પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય)

January, 1999

પશ્ચિમ ઘાટ (Western Ghats) (ભૂસ્તરીય) : ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કિનારાની અંદર તરફ 21 ઉ. અક્ષાંશથી 12o ઉ. અક્ષાંશ સુધી અરબી સમુદ્રના કિનારાને લગભગ સમાંતર અખંડિતપણે વિસ્તરેલી સહ્યાદ્રિ પર્વતમાળા. દક્ષિણમાં નીલગિરિ પર્વતોમાં તે ભળી જાય છે અને ત્યાંથી આગળ પાલઘાટના માર્ગને વટાવી અનામલાઈની ટેકરીઓને સ્વરૂપે દ્વીપકલ્પના છેક દક્ષિણ છેડા સુધી ચાલુ રહેતી જણાય છે. તેમની સરેરાશ ઊંચાઈ ઉત્તરમાં 600 મીટર અને દક્ષિણમાં 900 મીટર જેટલી છે. નીલગિરિ પર્વતજૂથમાં ઉટાકામંડનું સૌથી ઊંચું શિખર દોદાબેટા સમુદ્રસપાટીથી 2,652 મીટરની ઊંચાઈ ધરાવે છે.

વિશાળ ગિરિમાળાઓનો પ્રદેશ પશ્ચિમ ઘાટ

પશ્ચિમ ઘાટની ટેકરીઓ ઉત્તર તરફ ક્ષિતિજસમાંતર લાવાસ્તરોથી બનેલી છે, તેમની ખવાણક્રિયાને પરિણામે ઉત્તર તરફ લાક્ષણિક સપાટ શિરોભાગવાળાં સોપાનો બન્યાં છે, તેથી જ તો તેમને ‘ઘાટ’ નામ અપાયું છે. મલબાર પછી આગળ વધતાં નીલગિરિ-અનામલાઈની ટેકરીઓ અરબી સમુદ્ર તરફી ઉગ્ર ઢોળાવવાળી ભેખડોમાં ગોળાકારમાં કે ઊંચાણ-નીચાણવાળી ટેકરીઓના સ્વરૂપમાં ફેરવાતી જાય છે. તેમના સ્થળદૃશ્યમાં થતા આ પ્રકારના ફેરફારો તેમના ભૂસ્તરીય રચના તેમજ ખડકબંધારણના તફાવતોને કારણે ઉદભવેલા છે. મલબારથી દક્ષિણે રહેલો પશ્ચિમ ઘાટનો વિભાગ દખ્ખણના લાવાસ્તરોથી નહિ, પરંતુ આર્કિયન કાળના દળદાર સ્ફટિકમય ખડકોથી બનેલો છે. ભૂસ્તરશાસ્ત્રીઓના મંતવ્ય મુજબ, મલબાર કિનારાને સમાંતર જતો પશ્ચિમ ઘાટનો પશ્ચિમતરફી ભાગ સમુત્પ્રપાત સ્તરભંગ દ્વારા તૈયાર થયેલો છે. તેથી સમુદ્રભેખડોની પરંપરાનું અને ઉગ્ર ઢોળાવનું લક્ષણ જુદું તરી આવે છે. કિનારા સાથેનું તેમનું સમાંતર લક્ષણ એ અનુમાન તરફ દોરી જાય છે કે સમુદ્રમાંથી આ ઘાટનું ઊર્ધ્વગમન થયું હશે, જેને પરિણામે સમુત્પ્રપાતો રચાયા અને પછીથી તેમાં સ્થળદૃશ્યના ફેરફારો થયા.

પશ્ચિમ ઘાટ (ભૌગોલિક) : દ્વીપકલ્પીય ભારતમાં દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશની પશ્ચિમ સીમા પર આવેલી આશરે 1,600 કિલોમીટર લાંબી હારમાળા. તેને સહ્યાદ્રિ નામથી પણ ઓળખવામાં આવે છે. આ હારમાળાની શરૂઆત મહારાષ્ટ્રમાં કુંદાઈબારીથી થાય છે. તે દરિયાકિનારાને લગભગ સમાંતર રહે છે. દરિયાકિનારાથી તેનું અંતર સ્થાનભેદે 32 કિમી.થી 105 કિમી. જેટલું પરિવર્તી રહે છે. આ અંતરવાળો ભૂમિભાગ કોંકણ – અને મલબારની કિનારાપટ્ટી રચે છે. ઉત્તરથી દક્ષિણ તરફ જતાં તે 1,200 મીટરની ઊંચાઈ પ્રાપ્ત કરે છે. પશ્ચિમ ઘાટની આ ટેકરીઓ અંદરના 600 મીટરની ઊંચાઈ ધરાવતા દખ્ખણના લાવાના ઉચ્ચપ્રદેશને કોંકણની કિનારાપટ્ટીથી અલગ કરે છે અને વિભાજક બની રહે છે.

પશ્ચિમ ઘાટના આ પહાડો પર ઘણા ઇતિહાસપ્રસિદ્ધ કિલ્લાઓ આવેલા છે. કુંદાઈબારી ભરૂચ અને દખ્ખણના ઉચ્ચપ્રદેશ વચ્ચે વેપાર માટેની અવરજવરનો મુખ્ય માર્ગ બનાવે છે. આ પહાડોની શ્રેણીમાંથી ઘણી મોટી નદીઓ નીકળે છે અને પૂર્વ તરફ વહીને બંગાળના ઉપસાગરને મળે છે. અહીં થલઘાટ, ભોરઘાટ અને પાલઘાટ નામના ત્રણ મુખ્ય ઘાટ આવેલા છે. મુંબઈ-આગ્રાનો માર્ગ થલઘાટમાં થઈને પસાર થાય છે. અહીં પહાડોનું ઊંચામાં ઊંચું શિખર કલસુબાઈ (Kalsubai) છે, જેની ઊંચાઈ 1,630 મીટર જેટલી છે. મુંબઈ-પુણેનો માર્ગ ભોરઘાટમાંથી પસાર થાય છે. આ બે ઘાટ ઉપરાંત જરસોપા, કોલ્લુર, હોસંગાદી, આગુંબી, બૂંધ, મંજરાબાદ અને વિસાટન નામના નાના નાના ઘાટ પણ આવેલા છે. પશ્ચિમ ઘાટના આ પહાડો નીલગિરિ પાસે ઉચ્ચ સપાટપ્રદેશ રૂપે પૂર્વ ઘાટમાં ભળી જાય છે. આ ઉચ્ચ સપાટપ્રદેશ પર ઉટાકામંડ (ઉટી) નામનું હવા ખાવાનું સ્થળ આવેલું છે. આ વિભાગની સરેરાશ ઊંચાઈ દરિયાકિનારાથી 2,100 મીટર જેટલી છે. નીલગિરિના પહાડોમાં ચાના બગીચાઓ આવેલા છે. નીલગિરિથી દક્ષિણે પાલઘાટ આવેલો છે. તે દરિયાકિનારાથી લગભગ 300 મીટરની ઊંચાઈએ છે અને 25 કિમી. જેટલી પહોળાઈવાળો છે. કેરળ-તામિલનાડુનો વાહનવ્યવહાર પાલઘાટ મારફતે થાય છે. વધુ દક્ષિણ તરફ આ પહાડો ફરીથી ઊંચાઈ પ્રાપ્ત કરે છે અને અહીંથી તે અનામલાઈ પહાડો તરીકે આગળ વધે છે. અહીં પહાડોની હારમાળા પૂર્વ-પશ્ચિમ બંને બાજુના ઢોળાવો રચે છે.

પશ્ચિમ ઘાટના ઉત્તર ભાગમાં માથેરાન-મહાબળેશ્વર ગિરિમથકો આવેલાં છે, ત્યાંની આજુબાજુનાં ભૂમિદૃશ્યો રળિયામણાં છે. પશ્ચિમ ઘાટના જંગલ-વિસ્તારોમાં શિકાર ખેલવાનાં સ્થળો પણ છે. પ્રાચીન સમયથી અવરજવર માટે તે અવરોધરૂપ હોવાથી પશ્ચિમ અને પૂર્વ ભાગોના લોકોની બોલી, રહેણીકરણી વગેરેમાં ઘણો ફેરફાર જોવા મળે છે. પહાડોના કેટલાક ભાગોમાં આદિવાસી જાતિઓ રહે છે.

ગિરીશભાઈ પંડ્યા