે છે, કારણ કે અહીં ખેતી, વ્યાપાર, પરિવહન અને ઉદ્યોગો જેવી આર્થિક પ્રવૃત્તિઓનો સવિશેષ વિકાસ થયેલો છે. કૉલકાતા જિલ્લાની વસ્તી-ગીચતા દર ચોકિમી. પર 31,651, હાવરા જિલ્લાની 2,016, હુગ્લી જિલ્લાની 1,127, ચોવીસ પરગણાંની 759 અને નાદિયા જિલ્લાની 758 વ્યક્તિઓની છે. આ જિલ્લાઓની તુલનામાં પશ્ચિમના પુરુલિયા તથા બાંકુરા જિલ્લાઓમાં તેમજ ઉત્તરના પહાડી જિલ્લાઓમાં વસ્તી-ગીચતાનું પ્રમાણ ઓછું છે.
આ રાજ્યમાં શિક્ષણનું પ્રમાણ 68% જેટલું છે. લોકોની મુખ્ય ભાષા બંગાળી છે. અહીં 13 જેટલી યુનિવર્સિટીઓ અને ઉચ્ચશિક્ષણ માટેની અન્ય સંસ્થાઓ પણ છે. કૉલકાતામાં કલકત્તા, જાદવપુર અને રવીન્દ્રભારતી યુનિવર્સિટીઓ તેમજ અન્ય શિક્ષણસંસ્થાઓ છે. બર્દવાનમાં બર્દવાન; કલ્યાણીમાં કલ્યાણી; ઉત્તર બંગાળમાં સિલીગુરી; શાન્તિનિકેતનમાં વિશ્વભારતી; વિદ્યાસાગરમાં મિદનાપોર યુનિવર્સિટીઓ તેમજ ખડ્ગપુરમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી જેવાં ઉચ્ચશિક્ષણ માટેનાં નોંધપાત્ર કેન્દ્રો છે.
પશ્ચિમ બંગાળમાં એક લાખથી વધુ વસ્તીવાળાં શહેરોની સંખ્યા લગભગ 40થી પણ વધુ છે. રાજ્યમાં શહેરી વસ્તીનું પ્રમાણ આશરે 27.48% (1991) જેટલું છે. પાટનગર કૉલકાતાના શહેરી વિસ્તારની વસ્તી 1,09,16,000 (1991) જેટલી છે. વસ્તીની દૃષ્ટિએ તે ભારતનું બીજા ક્રમે આવતું મહાનગર છે. વળી દુનિયાનાં પ્રધાન દસ મહાનગરો પૈકીનું તે એક ગણાય છે. તે મોટું બંદર હોવા ઉપરાંત રાજ્યનું રાજકીય, ઔદ્યોગિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને વાણિજ્ય-પ્રવૃત્તિઓથી ધમધમતું કેન્દ્ર છે. કૉલકાતામાં જે અનેક જોવાલાયક સ્થળો આવેલાં છે તે પૈકી મુખ્યત્વે રાજભવન, ઈડન ગાર્ડન, ઇન્ડિયન મ્યુઝિયમ, વિક્ટોરિયા મેમોરિયલ, પ્રાણીબાગ, કાલીઘાટ મંદિર, બિરલા પ્લૅનેટોરિયમ, આશુતોષ કલાસંગ્રહાલય, બિરલા ઔદ્યોગિક અને ટૅક્નૉલૉજિકલ સંગ્રહાલય, જાપાનીઝ બૌદ્ધ મંદિર, રમકડાં-રેલગાડી, ન્યૂ માર્કેટ, રવીન્દ્ર સેતુ (હાવરા બ્રિજ) અગત્યનાં છે. કૉલકાતા કવિવર રવીન્દ્રનાથ ટાગોરના જન્મસ્થાન તરીકે પણ પ્રસિદ્ધ છે.
2024ના વર્ષ પ્રમાણે કોલકાતા ઉપરાંત હાવરા 15,29,000 જ્યારે મેટ્રો શહેરની વસ્તી 19,36,000, આસનસોલ 15,34,000, દુર્ગાપુર 7,25,732, ખડગપુર 3,45,000, પાનીહાટી 5,34,000 મેટ્રો શહેરની વસ્તી 1,99,36,000, ભાટપરા 3,83,762 મેટ્રો શહેરની વસ્તી 1,40,35,000, ઓન્ડોલ 89.4 લાખ, કમરહાટી 4,67,000મેટ્રો શહેરની વસ્તી 1,99,36,000, બર્ધમાન, બારાનગર, સિલિગુરી, બર્નપુર વગેરે અન્ય અગત્યની મોટી વસાહતો છે.
ઇતિહાસ : પ્રાચીન સમયમાં આ પ્રદેશ માટે ‘અંગ’ (બિહાર સહિતનો બંગાળનો ભાગ), ‘વંગ’ (પૂર્વ બંગાળ) અને ‘ગૌડ’ એવાં નામો પ્રચલિત હતાં. બંગાળ એ પ્રાગ્-ઐતિહાસિક કાળથી કોઈને પણ કબજો મેળવી સત્તા ભોગવવાની ઇચ્છા થાય એવો ઉપજાઉ પ્રદેશ રહેલો છે. ઍલેક્ઝાન્ડરના આક્રમણ વખતે ત્યાં ગંગાહૃદય તરીકે ઓળખાતા સમર્થ સામ્રાજ્યની આણ હતી. મૌર્ય અને ગુપ્ત વંશનો પ્રભાવ બંગાળ પર નહિવત્ હતો. તે પછી શશાંક બંગાળનો રાજા બનેલો અને સાતમી શતાબ્દીના પૂર્વાર્ધ કાળમાં ઈશાન ભારતમાં તેનું ઘણું વર્ચસ હતું. તે પછી ગોપાલ નામના તેના ઉત્તરાધિકારીએ આઠમી શતાબ્દીમાં પાલ વંશની સ્થાપના કરી. એ વંશના રાજાઓએ બંગાળ અને નજીકના મગધ (દક્ષિણ બિહાર) પર 400 વર્ષ સુધી રાજ્ય કર્યું. તે પછી સેન વંશ સ્થપાયો. આ વંશના વિજયસેન નામના મહાબળવાન રાજાએ મગધથી કામરૂપ (આસામ) સુધી પોતાના રાજ્યનો વિસ્તાર કર્યો. તેરમી સદીના પ્રારંભમાં દિલ્હીના તત્કાલીન સુલતાન મુહમ્મદ ખિલજીએ બંગાળ પર ચડાઈ કરી અને સેન વંશના રાજાઓની રાજધાની નાદિયા(આજનું નવદ્વીપ)માં પ્રવેશ કર્યો. ત્યારપછી અહીં મુસલમાન સુલતાનોનું રાજ્ય શરૂ થયું. સોળમી સદીમાં મુઘલો આવ્યા ત્યાં સુધી અહીં જુદા જુદા મુસ્લિમ રાજાઓએ અને સૂબાઓએ રાજ્ય કર્યું.
આ સમય દરમિયાન ઢાકાની મુલાયમ, બારીક મલમલની તેમજ અન્ય સુંદર કીમતી કાપડની પૂર્વ અને પશ્ચિમ એશિયા તથા યુરોપીય દેશોમાં નિકાસ થતી હતી. અહીંની સમૃદ્ધિ, ખ્યાતિ અને જાહોજલાલીથી અંજાઈને વ્યાપાર પર કાબૂ મેળવવા માટે યુરોપથી અંગ્રેજ તેમજ અન્ય પ્રજાઓ અહીં આવી. તેમણે કૉલકાતા, ચંદ્રનગર અને અન્ય સ્થળોએ પોતાનાં વ્યાપારી થાણાં સ્થાપ્યાં. ઈ. સ. 1757ની પ્લાસીની લડાઈમાં બંગાળના નવાબ સિરાજુદ્દૌલા પર વિજય મેળવી અંગ્રેજ સેનાપતિ ક્લાઇવે ભારતમાં અંગ્રેજ સત્તાનો પાયો નાખ્યો. ઈ. સ. 1857ના બળવા પછી આ પ્રદેશ પરનું દિલ્હીનું વર્ચસ ઘટ્યું. આમ એ વખતે કૉલકાતા સમગ્ર હિન્દુસ્તાનનું બીજા ક્રમનું તત્કાલીન પાટનગર બની રહ્યું. તેનો આ દરજ્જો 1911 સુધી જળવાઈ રહ્યો. 1947માં તેના પશ્ચિમ બંગાળ અને પૂર્વ પાકિસ્તાન એવા બે ભાગલા પડ્યા. 1956માં રાજ્ય પુનર્રચના ધારા હેઠળ કેટલાક બંગાળીભાષી લોકોનો વિસ્તાર પશ્ચિમ બંગાળમાં ભેળવવામાં આવ્યો. 1972માં પૂર્વ પાકિસ્તાન અલગ દેશ તરીકે બાંગ્લાદેશ બન્યું.
અંગ્રેજોની સત્તા હેઠળ આવ્યા પછી અહીં શૈક્ષણિક સંસ્થાઓ સ્થપાતાં લોકો શિક્ષણાભિમુખ બન્યા. પશ્ચિમના આધુનિક વિચારો, સાહિત્ય અને વિજ્ઞાનથી અહીંની પ્રજાનો મોટોભાગ અંજાતો ગયો; શિક્ષણનો પ્રસાર વધ્યો. પાશ્ચાત્ય અસર હેઠળ પોતાનાં સાંસ્કૃતિક વારસા, ધર્મ અને સાહિત્યનું નવું મૂલ્યાંકન અને દર્શન કરનાર એક સુધારક વર્ગ ઊભો થયો. તેમણે હિન્દુ ધર્મમાં તે વખતે ચાલતા કુરિવાજો અને રૂઢિગત માન્યતાઓનું ખંડન કરી સુધારક પ્રવૃત્તિને આગળ ધપાવી. આવા સુધારકોમાં રાજા રામમોહન રાય સર્વપ્રથમ હતા, જોકે રૂઢિવાદી સમાજે તેમનો સખત વિરોધ કર્યો, તેમ છતાં નવા વિચારોનો વ્યાપ વધતો ગયો. આ પછી શ્રી રામકૃષ્ણ પરમહંસે માનવસેવા દ્વારા ઈશ્વરસેવાનો સંદેશ આપ્યો અને તેમના શિષ્ય સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ મિશન જેવી સંસ્થાની પ્રવૃત્તિઓ દ્વારા તેનો પ્રસાર કર્યો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે નવલકથાઓ દ્વારા રાષ્ટ્રીય ઉત્થાનમાં ફાળો આપ્યો, તેમજ ‘વંદે માતરમ્’ જેવા રાષ્ટ્રીય ગીતથી રાષ્ટ્રીય ચેતનાને ઉત્તેજિત કરી. ઓગણીસમી અને વીસમી સદીના સંક્રાંતિકાળે અરવિન્દ ઘોષ, બિપિનચંદ્ર પાલ, સુરેન્દ્રનાથ બૅનરજી જેવા રાષ્ટ્રપરાયણ નેતાઓ આગળ આવ્યા. રવીન્દ્રનાથ ટાગોર જેવા સમર્થ સાહિત્ય-સ્વામીએ સમગ્ર દેશને પ્રેરણાનાં પાન કરાવ્યાં. ભારતની સ્વતંત્રતા માટે ચિત્તરંજન દાસ અને નેતાજી સુભાષચંદ્ર બોઝે લોકજાગૃતિ આણી અને દેશદાઝને ઉત્તેજી, આગળ ધપાવી. બંગાળનાં અનેક નામી-અનામી યુવક-યુવતીઓએ અંગ્રેજો સામેની સ્વાતંત્ર્યચળવળ રૂપે સશસ્ત્ર પ્રવૃત્તિઓ ચલાવી અને પોતાના પ્રાણોની આહુતિ આપીને પણ રાષ્ટ્રગૌરવનું જતન કર્યું.
આમ બંગાળે ઓગણીસમી અને વીસમી સદીના પ્રારંભમાં દેશના લગભગ પ્રત્યેક ક્ષેત્રમાં નેતૃત્વ કર્યું હતું, એટલું જ નહિ, પણ આ પ્રદેશે ભારતના ધાર્મિક, સાંસ્કૃતિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક પુનરુત્થાનમાં અને સ્વાતંત્ર્યસંગ્રામમાં ઘણો મોટો ફાળો આપ્યો હતો. દેશ સ્વતંત્ર થયો અને પ્રાદેશિક ભાગલા પડ્યા ત્યારે સંયુક્ત બંગાળનો પૂર્વ તરફનો મોટો ભાગ પૂર્વ પાકિસ્તાન(આજના બાંગ્લાદેશ)માં ગયો અને બાકીનો પશ્ચિમ-તરફી ભાગ પશ્ચિમ બંગાળ રાજ્ય કહેવાયું. તેમાં પાછળથી કૂચબિહારનું દેશી રજવાડું, ચંદ્રનગરની ફ્રેંચ વસાહત અને બિહાર રાજ્યના બે તાલુકા ભેળવવામાં આવ્યા. ભાગલાને લીધે બંગાળના અર્થતંત્રને માઠી અસર પહોંચી. પરિવહનસેવાઓ પર પણ અસર થઈ. ડાંગર અને શણના મબલખ પાકો આપતી ફળદ્રૂપ કાંપની જમીનો તેમજ સમૃદ્ધ મત્સ્યક્ષેત્રો પૂર્વ પાકિસ્તાનમાં ગયાં. એ પછી લાખો નિરાધાર કુટુંબોએ પૂર્વ ભાગમાંથી પશ્ચિમ બંગાળમાં સ્થળાંતર કર્યું.
આ રાજ્યમાં 1977માં થયેલ વિધાનસભાની ચૂંટણીમાં માર્કસવાદી સામ્યવાદી પક્ષના નેતૃત્વ હેઠળના ડાબેરી મોરચાને બહુમતી પ્રાપ્ત થતાં જ્યોતિ બસુના મુખ્યપ્રધાનપદે સરકાર રચાઈ ત્યારથી 1997માં થયેલ ચૂંટણીમાં સતત પાંચમી વાર આ પક્ષ શાસનનાં સૂત્રો સંભાળી રહ્યો છે જે ભારતના સામ્યવાદીઓ માટે વિક્રમ ગણાય. તે પછી મમતા બેનરજીના તૃણમૂલ કૉંગ્રેસ પક્ષે બહુમતી મેળવીને સરકારની રચના કરી.
બીજલ પરમાર