પશુરોગો અને પશુચિકિત્સા
એક યા બીજા કારણસર પશુઓમાં ઉદભવતી ક્ષતિઓ કે બીમારી અને પશુઆરોગ્ય જાળવવા માટે કરાતી ચિકિત્સા.
તંદુરસ્ત જાનવરમાં મોઢા પર વિશિષ્ટ પ્રકારનું તેજ હોય છે. તે ચાલાક હોય છે અને જરા પણ અવાજથી તે તરત જ કાન ઊંચા કરી, અવાજ આવવાની દિશા તરફ નજર ફેંકે છે. તેના મોં પર થૂથનના ભાગ પર ઝાકળનાં ટીપાં જેવાં પાણીનાં ટીપાં બાઝેલાં હોય છે ને શરીરની ચામડી પર ચળકાટ હોય છે. તેનું છાણ બહુ કઠણ કે નરમ હોતું નથી અને તેની દુર્ગંધ આવતી નથી. પેશાબનો રંગ આછો પીળો હોય છે. ચરવા જાય ત્યારે તે ટોળા જોડે જ રહે છે ને તેના શરીરનું તાપમાન લગભગ સ્થિર રહે છે.
બીમાર જાનવરને તાવ હોય તો તેનું શરીર ગરમ લાગે છે. બીમાર જાનવરના શરીરના તાપમાનમાં ફેરફાર જણાય છે. તેની ચામડી પર તેજ હોતું નથી અને રુવાંટી ઊભી રહે છે. મોંના થૂથનનો ભાગ સૂકો જણાય છે, જાનવર સુસ્ત જણાય છે. ને ચામડીનો થરથરાટ ન હોવાથી શરીર ઉપર માખીઓ ફેલાયેલી હોય છે. દુધાળાં જાનવરનું દૂધ ઘટી જાય છે. જ્યારે કામ કરનારાં જાનવરોની કાર્યશક્તિ ઘટી જાય છે. બીમારીની અસર હેઠળ ક્યારેક શ્વાસોચ્છ્વાસમાં તે તકલીફ અનુભવે છે. તેનો ઝાડો દુર્ગંધ મારતો અને પેશાબ પીળાશ પડતો કે લાલ અગર કૉફી રંગનો જણાય છે. બીમાર જાનવર વાગોળવું બંધ કરે છે અથવા તે સાવ ઓછું વાગોળે છે.
પશુરોગો મુખ્યત્વે પુર:પ્રવર્તક અને ઉદ્દીપક એમ બે પ્રકારના હોય છે :
[I] પુર:પ્રવર્તક રોગો : 1. આનુવંશિક પરિબળો : આ પરિબળો વારસાગત છે. પાંખાળી આંગળી, તેમજ ગૂઢવૃષણતા જેવી ક્ષતિઓ પ્રજનકો દ્વારા મેળવેલ જનીનોને આભારી હોય છે.
(1) ઘાતક કારણો : આ કારણોની અસર હેઠળ જાનવર માતાના ગર્ભાશયમાં જ કે જન્મ્યા બાદ તરત જ મૃત્યુ પામે છે.
(2) ઉપઘાતક કારણો : શારીરિક ક્ષતિઓને લીધે દૈનંદિન કાર્યોમાં વિઘ્નો ઉત્પન્ન થાય છે; પરંતુ તે મૃત્યુકારક હોતાં નથી; દા. ત., અછિદ્રિલ ગુદાદ્વાર, સફેદ બિલાડીઓમાં વરતાતું બહેરાપણું વગેરે.
2. વિકૃતિજન્ય પરિબળો : (1) વિકાસના વિક્ષોભો : ગર્ભવિકાસ દરમિયાન કે બાલ્યાવસ્થામાં કેટલાક વિક્ષોભો નિર્માણ થતા હોય છે. તેના કેટલાક પ્રકારો જોઈએ :
(અ) અવિકાસ : આમાં શરીરના અમુક ભાગ કે અવયવનો અભાવ હોય છે. (આ) અવવૃદ્ધિ : જેમાં અપૂર્ણ વિકાસ થયો હોય છે. (ઇ) અવિવરતા : જેમાં નળી આકારના અવયવોનો માર્ગ બંધ રહે છે. (ઈ) તડ : જેમાં શરીરની મધ્યરેખામાં તડ રહેલી હોય છે. (ઉ) સંમિલન : જેમાં બે જોડીદાર અવયવોનું જોડાણ થયેલું હોય છે. (ઊ) અતિવિકાસ : જન્મજાત અધિવૃદ્ધિઅવયવોની સંખ્યામાં થતો વધારો; જેમ કે, બહુઅંગુલિતા(Polydactily)માં ગર્ભાવસ્થા દરમિયાન ઉદભવતાં અંગોનું ગર્ભોત્તર કાળમાં પણ અસ્તિત્વ, દ્વિલિંગીપણું વગેરે. (ઋ) અધિવૃદ્ધિ : શરીરની અસામાન્ય અતિવૃદ્ધિને કારણે રાક્ષસી કદનાં સંતાનો જન્મે છે, જે સામાન્ય રીતે જીવતાં નથી.
3. પ્રાકૃતિક વૈયક્તિક લક્ષણોની સ્વાસ્થ્ય પર થતી અસર : (અ) દુધાળાં ઢોરોમાં માનવી ખોરાક માટે ઉછેરાતા ઢોર કરતાં અમુક રોગોનું પ્રમાણ વધારે હોય છે. કૂતરાઓમાં જર્મન શેફર્ડ, ગ્રેટડેન ઓલાદના કૂતરાઓમાં બીજી ઓલાદના કૂતરાઓ કરતાં અસ્થિરોગો અને કેનાઇન ડિસ્ટેમ્પરનું પ્રમાણ વધારે હોય છે. તેવી જ રીતે બૉક્સર કૂતરાઓમાં મગજના અર્બુદોનું પ્રમાણ બહુ મોટા પ્રમાણમાં હોય છે.
(આ) વય : જુદી જુદી વયે અમુક રોગોનું પ્રમાણ વિશેષ હોય છે; દા.ત., અર્બુદોનું પ્રમાણ મોટી વયે વધારે હોય છે. દુર્દમ્ય અર્બુદોમાં નાની વયે સાર્કોમા ને મોટી વયે કાર્સિનોમા વિશેષ જોવા મળે છે.
(ઇ) લિંગ : નર કરતાં માદામાં પ્રજનન-તંત્ર સાથે સંકળાયેલા રોગોનું પ્રમાણ વિશેષ હોય છે; દાખલા તરીકે, ગર્ભાશયનો કોપ, દુગ્ધગ્રંથિનો કોપ ફક્ત માદા જાનવરોમાં જોવા મળે છે.
(ઈ) રંગ : મેલેનોસાર્કોમાનું પ્રમાણ ગ્રે કે સફેદ રંગના ઘોડાઓમાં વધુ જોવા મળે છે, જ્યારે ભૂખરા અને કાળા રંગના ઘોડાઓમાં જોવા મળતું નથી.
(ઉ) સંવેદન-વૈશિષ્ટ્ય : જ્યારે એક વિશિષ્ટ દવા જાનવરોને આપવામાં આવે ત્યારે તેની વિપરીત અસર કેટલાંક જાનવરોમાં વધારે પ્રમાણમાં થતી હોય છે; જેને પ્રકૃતિવૈશિષ્ટ્ય કહેવામાં આવે છે.
[II] ઉદ્દીપક રોગો : (1) વિષ-ખોરાકને લીધે ઉત્પન્ન થતા પશુરોગો : ખોરાક રોગનાં મુખ્ય કારણોમાં મોખરે છે. વધારે અથવા તો અપૂરતા કે ખામીયુક્ત ખોરાકને લીધે પણ જાનવર રોગીલું બને છે.
અતિશય ખોરાક લેવાથી પશુ બેચેની અનુભવે છે; હોજરી ફૂલે છે. ખોરાકના અતિરેકને લીધે જીવાણુને કારણે ઉદભવતા સેપ્ટિસિમિયાથી ઘોડાઓ મૃત્યુ પામે છે. અતિશય ખવડાવેલા ખોરાકને લીધે ઘોડાઓમાં ઉષ્માઘાત અને લૂ લાગવાનું પ્રમાણ વિશેષ જોવા મળે છે. આ ઉપરાંત આવા ઘોડાઓ એજોરયુરિબા, નૅવિક્યુલર, લેમિનાઇટિસ વગેરે રોગોથી પીડાય છે. આથી ઊલટું ખોરાક અસમતુલિત (unbalanced) હોય તો પશુ ભૂખમરાથી પીડાય છે. વળી ખોરાક ગળે ન ઉતારી શકવાથી અથવા તો પચાવવામાં મુશ્કેલી નડતી હોવાને લીધે દાંતનાં દર્દો અને પાચનતંત્રનાં અર્બુદો ઉત્પન્ન થાય છે. ખોરાકમાં પ્રોટીન, ચરબી, ખનિજો, પ્રજીવકોનું પ્રમાણ અપૂરતું હોવાથી પશુઓ રોગગ્રસ્ત બને છે.
(2) પર્યાવરણિક પરિબળો : 1. તાપમાન : તાપમાન વધવાથી પશુઓ ઉષ્માઘાત (heat stroke) અથવા તો લૂનો ભોગ બને છે; જ્યારે તાપમાન સાવ ઘટી જવાથી તેઓ હિમદાહ(frost bite)થી પીડાય છે.
(3) પ્રકાશ : અતિપ્રકાશને લીધે ચામડીની રંજકતા ઘટે છે, જ્યારે પારજાંબલી કિરણોની અસર હેઠળ નેત્રપટલની ક્ષમતા ઘટે છે, કોષો નાશ પામે છે અને પાંપણોનું કૅન્સર થવાની શક્યતા વધે છે.
એક્સ-કિરણો, ગામા-કિરણો, આલ્ફા તેમજ ગામા જેવાં આયનિત કિરણોની અસર હેઠળ રક્તવાહિનીઓનો અંત:રોધ (occlusion) વધે છે અને પશુ અતિરક્તતાથી પીડાય છે.
વીજળીના સંપર્કથી પશુ દાઝી જાય છે અને કેટલીક વાર તુરત જ મૃત્યુ પામે છે.
(4) દબાણ : ભાર ઊંચકવાથી શરીર પર અર્બુદો, ગૂમડાંઓ કે કોષ્ઠો (cysts) ઉદભવે છે. ઢોરના ગોઠણ પર અને જીનને લીધે ઘોડાની પીઠ પરના સ્નાયુઓમાં ક્ષીણતા કે અધિવૃદ્ધિ જોવા મળે છે.
દબાણ કે અન્ય કારણસર અવયવનાં પોલાણોમાં ભરાવો થાય છે, જેથી અવયવની ક્ષમતા ઘટે છે અને વિપરીત સંજોગમાં પોલાણ સાવ બંધ થઈ જાય છે.
(5) સ્થાનભ્રષ્ટતા : ઘણી વાર અવયવો એક યા બીજા કારણસર પોતાની જગ્યા પરથી ખસી જતાં સારણગાંઠ અને ગર્ભાશયનો અધ:પાત જેવી ખામીઓ નિર્માણ થાય છે. વળી વાતાવરણના ભારે દબાણને કારણે ‘બેન્ડ્સ’ રોગ અને ઘટાડાને કારણે ‘બ્રિસ્કંટ’ વ્યાધિ થાય છે.
[III] શરીરના વિવિધ અવયવોમાં ઉત્પન્ન થતા સામાન્ય અને ચયાપચયી રોગો :
(ક) ચામડીના રોગો : (1) જખમ : ખેતીનાં ઓજાર, કાંટવાળી વાડ વગેરેને કારણે થાય છે. સમયસર સારવાર ન થાય તો તેમાં જીવાત પડે છે અને પાક થવાથી પરુ થાય છે અને પીડાકારક બને છે. પોટૅશિયમ પરમૅંગેનેટ કે બોરિક ઍસિડના પાણીથી અથવા લીમડાનાં પાનના ઉકાળેલા પાણીથી જખમ સાફ કરવામાં આવે છે. જીવાત પડી હોય તો ટર્પેન્ટાઇન-તેલ જખમમાં નાખવામાં આવે છે અને તેને ઢાંકેલો રખાય છે
(2) કાંધ આવવી : બળદને પળોટતી વખતે કે ગાડે જોડતાં કાંધ ઉપર પીડાકારક સોજો આવે છે અને સારવાર ન મળે તો ગાંઠો બંધાય છે અને જલદી રૂઝ આવતી નથી. આ રોગના ઉપચારમાં પશુને સંપૂર્ણ આરામ આપવો પડે છે. સોજાવાળા ભાગ પર રેતી કે મીઠાની ગરમ કોથળીથી શેક અથવા આયોડિનના મલમથી માલિશ કરવામાં આવે છે; જેથી સોજો ઊતરે અને ગાંઠો ન થાય. કઠણ ગાંઠ બને તો શસ્ત્રક્રિયા દ્વારા કાઢવી પડે છે. કીડા પડે તો ટર્પેન્ટાઇનનું તેલ લગાડાય છે. પાક-પરુ થાય તો પશુ-દાક્તરની સલાહ મુજબ સારવાર કરાવવી જરૂરી થાય છે.
(ખ) બ્રુસેલા અને ક્રિપ્ટોકોકસ : બૅક્ટેરિયાને લીધે નેત્રસ્તરમાં રોગ ઉત્પન્ન થાય છે.
(ગ) મૂત્ર જનનતંત્ર : સમાગમ દરમિયાન ઘોડાઓમાં દુરીન, ડુક્કરોમાં બ્રુસેલોસિસ અને ઢોરમાં ટ્રાઇકોમોનાસિસ જેવા સૂક્ષ્મજીવો ફેલાય છે. કૂતરાઓનાં રતિ-અર્બુદો (sex-tumour) મિથુન દ્વારા ફેલાય છે. સુવાવડ વખતે ગર્ભાશય અને યોનિમાં થતા જખ્મો દ્વારા પ્રજનન-અવયવોમાં જીવાણુ દાખલ થઈ ત્યાં રોગ ઉત્પન્ન કરે છે. આ ઉપરાંત લોહીના ભ્રમણ દરમિયાન જીવાણુઓ મૂત્રપિંડમાં દાખલ થઈને રોગ ઉત્પન્ન કરે છે. જ્યારે વસૂકી ગયેલાં કે દુધાળાં ઢોરોમાં આંચળ દ્વારા જીવાણુઓ આઉમાં દાખલ થઈને ત્યાં રોગ ઉત્પન્ન કરે છે.
પથરીનો રોગ : સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને બળદમાં પથરીનો રોગ વધુ જોવા મળે છે. મૂત્રપિંડમાં ક્ષારોની જમાવટ થતાં મૂત્રમાર્ગનો સોજો આવવાથી, ઓછું પાણી પીવાથી અથવા તો વધુ પડતા સલ્ફોનેમાઇડ જેવી દવાઓને કારણે ઉત્સર્ગતંત્રમાં પથરી જમા થાય છે.
લક્ષણો : પેશાબ બંધ થઈ જાય કે ટીપે ટીપે બહાર આવે, પશુ પગ પછાડે, પૂંછડું ઊંચું કરી બરાડા પાડે, પેટમાં દુખે, ઊઠ-બેસ કરે, ખાવા-પીવાનું બંધ કરી દે., વિપરીત સંજોગોમાં પેશાબની કોથળી ભરાઈને ફાટી જવાનો ભય રહે છે. પરિણામે તરત જ પશુ મૃત્યુ પામે છે.
ઉપચાર : પેશાબ બંધ થાય તો તરત પશુ-દાક્તરની સલાહ મુજબ ઑપરેશન દ્વારા પથરી કઢાવી લેવી અને જખમ રુઝાય ત્યાં સુધી કાળજી રાખવી આવશ્યક છે.
(ઘ) પાચનતંત્રના રોગો : (1) પ્રથમ આમાશયનો સોજો : બાજરી, જુવાર, મકાઈ જેવાં શર્કરાજન્ય ધાન્યો વધુ પડતાં ખવડાવવાથી પશુને આ રોગ થાય છે. વધારે પ્રમાણમાં કાર્બોદિત પદાર્થો પશુના પેટમાં જતાં તેમાંથી લૅક્ટિક ઍસિડનું પ્રમાણ વધે છે, જે પેટમાં શોષાઈ લોહીમાં ભળતાં પશુ બીમાર પડે છે.
લક્ષણો : પેટમાં દુખાવો થતાં પેટ પર લાતો મારે, ખોરાક ખાધા પછી થોડા કલાકોમાં જ પશુ ખોરાક લેવાનું બંધ કરે, લૂલું ચાલે કે પાણી જેવા ઝાડા ઉપરાઉપરી થાય. તેથી જાનવર નબળું પડે અને સમયસર સારવાર ન મળે તો તે મૃત્યુ પણ પામે છે.
ઉપચાર : રેચક દવા આપવી, ગંભીર હાલતમાં પશુ-ચિકિત્સકનો સંપર્ક સાધવો, અનાજવાળો ખોરાક વધુ ન ખવડાવતાં દાણ અને સૂકું ઘાસ યોગ્ય પ્રમાણમાં આપવાં.
(2) અભિઘાતજ દ્વિતીય આમાશય પરિતનનો કોપ(Traumatic Reticuloparitonitis) : તીક્ષ્ણ પદાર્થ દ્વિતીય આમાશયને છેદીને બહાર આવતાં પરિતન પર ઈજા થઈ પરિતનકોપ થાય છે ને હૃદયાવરણ પર ઈજા થતાં તેનો કોપ થાય છે. જાનવરના બરડા તથા પેટના સ્નાયુઓ અક્કડ જણાય છે. તે ધીમે ચાલે છે ને દર્દને લીધે આરડે છે. આ બીમારી માટે શસ્ત્રક્રિયા કરી તીક્ષ્ણ પદાર્થ દૂર કરવામાં ન આવે તો જાનવરનું મૃત્યુ થાય છે.
(3) ઝાડા (અતિસાર) : ખોરાક કે હવામાનમાં ફેરફાર થવાથી, ખોરાકમાં વધુ પડતું લીલું ઘાસ આપવાથી તથા કેટલાક ચેપી રોગોને કારણે અતિસારનાં લક્ષણો જોવા મળે છે.
લક્ષણો : વાછરડામાં આ રોગો વધુ જોવા મળે છે. પશુને સફેદ કે લીલા રંગના પાતળા ઝાડા થાય, વજનમાં ઘટાડો થાય, શરીર સુકાય તેમજ ચામડી સૂકી અને નિસ્તેજ જણાય.
ઉપચાર : રોગના કારણની તપાસ કરી યોગ્ય ઉપચાર કરવામાં આવે છે. પશુ કુમળું ઘાસ વધારે ન ખાય તેની કાળજી રખાય છે. કેઓલિન, ક્રેટા, પૅક્ટિન, કોલસાનો ભૂકો, ચાક, કાથો વગેરેથી ઝાડા કાબૂમાં આવી શકે છે. ઝાડા ચેપી રોગની અસર હેઠળ થતાં પશુ-દાક્તરની સલાહ મુજબ સારવાર અપાય છે.
(4) આફરો : ગાય, ભેંસ અને અન્ય વાગોળનારાં પ્રાણીઓના પેટમાં વધુ પડતા વાયુનો ભરાવો થવાથી પશુ આફરાથી પીડાય છે. ખાસ કરીને આફરાનો રોગ રજકો અથવા કઠોળ જાતનો (ચોળા, વાલ, મગફળી, ગવાર વગેરેનો) લીલો ચારો વધુ પ્રમાણમાં ખવડાવવાથી થાય છે. યુરિયા છાંટેલું ઘાસ કે વધુ પડતું પલાળેલું દાણ પણ તેનું કારણ બની શકે છે. અન્નનળીમાં અવરોધ ઉદભવતાં અથવા તો દશમી ચેતાનો લકવો થતાં અથવા સારણગાંઠ હોય તો તે કારણે આફરો ચઢે છે.
લક્ષણો : પેટનું ડાબું પડખું વાયુના ભરાવાથી ફૂલી જાય છે. પેટમાં દુખાવો થાય છે, તેથી બેચેની વર્તાય છે, પશુ વારંવાર ઊઠબેસ કરે છે, પેટ પર લાતો મારે છે, જમીન પર આળોટે છે, તેને શ્વાસોચ્છ્વાસમાં તકલીફ થાય છે, જીભ બહાર નીકળી જાય છે. જો વાયુ બહાર ન નીકળે તો ઘણી વાર ત્રણથી ચાર કલાકમાં પશુ મૃત્યુ પામે છે.
ઉપચાર : 40થી 60 મિલી. ટર્પેન્ટાઇનનું તેલ 1થી 1 કિલો ખાવાના તેલમાં ભેળવી નાળ વડે પશુને પવાય છે. આફરાની ખાસ દવાઓ અપાય છે. ગંભીર હાલતમાં પેટના ડાબા પડખે ત્રિકોણિયા ભાગમાં, ખાસ સાધન (ટ્રોકર કેન્યુલા) વડે અથવા ઊકળતા પાણીથી જંતુરહિત કરેલ ધારદાર ચાકુથી, કાણું પાડીને વાયુ બહાર કાઢી શકાય છે.
(5) પેટમાં લોખંડ હોવું : ગાય, ભેંસમાં ખાતી વખતે ઘણી વખત ઘાસ સાથે તારના ટુકડા, સોય, સિક્કો, લોખંડની ચૂંક, ખીલા જેવી વસ્તુઓ પણ શરીરમાં દાખલ થવાથી પેટમાં લોખંડ ભેગું થાય છે, જેને વાગોળતી વખતે જાનવર બહાર કાઢી નાખે છે. કોઈ વાર તે પશુના દ્વિતીય આમાશયમાં અટકી પડે છે. આવી ધારવાળી વસ્તુ આમાશયની દીવાલ વીંધી ઉરોદરપટલ, ફેફસાં કે હૃદયની દીવાલમાં ખૂંચી જવાનો ભય રહે છે.
લક્ષણો : પશુને ચાલતી વખતે કે ઊઠ-બેસ કરતાં ખૂબ પીડા થાય છે; મળમૂત્ર કરતી વખતે પણ પીડા થાય છે અને ઢોર ખોરાક લેવાનું કે વાગોળવાનું બંધ પણ કરે છે. લોખંડના ભરાવાને લીધે શરીરનું તાપમાન, નાડીના ધબકારા તથા શ્વાસોચ્છ્વાસમાં વધારો થાય છે. ડાબી બાજુ પેટના ખાડામાં વાયુ ભરાઈ જતાં આફરો ચડે છે, દૂધમાં ઘટાડો થાય છે, આગલા બે પગ પાછળ, છાતી નીચે દ્બાવતાં પશુને પીડા થાય છે. પશુ અશક્ત અને દૂબળું પડે છે અને નિદાન અને સારવારને અભાવે મૃત્યુ પામે છે.
ઉપચાર : પશુ-દાક્તર પાસે નિદાન કરાવી જાનવરની ડાબી બાજુના પડખાના ખાડાની જગ્યામાં શસ્ત્રક્રિયા (રુમેનોટૉમી) દ્વારા લોખંડની વસ્તુ કાઢી લેવાથી પશુ સ્વસ્થતા અનુભવે છે.
(ચ) શ્વસનતંત્રના રોગ : આ તંત્રના સામાન્ય રોગોમાં શરદી, ખાંસી અને ફેફસાંનો સોજો મુખ્ય છે. ઠંડી, ભેજવાળું વાતાવરણ અથવા તો જીવાણુ, વિષાણુ કે ફૂગ જેવાના ચેપથી આ રોગ ઉદભવે છે.
લક્ષણો : શ્વાસમાં તકલીફ થાય, નાકમાંથી લીંટ પડે, ઉધરસ થાય અને તાવ આવે છે.
ઉપચાર : પશુને હવાઉજાસવાળી ચોખ્ખી જગ્યાએ બાંધવું, તેની છાતીના ભાગ પર ગરમ ઝૂલ કે કોથળો બાંધવો, છાતી પર ટર્પેન્ટાઇન તેલ કે રાઈનો લેપ કરવો અને જરૂર જણાય તો પશુ-ચિકિત્સકની સલાહ લેવી.
(છ) અન્ય અંગોને થતા રોગો : (1) તણછ : ગાય, ભેંસ, બળદ વગેરે પશુઓમાં પગની ઢાંકણીનું હાડકું ખસી જવાથી આ રોગ થાય છે. મોટી ઉંમરના કારણે સ્નાયુઓનાં પડ શિથિલ થઈ જવાથી કે પોષણયુક્ત ખોરાકના અભાવે સ્નાયુ નબળા પડવાથી આ રોગ થઈ શકે છે. આ રોગ વારસાગત પણ હોઈ શકે છે.
લક્ષણો : તણછ એટલે તણાવું અથવા ખેંચાવું. તણછ એક અથવા બંને પાછલા પગમાં થાય છે. જાનવર પાછળના પગે ખેંચાતું હોય તેમ આંચકો મારીને લંગડું ચાલે છે. અમુક જાનવરમાં થોડું અંતર ચાલ્યા પછી પગે સારું થઈ જતાં તે સામાન્ય રીતે ચાલી શકે છે, જ્યારે ઘણી વાર તે હંમેશાં લંગડાતું ચાલે છે.
ઉપચાર : શસ્ત્રક્રિયા વડે ઓછા સમયમાં જ પશુને ચાલતું કરી શકાય છે. અન્ય ઇલાજ તરીકે યોગ્ય જગ્યાએ ટિંક્ચર આયોડીનનાં ઇંજેક્શન આપવાથી રાહત આપી શકાય છે, પણ તે લાંબો સમય ચાલતી નથી.
શસ્ત્રક્રિયા વડે મટાડી શકાય તેવા રોગો : જખમ, ઘા, ગૂમડું, રક્તસ્રાવ, મચકોડ, હાડકું ખસી જવું, અસ્થિભંગ, સારણગાંઠ, કરમોડી, તણછ, પેટમાં લોખંડ હોવું, પથરી, પ્રસવ, આંતરડાની ગાંઠ જેવા રોગોમાં શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.
(2) કરમોડી (કંબોઈ) અથવા શિંગડાનું કૅન્સર : પશુઓનાં શિંગડાંમાં થતો આ એક કૅન્સરનો રોગ છે. ગુજરાતમાં ખાસ કરીને કાંકરેજ અને ગીર ઓલાદના બળદમાં અને મોટાં શિંગડાંવાળાં અને ખસી કરેલ જાનવરમાં જોવા મળે છે. જોકે અન્ય પશુઓમાં પણ આ રોગ થઈ શકે છે.
લક્ષણો : શરૂઆતમાં શિંગડાનું મૂળ સહેજ ગરમ લાગે છે. પશુ તે તરફ માથું ઢાળી રાખે છે. સમય જતાં શિંગડું ધીરે ધીરે નીચે નમતું જાય છે અને પથ્થરથી ટકોરતાં શિંગડામાંથી બોદો અવાજ સંભળાય છે. કરમોડી થઈ હોય તે તરફના નસકોરામાંથી ચીકણું, લોહીવાળું, ગંધ મારતું પ્રવાહી બહાર આવે છે. રોગ વધતાં, શિંગડાંનાં મૂળ નરમ પડતાં ખુલ્લો જખમ થાય છે અને તેમાં જીવડાં પડે છે. યોગ્ય સારવારના અભાવમાં પશુ લાંબા ગાળા સુધી રિબાઈને મૃત્યુ પામે છે.
ઉપચાર : કેટલીક વાર આ રોગ દવાથી મટતો નથી, પરંતુ શસ્ત્રક્રિયા વડે તેની સારવાર થઈ શકે છે. રોગની શરૂઆતના તબક્કે શિંગડાંને કઢાવી નાખવાથી પશુને બચાવી શકાય છે. કરમોડી થયેલ શિંગડાને મૂળમાંથી કાઢી નાખી સાથે ખરાબ થયેલ કોષોને પણ કાઢી નાખવામાં આવે છે. શસ્ત્રક્રિયા બાદ પણ પૂરતા સમય સુધી પશુ-દાક્તર પાસે સારવાર કરાવવી પડે છે.
(જ) ચયાપચયી રોગો : પશુના શરીરમાં સગર્ભાવસ્થા દરમિયાન ગર્ભના પોષણ માટે અને વિયાણ બાદ મહત્તમ દૂધ-ઉત્પાદન માટે પોષક તત્વો, ક્ષારો અને ખનિજદ્રવ્યોમાં ફેરફાર અનિવાર્ય બને છે. સોડિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ક્લૉરાઇડ, ફૉસ્ફેટ વગેરે ખનિજક્ષારો દૂધ કે અન્ય માર્ગે ઘટી જવાથી અથવા તો ખોરાકનાં ગ્રહણ, પાચન કે શોષણમાં થતા ફેરફારને કારણે પશુની ચપાપચયની ક્રિયામાં વિક્ષેપ પડે છે. સગર્ભાવસ્થામાં અપૂરતું પોષણ અને ત્યારબાદ વિયાણ પછી દૂધ-દોહન દ્વારા શરીરમાં ખનિજદ્રવ્યોની ઊણપ સર્જાય છે, જેને કારણે ચયાપચયના રોગો પેદા થતા હોય છે.
(1) પ્રસવ-પક્ષાઘાત (મિલ્ક-ફીવર) : આ રોગ ‘સુવાનો રોગ’ તરીકે પણ ઓળખાય છે. દુધાળાં જાનવરોમાં ખાસ કરીને વધુ દૂધ આપતી ગાય-ભેંસોમાં 5થી 10 વર્ષની ઉંમરે કે ત્રીજાથી સાતમા વેતર દરમિયાન આ રોગ વિયાણ બાદ 48 કલાકથી 10 દિવસમાં જોવા મળે છે. વિયાણ પછી શરૂઆતના 48 કલાકમાં પશુને સંપૂર્ણ દોહવાથી દૂધ કે ખીરામાં કૅલ્શિયમ તત્વની વધુ પડતી ઊણપ સર્જાય છે. તેના કારણે પણ આ રોગ ઉત્પન્ન થાય છે.
લક્ષણો : વિયાણ બાદ 24થી 48 કલાકમાં જાનવરનું શરીર ઠંડું પડી જાય છે અને પશુ ડોક મરડી, નિસ્તેજ બની પડ્યું રહે છે.
ઉપચાર : કૅલ્શિયમ, બોરોગ્લુકોનેટ જેવી દવાના બાટલા લોહીમાં ચઢાવવાથી તાત્કાલિક રાહત મળે છે. રોગપ્રતિબંધક ઉપાય તરીકે પશુને વિયાણના બે મહિનાની વાર હોય ત્યારથી પ્રોટીનયુક્ત દાણ અને 20થી 25 ગ્રામ ક્ષારમિશ્રણ રોજ અપાય છે. રોગથી પીડાતા જાનવરને દોહવાનું બંધ કરવું જોઈએ.
(2) બોવાઇન કિટોસિસ : દૂધ-ઉત્પાદન કરતા હોય તેવા માદા પશુમાં થતો આ રોગ એસિટોનેમિયા તરીકે પણ જાણીતો છે. અધિક દૂધ-ઉત્પાદન કરતી ગાય-ભેંસોમાં પૂરતા પોષક આહારના અભાવે લોહીમાં શર્કરાનું પ્રમાણ ન જળવાતાં ચયાપચયની ક્રિયા સમતોલ રહેતી નથી. બીજા, ત્રીજા અને ચોથા વિયાણ પછી રોગોનું પ્રમાણ વધે છે. ખાસ કરીને વિયાણ પછીના 20 દિવસ દરમિયાન પશુઓ આ રોગથી પીડાતાં હોય છે. વધુ પ્રમાણમાં સાઇલેજ ખવડાવવાથી કે વિયાણ વખતે વધુ ચરબી ધરાવતાં પ્રાણીઓમાં આ રોગ થવાની શક્યતા વધુ વધે છે.
લક્ષણો : ધીમે ધીમે ભૂખ અને દૂધ-ઉત્પાદનમાં ઘટાડો થાય છે. શરીરનું વજન પણ ઝડપથી ઘટે છે. પશુનું તાપમાન, નાડીના ધબકારા અને શ્વાસોચ્છ્વાસ અનિયમિત બને છે. રોગિષ્ઠ પશુના ઉચ્છ્વાસ અને દૂધમાં કિટોન તત્વની મીઠી વાસ આવે છે. અમુક કિસ્સામાં ગોળ ગોળ ફરવું, પગની એકબીજા પર આંટી ચઢી જવી, માથું ગમાણમાં દ્બાવી ઊભું રહેવું, અંધત્વ, પશુને અડવાથી ઉત્તેજના, ચામડી અને અન્ય પદાર્થોને આવેગથી ચાટવું, ધ્રુજારી વગેરે જેવાં ચિહનો જોવા મળે છે. જોકે આ રોગમાં સામાન્યત: પશુનું મૃત્યુ થતું નથી.
ઉપચાર : શિરા મારફતે યોગ્ય પ્રમાણમાં ગ્લુકોઝ ચઢાવવાથી તેમજ ગ્લાયકોલ, સોડિયમ પ્રોપિયોનેટ, ક્લોરલ હાઇડ્રેટ, ગ્લુકોકૉર્ટિકોઇડ્ઝ જેવી દવાઓને યોગ્ય પ્રમાણમાં આપવાથી આ રોગને કાબૂમાં લઈ શકાય છે. રોગનિયંત્રણ માટે પૂરતો પોષણક્ષમ ખોરાક તથા દૈનિક શારીરિક કસરત જરૂરી છે.
(3) લૅક્ટેશન ટિટેની : ચારથી સાત વર્ષની ઉંમરનાં દુધાળાં પશુમાં થતો ઘાતક રોગ. વિયાણ પછી 24થી 48 કલાકના ટૂંકા ગાળાના ભૂખમરાને લીધે પશુમાં મૅગ્નેશિયમ તત્વની ઊણપ પેદા થાય છે. વધુ પડતું લીલું કૂણું ઘાસ આપવાથી પણ આ રોગ ઉત્પન્ન થાય છે.
લક્ષણો : વિયાણ બાદ બેથી ત્રણ અઠવાડિયાંમાં પશુમાં અચાનક અતિસંવેદનશીલતા, સ્નાયુઓનું ખેંચાણ, જડબાનું સખત ભિડાઈ જવું, ફીણ નીકળવું, ટટ્ટાર કાન વગેરે લક્ષણો દેખાય છે.
ઉપચાર : યોગ્ય પ્રમાણમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ આપવાથી લીલા કૂણું ઘાસ તથા નાઇટ્રોજનયુક્ત ગોચરમાં ચરાણ બંધ કરાવવાથી રોગને નિયંત્રિત કરી શકાય.
[IV] ત્રુટિજન્ય રોગો : અપૂરતાં ખોરાકી તત્વોને લીધે નિર્માણ થતા રોગો :
(1) ખનિજપદાર્થોની ત્રુટિ : શરીરની દરેક જૈવ પ્રક્રિયા તથા વૃદ્ધિ માટે ખનિજતત્વોની અગત્ય છે. ખાસ કરીને કૅલ્શિયમ, પોટૅશિયમ, ક્લોરીન, લોહ વગેરે તત્વો શરીર માટે જરૂરી છે. કૅલ્શિયમ અને ફૉસ્ફરસની ત્રુટિથી રિકેટ્સ, અસ્થિમૃદુતા, અસ્થિછિદ્રતા વગેરે ખામીઓ જણાય છે. કોબાલ્ટની ત્રુટિ ઢોર તથા ઘેટાંઓમાં જોવા મળે છે. તે ત્રુટિથી જાનવર નબળું તથા ફિક્કું પડી જાય છે. તાંબાની અછતની અસર નાનાં જાનવરોમાં વિશેષ જણાય છે : જાનવર નબળું પડે છે, ચામડી તેમજ ઊનનો રંગ ઝાંખો જણાય છે ને શરીરમાં પાંડુરોગ થાય છે. આયોડિનની ત્રુટિથી ગૉઇટર/ગલગંડની બીમારી જણાય છે. લોહની ત્રુટિથી પાંડુરોગ થાય છે, જ્યારે સેલિનિયમની ત્રુટિથી સ્નાયુઓને હ્રાસ કે ક્ષીણતા (dystrophy) થાય છે.
પ્રજીવકોની ત્રુટિ : પ્રજીવકો શરીરના વિકાસ માટે અગત્યનાં છે.
પ્રજીવક Aની ત્રુટિ : તેના કારણે રતાંધળાપણું, અધિચ્છદ ઊતિઓની ક્ષીણતા, ઊતિપરિવર્તન (metaplasia), વંધ્યત્વ વગેરે જોવા મળે છે.
પ્રજીવક Bની ત્રુટિ : પ્રજીવક B1(થાયામિન)ની અછતથી મરઘાના બચ્ચામાં સ્ટારગેઝિંગનો રોગ જોવા મળે છે. પ્રજીવક B2– (રાયબોફ્લેવિન)ની અછતથી મરઘામાં ક્લૅડટો પૅરાલિસિસ જોવા મળે છે. પ્રજીવક B3ની અછતથી કૂતરામાં બ્લૅક ટંગ જોવા મળે છે. પ્રજીવક B6 તથા બાયૉટિનની અછતથી ત્વચાનો કોપ જોવા મળે છે. પ્રજીવક B12ની અછતથી પશુઓમાં પાંડુરોગ જોવા મળે છે.
પ્રજીવક Cની ત્રુટિ : તેના કારણે ઘામાં રૂઝ સરખી આવતી નથી અને હાડકાં પણ પોચાં રહે છે.
પ્રજીવક Dની ત્રુટિ : તેના કારણે હાડકાં નબળાં રહે છે; મરઘાંને કાચાં ઈંડાં આવે છે.
પ્રજીવક Eની ત્રુટિ : તેના કારણે કંકાલ સ્નાયુઓ તથા હૃદયના સ્નાયુઓની કામાભ અપક્રાંતિ (hyaline degeneration) થાય છે. મરઘામાં મગજ ઉપર અસર જણાય છે.
[V] ઝેરી પદાર્થોની અસર હેઠળ ઉદભવતા રોગો : વનસ્પતિ અને જંતુનાશક દવાઓ વડે જમીનમાં રહેલ ઝેરી તત્વોના પ્રવેશવાથી પશુઓમાં આ રોગો થાય છે.
(અ) જમીનમાંનાં ઝેરી તત્વોથી થતા રોગ : ફ્લોરાઇડ, નાઇટ્રેટ, ગંધક, મોલિબ્ડેનમ, સેલિનિયમ જેવાં જમીનમાં રહેલાં ઝેરી તત્વો વનસ્પતિ અને પાણી દ્વારા પશુના શરીરમાં દાખલ થાય છે, જે લાંબા ગાળે હાનિકારક નીવડે છે. તેને કારણે પશુ નબળું પડે છે. સાંધા અને હાડકાં પર સોજો આવે છે અને દુખાવો થાય છે. તેની પ્રજનનશક્તિ પર વિપરીત અસર પડે છે. ગુજરાતના કેટલાક જિલ્લાના પીવાના પાણીમાં ફ્લોરોઇડ તત્વ વધારે પ્રમાણમાં હોવાથી જાનવરને ‘ફ્લોરોસિસ’ નામનો રોગ થાય છે.
(આ) ઝેરી વનસ્પતિ ખાવાથી થતા રોગ : સામાન્ય રીતે જાનવરો ઝેરી વનસ્પતિ ચરતાં નથી, પરંતુ ચારાના અભાવે અને દુષ્કાળની પરિસ્થિતિમાં તે ગમે તે ખોરાક ખાવા પ્રેરાય છે. ઘણી વાર ફૂગવાળો ઘાસચારો ખાવાથી પણ ઝેરી અસર થાય છે. ઝેરી અસર કરતી અન્ય વનસ્પતિમાં તમાકુ, આકડો, ગાંડો બાવળ, પીળી કરેણ, ગંધારી, એરંડા, ડુંગળી, ભીલામું ઇત્યાદિનો સમાવેશ થાય છે.
(ઇ) મીણો ચઢવો : કૂણી, લીલા દાણા બેસતા પહેલાં કાપીને ખવડાવવામાં આવતી જુવારમાં અધિક પ્રમાણમાં રહેલ સાયનોજનિક ગ્લુકોસાઇડમાંથી પ્રથમ આમાશયમાં જીવાણુપ્રક્રિયા કે ઉત્સેચકો દ્વારા હાઇડ્રોસાયનિક ઍસિડ મુક્ત થાય છે, જે એકદમ ઝેરી હોવાથી જાનવરને મીણો ચઢે છે.
લક્ષણો : શ્વાસોચ્છ્વાસમાં તકલીફ પડે, પશુ બેસી જાય, સ્નાયુકંપન થાય; જે સામાન્ય રીતે માથાના આગળના ભાગથી શરૂ થાય છે અને આખા શરીરમાં ફેલાય છે. તેનાથી પશુને બેચેની જણાય, આંચકી આવે અને મૃત્યુ નીપજે છે.
ઉપચાર : દાણા બેસે પછીની લીલી જુવાર ખવડાવવાથી; પશુને ચરવા મોકલતા પહેલાં દાણ તરીકે મકાઈ, ઘઉં જેવાં ધાન્યો થોડા પ્રમાણમાં ખવડાવવાથી; પ્રાથમિક ઇલાજ તરીકે ગોળનું પાણી પિવડાવવાથી અને તાત્કાલિક પશુ-ચિકિત્સક દ્વારા સારવાર અપાવવાથી પશુને બચાવી શકાય છે. સારવારમાં 3 ગ્રામ સોડિયમ નાઇટ્રાઇટ અને 15 ગ્રામ સોડિયમ થાયોસલ્ફેટને 200 મિલી. નિસ્યંદિત જંતુરહિત પાણીમાં ઓગાળી નસમાં ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
(ઈ) જંતુનાશક દવાઓની ઝેરી અસર : કીટકનાશકો છાંટવામાં વપરાતી ડીડીટી, બીએચસી, લિન્ડેન, એલડ્રિન જેવી દવાઓ ખોરાક સાથે ભળવાથી પશુને ઝેર ચઢે છે. પાકસંરક્ષણ માટે વપરાતી કીટનાશક, ફૂગનાશક, નીંદણનાશક દવાઓ છાંટ્યા બાદ તેની અસર લાંબા સમય સુધી વનસ્પતિ પર રહે છે. દવા છાંટેલ ઘાસચારો, પાંદડાં કે ફળફળાદિ જાનવરના ખાવામાં આવે તો ઝેર ચઢે છે. દવાની જાત પ્રમાણે ઝેરી અસર ત્વરિત કે વિલંબિત હોય છે.
લક્ષણો : સામાન્ય રીતે ઝેરી અસરને કારણે જાનવર ઉત્તેજિત બને છે. સ્નાયુઓમાં તાણ આવે છે, ધ્રુજારી બાદ લકવાની અસર જોવા મળે છે. નાક તેમજ મોઢામાંથી ફીણ નીકળે છે. શ્વાસની તકલીફ થાય છે અને પશુ મૃત્યુ પામે છે.
ઉપચાર : પશુ-ચિકિત્સકની સલાહ મુજબ તાત્કાલિક સારવાર કરાવવી પડે છે. ડીડીટી, બીએચસી જેવી દવાની અસરની સામે ફિનોબાર્બિટલ સોડિયમનું ઇન્જેક્શન અપાય છે તેમજ ગ્લુકોઝ અને કૅલ્શિયમ શિરા વાટે ચઢાવવામાં આવે છે. આ જૈવનાશકો ફૉસ્ફરસ કમ્પાઉન્ડવાળા હોય તો એટ્રોપિન સલ્ફેટ મારણ તરીકે વપરાય છે.
જૈવનાશક દવા વાપરતી વખતે કાળજી રાખવી, યોગ્ય માત્રામાં દવા છાંટવી તેમજ ખોરાક પાણી અને દવાથી દૂષિત ન થાય તે પ્રત્યે ધ્યાન રાખવું આવશ્યક હોય છે.
[VI] પરોપજીવીજન્ય રોગો : (ક) વિષાણુજન્ય ચેપી રોગો : 1. ખરવા-મોંવાસો : ખરીવાળાં જાનવરોનો આ એક અતિસાંસર્ગિક રોગ છે. ઢોર, ભેંસ, બકરાં, ઘેટાં તથા ડુક્કરમાં તે જોવા મળે છે; પરંતુ ઘોડાઓને આ રોગ થતો નથી. સાત પ્રકારના પિકોર્ના વિષાણુથી આ રોગ થાય છે. જાનવરને 40ºથી 41º સે. તાવ; મોઢું, ગલોફું, પેઢું, જીભ વગરે પર ફોલ્લા તથા ચાંદાં જોવા મળે છે. ખરીમાં પણ ફોલ્લા જોવાય છે, જે ફૂટ્યા બાદ ચાંદાં પડે છે. રોગના પૂર્વોપાય તરીકે રસીનો ઉપયોગ થઈ શકે છે.
2. બળિયા : પેરામિક્ઝો વિષાણુથી થતા આ રોગમાં રોગિષ્ઠ જાનવરને સખત તાવ આવે છે. શરીરના દરેક ભાગની શ્લેષ્મકલામાં સોજો તથા ઊતિનાશ થાય છે. બીમાર જાનવરને પાણી જેવા, દુર્ગંધ મારતા ઝાડા થાય છે ને છેવટે મૃત્યુ થાય છે. પૂર્વોપાય તરીકે જાનવરને રસી મૂકી રોગરક્ષા કરી શકાય છે.
3. હડકવા : રેબિઝ તરીકે ઓળખાતો આ રોગ રહેબડો જાતિના વિષાણુથી થાય છે. આ રોગથી માણસો તથા ઘણી જાતનાં પ્રાણીઓ પણ પીડાતાં હોય છે. વિષાણુથી મસ્તિષ્કકોપ(encephalitis) થાય છે અને તેની અસર ચેતાતંત્ર પર થાય છે. છેવટે લકવાની અસર થઈને જાનવર મૃત્યુ પામે છે. કૂતરાં કરડવાથી આ રોગ થતો હોવાથી કૂતરાંને પ્રતિબંધક રસી મુકાવવી જોઈએ.
4. મ્યુકોઝલ ડિસીઝ કૉમ્પ્લેક્સ : ઢોરમાં જોવા મળતો આ એક વિષાણુથી થતો રોગ છે. રોગના તીવ્ર રૂપમાં તાવ, પાતળા દુર્ગંધ મારતા ઝાડા, ઉધરસ, નાક ગળવું વગેરે લક્ષણો જણાય છે. મંદ રૂપમાં સાધારણ તાવ, ઝાડા તથા દૂધ-ઉત્પાદનમાં ઘટાડોએ મુખ્ય લક્ષણો છે.
5. રાનીખેતનો રોગ : મરઘામાં જોવા મળતા આ રોગમાં મરઘાંઓને શ્વાસ લેતાં મુશ્કેલી પડે છે, નાકમાંથી ચીકણો પ્રસ્રાવ નીકળે છે ને પાતળી ચરક કરે છે. લકવાની અસર પગ કે પાંખમાં જણાય છે. ઈંડાં મૂકવાનું પ્રમાણ ઘટી જાય છે. રોગના પૂર્વોપાય તરીકે રસીનો ઉપયોગ કરાય છે.
6. મરઘાંમાં માતા : ફાઉલ-પૉક્સ તરીકે ઓળખાતો આ એક સાંસર્ગિક રોગ છે. આ રોગમાં કલગી, મુર્ગીદાઢી, આંખનાં પોપચાં તથા પીંછાં ન હોય તેવા ભાગ પર મસા થાય છે. આંખ અને નાકમાંથી પૂયમય ચીકણો સ્રાવ નીકળે છે અને મોંની શ્લેષ્મકલા પર પીળાશ પડતા પદાર્થની છારી જામે છે. પૂર્વોપાય તરીકે રસી મૂકવામાં આવે છે.
7. મેરેક્સનો રોગ : હર્પિસ વિષાણુથી થતો અને ખાસ કરીને નાની વયના મરઘામાં જોવા મળતો આ રોગ ખૂબ જ મહત્વનો છે. આ રોગમાં મરણપ્રમાણ ઊંચું જોવા મળે છે. ચેતાતંત્રને અસર થવાથી લકવાનાં ચિહ્નો મુખ્યત્વે જોવા મળે છે. પક્ષીની ડોક એક બાજુ ઢળી પડે છે. આ ઉપરાંત મોતી જેવી આંખ તથા ચામડી પર ગાંઠો પણ જોવા મળે છે. મરણોત્તર તપાસમાં યકૃત, બરોળ, હૃદય, મૂત્રપિંડ વગેરેમાં સફેદ ગાંઠો જોવા મળે છે. રોગરક્ષા માટે રસીકરણ કરવામાં આવે છે.
8. ઇન્ફેક્શસ બર્સલ ડિસીઝ : આ રોગ ગમ્બોરોના નામથી પણ ઓળખાય છે. બેથી છ અઠવાડિયાં દરમિયાન અને ખાસ બ્રૉઇલરમાં જોવા મળતા આ રોગમાં પક્ષીઓને સફેદ પાણી જેવા ઝાડા થાય છે, પક્ષી સુસ્ત રહે છે ને ખૂણામાં ભરાઈ રહે છે. આ રોગમાં મૃત્યુપ્રમાણ વધારે જોવા મળે છે. મરણોત્તર તપાસમાં બરસા તેમજ સ્નાયુમાં રક્તસ્રાવ જણાય છે. આ રોગથી રક્ષણ મેળવવા માટે રસી ઉપલબ્ધ હોય છે.
9. ઇન્ફેક્શસ બ્રૉન્કાઇટિસ : આ મરઘીમાં જોવા મળતો શ્વસનતંત્રનો રોગ છે. પક્ષીને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. આ રોગમાં મૃત્યુપ્રમાણ વધુ રહે છે. ઈંડાં મૂકતી મરઘીઓમાં ઈંડાં-ઉત્પાદનમાં તીવ્ર ઘટાડો જણાય છે. ઈંડાં કોચલા વગરનાં, ખરબચડાં તથા આકારરહિત હોય છે ને સફેદ જરદી પ્રવાહી સ્વરૂપની જણાય છે. આ રોગથી રક્ષણ મેળવવા માટે રસી ઉપલબ્ધ છે.
10. હાયડ્રો-પેરિકાર્ડિયમ સિન્ડ્રોમ : બ્રૉઇલર પક્ષીઓમાં જોવા મળતા આ રોગમાં એકાએક મૃત્યુ થાય છે. આ રોગ ‘લીચી’ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. મરણોત્તર તપાસમાં યકૃત સૂજેલું ને મોટું થયેલું જણાય છે તેમજ ફેફસાંમાં પાણી (lung oedema) પણ જણાય છે. હૃદયાવરણમાં ઝાંખા પીળા રંગનું પ્રવાહી જોવા મળે છે.
11. એગડ્રૉપ સિન્ડ્રોમ 79 (ઈ.ડી.એસ.-79) : એડિનો જાતિના વિષાણુથી થતા આ રોગની અસર હેઠળ પ્રાણીના ઈંડા-ઉત્પાદનમાં ઘટાડો જણાય છે. ઈંડાં કાચાં, કોચલા વગરનાં તેમજ રંજક છાંટ વગરનાં જણાય છે.
12. મૅડ કાઉ ડિસીઝ : ગાયોમાં થતો ગાંડપણનો આ રોગ પ્રિયોન(વિષાણુજન્ય પ્રોટીન)થી થાય છે. આ રોગનો ચેપ સ્ક્રેપી નામના રોગથી પીડાતા ઘેટાના માંસ તથા હાડકાંના ભૂકાનો ગાયના ખોરાકમાં ઉપયોગ કરવાથી થાય છે. રોગથી પીડાતી ગાયોનું મગજ મનુષ્યના ખોરાકમાં આવે તો મનુષ્યમાં પણ રોગ થવાની શક્યતા રહે છે.
13. કેનાઇન ડિસ્ટેમ્પર : પેરામિક્ઝો જાતિના વિષાણુથી થતો અને કૂતરાંમાં જોવા મળતો આ એક ચેપી રોગ છે. 18 વર્ષથી નાના કૂતરામાં વિશેષ જોવા મળતા આ રોગમાં તાવ, દુ:શ્વસન, ઝાડા તેમજ ન્યુમોનિયા જોવા મળે છે. પગના પંજા કઠણ જણાય છે ને ચેતાતંત્રને અસર થઈ હોય ત્યારે ખેંચ પણ આવે છે. આ રોગના પૂર્વોપાય તરીકે રસીકરણ કરવામાં આવે છે.
14. ઇન્ફેક્શસ કેનાઇન હિપેટાઇટિસ : એડિનો જાતિના વિષાણુથી થતો ને કૂતરાંમાં જોવા મળતો આ રોગ રુબારથ ડિસીઝ તરીકે પણ ઓળખાય છે. તાવ, ઊલટી, લોહીવાળા ઝાડા તથા કમળો-એ આ રોગનાં મુખ્ય લક્ષણો છે. ચેતાતંત્ર પર અસર થઈ હોય ત્યારે ખેંચ તેમજ પાછલા પગોનો લકવા પણ જોવા મળે છે. આ રોગથી રક્ષણ મેળવવા માટે રસી ઉપલબ્ધ હોય છે.
15. કેનાઇન પારવો વાયરસ : કૂતરાંમાં જોવા મળતો પારવો વિષાણુથી થતો આ રોગ બે રૂપમાં જોવા મળે છે. આંતરડાં પર અસર અથવા તો હૃદય ઉપર અસર. આંતરડાં ઉપર અસરવાળો આ રોગ દરેક ઉંમરના કૂતરામાં જોવા મળે છે; પરંતુ નાનાં બચ્ચાંમાં તેનું રૂપ તીવ્ર હોય છે. આમાં તાવ, ઊલટી, ઝાડા તેમજ શરીરમાં પાણીનું ઘટી જવું એ મુખ્ય લક્ષણો છે. હૃદય ઉપર અસર થઈ હોય ત્યારે એકાએક મૃત્યુ થાય છે. આ રોગ ખાસ કરીને નાનાં બચ્ચાં(બેથી આઠ અઠવાડિયાં)માં જોવા મળે છે. દુ:શ્વસન અને ઝાડા એ આ રોગનાં મુખ્ય લક્ષણો છે. રોગના પૂર્વોપાય તરીકે રસીકરણ કરવામાં આવે છે.
16. ઇક્વાઇન ઇન્ફ્લુએન્ઝા : ઘોડાઓમાં ઇન્ફ્લુએન્ઝાના વિષાણુથી નાનાં બચ્ચાં મોટા પ્રમાણમાં મૃત્યુ પામે છે. તાવ, નાક ગળવું, દુ:શ્વસન, ઉધરસ વગેરે આ રોગનાં લક્ષણો છે. ન્યુમોનિયાની અસર ફેફસાંમાં પણ જણાય છે.
(ખ) ફૂગજન્ય રોગો : (1) એસ્પરજિલોસિસ : બ્રુડર ન્યુમોનિયા તરીકે જાણીતો અને નાનાં પક્ષીઓમાં થતો આ રોગ એસ્પરજિલસ ફ્યુમિગેટસ નામની ફૂગથી થાય છે. બચ્ચાના ઉછેર માટે વાપરવામાં આવતા લાકડાના વેર કે ડાંગરનાં છોડાંમાંથી આ જંતુઓ શ્વાસોચ્છ્વાસ દરમિયાન ફેફસાંમાં પ્રવેશવાને લીધે નાની સફેદ ગાંઠો થાય છે. આ રોગમાં મૃત્યુપ્રમાણ 60 % સુધી પહોંચે છે.
(2) માયકોટૉક્સિકોસિસ : મરઘાના દાણમાં વપરાતાં મકાઈ, સિંગખોળ જેવાં ખોરાકી તત્વોમાં ભેજ વધારે હોય તો સંગ્રહ દરમિયાન તેમાં અનેક પ્રકારની ફૂગની વૃદ્ધિ થાય છે. આ વૃદ્ધિ દરમિયાન કેટલાંક ઝેરી તત્વો દાણના ઘટકોમાં ભળે છે, જેને માયકોટૉક્સિન કહે છે. આવું દાણ ખાવાથી પક્ષીની તંદુરસ્તી ઉપર અસર થાય છે. યકૃતના કાર્યમાં વિક્ષેપ પડવાથી પક્ષીની વૃદ્ધિ તેમજ ઉત્પાદનક્ષમતા ઘટે છે. નાનાં પક્ષીઓમાં મૃત્યુપ્રમાણ પણ રહે છે. અનેક પ્રકારનાં માયકોટૉક્સિનમાં એસ્પરજિલસ ફ્લેવસ ફૂગથી થતું આફ્લાટૉક્સિન તથા એસ્પરજિલસ ઑક્ટેશિયસ ફૂગથી થતું ઓક્ટાટૉક્સિન ઝેર મહત્વનાં છે. આ રોગથી બચવા સામાન્ય રીતે દાણમાં ફૂગનાશક તેમજ ઝેરશોષક દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે.
(3) ખરજવું અને દાદર : આ ત્વચાના રોગો છે. ખરજવું ચામડીના અમુક જ ભાગમાં થાય છે, જેમાં નાની ફોલ્લીઓ થઈને ફૂટી જવાથી પાણી જેવો ચીકણો સ્રાવ નીકળે છે. આ રોગથી જાનવરને ખૂબ ખંજવાળ આવવાથી તે ગમે તે વસ્તુ જોડે તે ભાગ ઘસે છે. આંખની આજુબાજુ કે કાનની ચામડી પર ગોળ ચાઠાં જણાય છે ને ચામડી રાખોડી રંગની સૂકી લાગે છે.
(ગ) જીવાણુ(બૅક્ટેરિયા)જન્ય રોગો : 1. કાળિયો તાવ (anthrax) : આ રોગને ઍન્થ્રૅક્સ કે વુલ સૉટ્ર્સ ડિસીઝ પણ કહે છે. આ રોગ બેસિલસ ઍન્થ્રેસિસ જાતના જીવાણુથી થતો રોગ છે. દરેક પ્રકારના જાનવરમાં તે જોવા મળે છે. જોકે મરઘામાં ભાગ્યે જ જોવામાં આવે છે. આ રોગનાં મુખ્ય લક્ષણોમાં 400 થી 410 સે. તાવ, સ્નાયુની ધ્રુજારી તેમજ ગળા અને છાતી પર સોજા જોવા મળે છે. તેની ઉગ્રતા વધતાં જાનવર એકાએક મરી જાય છે.
આ રોગના પ્રતિબંધક ઉપાય તરીકે ઍન્થ્રૅક્સ સ્પોર વેક્સિન ચામડી નીચે ઇન્જેક્શન દ્વારા આપવામાં આવે છે.
2. ગળસૂંઢો (pasteurellos) : તેને હેમરેજિક સેપ્ટિસિમિયા પણ કહે છે. આ રોગ મોટાભાગનાં જાનવરોમાં જોવા મળે છે. પાસ્ચેરેલ્લા નામના જીવાણુથી થતા આ રોગનાં મુખ્ય લક્ષણોમાં તાવ, દુ:શ્વસન, ગળા-આંખ-ગ્રસની વગેરે ભાગમાં સોજો જોવા મળે છે. વર્ષાઋતુમાં આ રોગનું પ્રમાણ વધુ જોવામાં આવે છે.
પ્રતિબંધક ઉપાય તરીકે વર્ષાઋતુ પહેલાં જાનવરને રસી આપવામાં આવે છે.
3. ગાંઠિયો તાવ (black quarter a) : ક્લોસટ્રિડિયમ પ્રજાતિના જીવાણુથી થતો આ એક જીવલેણ રોગ છે. આ રોગમાં જાનવરને તાવ (41ºથી 42ºસે.) રહે છે ને પાછલા અથવા આગલા થાપા પર સોજો જણાય છે, જે વાદળી (sponge) જેવો લાગે છે અને તે ભાગની ચામડી કાળી જણાય છે. આ ભાગ પર કાપ મૂકવાથી વાસ આવે છે ને લોહી-મિશ્રિત કાળા રંગનો કોપિત સ્રાવ નીકળે છે. આ રોગના પૂર્વોપાય તરીકે દર વર્ષે તંદુરસ્ત જાનવરોને ગાંઠિયા તાવ માટેની રસી આપવામાં આવે છે.
4. આંત્રવિષમયતા (enterotoxemia) : ઘેટાંઓને માટે આ એક પ્રાણઘાતક રોગ છે. આ રોગ ક્લોસટ્રિડિયમ વેલશાઈ વર્ગ ડીના વિષ-(toxin)થી થાય છે. રોગિષ્ઠ ઘેટાંઓ લથડિયાં ખાય છે. આંચકી આવે છે અને થોડો સમય બેભાન અવસ્થા ભોગવ્યા બાદ મૃત્યુ પામે છે.
આ રોગના પૂર્વોપાય તરીકે રસી મૂકવામાં આવે છે. ગર્ભધારણ કરતી ઘેટીઓને વિયાણનાં છથી આઠ અઠવાડિયાં પહેલાં રસી આપવાથી બચ્ચાંને પણ રોગ સામે રક્ષા મળી રહે છે.
5. સાંસર્ગિક ગર્ભપાત (infectious abortion) : મુખ્યત્વે તે દુધાળાં જાનવરોમાં જોવા મળે છે. ડુક્કરમાં પણ જોવા મળે છે. બ્રુસેલા પ્રજાતિના ત્રણ જાતિના જીવાણુઓ આ રોગ કરે છે.
ગર્ભપાત આ રોગનું મુખ્ય લક્ષણ છે. ગર્ભપાત બાદ થોડાં અઠવાડિયાં સુધી પીળાશ પડતો બદામી રંગનો પ્રસ્રાવ થતો જોવા મળે છે. રોગિષ્ઠ જાનવર જો જીવંત બચ્ચાંને જન્મ આપે તોપણ જન્મ્યા બાદ થોડા જ સમયમાં તે મૃત્યુ પામે છે. આ રોગમાં અનેક વાર જરાયુનું અવરોધન (retention of placenta) જોવા મળે છે.
આ રોગથી બચવા માટે ધણમાંનાં વાછરડાં છથી આઠ મહિનાનાં થાય ત્યારે ચામડી નીચે રસી આપવામાં આવે છે.
6. ધનુર્વા (tetanus) : આ રોગ ઘોડા, ગાય, ઘેટાં, બકરાં, ડુક્કર વગેરેમાં જોવા મળે છે. પણ ઘોડાઓમાં તેનું પ્રમાણ સૌથી વધુ છે. ક્લૉસટ્રિડિયમ ટિટેનાઈ જીવાણુઓના વિષથી આ રોગ થાય છે.
આ રોગમાં જડબું બંધ થઈ જાય છે (lock jaw), સ્નાયુઓ અક્કડ થઈ જાય છે. જાનવર અવાજ કે પ્રકાશથી ગભરાઈ જાય છે અને તેને આંચકી આવે છે. જાનવરની પીઠ ધનુષના આકાર જેવી વળી જાય છે.
આ રોગના પૂર્વોપાય તરીકે જખમ થાય ત્યારે કે શસ્ત્રક્રિયા કરતા પહેલાં ટિટેનસ ઍન્ટિટૉક્સિનનું ઇન્જેક્શન સ્નાયુમાં આપવામાં આવે છે.
7. ક્ષય (tuberculosis) : તે માઇકોબૅક્ટિરિયમ ટ્યૂબર-ક્યુલોસિસથી થતો ચેપી રોગ છે. આ રોગ દીર્ઘકાલિક (chronic) છે ને દરેક જાતનાં જાનવરોમાં તથા મનુષ્યમાં જોવા મળે છે.
આ રોગમાં જાનવર નબળું જણાય છે. તેને સૂકી ઉધરસ પણ જણાય છે. દુગ્ધગ્રંથિને રોગની અસર થાય ત્યારે તે કઠણ જણાય છે.
આ રોગની તપાસ માટે વર્ષમાં એકથી બે વખત જાનવરોનું ક્ષયવિષ-પરીક્ષણ કરવામાં આવે છે ને તેમાં જે પ્રભાવિત જાનવરો (positive) હોય તેને કતલખાને અથવા ગોસદનમાં મોકલવામાં આવે છે.
8. યોહન્સ રોગ (paratuberculosis) : આ પણ એક દીર્ઘકાલિક રોગ છે; જે પશુ, ઘેટાં તથા બકરાંમાં જોવા મળે છે. માઇકોબૅક્ટિરિયમ પૅરાટ્યૂબરક્યુલોસિસ જાતના જીવાણુથી થતા આ રોગમાં જાનવરને અવારનવાર દુર્ગંધ મારતા ઝાડા થાય છે ને જાનવર ક્ષીણ થતું જાય છે. દુધાળાં જાનવરોનું દૂધ ઘટી જાય છે ને ક્ષીણતા વધતાં અંતે તેમનું મૃત્યુ થાય છે.
આ રોગ માટે જાનવરનું દર વર્ષે એકથી બે વાર યોહનીન-પરીક્ષણ કરાવું જરૂરી હોય છે.
9. સફેદ ઝાડા (white scour) : નાંનાં વાછરડાંઓમાં જોવા મળતો આ રોગ એશચેરેશિયા કોલાઇ જાતના જીવાણુથી થાય છે. જન્મ બાદ વાછરડાંઓમાં પહેલા દસ દિવસમાં સફેદ, પીળાશ પડતા કે માટીના રંગના દુર્ગંધ મારતા ઝાડા થાય છે અને તેઓ થોડા જ કલાકોમાં મૃત્યુ પામે છે.
10. સાલ્મોનેલોસિસ : (અ) પુલોરમ ડિસીઝ : આ રોગ મરઘાનાં બચ્ચાંમાં જોવા મળે છે. તે સાલ્મોનેલા પુલોરમ જાતના જીવાણુથી થાય છે. આ રોગનાં ચિહ્નો એકથી ચૌદ દિવસની ઉંમરનાં બચ્ચાંમાં જોવા મળે છે. બચ્ચાં સફેદ, ચીકાશ પડતું ચરકે છે. પીંછાં વીખરાયેલાં લાગે છે ને એક તરફ એકઠાં થાય છે.
(આ) ફાઉલ ટાઇફૉઇડ : સાલ્મોનેલા ગેલિનેરમ જાતના જીવાણુઓથી આ રોગ થાય છે. પુખ્ત ઉંમરનાં મરઘાંમાં તે જોવા મળે છે; આ રોગમાં મરઘું સુસ્ત જણાય છે. લીલાશ પડતી ચરક કરે છે ને કલગી તથા મુર્ગી-દાઢી કાળાશ પડતા લાલ રંગની જણાય છે.
પ્રતિબંધક ઉપાય તરીકે લોહી-સંલગ્નીકરણ પરીક્ષણ (agglutination test) કરી રોગિષ્ઠ પક્ષીઓનો નાશ કરવામાં આવે છે.
11. કોલાઈ જીવાણુથી મરઘામાં થતા રોગો : (અ) કોલિબેસિલોસિસ : આ એક ખૂબ જ પ્રચલિત રોગ છે અને બ્રૉઇલર પક્ષીઓમાં વિશેષ જોવા મળે છે. ચારથી આઠ અઠવાડિયાંની ઉંમરમાં જોવા મળતો આ શ્વસનતંત્રનો રોગ છે. પક્ષીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે ને શ્વાસ લેતી વખતે ઘરેરાટી સંભળાય છે.
(આ) કોલિગ્રેન્યુલોમા : આ લાંબા ગાળાનો રોગ છે જેમાં આંતરડા તથા યકૃતમાં નાની ગાંઠો જોવા મળે છે.
(ઇ) એગ પેરિટોનાઇટિસ : ઈંડાં મૂકતી મરઘીમાં જોવા મળતા આ રોગમાં ઈંડાંની પીળી જર્દી અંડવાહિનીમાં જવાને બદલે શરીરના અંદરના ભાગમાં છૂટી પડી જાય છે.
(ઈ) ઍર સેક્યુલાઇટિસ : જેમાં હવાની કોથળી પર સોજો આવે છે.
(ઉ) સાંધાના સોજા તેમજ અંડવાહિનીના સોજાનો રોગ : તેમાં સાંધામાં સોજો તથા ઈંડાંના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે.
(ઊ) યોક સૅક ઇન્ફેક્શન : પ્રથમ અઠવાડિયામાં નાના બચ્ચામાં આ રોગ જોવા મળે છે.
12. લેપ્ટોસ્પાયરૉસિસ : આ રોગ મોટાં પાળેલાં જાનવરોમાં જોવા મળે છે અને તે લેપ્ટોસ્પાયરા પ્રજાતિના જીવાણુથી થાય છે.
તીવ્ર રૂપમાં ઢોરમાં તાવ, કમળો, દુ:શ્વસન, પેશાબમાં લોહી વગેરે લક્ષણો જોવા મળે છે. રોગના મંદ રૂપમાં ગર્ભપાત મુખ્ય લક્ષણ છે. ઘોડામાં પણ ઉપર મુજબ લક્ષણો જણાય છે, જ્યારે ડુક્કરમાં ગર્ભપાત કે નબળાં બચ્ચાંનો જન્મ જોવા મળે છે. કૂતરાંમાં નાનાં બચ્ચાંમાં તાવ સાથે નાકમાંથી ઊલટી તેમજ મળમાં લોહી જોવા મળે છે. રોગના તીવ્ર રૂપમાં તાવ સાથે કમળાની અસર પણ જણાય છે.
13. માયકોપ્લાઝમૉસિસ : માયકોપ્લાઝમા પ્રજાતિના જીવાણુથી નીચે પ્રમાણેના રોગો થાય છે :
(અ) કૉન્ટેજિયસ બોવાઇન પ્લુરોન્યુમોનિયા : આ રોગ ઢોરોમાં જોવા મળે છે. તાવ, ઉધરસ, શરદી થાય છે તથા દૂધ-ઉત્પાદનમાં ઘટાડો જણાય છે.
(આ) કૉન્ટેજિયસ કેપરાઇન પ્લુરોન્યુમોનિયા : બકરાંમાં જોવા મળતા આ રોગમાં શરદી, ઉધરસ, દુ:શ્વસન તેમજ ન્યુમોનિયા જણાય છે.
(ઇ) ક્રૉનિક રેસ્પીરેટરી ડિસીઝ : મરઘામાં ને ખાસ બ્રૉઇલર પક્ષીમાં જોવા મળતો આ રોગ ઈ. કોલાઈના રોગ સાથે મિશ્રિત જોવા મળે છે. નાકમાંથી પાણી ગળવું, આંખનો સોજો તેમજ શ્વાસમાં તકલીફ એ મુખ્ય લક્ષણો છે. ગળામાંથી ચોક્કસ પ્રકારનો અવાજ પણ આવે છે.
14. ગ્લાનર્ડસ અને ફારસી : આ મુખ્યત્વે ઘોડામાં જોવા મળતો રોગ છે, પરંતુ માણસમાં પણ થતો હોવાથી અગત્યનો છે. ઍક્ટિનોબેસિલસ મેલિયાઈ જીવાણુથી થતા આ રોગમાં ઉધરસ, નાકનું ગળવું, ન્યુમોનિયા વગેરે જોવા મળે છે. જ્યારે ચામડી પર અસર થઈ હોય ત્યારે ચાંદાં જોવા મળે છે (ફારસી). ગધેડાં તેમજ ખચ્ચરમાં તાવ તેમજ સેપ્ટિસિમિયા જણાય છે.
(ઘ) પ્રજીવજન્ય રોગો : (1) કૉક્સીડિયૉસિસ (ઢોરોમાં) : કૉક્સીડિયા જાતિના પ્રજીવોથી થતા આ રોગમાં મંદ તેમજ તીવ્ર બંને રૂપ જોવા મળે છે. તીવ્ર રૂપમાં જાનવરને પાણી જેવા દુર્ગંધ મારતા ઝાડા સાથે લોહી પણ પડે છે. મંદ રૂપમાં જાનવરને પાતળા ઝાડા સાથે શ્લેષ્મ (mucus) તથા થોડું લોહી પડે છે.
કૉક્સીડિયૉસિસ (મરઘાંમાં) : મરઘાંમાં આ બીમારી આઇમેરિયા પ્રજાતિના પ્રજીવોથી થાય છે. આ રોગમાં મરઘાંની ચરકમાં સારા પ્રમાણમાં લોહી જોવામાં આવે છે. રોગના તીવ્ર રૂપમાં મૃત્યુ થાય છે, જ્યારે મંદ રૂપમાં નબળાઈ જણાય છે. મરણોત્તર તપાસમાં આંતરડાંમાં રક્તસ્રાવ જોવા મળે છે.
(2) બેબિસિયૉસિસ : બેબિસિયા જાતિના પ્રજીવોથી થતો આ રોગ ચિમોડી દ્વારા ફેલાય છે. આ રોગમાં જાનવરને તાવ આવે છે. પાંડુરોગની અસર જણાય છે તેમજ પેશાબ લાલાશ પડતો કે કૉફીના જેવા રંગવાળો થાય છે.
(3) ઝેરબાજ (surra) : ટ્રિપેનોસોમા પ્રજીવોથી આ રોગ થાય છે. આ રોગમાં જાનવરને તાવ આવે છે અને એકદમ ઉત્તેજિત થાય છે, ચકરી ખાય છે ને મૃત્યુ પામે છે. રોગના મંદ રૂપમાં આ લક્ષણો જણાતાં નથી. આ રોગ ઘોડાં, ગધેડાં તથા ખચ્ચરમાં ઘણો જ સામાન્ય છે.
(4) થાઇલેરિયાસિસ : થાઇલેરિયા જાતિના પ્રજીવોથી થતો આ રોગ ચિમોડી દ્વારા ફેલાય છે. આ રોગ ભેંસ સહિત ઢોરમાં થાય છે. આ રોગમાં જાનવરને તાવ આવે છે, શરીરની બાહ્ય લસિકાગ્રંથિઓ સૂજી જાય છે ને એકથી ત્રણ અઠવાડિયાંમાં જાનવરનું મૃત્યુ થાય છે.
(5) એનાપ્લાસ્મોસિસ : એનાપ્લાસ્મા જાતિના પ્રજીવોથી આ રોગ થાય છે. ઢોર તથા ભેંસ વર્ગનાં પ્રાણીમાં થતો આ રોગ ચિમોડી માખી તથા મચ્છર દ્વારા ફેલાય છે. આ રોગમાં જાનવરને તાવ આવે છે. નાકમાંથી ચીકણો પ્રસ્રાવ નીકળે છે ને ઘણી વખત કમળાની અસર જણાય છે. તીવ્ર રૂપમાં ચારેક દિવસમાં મૃત્યુ થાય છે.
(ઙ) કૃમિજન્ય રોગો : (1) ચપટા કૃમિઓથી થતા રોગો : (અ) યકૃત કૃમિ(liver fluke)થી થતો રોગ : ફેસિયોલિયાસિસના નામે ઓળખાતો આ રોગ ઢોર તથા ઘેટાં-બકરાંમાં તીવ્ર અથવા તો મંદ રૂપમાં થાય છે. ઢોરોમાં શરૂઆતમાં કબજિયાત જણાય છે. છેવટે પાતળા ઝાડા થાય છે ને પાંડુરોગ પણ જણાય છે. જાનવરને નબળાઈ આવે છે.
ઘેટાં-બકરાંમાં નબળાઈ, પાંડુરોગની અસર તથા જડબાં વચ્ચે જલશોથ (oedema) જણાય છે. જલશોથને લીધે જડબું બાટલી જેવું લાગે છે. આથી આ રોગને બૉટલ-જૉ પણ કહે છે.
(આ) પૅરાએમ્ફિસ્ટોમિયાસિસ : પૅરાએમ્ફિસ્ટોમ્સ પૃથુકૃમિને લીધે આ રોગ થાય છે. જાનવરના અગ્રાંત્રમાં અપરિપક્વ સોજો આવે છે.
(ઇ) સિસ્ટોસોમિયાસિસ : ચપટા સિસ્ટોસોમા કૃમિથી આ રોગ થાય છે. આ કૃમિઓ નાકની શ્લેષ્મકલામાં સ્થાયી થઈ ત્યાં સોજો લાવે છે. જાનવરને શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે ને શ્વાસ લેતી વખતે અવાજ આવે છે.
(2) ગોળકૃમિથી થતા રોગો (round worms) : (અ) રજ્જુકૃમિ(thread worm)નો રોગ : વાછરડાં તથા પાડામાં નિયોએસકેસિસ વિટક્યુલોરમ જાતિના કૃમિથી આ રોગ થાય છે. જાનવરને પેટમાં દુખાવો, કબજિયાત કે ઝાડા, ખાવા પ્રત્યે અરુચિ વગેરે જણાય છે. કૃમિની સંખ્યા વધુ હોય ત્યારે આંતરડાંમાં અવરોધ થવાથી પશુનું મૃત્યુ થાય છે. જાનવરનું પોતાના શરીરમાં જ મરી ગયેલા કૃમિના વિષથી પણ મૃત્યુ થાય છે.
(આ) મરઘાંમાં રજ્જુકૃમિનો રોગ : મરઘાં-બતકાંમાં હેટ્રેકિસ ગેલીને અને એસ્કેરિસ ગેલીથી આ ‘બ્લૅકહેડ’ નામનો રોગ થાય છે. જે મરઘાંને પ્રજીવક ‘એ’ અને ‘બી’ની અછત હોય તેને એસ્કેરિસ ગેલીના ચેપની વધુ સંભાવના રહે છે.
આ કૃમિથી પીડાતાં મરઘાંની ચરક પાતળી હોય છે ને ઈંડાંનું ઉત્પાદન ઘટી જાય છે. આંતરડાંમાં કૃમિના અવરોધથી કે મરેલા કૃમિના વિષથી મરઘાં મરી જાય છે.
(ઇ) જઠર-કૃમિ : ગાય, ભેંસ, ઘેટાં-બકરાં તથા અન્ય વાગોળતાં પશુઓના ચતુર્થ આમાશયમાં હિમોનક્સ કોનટોરટસ તથા મિસિસટોસિરસ ડિજીટેટસ કૃમિ જોવા મળે છે. આ કૃમિથી આમાશયની શ્લેષ્મકલામાં સોજો આવે છે ને પાચનશક્તિ ઘટે છે. પાંડુરોગની અસર પણ જણાય છે. દૂધ-ઉત્પાદન પણ ઘટી જાય છે.
(ઈ) આંતરડાંના કૃમિઓ : ઇસોફેગોસ્ટોમિયાસિસ : ઇસોફેગોસ્ટોમમ કોલંબિયાનમ ઘેટામાં અને ઢોરોમાં ઇસોફેગોસ્ટોમમ રેડિયેટમથી આ રોગ થાય છે. આ કૃમિની જાનવરનાં આંતરડાંની દીવાલમાં ગાંઠો (nodules) થવાથી જાનવરની પાચનશક્તિ ઘટે છે.
અંકુશ-કૃમિ (hookworm) : કૂતરામાં એનકાયલોસ્ટોમા તથા ગાય, ભેંસ, ઘેટાં, બકરાંમાં લુનોસ્ટોમમ જાતિના કૃમિથી બીમારી થાય છે.
જાનવરને ચામડીમાં શીળસ જેવાં ઢીમણાં નીકળે છે ને ખંજવાળ આવે છે. જાનવરને પાંડુરોગ થાય છે ને કાળાશ પડતા ઘેરા રંગનો ઝાડો થાય છે. આ કૃમિઓ સારા પ્રમાણમાં આંતરડામાંથી લોહી ચૂસતા હોવાથી યોગ્ય સારવાર ન મળે તો જાનવરનું મૃત્યુ થાય છે.
(ઉ) ફેફસાંના કૃમિઓ : ઘેટાં-બકરાંમાં ડિક્ટિયૉકેલસ ફાઇલેરિયા તથા ઢોરોમાં ડિક્ટિયૉકેલસ વિવિપેરસના કારણે આ રોગ નાની ઉંમરના જાનવરમાં સવિશેષ જોવા મળે છે. જાનવરને ખાંસી આવે છે ને દુ:શ્વસન જણાય છે. જાનવરને તાવ ને ન્યુમોનિયાની અસર પણ જણાય છે.
(ઊ) ચામડીના કૃમિ : પૅરાફાઇલેરિયા જાતિના કૃમિઓ ઘોડા તથા ઢોરોની ચામડીમાં અને સ્નાયુઓ વચ્ચેની સંયોજક ઊતિમાં જોવા મળે છે. ચામડી નીચે નાની પુટિકાઓ ફૂટે છે અને તેમાંથી લોહી નીકળે છે.
સ્ટેફેનેફાઇલેરિયા આસામેનસિસ જાતિના કૃમિથી ઢોરોની ખાંધ પર ખંજવાળ તથા સોજો આવે છે ને ચાંદું પડે છે, જેને હમ્પ-સોર કહે છે.
(છ) બાહ્ય પરોપજીવીઓને લીધે ઉદભવતા પશુરોગો : (1) જૂના ઉપદ્રવની અસર : જૂના ઉપદ્રવની પશુ તેમજ મરઘાંના શરીર પર અસર થાય છે. જૂના ઉપદ્રવથી જાનવર અસ્વસ્થ બને છે. તેઓ ખોરાક તેમજ આરામ લઈ શકતાં નથી, તેમના શરીર પરના વાળ ને ઊન ખરી જાય છે ને તેમનું દૂધ-ઉત્પાદન પણ ઘટે છે. મરઘાંમાં પીંછાં ખરી જાય છે ને ઈંડાંનું ઉત્પાદન ઘટે છે.
(2) માંકડના ઉપદ્રવની અસર : માણસોના રહેઠાણમાં રહેતા આ કીટકો પક્ષીઓ પર પણ હુમલો કરે છે. તે મરઘાં, ટર્કી, કબૂતરમાંથી લોહી ચૂસી લે છે ને તેથી પક્ષીઓ રક્તક્ષીણતાથી પીડાય છે.
(3) ચાંચડના ઉપદ્રવની અસર : નબળાં તથા દીર્ઘકાલીન રોગથી પીડાતાં અને મોટી ઉંમરનાં જાનવરો પર ચાંચડનો ઉપદ્રવ વધારે જણાય છે. જાનવર અસ્વસ્થ અને નબળાં પડી જાય છે ને ચામડી ખરાબ થઈ જાય છે. લાંબા ગાળે ‘ત્વચાકોપ’ (dermatitis) થાય છે.
(4) મચ્છરના ઉપદ્રવની અસર : મચ્છરો માણસો ઉપરાંત પશુ-પક્ષીઓના અનેક પરોપજીવી તેમજ વિષાણુજન્ય રોગોના વાહક બનીને અને/અથવા મધ્યસ્થ યજમાન રહીને રોગોનો પ્રસાર કરે છે. મચ્છરો કરડે ત્યારે યજમાનને ખૂબ જ પરેશાની થાય છે.
મરઘાંમાં બોરેલીય અન્સેરિના બૅક્ટેરિયાનો પ્રસાર કરે છે તથા ઘોડાંમાં પૂર્વીય અને પશ્ચિમી મસ્તિષ્કકોપ (eastern and western equine encephalitis) મચ્છરના કરડવાથી ફેલાય છે.
(5) માખીના ઉપદ્રવની અસર : ભેંસના ડાંસ (buffelow gnats) તરીકે ઓળખાતો કીટક જાનવર પર હલ્લો કરે ત્યારે જાનવરને ફોલ્લા ઊપડી આવે છે ને ફોલ્લા ફૂટી તે સ્થળે મસા થાય છે. તેને લીધે મરઘાંમાં રક્તક્ષીણતા જોવા મળે છે.
રેતમાખ (sand-fly) જાનવરના શરીરમાંથી લોહી ચૂસે છે, જ્યારે ટેબેનસ માખી જાનવરને કરડવાથી સોળ ઊઠી આવે છે. લોહી ચૂસવા આવતી સામાન્ય માખીઓ જાનવરોમાં કાળિયો તાવ ફેલાવે છે. આ માખી જાનવરોમાં સરા (surra) પણ ફેલાવે છે.
ઘરમાખ (home fly) અનેક રોગોની વાહક છે. જાનવરોમાં તે કૃમિની મધ્યસ્થ યજમાન હોય છે.
(6) ઇતરડીના ઉપદ્રવની અસર : ઇતરડી મરઘાના શરીરમાંથી લોહી ચૂસી રક્તક્ષીણતા કરે છે. પશુઓના શરીરમાંથી પણ તે લોહી ચૂસે છે. પક્ષીઓ અને જાનવરોમાં તે થાઇલેરિયાસિસ જેવા રોગોનું વહન કરે છે, પરિણામે તેમની ઉત્પાદનશક્તિ ઘટે છે ને નબળાઈ આવે છે.
પશુરોગોનું વર્ગીકરણ
[I] પુર-પ્રવર્તક રોગો
(1) આનુવંશિક પરિબળો
(અ) ઘાતક કારણો
(આ) ઉપઘાતક કારણો
(2) વિકૃતિજન્ય પરિબળો
1. વિકાસના વિક્ષોભો
(અ) અવિકાસ
(આ) અવવૃદ્ધિ
(ઇ) અવિવરતા
(ઈ) તડ
(ઉ) સંમિલન
(ઊ) અતિવિકાસ
(ઋ) અધિવૃદ્ધિ
(3) પ્રાકૃતિક વૈયક્તિક લક્ષણોની સ્વાસ્થ્ય પર થતી અસર
(અ) દુધાળાં ઢોર વગેરે
(આ) વય
(ઇ) લિંગ
(ઈ) રંગ
(ઉ) સંવેદન-વૈશિષ્ટ્ય
[II] ઉદ્દીપક રોગો
(અ) વિષ-ખોરાકને લીધે ઉત્પન્ન થતા પશુરોગો
(આ) પર્યાવરણિક પરિબળો
1. તાપમાન
2. પ્રકાશ
3. દબાણ
4. સ્થાનભ્રષ્ટતા
[III] શરીરના વિવિધ અવયવોમાં ઉત્પન્ન થતા સામાન્ય અને ચયાપચયી રોગો
(ક) ચામડીના રોગો
(1) જખમ
(2) કાંધ આવવી
(ખ) બ્રુસેલા અને ક્રિપ્ટોકોકસ
(ગ) મૂત્ર જનનતંત્ર : પથરીનો રોગ
(ઘ) પાચનતંત્રના રોગો
(1) પ્રથમ આમાશયનો સોજો
(2) અભિઘાતજ દ્વિતીય આમાશય પરિતનનો કોપ (traumatic reticuloparitonitis)
(3) ઝાડા (અતિસાર)
(4) આફરો
(5) પેટમાં લોખંડ હોવું
(ચ) શ્વસનતંત્રના રોગ
(છ) અન્ય અંગોને થતા રોગો
(1) તણછ
(2) કરમોડી (કંબોઈ) અથવા શિંગડાનું કૅન્સર
(જ) ચયાપચયી રોગો
(1) પ્રસવ-પક્ષાઘાત (મિલ્ક-ફીવર)
(2) બોવાઇન કિટોસિસ
(3) લૅક્ટેશન ટિટેની
[IV] ત્રુટિજન્ય રોગો
(1) ખનિજપદાર્થોની ત્રુટિ
(2) પ્રજીવકોની ત્રુટિ
[V] ઝેરી પદાર્થોની અસર હેઠળ ઉદભવતા રોગો
(અ) જમીનમાંનાં ઝેરી તત્વોથી થતા રોગ
(આ) ઝેરી વનસ્પતિ ખાવાથી થતા રોગ
(ઇ) મીણો ચઢવો
(ઈ) જંતુનાશક દવાઓની ઝેરી અસર
[VI] પરોપજીવીજન્ય રોગો
(ક) વિષાણુજન્ય ચેપી રોગો
1. ખરવા-મોંવાસો
2. બળિયા
3. હડકવા
4. મ્યુકોઝલ ડિસીઝ કૉમ્પ્લેક્સ
5. રાનીખેતનો રોગ
6. મરઘાંમાં માતા
7. મેરેક્સનો રોગ
8. ઇન્ફેક્શસ બર્સલ ડિસીઝ
9. ઇન્ફેક્શસ બ્રૉન્કાઇટિસ
10. હાયડ્રૉ-પેરિકાર્ડિયમ સિન્ડ્રોમ
11. એગડ્રૉપ સિન્ડ્રોમ
12. મૅડ કાઉ ડિસીઝ
13. કેનાઇન ડિસ્ટેમ્પર
14. ઇન્ફેક્શસ કેનાઇન હિપેટાઇટિસ
15. કેનાઇન પારવો વાયરસ
16. ઇક્વાઇન ઇન્ફ્લુએન્ઝા
(ખ) ફૂગજન્ય રોગો
1. એસ્પરજિલોસિસ
2. માયકોટૉક્સિકૉસિસ
3. ખરજવું અને દાદર
(ગ) જીવાણુ(બૅક્ટેરિયા)જન્ય રોગો
1. કાળિયો તાવ
2. ગળસૂંઢો
3. ગાંઠિયો તાવ
4. આંત્રવિષમયતા
5. સાંસર્ગિક ગર્ભપાત
6. ધનુર્વા
7. ક્ષય
8. યોહન્સ રોગ
9. સફેદ ઝાડા
10. સાલ્મોનેલૉલિસ
(અ) પુલોરમ ડિસીઝ
(આ) ફાઉલ ટાઇફૉઇડ
11. કોલાઈ જીવાણુથી મરઘાંમાં થતા રોગો
(અ) કોલિબેસિલૉસિસ
(આ) કોલિગ્રેન્યુલોમા
(ઇ) એગ પેરિટોનાઇટિસ
(ઈ) ઍર સેક્યુલાઇટિસ
(ઉ) સાંધાના સોજા તેમજ અંડવાહિનીના સોજાનો રોગ
(ઊ) યોક સેક ઇન્ફેક્શન
12. લેપ્ટોસ્પાયરૉસિસ
13. માયકોપ્લાઝમૉસિસ
(અ) કોન્ટેજિયસ બોવાઇન પ્લુરોન્યુમોનિયા
(આ) કૉન્ટેજિયસ કેપરાઇન પ્લુરોન્યુમોનિયા
(ઇ) ક્રૉનિક રેસ્પીરેટરી ડિસીઝ
14. ગ્લાનડર્સ અને ફારસી
(ઘ) પ્રજીવજન્ય રોગો
(અ) કૉક્સીડિયૉસિસ (ઢોરોમાં)
(આ) બેબિસિયૉસિસ
(ઇ) ઝેરબાજ (surra)
(ઈ) થાઇલેરિયાસિસ
(ઉ) એનાપ્લાસમૉસિસ
(ચ) કૃમિજન્ય રોગો
(1) ચપટા કૃમિઓથી થતા રોગો
(અ) યકૃત કૃમિ(liver fluke)થી થતો રોગ
(આ) પૅરાઍમ્ફિસટોમિયાસિસ
(ઇ) સિસ્ટોસોમિયાસિસ
(2) ગોળકૃમિથી થતા રોગો
(અ) રજ્જુકૃમિનો રોગ
(આ) મરઘાંમાં રજ્જુકૃમિનો રોગ
(ઇ) જઠર-કૃમિ
(ઈ) આંતરડાંના કૃમિઓ
(ઉ) ફેફસાંના કૃમિઓ
(ઊ) ચામડીના કૃમિ
(છ) બાહ્ય પરોપજીવીઓને લીધે ઉદભવતા પશુરોગો
(1) જૂના ઉપદ્રવની અસર
(2) માંકડના ઉપદ્રવની અસર
(3) ચાંચડના ઉપદ્રવની અસર
(4) મચ્છરના ઉપદ્રવની અસર
(5) માખીના ઉપદ્રવની અસર
(6) ઇતરડીના ઉપદ્રવની અસર
મનહર દવે
ન. મ. શાહ
ભરત લા. આવસત્થી
કાંતિલાલ શિવલાલ પ્રજાપતિ
પૂર્ણિમાબહેન જાની