પશ્ચિમ ગોદાવરી

January, 1999

પશ્ચિમ ગોદાવરી : આંધ્રપ્રદેશ રાજ્યના 26 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : આ જિલ્લાની પૂર્વે ગોદાવરી નદી, પશ્ચિમે એલુરુ જિલ્લો, ઉત્તરે રાજાહમુન્દ્રી અને ક્રિશ્ના જિલ્લો તેમજ બંગાળનો ઉપસાગર આવેલા છે.

ગોદાવરી નદીના તીરે વસેલાં તીર્થધામોનું એક દૃશ્ય

આ જિલ્લાની ભૂમિ સમતળ પરંતુ થોડી ઢોળાવવાળી છે. તે પૂર્વઘાટની ટેકરીઓ અને બંગાળના ઉપસાગરની વચ્ચે આવેલો છે. ગોદાવરી નદીના પશ્ચિમ મુખત્રિકોણપ્રદેશમાં મોટા ભાગના વિસ્તારનો સમાવેશ થાય છે. આ જિલ્લામાંથી ગોદાવરી, યેરાકાલુવા અને તમ્મીલેરુ (Tammileru) નદીઓ વહે છે. જેનો વહનમાર્ગ પ્રમાણમાં ટૂંકો છે.

અહીંની આબોહવા પ્રમાણમાં સમધાત છે. આ જિલ્લામાં ઉનાળાનું સરેરાશ તાપમાન 36.2 સે. જ્યારે શિયાળાનું સરેરાશ તાપમાન 19 સે. રહે છે. અહીં મોટે ભાગે વરસાદ નૈર્ઋત્ય અને ઈશાન દિશાથી ફૂંકાતા પવનોને કારણે પ્રાપ્ત થાય છે. નૈર્ઋત્યના પવનો આશરે 794 મિમી. અને ઈશાની પવનો 312 મિમી. જેટલો વરસાદ આપે છે. નદીઓ તીવ્ર ઢોળાવ ધરાવતી હોવાથી ત્યાં બંધ નિર્માણ કરીને પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. અહીં અર્થુર (Arthur) કોટન આડ બંધ, એલુરુ નહેર, વિજયારી, અનીકટ, તામ્મીલેરુ, જાલેરુ અને પેરાકલુઆ જળાશયો આવેલાં છે, જે સિંચાઈ માટે ઉપયોગી બન્યાં છે.

અર્થતંત્ર : અહીંના અર્થતંત્રમાં ખેતીનો ફાળો સૌથી વધુ છે. ફળદ્રૂપ જમીન અને સિંચાઈના પાણીના મહત્તમ ઉપયોગથી અહીં ખેતીનો વિકાસ વધુ થયો છે. ખેતીકીય પાકોમાં બાજરી, જુવાર, ડાંગર, તલ, શેરડી, તમાકુ અને નાળિયેરી મુખ્ય છે. પરંતુ ખેડૂતો વધુ પ્રમાણમાં ડાંગર, કેળાં, શેરડી અને નાળિયેરની ખેતીમાં વધુ રસ લે છે. ખેતી સાથે પશુપાલન વ્યવસાય સંકળાયેલો છે. પરિણામે દૂધની આડપેદાશોને આધારે ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. સમુદ્રકિનારે અને નદીઓના મુખપ્રદેશમાં મચ્છીમારીની પ્રવૃત્તિ વધુ વિકસેલી છે. અહીં મીઠા પાણીના અને ખારા પાણીના મત્સ્ય મળી રહે છે. બાગાયતી ખેતીમાં કાજુ, કેરી અને તમાકુના પાકને વધુ પ્રાધાન્ય અપાયું છે. અહીં રાજ્ય અને જિલ્લાની સહાયને આધારે કન્સ્ટ્રક્શન, ઇલેક્ટ્રિક, સંદેશાવ્યવહાર વગેરેના ઔદ્યોગિક એકમો ઊભા થયા છે. ઊની ઉદ્યોગો અને ચર્મ ઉદ્યોગના એકમો જે કુટિર ઉદ્યોગો સ્વરૂપે આવેલા છે. અહીં વાસણો, કાર્પેટ, રેડીમેઇડ વસ્ત્રો બનાવવાનાં કારખાનાં પણ આવેલાં છે.

આ જિલ્લાના નાગરિકોનો સામાજિક આર્થિક વિકાસ થાય તે હેતુથી ODOP (One District one Product) યોજનાનો પ્રારંભ કરાયો છે. આ જિલ્લામાં આવેલ નરસાપુર ગામની સ્ત્રીઓ પાસે કુદરતી રીતે અદભુત કલા પરંપરાગત રીતે પ્રાપ્ત થયેલી છે. તેઓ સુંદર રીતે ગૂંથેલી દોરીથી ભરતગૂંથણવાળી વિવિધ વસ્તુઓ બનાવે છે. નારંગી, લીલા, વાદળી વગેરે ગૂંથેલી દોરીનો ઉપયોગ કરે છે. વિશ્વમાં આ હસ્તકલા ખૂબ જાણીતી બની છે. આથી તેને GI (Geographical tag) મેળવેલ છે. આ પ્રકારની વસ્તુઓ બીજા કોઈ દેશમાં ઉત્પાદિત ન થાય તે હેતુ રહેલો છે. તેઓ ચાદરો, ઓશિકાનાં કવરો, ટેબલક્લૉથ, મોબાઇલ ફોનનાં કવરો, બટવા વગેરે બનાવે છે. અહીંની બનેલી વિવિધ હસ્તકલાની વસ્તુઓની વિદેશમાં ખૂબ નિકાસ થાય છે.

વસ્તી : આ જિલ્લાનો વિસ્તાર 2,178 ચો.કિમી. જ્યારે વસ્તી 17,79935 (2011) છે. અહીં ગામડાંઓની સંખ્યા 293 છે. જેમાંથી 02 ગામમાં વસ્તી નહિવત રહેલી છે.

ભીમાવરમ જે જિલ્લામથક છે. તે 16 54´  ઉ. અ. અને 81 52´ પૂ. રે. પર આવેલું છે. આ શહેરનો વિસ્તાર 25.64 ચો.કિમી. જ્યારે વસ્તી 1,63,875 (2011) છે.  આ શહેર સમુદ્ર સપાટીથી 7 મીટર ઊંચાઈ ધરાવે છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 1031 સ્ત્રીઓ છે. એટલે કે પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ અધિક છે. સાક્ષરતાનું પ્રમાણ 83.41% છે. શહેરી વસ્તીનું પ્રમાણ 73% છે.

ગોદાવરી નદીના મુખત્રિકોણનો પ્રારંભ આ શહેરથી થાય છે. આંધ્રપ્રદેશ રાજ્યનું સૌથી મોટું ડાંગરનું બજાર છે. અહીં ખેતપેદાશોની મહત્તમ ખરીદ-વેચાણ થાય છે. ડાંગર છડવાની મિલો, ખાંડની મિલો, ખાદ્યપ્રકમણ વગેરે છે. વેપાર-વાણિજ્યનું મથક હોવાથી વસ્તીગીચતા વધુ છે.  KLM, DMart વગેરે મોટા મૉલ અહીં આવેલા છે.

આ શહેરમાં 202 કિમી. લંબાઈ ધરાવતા રસ્તાઓ આવેલા છે. જે રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 216 સાથે સંકળાયેલા છે. રાજ્ય પરિવહનની બસોનું મુખ્ય મથક છે. ખાનગી બસો, ટૅક્સી, રિક્ષા વગેરેની સગવડ છે. તે દક્ષિણ રેલવિભાગનું મુખ્ય જંકશન છે. આ જંકશન જેનો ‘NSG–4’ પ્રકારમાં સમાવેશ થાય છે. જે હાવરા–કૉલકાતા રેલમાર્ગ સાથે સંકળાયેલ છે. અહીંથી પસાર થતી ટ્રેનો વિજયવાડા, વિશાખાપટ્ટનમ્, તિરુપતિ, બૅંગાલુરુ, ચેન્નાઈ, નેલ્લોર, હૈદરાબાદ જેવાં મોટા શહેરોને સાંકળે છે. અહીંનું સૌથી નજીક આવેલું હવાઈ મથક રાજાહુમાન્દ્રી છે. જે આશરે 80 કિમી.ના અંતરે આવેલું છે.

આ શહેરમાં રાજ્ય હસ્તક અને ખાનગી પ્રાથમિક, માધ્યમિક શાળાઓ આવેલી છે. શિક્ષણનું માધ્યમ અંગ્રેજી અને તેલુગુ ભાષા છે. આ સિવાય એન્જિનિયરિંગ, ડેન્ટલ, એજ્યુકેશન, આર્ટ્સ, કૉમર્સ, સાયન્સ કૉલેજો પણ આવેલી છે. ગાંધી વરાલક્ષ્મી વેંકટારાવ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજી સંસ્થા વધુ જાણીતી છે.

આ શહેરમાં ગુણપુઆડી સોમેશ્વર મંદિર, શિવલિંગમ્ મંદિર વગેરે મંદિરો આવેલાં છે. તેલુગુ સિનેમા ઉદ્યોગના ત્રિવિક્રમ – શ્રીનિવાસ, શિવાજી રાજા, પેનમસ્તા સુબ્બારાજુ, સુનિલ, પ્રભાસ અને રાજા રવીન્દ્ર કેન્દ્રો આવેલાં છે.

ભીમાવરમ ઉપર ચૌલા રાજાઓનું પ્રભુત્વ હતું. ઉત્તર પેડાવેગી નામના ગામમાં બૌદ્ધકાલીન સ્થાપત્યનાં પ્રસિદ્ધ ખંડિયરો જોવાલાયક છે.

ભીમાવરમનો અર્થ ‘ભીમ તરફથી મળેલી ભેટ’ થાય. ઈ. સ. 890–1918ના સમયગાળામાં ચાલુક્ય ભીમા રાજાએ અહીં શિવમંદિર બંધાવ્યું હતું. ત્યારથી આ શહેર ભીમાપુરમ તરીકે ઓળખાતું હતું. તેલુગુ ભાષામાં ‘પુરમ’(Puram)નો અર્થ ‘રહેઠાણ’ જ્યારે ‘વરમ’(Varam)નો અર્થ ‘સત્તા’ થાય છે. એટલે કે ‘ભીમરાજાની સત્તા’ એમ કહી શકાય.

ગિરીશભાઈ પંડ્યા

નીતિન કોઠારી