પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

January, 1999

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા : ઑસ્ટ્રેલિયા ખંડના પશ્ચિમ ભાગમાં આવેલું રાજ્ય. ઑસ્ટ્રેલિયાનાં બધાં રાજ્યોમાં ક્ષેત્રફળની દૃષ્ટિએ તે સૌથી મોટું રાજ્ય છે.

તેનો કુલ વિસ્તાર આશરે 25,25,500 ચોકિમી. જેટલો છે, જે સમગ્ર ખંડનો લગભગ 2 ભાગ આવરી લે છે. આશરે 13oથી 35o દ. અક્ષાંશ અને 112o થી 127o પૂ. રેખાંશ વચ્ચે વિસ્તરેલા આ રાજ્યની ઉત્તર-દક્ષિણ મહત્તમ લંબાઈ 2,315 કિમી. તથા પૂર્વ-પશ્ચિમ મહત્તમ પહોળાઈ 1,600 કિમી. જેટલી છે. તેની પશ્ચિમે હિન્દી મહાસાગર, ઉત્તરે તેના ભાગ રૂપે તિમોર સમુદ્ર, દક્ષિણ ગ્રેટ ઑસ્ટ્રેલિયન બાઇટ (પહોળો ઉપસાગર) તથા પૂર્વમાં નૉર્ધર્ન ટેરિટરી અને દક્ષિણ ઑસ્ટ્રેલિયા રાજ્યની સીમાઓ આવેલાં છે. આ ઉપરાંત કિનારાના ભાગો નજીક નાના નાના અનેક ટાપુઓ આવેલા છે.

ભૂપૃષ્ઠ : કિનારાનાં સાંકડાં મેદાનોને બાદ કરતાં રાજ્યનો મોટા ભાગનો લગભગ બધો જ વિસ્તાર સરેરાશ 250થી 600 મીટરની ઊંચાઈ ધરાવતા ઉચ્ચપ્રદેશોથી બનેલો છે. તેના પર કેટલીક પર્વતીય હારમાળાઓ પણ વિસ્તરેલી છે. આ ઉચ્ચપ્રદેશ પ્રી-કેમ્બ્રિયન યુગના પૂર્વાર્ધકાળ-આર્કિયોઝૉઇક યુગના નાઈસ અને શિસ્ટ જેવા સ્ફટિકમય તળખડકોથી રચાયેલા ‘ઑસ્ટ્રેલિયન ભૂકવચ’(Australian shield)ના એક ભાગરૂપ છે, જેના પર ઘણા લાંબા ભૂસ્તરીય કાળ સુધી કોઈ પણ પ્રકારનાં ભૂગર્ભીય પ્રતિબળોની અસર થયેલી નથી, તેમ છતાં પાણી અને પવન જેવાં બાહ્ય પરિબળો સક્રિયપણે કાર્યરત રહેવાથી કેટલીક જગાઓમાં ઉચ્ચપ્રદેશની સપાટી ઘસાઈને નીચી બનેલી છે. કિનારા તરફના ભાગોમાં ઊંડી નદીખીણો તેમજ રાજ્યના અંતરિયાળ ભાગોમાં રેતીના ઢૂવાની તથા મુદતી જળવાળાં કે શુષ્ક બની જતાં ઘણાં ખારાં સરોવરોની રચના થયેલી જોવા મળે છે.

પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

રાજ્યના છેક ઉત્તરભાગમાં કિમ્બર્લી ઉચ્ચપ્રદેશ અને તેની પડખે કિંગ લિયોપોલ્ડ હારમાળાના પહાડી વિસ્તારો આવેલા છે. ત્યાં આવેલું માઉન્ટ ઑર્ડ નામનું શિખર 936 મીટર ઊંચાઈ ધરાવે છે. આ પ્રદેશમાં ઑર્ડ અને ફિત્ઝરૉય નદીઓએ ઊંડી ખીણો બનાવી છે. ત્યાંથી દક્ષિણ તરફના અંદરના ભાગોમાં ગ્રેટ સૅન્ડી ગિબ્સન અને ગ્રેટ વિક્ટોરિયાના વિશાળ શુષ્ક રણપ્રદેશો વિસ્તરેલા જોવા મળે છે. રાજ્યની છેક દક્ષિણે આવેલું ચૂનાયુક્ત બંધારણવાળું નલારબોરનું વિશાળ મેદાન, ગ્રેટ ઑસ્ટ્રેલિયન બાઇટના કિનારા પરથી કરાડ સ્વરૂપે 60 મીટરની ઊંચાઈએ ઉત્થાન પામેલું જોવા મળે છે. આ મેદાન જળવિહીન અને વનસ્પતિવિહીન છે.

રાજ્યના વાયવ્યભાગમાં આવેલી હેમર્સ્લી હારમાળાનું માઉન્ટ બ્રુસ શિખર 1,227 મીટર ઊંચાઈ ધરાવે છે. તેની દક્ષિણમાં રૉબિન્સન હારમાળા વિસ્તરેલી છે. આ ભાગમાં ડી ગ્રે, ફૉર્ટેસ્ક્યુ, ઍશબર્ટન, ગૅસ્કોયને અને મરચિસન વગેરે નદીઓ વહે છે. અનિયમિત જળપુરવઠો ધરાવતી આ નદીઓ પશ્ચિમ તરફ વહીને હિન્દી મહાસાગરને મળે છે. છેક નૈર્ઋત્ય ખૂણામાં કિનારાને સમાંતર ડાર્લિંગ હારમાળા વિસ્તરેલી છે. આ ભાગની અગત્યની નદી સ્વાન (swan) છે.

આબોહવા : આ રાજ્ય આબોહવાની દૃષ્ટિએ વિવિધતાવાળું છે. અહીં મુખ્યત્વે ત્રણ પ્રકારની આબોહવા પ્રવર્તતી જોવા મળે છે : (1) રાજ્યના લગભગ મધ્ય ભાગમાં થઈને મકરવૃત્ત પસાર થાય છે. સામાન્ય ભૌગોલિક નિયમ મુજબ, જ્યાં અયનવૃત્તો આવેલાં હોય, ત્યાં બધા જ ભૂમિખંડોના પશ્ચિમ ભાગો ગરમ અને સૂકા પટ્ટા હેઠળ આવે છે. આ રાજ્ય ઑસ્ટ્રેલિયા ખંડની પશ્ચિમે આવેલું છે, તેથી તેના મોટા ભાગના વિસ્તારોમાં રણ પ્રકારની ગરમ આબોહવા પ્રવર્તે છે. જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 30 સે.થી વધુ અને જુલાઈ માસનું સરેરાશ તાપમાન 10 સે.થી 20 સે.ની વચ્ચે રહે છે. માર્બલ બાર (Marble Bar) ખાતે સૌથી ઊંચું તાપમાન 49.5 સે. નોંધાયેલું છે. આ પ્રદેશમાં વાર્ષિક અને દૈનિક તાપમાનનો ગાળો વિશેષ રહે છે. રણ પ્રકારની ગરમ આબોહવાવાળા આ ભાગો માત્ર 50 મિમી. જેટલો જ વાર્ષિક વરસાદ મેળવે છે. મોટે ભાગે દિવસ દરમિયાન વાવંટોળને કારણે વાતાવરણ ધૂળિયું રહે છે. (2) ઉત્તર તરફના તિમોર સમુદ્રકાંઠાના થોડાક વિસ્તારોમાં ગરમ ભેજવાળા ઉનાળા અને ઠંડા શુષ્ક શિયાળાવાળી સૅવાના (Savanna) પ્રકારની આબોહવા પ્રવર્તે છે. ઉત્તરના ઉષ્ણકટિબંધીય સમુદ્રોમાં ઉદભવેલા વાયવ્ય કોણીય મોસમી પવનો અને તિમોર સમુદ્રમાંથી ઉત્પન્ન થયેલા ‘વિલી વિલી’ નામથી ઓળખાતા ચક્રવાતો ભેગા મળીને આ ભાગોમાં ઉનાળામાં ગાજવીજ સાથે મુશળધાર વરસાદ પાડે છે. (3) નૈર્ઋત્ય ઑસ્ટ્રેલિયાનો સ્વાનલૅન્ડ વિસ્તાર પશ્ચિમિયા પવનો અને ચક્રવાતો દ્વારા શિયાળામાં વરસાદ મેળવે છે. અર્થાત્, ત્યાં ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા પ્રવર્તે છે. અહીં વરસાદનું પ્રમાણ 500-1,000 મિમી. જેટલું રહે છે.

વનસ્પતિ : નીલગિરિ (eucalyptus) એ ઑસ્ટ્રેલિયાની મૂળ મુલકી વનસ્પતિ છે. તેની 400થી 500 જેટલી જાતો છે. તે જુદી જુદી પરિસ્થિતિ અનુસાર નાની ઝાડીથી માંડીને ખૂબ ઊંચા વૃક્ષસ્વરૂપે જોવા મળે છે. એવી જ રીતે અહીં બાવળની પણ અનેક જાતો થાય છે. રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં પ્રવર્તતી ભૂમધ્ય પ્રકારની આબોહવામાં અન્ય વનસ્પતિની સાથે સાથે ઊંચાં નીલગિરિ વૃક્ષોનાં ગીચ જંગલો છવાયેલાં છે. તેમાં કારી (Karri) અને જારાહ (Jarrah) જેવી તેની જાતો કીમતી ઇમારતી લાકડું આપે છે. આ સિવાય થોડાક ઓછા વરસાદવાળા ભાગોમાં યૉર્ક ગમ, વ્હાઇટ ગમ, રેડ ગમ જેવી અન્ય જાતો પણ થાય છે. અંદર તરફના ભાગોમાં આવેલા રણપ્રદેશ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટે છે. ત્યાં નીલગિરિની ઠીંગણી જાત કે જે ‘માલી’ (mallee) તરીકે ઓળખાય છે તેનાં તેમજ ‘બ્રિગેલો’ (brigalow) અને ‘મુલ્ગા’ (mulga) નામની બાવળની જાતોનાં ઝાંખરાળાં જંગલો છવાયેલાં છે.

ઓછા ભેજવાળી અને રેતાળ ભૂમિમાં પણ ઊગતાં નીલગિરિ જેવાં વૃક્ષો અને વનસ્પતિનો પ્રદેશ, પશ્ચિમ ઑસ્ટ્રેલિયા

ઉત્તર તરફના કિમ્બર્લી ક્ષેત્રમાં કિનારાના વધુ વરસાદવાળા વિસ્તારોમાં નીલગિરિ વૃક્ષોની વચ્ચે વચ્ચે ઘાસનાં મેદાનો પથરાયેલાં છે; પણ અહીંની અંદરના ભાગો તરફ જતાં વરસાદના ઘટતા પ્રમાણ સાથે ઘાસનું પ્રમાણ વધતું જાય છે, જ્યારે વૃક્ષોનું પ્રમાણ ઓછું થતું જાય છે. આ પ્રદેશ સૅવાના તરીકે ઓળખાય છે. તે વર્ષા ઋતુમાં લીલોતરીવાળો બની રહે છે, જ્યારે બાકીના સમયગાળામાં સૂકોભઠ્ઠ થઈ જાય છે. મધ્યના રણપ્રદેશમાં 125 મિમી. જેટલો વરસાદ પડે છે ત્યાં રેતીના ઢૂવાઓ પર નાગફણી નામની કાંટાળી વનસ્પતિ(spinifex)ની ઝાડી અને નાના થડબાવળ જેવાં ઝાંખરાં તેમજ ખારાં સરોવરોની આસપાસ સૉલ્ટ-બુશ (salt-bush) નામની વનસ્પતિ થાય છે.

ખેતી અને આર્થિક પ્રવૃત્તિ : રાજ્યના નૈર્ઋત્ય ખૂણામાં જ્યાં ભૂમધ્ય સમુદ્ર પ્રકારની આબોહવા પ્રવર્તે છે, ત્યાં મોટાભાગની આર્થિક પ્રવૃત્તિઓ કેન્દ્રિત થયેલી છે. રાજ્યના પાટનગર પર્થથી ઑગસ્ટા સુધી લંબાયેલાં કિનારાનાં સાંકડાં મેદાનો 1,000 મિમી. જેટલો વરસાદ મેળવે છે. અહીં લીલુંછમ ઘાસ ઊગી નીકળે છે, તેથી દુધાળાં ઢોરનો ઉછેર કરીને ડેરીપેદાશો મેળવાય છે. આ પ્રદેશમાં દ્રાક્ષ, નારંગી, લીંબુ, સફરજન જેવાં ફળો અને બટાટાનું ઉત્પાદન તેમજ અંજીર, ઑલિવ, પીચ, પ્લમ (દા. ત. રાસબરી), અખરોટ, શેતૂર વગેરેનું સ્થાનિક વપરાશ માટે ઉત્પાદન લેવામાં આવે છે. કિનારાથી અંદરના ભાગો તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે ત્યાં આશરે 500 મિમી.ની સમવર્ષા રેખાવાળા વિસ્તારમાં ઘઉંની ખેતીનો પટ્ટો વિસ્તરેલો છે. આ પટ્ટામાં ઘેટાંઉછેર પણ કરવામાં આવે છે. કિનારાનાં બંદરો પર ગોદામોની સગવડો છે, ત્યાંથી ઘઉંની અને તેના લોટની નિકાસ થાય છે. ઉત્તરના કિમ્બર્લી વિસ્તારમાં પશુપાલન માટે ઘાસના ગોચર પ્રદેશો આવેલા છે. અહીં ગાયો અને વાછરડાંને હૃષ્ટપુષ્ટ બનાવીને છેવટે વાઇન્ડહૅમ બંદરના કતલખાને લાવવામાં આવે છે. વર્ષના ચાર માસમાં આશરે 35 હજાર ઢોરની કતલ થાય છે અને તેમાંથી 6,000 ટન ઠારેલા માંસની નિકાસ કરવામાં આવે છે.

ખનિજસંપત્તિ : આ રાજ્યનું ભૂસ્તર અતિપ્રાચીન સ્ફટિકમય ખડકોનું બનેલું છે; જેમાંથી સોનું, લોખંડ, નિકલ અને બૉક્સાઇટ જેવાં તથા યુરેનિયમનાં ધાતુખનિજો મળી રહે છે. આ ઉપરાંત અહીંથી થોડા પ્રમાણમાં કોલસો અને કુદરતી વાયુ પણ મળે છે. આ રાજ્યમાં સૌરશક્તિથી મીઠું પણ તૈયાર કરવામાં આવે છે. મોટાભાગના મીઠાની જાપાન ખાતે નિકાસ થાય છે. હિન્દી મહાસાગરના અહીંના કંઠાર પ્રદેશોમાંથી ભૌતિક સંકેન્દ્રણક્રિયાથી તૈયાર થયેલી ઇલ્મેનાઇટ રેતીનો જથ્થો પણ ઉપલબ્ધ થાય છે.

સોનું આ રાજ્યની અગત્યની ખનિજસંપત્તિ ગણાય છે. કાલગુર્લી, કુલગાર્ડી, વિલુના, લેવર્ટન, લિયોનારા, નૉર્સમૅન વગેરે અગત્યનાં સુવર્ણક્ષેત્રો છે. અહીં બધી થઈને 20 જેટલી સોનાની ખાણો છે, જે સૂકા પ્રદેશમાં આવેલી છે. આ આર્થિક પ્રવૃત્તિને ટકાવી રાખવા પર્થ નજીકના એક બંધમાંથી કાઢવામાં આવેલી 640 કિમી. લાંબી પાઇપલાઇન દ્વારા કુલગાર્ડી અને કાલગુર્લી નગરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે. રાજ્યના પાટનગર પર્થથી ઉત્તરમાં પિલ્બારા ખાતે તેમજ કિનારાના ટાપુઓમાં લોહખનિજોનાં ક્ષેત્રો આવેલાં છે. પૉર્ટ હેડલૅન્ડ મારફતે અહીંનાં લોહખનિજોની અન્ય રાજ્યોમાં નિકાસ થાય છે.

ઉદ્યોગો : પર્થની આસપાસના પ્રદેશમાં દ્રાક્ષની સુકવણીના, ફળોના મુરબ્બા બનાવવાના, ફળોના રસને હવાચુસ્ત ડબ્બાઓમાં પૅક કરવાના અને દ્રાક્ષમાંથી દારૂ બનાવવાના ઉદ્યોગો વિકસ્યા છે. પર્થમાં સાબુ, અનાજ દળવાના, બેકરી તથા વપરાશી ચીજવસ્તુઓને લગતા ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. નજીકના ક્વિનાનામાં સારો ઔદ્યોગિક વિકાસ સધાયો છે. તે આયાતી કાચા ખનિજતેલના શુદ્ધીકરણનું સૌથી મોટું અને અદ્યતન કારખાનું ધરાવે છે. આ ઉપરાંત અહીં નિકલનું ધાતુ-શુદ્ધીકરણનું કારખાનું અને સ્ટીલ-રોલિંગ મિલ પણ આવેલાં છે. પિંજારા ખાતે બૉક્સાઇટમાંથી ઍલ્યુમિના બનાવવાનું ઔદ્યોગિક એકમ પણ છે.

પરિવહન : રાજ્યનું પાટનગર પર્થ બંદર હોવા ઉપરાંત રેલ, સડક અને હવાઈ માર્ગનું કેન્દ્ર પણ છે. ગેરાલ્ડટન, ફ્રીમેન્ટલ, પૉર્ટ હેડલૅન્ડ, વાઇન્ડહૅમ વગેરે નાનાંમોટાં અન્ય બંદરો છે. આ બધાં બંદરો મારફતે રાજ્યનો આંતરિક વેપાર ચાલે છે. ફ્રીમેન્ટલ બંદર પર વિશાળ કદનાં જહાજો લાંગરી શકાય છે, તેથી તે રાજ્યના આયાત-નિકાસ વેપારનું મહત્વનું કેન્દ્ર બની રહ્યું છે. રાજ્યમાં ‘પર્થઍડેલેડ રેલમાર્ગ’ અને તેને સમાંતર આવેલો ધોરી માર્ગ સૌથી વધુ અગત્ય ધરાવે છે; કારણ કે આ બંને ભૂમિમાર્ગો ઑસ્ટ્રેલિયાના પશ્ચિમ કિનારાને ખંડના બાકીના ભાગો સાથે સાંકળવાનું કાર્ય કરે છે. સુવર્ણક્ષેત્રો પણ આ માર્ગો સાથે જોડાયેલાં છે. આ ઉપરાંત પર્થથી ઉત્તર તરફ લંબાયેલા બે ધોરી માર્ગો પૈકીનો એક કિનારાનાં બંદરોને સાંકળતો ફિત્ઝરૉય ક્રૉસિંગ થઈને વાઇન્ડહૅમ સુધી જાય છે, જ્યારે બીજો માર્ગ માઉન્ટ મૅગ્નેટ, મીકાથર્રા (Meekatharra) અને માર્બલ બાર થઈને કિનારાના ધોરી માર્ગ સાથે જોડાઈ જાય છે. આ રાજ્યમાં દૂરનાં અંતરો પાર કરવા માટે હવાઈ સેવાઓ આશીર્વાદરૂપ પુરવાર થઈ છે. પર્થના આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ઉપરાંત કાલગુર્લી, કાર્નારવન (Carnarvon), ઓન્સ્લો, પૉર્ટ હેડલૅન્ડ, ડર્બી, વાઇન્ડહૅમ વગેરે અન્ય હવાઈ મથકો છે.

વસ્તી : આ રાજ્યની કુલ વસ્તી આજે લગભગ 27 લાખ જેટલી છે (2022). ગરમ તથા શુષ્ક રણ પ્રકારની વિષમ આબોહવા ધરાવતા આ રાજ્યના મોટાભાગના વિસ્તારો વસ્તીવિહીન છે. આશરે 80% વસ્તી શહેરી છે અને પાટનગર પર્થ તેમજ તેની આસપાસનાં ખેતી તથા પશુપાલન-ક્ષેત્રોમાં, વ્યાપારી બંદરોમાં તથા ખાણવિસ્તારોમાં કેન્દ્રિત થયેલી છે. આ રાજ્યમાં વસતા લગભગ 22,000 આદિવાસીઓ પૈકીના અર્ધા ભાગના લોકો તેમને ફાળવેલા અનામત ગ્રામીણ વિસ્તારોમાં વસવાટ કરે છે. પાટનગર પર્થ [વસ્તી 21 લાખ (2024)]  જ્યારે શહેરની વસ્તી 18 લાખ (2024) રાજ્યનું મહત્ત્વનું વહીવટી અને સાંસ્કૃતિક કેન્દ્ર છે. તે બે યુનિવર્સિટીઓ અને એક તકનીકી સંસ્થા ધરાવે છે.

ઇતિહાસ : સત્તરમી સદીની શરૂઆતમાં દરિયાઈ માર્ગે ઈસ્ટ ઇન્ડીઝ ટાપુઓ તરફ જતાં ડચ વ્યાપારી જહાજોએ પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના કિનારાની મુલાકાત લીધી હતી અને 1628માં ડચ નાવિકોએ તેના નકશા પણ બનાવ્યા હતા પરંતુ આ પ્રદેશના કિનારાની પ્રતિકૂળ ભૌગોલિક પરિસ્થિતિને લીધે તેમણે આ પ્રદેશ પ્રત્યે બહુ રસ દાખવેલો નહિ. આશરે 200 વર્ષ પછી આ ભૂમિખંડમાં બ્રિટને વસાહતો સ્થાપી. ફ્રેન્ચ લોકો પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના પ્રદેશ પર વસાહત ઊભી કરે તે ખ્યાલથી તેના મેલવિલે (Melville) ટાપુ પર તથા આલ્બેની અને પર્થ ખાતે લશ્કરી થાણાં સ્થાપવામાં આવ્યાં. 1829માં કપ્તાન – જેમ્સ સ્ટર્લિંગે (James Stirling) પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના નૈર્ઋત્ય ખૂણામાં સ્વાન નદીને કાંઠે સર્વપ્રથમ નાગરિક વસાહતની સ્થાપના કરી. 1839માં પશ્ચિમ ઑસ્ટ્રેલિયાની વસ્તી માત્ર 2,150 જેટલી જ હતી. મજૂરોની ખેંચને પહોંચી વળવા બ્રિટિશ સરકારે કેદીઓ ભરેલું જહાજ ઈ. સ. 1850માં સીધું જ અહીં મોકલ્યું. આ દરમિયાન આ પ્રદેશની વસ્તી 6,000 જેટલી થઈ હતી. 1868 સુધીમાં કેદીઓ અને મુક્ત વસાહતીઓ મળીને તેની વસ્તીનો આંક 25,000 સુધી પહોંચ્યો હતો. આ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ સરકાર (local self government) પદ્ધતિ સુધીનો રાજકીય વિકાસ કરવામાં કેદી વસાહતીઓએ જ ખરો ભાગ ભજવ્યો હતો. આ પછી અંશત: પ્રતિનિધિત્વ ધરાવતી સરકાર રચાઈ. ત્યારે પશ્ચિમ ઑસ્ટ્રેલિયામાં 6.9 લાખ ઘેટાં તથા 45 હજાર જેટલાં ઢોર હતાં; પરંતુ આ રાજ્યનો ખરો વિકાસ તો 1887માં તેનાં સુવર્ણક્ષેત્રોની શોધ પછીથી જ શરૂ થયો. 19મી સદીના અંત સુધીમાં તો તેની વસ્તી 1,80,000 જેટલી થઈ ચૂકી હતી. ખેતી હેઠળની જમીનમાં ત્રણગણો તેમજ રેલમાર્ગોની લંબાઈમાં આઠગણો (269 કિમી.માંથી 2,168 કિમી.) વધારો થયો. છેલ્લાં સો વર્ષમાં રાજ્યનો વિકાસ જેમ જેમ થતો ગયો તેમ તેમ તેની વસ્તી પણ વધતી ગઈ છે.

બીજલ પરમાર