પશ્ચાત્–સ્ફુરણ (phosphorescence) : ખનિજોમાં જોવા મળતી પ્રકાશીય ઘટના. કુદરતમાં મળતાં કેટલાંક ખનિજો ગરમ કર્યા પછીથી, ઘસ્યા પછીથી અથવા સૂર્યપ્રકાશમાં કે એક્સ-કિરણોમાં કે પારજાંબલી કિરણોમાં કે વીજવિકિરણમાં રાખ્યા પછીથી દૃશ્ય પ્રકાશનું ઉત્સર્જન કરે છે. આ ઘટના પશ્ચાત્-સ્ફુરણ તરીકે ઓળખાય છે, તેને સ્ફુરસંદીપ્તિ પણ કહેવાય છે.
ફ્લોરસ્પાર ખનિજના અમુક પ્રકારોનું ચૂર્ણ કરીને તેને 150o C સુધી ગરમ કરવામાં આવે તો તેજસ્વી પ્રકાશવાળું બનીને તે ઝળહળી ઊઠે છે. આ ખનિજના જુદા જુદા પ્રકારો જુદા જુદા રંગવાળો પ્રકાશ દેખાડે છે; દા.ત., ક્લૉરોફેન પ્રકારનું ફ્લોરસ્પાર પન્ના જેવો લીલો રંગ બતાવે છે, અન્ય પ્રકારો આસમાની, જાંબલી કે લાલાશ પડતી ઝાંયમાં ઝળહળે છે.
પશ્ચાતસ્ફુરણના ગુણધર્મો ધરાવતા પદાર્થને જો ટૂંકી તરંગ લંબાઈના પ્રકાશપુંજ (lightsource)માં પ્રજ્વલિત કરવામાં આવે તો આ પદાર્થ પ્રકાશિત થઈ ઉઠે છે. આ પ્રક્રિયા દરમિયાન તે પ્રકાશના કિરણોને પરાવર્તિત (reemit) કરવામાં પશ્ચાતસ્ફુરણ પામતા પદાર્થને થોડો સમય લાગે છે. જ્યારે પ્રસ્ફુરણ (fluroecence) પદાર્થને પ્રકાશપુંજમાં રાખવામાં આવતા તે તુરત જ પ્રકાશિત થઈ ઉઠે છે. આ બંને પ્રક્રિયામાં પ્રકાશપુંજને હટાવી લેતા પ્રસ્ફુરણ પદાર્થ તેની પ્રકાશિતતા તુરત જ ગુમાવી દે છે. જ્યારે પશ્ચાતસ્ફુરણના અલગ પ્રકારના પદાર્થો પ્રકાશિતતા ગુમાવવાની પ્રક્રિયામાં અલગ સમય લે છે.
પ્રસ્ફુરણ પામતા પદાર્થનો હાઈવે પરના માર્ગ ચિહ્નો (signboard)માં ઉપયોગ કરવામાં આવે છે.વાહનની લાઈટનો પ્રકાશ પડતા આ પ્રસ્ફુરણ પદાર્થનો રંગ અંધારામાં પણ પ્રકાશિત થતા તમામ ચિહ્નો સહજતાપૂર્વક વાહનચાલક વાંચી/જોઈ શકે છે.
તદ્દન શ્વેત આરસ કે ચૂનાખડકની અમુક જાતોને ગરમ કરવાથી પીળા રંગનું ઉત્સર્જન કરે છે. એ જ રીતે ટ્રેમોલાઇટ, ડેન્બ્યુરાઇટ પણ ઝળહળી ઊઠે છે. અંધારા ઓરડામાં ક્વાર્ટ્ઝના ટુકડાઓને ઝડપથી ઘસવામાં આવે તો પશ્ચાત્સ્ફુરણ દર્શાવતા જણાય છે. હીરા, માણેક તેમજ અન્ય રત્નપ્રકારોના શુદ્ધ પારદર્શક સ્ફટિકપ્રકારો પારજાંબલી કિરણોની કે એક્સ-કિરણોની અસર હેઠળ મૂક્યા પછી આ ઘટના દર્શાવે છે. વિલેમાઇટ (Zn2SiO4) અને વુર્ટઝાઇટ (ZnS) રેડિયમના વિકિરણની અસર હેઠળ પ્રદીપ્તિ બતાવે છે. વિલેમાઇટ, કુંજાઇટ અને હીરાની અમુક જાતો એક્સ-કિરણોમાં તેમજ પારજાંબલી કિરણોમાં રાખ્યા પછી ઝળહળતી દેખાય છે. અમુક પ્રકારના હીરા સૂર્યપ્રકાશમાં રાખ્યા પછી અમુક પ્રમાણમાં દેખીતું પશ્ચાત્-સ્ફુરણ દર્શાવે છે, જે વર્ણપટના વાદળી કિરણમાં વધુ સ્પષ્ટ બને છે, જ્યારે રાતા કિરણમાં લાવતાં તે અદૃશ્ય બની રહે છે. કૅલ્શિયમ સલ્ફાઇડ અને બિસ્મથના મિશ્રણ(ચૂર્ણ)ને સૂર્યપ્રકાશમાં રાખવાથી અમુક સમય સુધી તે ઝળહળતું લાગે છે.
ગિરીશભાઈ પંડ્યા