પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)

February, 1998

પવન (ઉત્પત્તિ, પ્રકાર, પ્રવર્તન અને અસરો)

ગતિમાન હવા એટલે પવન. વાસ્તવમાં હવાની ક્ષૈતિજ ગતિને પવન કહે છે. હવા જો ઉપરથી નીચે ઊતરે કે નીચેથી ઉપર જાય તો તેને વાતપ્રવાહ (air current) કહે છે.

ઉત્પત્તિ : વાતાવરણમાં રહેલી હવા ગરમ થવાથી હલકી તથા પાતળી બને છે અને ઉપર ચઢે છે; વધુ ઊંચાઈએ આ હવા ઠંડી પડવાથી ભારે અને ઘટ્ટ બની નીચે ઊતરે છે. તાપમાન અને દબાણના ફેરફારો હવામાં ગતિશીલતા પેદા કરે છે. જ્યાં હવા પાતળી અને ગરમ હોય ત્યાં હવાનું દબાણ ઓછું હોય છે અને જ્યાં હવા ઘટ્ટ અને ઠંડી હોય ત્યાં હવાનું દબાણ વધુ હોય છે. ઉપર જતી હલકી હવાનું સ્થાન ઘટ્ટ હવા લઈ લે છે. આ રીતે ભારે દબાણવાળી જગાએથી ઓછા દબાણવાળી જગાએ આવતી હવા ગતિશીલ બને ત્યારે તે પવન કહેવાય છે.

પવનનો વેગ અને દિશા : પવન કોઈ વાર ધીમે તો કોઈ વાર જોશથી ફૂંકાતો હોય છે. પવનનો વેગ અને દિશા માપવા માટે ઉપયોગમાં લેવાતાં સાધનોને વાયુવેગમાપક (anemometer) અને વાયુદિશાદર્શક (wind-vane) કહે છે. વાયુવેગ-માપકની આકૃતિ (પૃ. 868)માં બતાવેલી કટોરીઓમાં વેગથી ફૂંકાતો પવન ભરાવાથી તે ગોળ ગોળ ભ્રમણ કરે છે અને દાંડીને તળિયે રાખેલી પેટીમાંનાં ચક્રો ફરે છે તેનાથી પવનનો વેગ જાણી શકાય છે. દર કલાકે 15 કિમી.નો વેગ સામાન્ય વાયુલહેરનો નિર્દેશ કરે છે, 40 કિમી.નો વેગ જોરદાર લહેર દર્શાવે છે, જ્યારે 80 કિમી.નો વેગ તોફાની પવનનું સૂચન કરે છે.

વાયુદિશાદર્શક (જુઓ આકૃતિ પૃ. 868.)માં દાંડીને ઉપરને છેડે તીર અને નીચેના છેડે દિશાદર્શક પટ્ટીઓ હોય છે. પવન જે દિશા તરફથી વાતો હોય તે દિશા તરફ તીર રહે છે. હવામાનમાં થતા ત્વરિત ફેરફારો જાણવા માટે આ સાધન ઉપયોગી થઈ પડે છે. ઇંગ્લૅન્ડ જેવા દેશમાં હવામાનના ઝડપી ફેરફારો થતા રહે છે, તેથી ત્યાંનાં ઘણાં મકાનો પર આ સાધન ગોઠવેલું હોય છે.

પવનના વેગ માટેનો બ્યૂફૉર્ટ માપક્રમ (The Beaufort wind scale) : બ્રિટિશ રિયર ઍડ્મિરલ સર ફ્રાન્સિસ બ્યૂફૉર્ટે 1805માં પવનના વેગનો ખ્યાલ આપતો એક માપક્રમ તૈયાર કરેલો. તેમાં તેમણે વહાણો પર થતી પવનની અસરને સમજી શકાય તે રીતે 0-17 સુધીના ક્રમિક તબક્કાઓ દર્શાવી આપ્યા છે. 1874માં આ માપક્રમને પ્રમાણભૂત સ્વરૂપ અપાયેલું છે. આજે બ્યૂફૉર્ટનું આ માપ ભૂમિસપાટીથી 10 મીટરની ઊંચાઈએ પવનનો વેગ માપવા-સમજવા માટે ઉપયોગમાં લેવાય છે. (જુઓ, પૃ. 868.)

1. સ્થાનિક પવનો (local winds) : સ્થાનભેદે વાતાવરણીય દબાણમાં રોજેરોજ કે થોડા સમયગાળા માટે થતા રહેતા ફેરફારોને કારણે પવનો ઉદ્ભવે છે. આવા પવનોની અસર વ્યાપક વિસ્તારો પર અનુભવાતી નથી, તેથી તેને સ્થાનિક પવનો કહે છે.

દરિયાઈ લહેરોભૂમિ લહેરો (sea breezesland breezes) : સામાન્ય રીતે દિવસ દરમિયાન તાપમાન વધુ અને રાત્રિદરમિયાન ઓછું હોય છે. તેથી દિવસે ભૂમિ વધુ ગરમ થાય છે, તેના પ્રમાણમાં જળજથ્થો ઓછો ગરમ થાય છે. ભૂમિ પરની હવા હલકી બને છે અને ઉપર તરફ જાય છે, જ્યારે સમુદ્ર પરની પ્રમાણમાં ભારે હવા ભૂમિ તરફ વહે છે. તેને દરિયાઈ લહેર અથવા સમુદ્રલહેર કહે છે. રાત્રિ દરમિયાન ભૂમિ જળ કરતાં ઝડપથી ઠરે છે, તેથી ભૂમિ પરની ભારે હવા સમુદ્ર તરફ વહે છે, તેને ભૂમિલહેર કહે છે. આ પ્રકારના સ્થાનિક પવનો વધુ ગતિશીલ હોતા નથી અને તેમની અસર ઓછા અંતર પૂરતી મર્યાદિત હોય છે, તેથી તેને લહેર કહેવામાં આવે છે. માછીમારોને હોડી હંકારવામાં તે ઉપયોગી થઈ પડે છે.

આકૃતિ 1 : દિવસ : દરિયાઈ લહેર; રાત્રિ : ભૂમિલહેર

2. કાયમી પવનો (permanent winds) : પૃથ્વી પરનાં મોટા-ભાગનાં સ્થળો પર લાંબા સમયગાળા સુધી પવનોની ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તેલી રહે છે. ત્યાં સ્થાનભેદે નિશ્ચિત દિશામાંથી બારે માસ પવનો વાતા રહે છે. આવા પવનોને કાયમી પવનો અથવા બારમાસી પવનો કહે છે.

પવનનો મુખ્ય આધાર દબાણ પર રહેલો છે એટલે પૃથ્વી પર હવાનું દબાણ ક્યાં વધુ અને ક્યાં ઓછું રહે છે તે જાણવાથી પવનો ક્યાંથી ક્યાં જશે તે નક્કી કરી શકાય. વિષુવવૃત્ત પર સૂર્યનાં કિરણો બારે માસ સીધાં પડે છે, તેથી ત્યાં વધુ ગરમી પડે છે, હવા ગરમ થતી રહે છે, તે પ્રસરણ પામી, હલકી બનીને ઊંચે ચઢે છે. આ રીતે વિષુવવૃત્તની ઉત્તર તથા દક્ષિણ બંને તરફ પાંચ પાંચ અક્ષાંશના વિસ્તારમાં બારે માસ હવાના હલકા દબાણનો પટ્ટો પ્રવર્તે છે. તેને વિષૃવવૃત્તીય લઘુદાબપટ (equatorial low pressure belt) કહે છે. અહીં પવનો સીધેસીધા ઉપર તરફ ગતિ કરતા હોવાથી પૃથ્વી પર તેમની કોઈ અસર થતી નથી, તેથી આ પ્રદેશને નિર્વાત પ્રદેશ અથવા શાંત કટિબંધ અથવા ઊંઘતા પવનોનો પ્રદેશ (doldrums) કહે છે. અહીં ઊંચે ચઢેલી હવા નિશ્ચિત ઊંચાઈએ પહોંચ્યા પછી ઉત્તર તેમજ દક્ષિણ તરફ વહે છે, આગળ વધવાની સાથે ઠરતી જાય છે અને આશરે 30° અક્ષાંશીય પ્રદેશો પર નીચે ઊતરે છે. અહીં હવા ઉપરથી નીચે તરફ વહેતી હોવાથી નીચેની હવા ઉપર દબાણ વધતું જાય છે. અહીં અયનવૃત્તો આવેલા હોવાથી ભારે દબાણનો પટ્ટો તૈયાર થાય છે. તેને અયનવૃત્તીય ગુરુદાબપટ (tropical high pressure belt) કહે છે. હવાની ગતિ ઉપરથી નીચે તરફની રહેતી હોવાથી આ પ્રદેશ પણ નિર્વાત પ્રદેશ કહેવાય છે. ગુરુદાબપટના આ પવનપ્રદેશને અશ્વઅક્ષાંશ (horse latitudes) નામ અપાયેલું છે.

ધ્રુવવૃત્તો પાસે લગભગ 60° અક્ષાંશની આજુબાજુના પ્રદેશમાં પણ હલકા દબાણનો પટ્ટો તૈયાર થાય છે; પૃથ્વી ધ્રુવો પર ચપટી હોવાથી તેમજ અક્ષભ્રમણ કરતી હોવાથી હવા આ ભાગમાંથી દૂર ફેંકાઈ જાય છે. તેથી ત્યાં હલકા દબાણનો પટ્ટો ઉદ્ભવે છે. ઉત્તર-દક્ષિણ બંને ગોળાર્ધના આ પ્રદેશો ધ્રુવવૃત્તીય લઘુદાબપટ (sub-polar low pressure belt) કહેવાય છે. બંને ધ્રુવો પર કાયમ માટે સખત ઠંડી પ્રવર્તતી હોવાથી ધ્રુવો પરના બંને ભાગો ધ્રુવીય ગુરુદાબપટના પ્રદેશો (polar high pressure belt) કહેવાય છે.

બંને અયનવૃત્તીય ગુરુદાબપટ પરથી પવનો વિષુવવૃત્ત તરફ તેમજ ધ્રુવવૃત્તો તરફ વહે છે. એ જ રીતે ધ્રુવીય ગુરુદાબપટ પરથી ધ્રુવવૃત્તો તરફ પવનો વહેતા રહે છે. આ હકીકત પરથી સ્પષ્ટ થાય છે કે પવનોનું મૂળ ઉદ્ભવસ્થાન અયનવૃત્તો નજીક આવેલું છે અને પવનોની ઉત્પત્તિનું મુખ્ય કારણ તાપમાન અને દબાણમાં પરિવર્તન લાવનારાં પરિબળો પર આધારિત છે.

પવનો મરડાય છે : પૃથ્વી ગોળ છે અને પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ તરફ ભ્રમણ કર્યા કરે છે. પૃથ્વી પરના અક્ષાંશભેદે ઉત્તર-દક્ષિણનાં સ્થળોએ ભ્રમણવેગ પણ સરખો નથી. આ કારણોથી પવનો સીધેસીધા ઉત્તર કે દક્ષિણ તરફ વહેતા નથી, પરંતુ પોતાની વહનદિશાથી જમણી કે ડાબી તરફ ફંટાય છે. અયનવૃત્તો પરનું પ્રત્યેક સ્થળ દર કલાકે વિષુવવૃત્તના સ્થળ કરતાં ઓછા વેગથી ફરે છે, તેથી અયનવૃત્તો પરથી વહેતા પવનો વિષવવૃત્ત તરફ આવતાં પાછળ રહી જાય છે; એ જ રીતે ધ્રુવીય પવનો પણ ધ્રુવવૃત્તો તરફ આવતાં પાછળ રહી જાય છે. અયનવૃત્તો પરનો ભ્રમણવેગ ધ્રુવવૃત્તો કરતાં વધારે હોવાથી અયનવૃત્તો પરથી વાતા પવનો ધ્રુવવૃત્તો તરફ વહે છે ત્યારે આગળ નીકળી જાય છે. મરડાવાની આ ક્રિયા પરથી એક સામાન્ય નિયમ તૈયાર કરવામાં આવેલો છે. ઉત્તર ગોળાર્ધમાં પવનો પોતાની વહનદિશાથી જમણી તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની વહનદિશાથી ડાબી તરફ મરડાય છે. આ નિયમ ફેરલના નિયમ તરીકે ઓળખાય છે.

આકૃતિ 2 : દબાણના પટ્ટા

કાયમી પવનોના પ્રકારો : કાયમી પવનો મુખ્યત્વે ત્રણ પ્રકારના છે : વ્યાપારી, પશ્ચિમિયા અને ધ્રુવીય.

(i) વ્યાપારી પવનો (trade-winds) : આ પવનો ઉષ્ણકટિબંધમાં વાય છે. ઉત્તર ગોળાર્ધમાં તે કર્કવૃત્તથી વિષુવવૃત્ત તરફ અને દક્ષિણ ગોળાર્ધમાં તે મકરવૃત્તથી વિષુવવૃત્ત તરફ વહે છે. ફેરલના નિયમ મુજબ ઉત્તર ગોળાર્ધમાં તે જમણી તરફ મરાડાતા હોવાથી ઈશાનકોણી વ્યાપારી પવનો અને દક્ષિણ ગોળાર્ધમાં તે ડાબી તરફ મરડાતા હોવાથી અગ્નિકોણી વ્યાપારી પવનો બની રહે છે. આ પવનો જેમ જેમ વિષુવવૃત્ત તરફ આવતા જાય છે તેમ તેમ તેમની ભેજસંગ્રહક્ષમતા વધતી જાય છે; તેથી વચ્ચે જો પહાડી અવરોધ આવી જાય તો વરસાદ આપે છે. વિષુવવૃત્તથી અયનવૃત્તો સુધીના સમુદ્રવિસ્તારમાં વ્યાપારી વહાણોને પૂર્વથી પશ્ચિમ તરફ જવામાં તે મદદરૂપ થઈ પડતા હોવાથી તેમને ‘વ્યાપારી પવનો’ નામ આપવામાં આવેલું છે.

(ii) પશ્ચિમિયા પવનો (westerlies) : આ પવનો સમશીતોષ્ણ કટિબંધોમાં વાય છે. કર્કવૃત્ત અને મકરવૃત્તના ગુરુદાબપટ તરફથી ઉત્તર અને દક્ષિણ ધ્રુવવૃત્તોના લઘુદાબપટના પ્રદેશો તરફ આ પવનોની સામાન્ય ગતિ રહે છે, પરંતુ ફેરલના નિયમ મુજબ સીધેસીધા ઉત્તર કે દક્ષિણ તરફ ન જતાં, પોતાની વહનદિશાથી અનુક્રમે જમણી અને ડાબી તરફ ફંટાય છે. આથી ઉત્તર ગોળાર્ધમાં તે નૈર્ઋત્યકોણી પશ્ચિમિયા પવનો (SW westerlies) અને દક્ષિણ ગોળાર્ધમાં તે વાયવ્યકોણી પશ્ચિમિયા પવનો (NW westerlies) બની રહે છે. આ પવનો વ્યાપારી પવનોથી વિરુદ્ધ દિશામાં વાતા હોવાથી તેમને ‘પ્રતિવ્યાપારી પવનો’ (antitrade-winds) નામ પણ અપાયેલું છે. આ પવનો ગરમ વિસ્તારમાંથી ઠંડા વિસ્તાર તરફ આવતા હોવાથી તેમની ભેજસંગ્રહક્ષમતા ઘટતી જાય છે, પરિણામે સમુદ્ર તરફથી ખંડો પર પ્રવેશ કરતી વખતે ખંડોના પશ્ચિમ કિનારે વરસાદ આપે છે. ઉત્તર ગોળાર્ધમાં દક્ષિણ ગોળાર્ધ કરતાં ભૂમિભાગ વધુ આવેલો હોવાથી આ પવનો વ્યાપારી પવનો જેટલી સ્થિરતા જાળવી શકતા નથી, તેથી તેમને અસ્થિર અથવા પરિવર્તી પશ્ચિમિયા પવનો (variable westerlies) તરીકે પણ ઓળખાવવામાં આવે છે; પરંતુ દક્ષિણ ગોળાર્ધમાં 40° અને 50° અક્ષાંશવાળા આ વિસ્તારમાં જળભાગ વધુ હોવાથી તે ઘણી જ સ્થિરતાથી અને વધુ ગતિથી વાય છે, આથી તેમને ‘ગર્જતા ચાલીસા’ (roaring forties) અને ‘ભયંકર પચાસા’ (furious fifties) નામ અપાયાં છે.

(iii) ધ્રુવીય પવનો (polar winds) : આ પવનો ધ્રુવીય ગુરુદાબપટ પરથી ધ્રુવવૃત્તીય લઘુદાબપટ તરફ વાય છે. શીત કટિબંધ પરથી વાતા આ પવનો ઘણા ઠંડા હોય છે.

પૃથ્વી પરના જળસ્થળના થોડાક અપવાદો બાદ કરતાં લગભગ બારે માસ આ ત્રણેય પ્રકારના પવનો કાયમ માટે વાતા રહે છે, તેથી તેમને બારમાસી કે કાયમી પવનો કહે છે. પૃથ્વી અક્ષભ્રમણ કરતો એક ગોળાકાર ગ્રહ હોવાથી તેના ગતિવેગે ઉદ્ભવતા પવનોને ‘ગ્રહીય પવનો’ (planetary winds) પણ કહે છે.

આકૃતિ 3 : પૃથ્વીની આજુબાજુ હવાના અભિસરણમાંથી ઉદ્ભવતા પવનોની સ્થિતિ : કુલ પ્રવર્તતા છ પટ્ટા

પવનના પટ્ટાની ખસવાની ક્રિયા : પૃથ્વી પોતાની ધરીને નમેલી રાખીને અક્ષભ્રમણની સાથે સાથે સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પૃથ્વીની કક્ષા લંબગોળાકાર છે અને વાર્ષિક પ્રદક્ષિણા દરમિયાન દર ત્રણ માસે સૂર્યની સામે પૃથ્વીનાં સ્થળોની સ્થિતિ બદલાતી રહે છે, તેથી સૂર્યની સામે વારાફરતી કર્કવૃત્ત, વિષુવવૃત્ત અને મકરવૃત્તના પ્રદેશો આવતા જાય છે. આ પ્રદેશો પર ઋતુચક્ર મુજબ ગરમીનું પ્રમાણ બદલાતું રહે છે. પરિણામે દબાણના પટ્ટાઓનું સ્થાન પણ વર્ષ દરમિયાન ઉત્તર-દક્ષિણ તરફ બદલાતું રહે છે. સૂર્ય વિષુવવૃત્તની ઉત્તરે હોય ત્યારે દબાણના બધા જ પટ્ટા ઉત્તર તરફ ખસે છે. પરિણામે પવનના પટ્ટા પણ તેમને અનુસરે છે; એ જ રીતે સૂર્ય વિષુવવૃત્તની દક્ષિણે પ્રકાશતો હોય ત્યારે દબાણના પટ્ટા અને તેને આધારિત પવનના પટ્ટા દક્ષિણ તરફ ખસે છે.

સૂર્યનાં કિરણો ઉત્તર ગોળાર્ધમાં કર્કવૃત્ત પર સીધાં પડતાં હોય ત્યારે દબાણના બધા જ પટ્ટા ઉત્તર તરફ ખસે છે; આથી 30°થી 40° અક્ષાંશો પર ગુરુદાબપટ આવી જાય છે. અહીંથી નીકળતા પવનો ભૂમિખંડો પર ઉદ્ભવતા હોવાથી ઉનાળામાં વરસાદ લાવતા નથી. સૂર્યનાં સીધાં કિરણો મકરવૃત્ત પર પડે ત્યારે દબાણના બધા જ પટ્ટા પણ દક્ષિણ તરફ ખસે છે. હવે ઉત્તર ગોળાર્ધમાં ગુરુદાબપટ 20°થી 30° અક્ષાંશના વિસ્તાર પર અને 30°થી 40° અક્ષાંશવાળો વિસ્તાર પશ્ચિમિયા પવનોની અસર હેઠળ આવી જાય છે. આ પવનો સમુદ્ર પરથી વાય ત્યારે કિનારાના ભૂમિપ્રદેશો પર વરસાદ આપે છે. દક્ષિણ ગોળાર્ધ માટે પણ લગભગ આવી જ પરિસ્થિતિ ઉદભવે છે.

આમ દબાણના પટ્ટા અને તેમને અનુસરતા પવનોના પટ્ટા ખસતા રહેતા હોવાથી ખંડોના પશ્ચિમ કિનારા પર આશરે 30°થી 40° અક્ષાંશ સુધીમાં શિયાળામાં પશ્ચિમિયા પવનો વાય છે અને વરસાદ લાવે છે. ઉનાળામાં આ પ્રદેશો ભારે દબાણના પટ્ટામાં આવી જતા હોવાથી, તેમજ કેટલાક ભાગમાં પવનો ભૂમિભાગ તરફથી આવતા હોવાથી સૂકા વ્યાપારી પવનો વાય છે, જે વરસાદ આપતા નથી, તેથી આ પ્રદેશોમાં શિયાળા ભેજવાળા અને ઉનાળા સૂકા રહે છે. આ પ્રદેશમાં ઉત્તર ગોળાર્ધમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે, તેથી તેની આજુબાજુ આવેલા પ્રદેશોની આબોહવા ‘ભૂમધ્ય પ્રકારની આબોહવા’ કહેવાય છે. અહીં ઉનાળા ગરમ અને સૂકા તથા શિયાળા હૂંફાળા અને ભેજવાળા હોય છે.

3. મોસમી પવનો (monsoon winds) : પૃથ્વી પર ભૂમિ અને જળનું વિતરણ અસમાન છે, ઉત્તર ગોળાર્ધમાં ભૂમિનું અને દક્ષિણ ગોળાર્ધમાં જળનું પ્રમાણ વધુ છે. ભૂમિ અને પાણીની ગરમ-ઠંડા પડવાની ક્ષમતામાં પણ તફાવત છે; તેથી ઉષ્ણ કટિબંધમાં અને સમશીતોષ્ણ કટિબંધના ગરમ ભાગોમાં પવનોમાં વિક્ષેપ પડે છે. ઉનાળા અને શિયાળાની ઋતુઓમાં વિરુદ્ધ દિશામાં પવન વાય છે. આ વિક્ષેપ આકસ્મિક નથી, તે નિયમિત રીતે પડ્યા કરે છે. પૃથ્વીના અમુક ભાગોમાં જ્યાં આ પ્રકારના પવનો વાય છે તેને મોસમી પવનો કહે છે. ઉત્તર ગોળાર્ધના દક્ષિણ-પૂર્વ વિસ્તારોમાં આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ઉનાળામાં મોસમી પવનો સમુદ્ર પરથી ભૂમિ તરફ અને શિયાળામાં તે ભૂમિ પરથી સમુદ્ર તરફ વાય છે. પરિણામે આ મોસમી પવનોના માર્ગમાં આવતા પ્રદેશોમાં મોટેભાગે ઉનાળામાં વરસાદ પડે છે, જ્યારે શિયાળા કેટલાક અપવાદોને બાદ કરતાં સૂકા હોય છે.

ઉષ્ણ કટિબંધમાં અને સમશીતોષ્ણ કટિબંધના ગરમ ભાગોમાં જ્યાં ભૂમિ અને જળના વિશાળ જથ્થા નજીક નજીક આવેલા હોય અને એ જથ્થા એકબીજાની ઉત્તર-દક્ષિણે આવેલા હોય ત્યાં આ પ્રકારના પવનો ઉત્પન્ન થાય છે. આનું મુખ્ય કારણ એ છે કે આવા ગરમ ભાગોમાં આવેલી ભૂમિ પર ગરમીનું પ્રમાણ ઉનાળામાં વધી જતું હોવાથી ત્યાં હલકું દબાણ રચાય છે અને નજીકના સમુદ્રો ઉપર બનેલા ભારે દબાણવાળા ભાગ પરથી પવનો વાય છે.

એશિયા ખંડનો દક્ષિણ અને અગ્નિ ભાગ મોસમી પવનોની અસર નીચે આવે છે. અહીં ભૂમિ અને જળક્ષેત્રોના વિશિષ્ટ વિતરણને લીધે સમગ્ર અગ્નિ-એશિયા ઉપર મોસમી પવનો ઉદ્ભવી શકે એવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

અગ્નિ-એશિયા ખંડનો આ આખો વિસ્તાર ઉનાળામાં અત્યંત ગરમ થાય છે. વિશેષે કરીને વાયવ્ય ભારત અને મધ્ય એશિયામાં અત્યંત ગરમી પડવાથી હલકું દબાણક્ષેત્ર રચાય છે. કાયમી પવનોના સંદર્ભમાં જોતાં, ખરી રીતે અહીં ઈશાનકોણી વ્યાપારી પવનોની પરિસ્થિતિ પેદા થવી જોઈએ; પરંતુ વિષુવવૃત્તને બદલે અહીં હલકા દબાણનો પટ્ટો બનવાથી આ પવનો વાતા અટકે છે. વિષૃવવૃત્તની દક્ષિણ તરફથી વ્યાપારી પવનો વિષુવવૃત્ત પસાર કરી ઉત્તર ગોળાર્ધમાં દાખલ થાય છે, જમણી બાજુ ફંટાય છે અને ભારત, હિન્દી ચીન, મલેશિયા, દક્ષિણ ચીન પરથી પસાર થાય છે. ગરમ થયેલા આ પવનો સમુદ્ર ઉપરથી આવતા હોવાથી ભેજ ખેંચી લાવે છે; અહીંના ભૂપૃષ્ઠ પરથી પસાર થતાં ઠરતા જાય છે અને વરસાદ આપે છે. આ પવનો ઉનાળાના મોસમી પવનો કહેવાય છે.

શિયાળામાં મધ્ય એશિયા, વાયવ્ય ભારત અને પાકિસ્તાન ઠંડાં બની રહે છે, પરિણામે ત્યાં ભારે દબાણની પરિસ્થિતિનું નિર્માણ થાય છે, તેથી અહીંથી પવનો દક્ષિણના ગરમ અને હલકા દબાણવાળા સમુદ્ર તરફ વાય છે. ભારત ઉપરથી આ પવનો ઈશાનકોણી વ્યાપારી પવનોની માફક વાય છે, ચીન પર આ પવનો વાયવ્યકોણથી શરૂ થઈને પૅસિફિક મહાસાગર તરફ વાય છે. આ પવનો ભૂમિ પરથી વાતા હોવાથી સૂકા હોય છે અને તેથી વરસાદ આપતા નથી, પરંતુ તે જ્યારે સમુદ્ર ઉપર થઈને પસાર થાય ત્યારે ભેજવાળા બને છે અને નજીકના ભૂમિઅવરોધ પરથી પસાર થાય તો વરસાદ આપે છે; દા. ત., ભારતમાં આ કારણે તમિળનાડુના કિનારા પર શિયાળામાં પણ વરસાદ આવે છે. ઑસ્ટ્રેલિયાનો ઉત્તર કિનારો અને ઉત્તર આફ્રિકાનો ગિનીનો કિનારો પણ આ રીતે શિયાળાના મોસમી પવનોની અસર હેઠળ આવે છે.

ઋતુ પ્રમાણે આ પવનો ચોક્કસ દિશા બદલતા રહેતા હોવાથી તેમને મોસમી પવનો કહે છે. વિશેષે કરીને ભારત માટે ઉનાળાના મોસમી પવનો વરસાદ લાવવામાં મદદરૂપ બની રહે છે.

4. અનિયમિત પવનો (વંટોળ) : (1) ચક્રવાત (cyclone) : મોસમી પવનો એ કાયમી પવનોમાં પડતો એક પ્રકારનો નિયમિત વિક્ષેપ છે તો ચક્રવાત અથવા વંટોળ બીજા પ્રકારનો વિક્ષેપ છે; પરંતુ તે નિયમિત ન હોતાં આકસ્મિક અને તોફાની હોય છે. તે ક્યારેક ઉપયોગી તો ક્યારેક નુકસાનકારક બની રહે છે. ખંડોના અંદરના કેટલાક ભાગોમાં આ પ્રકારના વંટોળ ક્યારેક વરસાદ લાવે છે.

વંટોળમાં સામાન્ય રીતે ધૂળની ડમરીઓ વધુ ગતિથી ચક્રાકારે ઘૂમે છે, ઉપર તરફ ચઢતી જાય છે, સાથે કેટલીક હલકી વસ્તુઓને પણ ઉપાડી લે છે. આ રીતે ઘૂમરી લેતો વંટોળ સ્થાનફેર કરતો રહે છે. હવામાં ક્યારેક આ પ્રકારના મોટા પાયા પરના વંટોળ પેદા થતા હોય છે. ચક્રવાતમાં મધ્યમાં હળવું દબાણ હોય અને ચારે બાજુ જો ભારે દબાણ હોય તો ચારે બાજુએથી કેન્દ્ર તરફ હવા ધસી આવે છે. પૃથ્વીની અક્ષભ્રમણ ગતિને કારણે તે પણ ચક્રાકારે ઘૂમવા લાગે છે. ઉત્તર ગોળાર્ધમાં તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અને દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળના કાંટાની દિશામાં ચકરાવો લે છે. હવા આજુબાજુના મોટા વિસ્તાર પરથી ધસી આવતી હોવાથી મધ્યના મર્યાદિત વિસ્તારમાં પવનનો વેગ વધી જાય છે, પરિણામે પવનો તોફાની બની રહે છે અને તે જો ભેજવાળા હોય તો વરસાદ પણ આપે છે.

આકૃતિ 4 A : ચક્રવાત

(2) પ્રતિચક્રવાત (anticyclone) : જો કેન્દ્રમાં ભારે દબાણની પરિસ્થિતિ પેદા થાય અને ચારે બાજુ હળવું દબાણ હોય તો પવનો મધ્યભાગમાંથી બહાર તરફ જાય છે. આ પવનો અંદરના ઓછા વિસ્તારમાંથી બહારના વધારે વિસ્તારમાં ફેલાઈ જતા હોવાથી પ્રારંભે શરૂ થયેલું વધુ તોફાન બહાર જતાં શમી જાય છે, પવનનું જોર ઘટી જાય છે અને છેવટે હવા સ્વચ્છ બની રહે છે.

આકૃતિ 4 B : પ્રતિચક્રવાત

વંટોળની અસર : વિષુવવૃત્તીય લઘુદાબપટ અને વ્યાપારી પવનોનો પ્રદેશ જ્યારે એકાકાર થઈ જાય ત્યારે એવા સંધિસ્થળે ઉષ્ણકટિબંધનો વંટોળ ઉત્પન્ન થાય છે. ભારતમાં ક્યારેક અરબી સમુદ્ર પરથી તો ક્યારેક બંગાળાના ઉપસાગર પરથી જે વંટોળ આવે છે તે દેશના કિનારા પરથી પસાર થાય છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં પવનનું તોફાન અને વરસાદ લાવે છે. આ પ્રકારના વરસાદને વંટોળનો વરસાદ કહે છે. વંટોળ આવતાં અગાઉ હવા શાંત હોય છે, પછી વાદળ બંધાઈને આવે છે, ઝડપી પવન ફૂંકાય છે, ગાજવીજ સાથે એકાએક ધોધમાર વરસાદ તૂટી પડે છે અને પછીથી ક્રમે ક્રમે વંટોળ પસાર થઈ જવાથી બધું શાંત થઈ જાય છે. આ પ્રકારના વંટોળનો વેગ ઘણો હોય છે, અને તે વચ્ચે આવતા પ્રદેશોમાંથી વૃક્ષો ઉખેડી નાખે છે, મકાનોને નુકસાન કરે છે, અને તેના પ્રભાવે કિનારા પર ફરી વળતાં સમુદ્ર-મોજાં વિનાશ સર્જે છે. 1876માં બંગાળાના ઉપસાગરમાંથી પેદા થયેલું પ્રચંડ મોજું ગંગાના મુખપ્રદેશમાં પ્રસરી જવાથી લગભગ 1 લાખ માણસો મૃત્યુ પામ્યાં હતાં. આવી પરિસ્થિતિ બાંગ્લાદેશમાં, ભારતના પૂર્વકિનારે અને ગુજરાત-સૌરાષ્ટ્ર(કચ્છ)ના કિનારે ઘણી વાર ઉદભવે છે. આવા વંટોળ ખૂબ જ વિનાશાત્મક બની રહે છે. ઉષ્ણકટિબંધના આ પ્રકારના વંટોળને જુદા જુદા દેશોમાં જુદાં જુદાં નામ અપાયેલાં છે. ભારતમાં તેને ચક્રવાત અથવા વંટોળ, ચીનમાં ટાઇફૂન, વેસ્ટ ઇન્ડીઝમાં હરિકેન, અને યુ.એસ.માં ટૉર્નેડો કહે છે.

ઉત્તર ગોળાર્ધમાં સમશીતોષ્ણ કટિબંધના વંટોળ અયનવૃત્તીય ગરમ હવા અને ઉત્તરની ઠંડી હવાના સંધિસ્થળે ઉદ્ભવતા હોય છે. આવાં અમુક સ્થળોએ ગરમ-ભેજવાળી હલકી હવાને નીચે ઊતરતી ઠંડી હવા ઊંચે ધકેલે છે, ધીમે ધીમે તે ચક્રાકાર ગતિ પ્રાપ્ત કરે છે. પશ્ચિમિયા પવનો તેને યુરોપ તરફ લઈ આવે છે. મોટેભાગે ચક્રવાત થયા પછી પાછળ ને પાછળ પ્રતિચક્રવાતની પરિસ્થિતિ પણ પેદા થતી હોય છે; પણ પછીથી હવા શાંત બની રહે છે અને વળી પાછી ચક્રવાતની પરિસ્થિતિનું નિર્માણ થાય છે. પશ્ચિમ યુરોપમાં આવું વારંવાર બનતું રહેતું હોવાથી ત્યાંની આબોહવાને વંટોળિયાની આબોહવા પણ કહે છે. ઇંગ્લૅન્ડ આટલાંટિક અને યુરોપના ભૂમિભાગના સંધિસ્થળે આવેલું છે, ત્યાં આ પ્રકારની પરિસ્થિતિ વધુ જોવા મળે છે.

(3) રેતીના વંટોળ : રેતીના વંટોળ રણોમાં ઉદ્ભવતા હોય છે. ગરમ રણોમાં અતિશય ગરમીની અસર હેઠળ હલકું દબાણ હોય છે. આજુબાજુની હવા ત્યાં ધસી આવીને રેતીના કણોને ઊંચકે છે, કણો ચક્રાકારે ફરતા ફરતા ઊંચે ચઢે છે, ઊંચે જતાં પવનનું જોર નરમ પડી જાય છે, રેતીકણો ચારે બાજુ ફેલાઈ જઈ નીચે પડે છે. આવા વંટોળ ગરમ રણોમાં વારંવાર થતા રહે છે. રણોમાં પસાર થતી વખતે જો આવા વંટોળની વચ્ચે આવી જવાય તો એમાંથી રક્ષણ મેળવવાનો ઉપાય નીચે બેસી જવાનો અથવા નીચે સૂઈ જવાનો છે. આમ કરવાથી વંટોળ ઉપરથી પસાર થઈ જાય છે. સહરાના રણમાં અને થરના રણમાં આ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવતી જોવા મળે છે.

(4) જળવંટોળ (water-spout) : સમુદ્રમાં કોઈ સ્થળે જ્યારે ઊંચે સુધી હલકા દબાણનો પટ્ટો ઉદભવે તો ઉપરનાં વાદળોમાંથી જળનો જથ્થો સ્તંભની માફક નીચે લટકતો ઊતરે છે અને જેમ જેમ સમુદ્રસપાટીની નજીક આવતો જાય છે તેમ તેમ લંબાતો જઈ પાતળો બની જાય છે. એ જ વખતે સમુદ્રમાંથી જળનો જથ્થો ઊંચે ચઢવા લાગે છે, બંને ચક્રાકાર ફરતા ફરતા જ્યારે એક થઈ જાય ત્યારે તે સમુદ્રસપાટી ઉપર થઈને આગળ વધે છે, તે પછી ત્યાં ગાજવીજ અને વરસાદ થાય છે. આ પ્રકારના વંટોળને જળવંટોળ કહે છે. તેનો વ્યાસ સંજોગ મુજબ 1 મીટરથી 60 મીટર સુધીનો હોઈ શકે છે અને તે 10 મીટરથી 500 મીટરની ઊંચાઈ સુધી પહોંચી શકે છે. અપવાદરૂપ પરિસ્થિતિમાં તે 1,500-2,000 મીટરનો પણ થઈ શકે ખરો. તેનો આગળ વધવાનો વેગ માણસના ચાલવાના વેગથી માંડીને દર મિનિટે 1 કિમી. કે તેથી થોડો વધુ હોઈ શકે છે; તેમ છતાં તે કોઈ સ્થળે સ્થિર પણ બની રહે છે. 1856માં કૉલકાતા નજીક બંગાળાના ઉપસાગરમાં આવો જળવંટોળ ઉદ્ભવેલો.

હરિકેન : હરિકેન એ અયનવૃત્તીય પ્રદેશોમાં ઉત્પન્ન થતાં, અત્યંત તીવ્રતાથી ફૂંકાતાં વિનાશકારી વાવાઝોડાં છે, જે લઘુદાબવાળા સ્થાનમાં ચક્રાકાર સ્થિતિમાં ઉદ્ભવતાં હોય છે. તેમાં ફૂંકાતા પવનનો વેગ દર કલાકે 120 કિમી.થી પણ વધુ હોય છે, મોટેભાગે તો તે અયનવૃત્તીય મહાસાગરના ભાગમાંથી ઉદ્ભવે છે અને ત્યાંથી ઉત્તર ગોળાર્ધ તરફ પશ્ચિમમાં કે વાયવ્યમાં અને દક્ષિણ ગોળાર્ધ તરફ નૈર્ઋત્યમાં ખસે છે; જેમ જેમ ભૂમિભાગ તરફ આગળ ધપતાં જાય છે તેમ તેમ તેમની ઊર્જા ઘટતી જાય છે. ઉત્તર પૅસિફિકના પશ્ચિમ ભાગમાં તેને ટાઇફૂન અને બંગાળાના ઉપસાગરમાં તેને ચક્રવાત તરીકે ઓળખવામાં આવે છે. 1970 પછીના દાયકાઓમાં થયેલાં હરિકેન/ચક્રવાતની વિગતવાર માહિતી નીચે મુજબ છે :

સારણી 1 : 1970 પછીના દાયકાઓમાં થયેલાં ટૉર્નેડો /હરિકેન/ચક્રવાત

નામ સ્થાન વર્ષ મૃત્યુઆંક નુકસાનઅંદાજ (યુ.એસ.ડૉલર)
ચક્રવાત બાંગ્લાદેશ 1970 3 લાખ 8 કરોડ – 60 લાખ
હ. ઍગ્નેસ પૂર્વ કિનારો, યુ.એસ. 1972 122 2 અબજ – 10 કરોડ
ટૉર્નેડો બાંગ્લાદેશ 1973 681
ચક્રવાત ટ્રેસી ડાર્વિન, ઑસ્ટ્રેલિયા 1974 65 1 અબજ
હ. ફીફી હૉન્ડુરાસ, મધ્ય અમેરિકા 1974 10,000 1 અબજ
હ. કાર્મેન લ્યુઇઝિયાના 1974 1 15 કરોડ
હ. એલૉઇઝ વાયવ્ય ફ્લૉરિડા 1975 100 49 કરોડ
હ. ડેવિડ ફ્લૉરિડા 1979 2,400 30 કરોડ
હ. ફ્રેડરિક આલાબામા, મિસિસિપી 1979 31 2 અબજ – 30 કરોડ
હ. ઍલેન દ. ટેક્સાસ 1980 235 30 કરોડ
હ. એલિસિયા ઉ. ટેક્સાસ 1983 18 2 અબજ
ટૉર્નેડો રશિયા 1984 400
ચક્રવાત બાંગ્લાદેશ 1985 11 હજાર
હ. કેટ ફ્લૉરિડા 1985 16 30 કરોડ
હ. જુઆન લ્યુઇઝિયાના 1985 12 1 અબજ – 50 કરોડ
હ. ગ્લોરિયા પૂર્વ યુ.એસ. 1985 15 90 કરોડ
હ. એલેના મિસિસિપી, આલાબામા, વાયવ્ય ફ્લૉરિડા 1985 2 1 અબજ – 25 કરોડ
ટૉર્નેડો બાંગ્લાદેશ 1988 440
હ. જોઅન કૅરિબિયન 1988 216
હ. ગિલ્બર્ટ કૅરિબિયન, મેક્સિકો 1988 318 5 અબજ
હ. હ્યુગો દ. કૅરોલિના 1989 49 7 અબજ
ચક્રવાત બાંગ્લાદેશ 1991 બે લાખ
હ. બૉબ ઈશાન યુ.એસ. 1991 17 1 અબજ – 50 કરોડ
હ. ઇનિકી ક્વાઈ, હવાઈ 1992 3 1 અબજ
હ. એન્ડ્ર્યૂ દ. ફ્લૉરિડા 1992 30 7 અબજ – 30 કરોડ
ચક્રવાત ગુજરાત (કંડલા) 1998 5,000 2122 અબજ(રૂપિયા)
ચક્રવાત ઓરિસા (પારાદીપ) 1999 10,000
ટૉર્નેડો ઓકલાહોમા (યુ.એસ.) 1999 48
ચક્રવાત ટેક્સાસ, 2001
લ્યુઇઝિયાના 2001 41 5.5 અબજ
પેન્સિલ્વેનિયા (યુ.એસ.) 2001
હરિકેન (ચાર્લી) ફ્લૉરિડા (યુ.એસ.) 2004 10 15 અબજ
હરિકેન (ફ્રાંસિસ) ફ્લૉરિડા (યુ.એસ.) 2004 49 9 અબજ
હરિકેન (ઇવાન) ટેક્સાસ 2004 124 19 અબજ
ફ્લૉરિડા પૂર્વ કિનારો (યુ.એસ.)
ટૉર્નેડો મિસુરી, 2005 25 9.2 કરોડ
ઇન્ડિયાના 2005
કૅન્ટકી 2005
ઓહાયો 2005
(યુ.એસ.) (નવેમ્બર)
ચક્રવાત (રીટા) લ્યુઇઝિયાના ટેક્સાસ (યુ.એસ.) 2005 120 10 અબજ
હરિકેન ફ્લૉરિડા 2005 1836 84 અબજ
લ્યુઇઝિયાના
મિસિસિપી
આલાબામા (યુ.એસ.)
ટૉર્નેડો ટેનેસી, આરકાન્સાસ 2008 59
કૅન્ટ કી આલાબામા (યુ.એસ.)
ચક્રવાત (નરગીસ) મ્યાનમાર 2008 1.40 લાખ
ચક્રવાત (નિશા) તમિળનાડુ (ભારત) 2008 2004 80 કરોડ
ટૉર્નેડો આલાબામા, ટેનેસી 2011 346 11 અબજ
મિસિસિપી, એપ્રિલ
જ્યૉર્જિયા
આરકાન્સાસ
વર્જિનિયા (યુ.એસ.)
ટૉર્નેડો (જૉપ્લિન) મિસુરી (યુ.એસ.) 2011 મે 160 3 અબજ
હરિકેન (સૅન્ડી) પૂર્વ યુ.એસ. 2012 147 75 અબજ
ટાઇફૂન (હાયયાન) ફિલિપાઇન્સ 2013 6,100

પવન (ભૂસ્તરીય) : પવન એવું ભૂસ્તરીય પરિબળ ગણાય છે જે ઘર્ષણ, વહન અને નિક્ષેપજમાવટનાં ત્રણ કાર્યો કરે છે. પવનના મારાથી ભૂપૃષ્ઠના ખડકો, ભૂમિસ્વરૂપો અને જમીનો ઘસાય છે, છૂટા પડતા કણો અન્યત્ર વહન પામે છે, કણો ઊછળ્યા કરે છે. હવામાં તરતા રહે છે અને તેમનું સ્થળાંતર થતું રહે છે. પવનની ગતિમાં ઘટાડો થતાં જમાવટ થાય છે, એમાં લોએસ, અનુપ્રસ્થ કે અનુદીર્ઘ કે રેખીય, ગોળાકાર, લંબગોળાકાર, કમાનાકાર કે તારક આકારના ઢૂવા બને છે. (જુઓ, રેતીના ઢૂવા.) અયનવૃત્તીય રણો, મધ્ય અક્ષાંશીય રણો અને ધ્રુવીય રણો બનવામાં પવનોનો ફાળો હોવા ઉપરાંત વિવિધ પ્રકારના અફાટ મેદાની વિસ્તારો, બજાડા, પેડિમેન્ટ જેવાં લક્ષણો પણ તે સર્જે છે. પવનોથી થતી કણ-સ્થળાંતરની ક્રિયાથી સ્થળદૃશ્યોના આકારમાં ફેરફારો થતા રહે છે.

પવનથી વિવિધ પ્રકારનાં ઘસારાજન્ય અને નિક્ષેપજન્ય ભૂમિસ્વરૂપો તૈયાર થતાં હોય છે. આમ તે ભૂપૃષ્ઠરચનાના પરિબળ તરીકે ફાળો આપે છે. જોકે પવન પોતે જાતે કોઈ સ્થળદૃશ્ય રચી શકતો નથી. તે માટે દ્રવ્યની જરૂર પડે છે. પછી દ્રવ્ય તરીકે રેતીના કે કાંપના કણો હોય કે ખડકટુકડા પણ હોય. ઘસારા, ખવાણ કે ધોવાણની ક્રિયાઓ દ્વારા છૂટું થતું દ્રવ્ય પવન દ્વારા વહન પામી અન્યત્ર જમા થાય છે. ભૂમિસપાટીની નજીક પવનની ગતિ ઓછીવત્તી કે વાવાઝોડા જેવી હોઈ શકે છે; જ્યારે વાતાવરણના અમુક સ્તરે તેના પ્રવાહો વહેતા હોય છે. સામાન્ય સંજોગોમાં પવન દ્વારા વહન પામતું દ્રવ્ય ભૂમિસપાટીથી 1 કે 2 મીટરની ઊંચાઈ સુધીની મર્યાદામાં ઊંચકાય છે. શુષ્ક પ્રદેશોમાં તે વહન અને જમાવટનાં કાર્ય કરે છે. રણપ્રદેશો, તટપ્રદેશો, હિમનદીના તળેટીપ્રદેશો તેમજ વનસ્પતિવિહીન પ્રદેશોમાં પવનનું કાર્ય વેગવંત અને વધુ ક્રિયાશીલ રહે છે.

સારણી 2 : ભૂસ્તરીય પરિબળ તરીકે પવનની લાક્ષણિકતાઓ

ઘસારો

વહનક્રિયા અને નિક્ષેપક્રિયા
ક્રિયા લક્ષણો ક્રિયા કારણો

નિક્ષેપપ્રકાર

વાયુઉત્ખાત, ટેકરીઓના તળ- કણઉછાળો ગતિમાં લોએસ
અપઘર્ષણ, ભાગોની વધુ (પ્રવલ્ગન), થતો જ્વાળામુખી-
સંનિઘર્ષણ ખોતરાવાની ક્રિયા, હવામાં રજ- ઘટાડો, જન્ય રજ કે
ગુફાઓ, મેજઆકાર કણોની તરતી ભારે ભસ્મ,
કે બિલાડીના ટોપ રહેતી સ્થિતિ, કણોની રજઢૂવા,
આકારમાં રચાતાં કણોની સ્થાનિક
સ્થળદૃશ્ય, મેસા, ગબડતા જમાવટ,
યારડાન્ગ, જવાની કે વરસાદ
વાયુઉત્ખાત-પોલાણો, ખેંચાતા
વાયુઘૃષ્ટાશ્મ, જવાની
રણનાં સપાટીદૃશ્ય, સ્થિતિ
પાછળ રહી જતા
ગ્રૅવલ

પવનનું ઘસારાનું કાર્ય : પવનથી થતો ઘસારો તેની ફૂંકાવાની ક્રિયા દરમિયાન છૂટા પડતા કણદ્રવ્ય સ્વરૂપે રજૂ થાય છે. આ માટેની મુખ્ય ક્રિયાઓ વાયુઉત્ખાત, અપઘર્ષણ અને સંનિઘર્ષણ (કણ-અથડામણ) છે.

વાયુઉત્ખાત (deflation) : પવનની ઉગ્ર અસર હેઠળ ભૂપૃષ્ઠના ખડકો પરથી, સમુદ્ર-કંઠાર પરથી, વનસ્પતિવિહીન કે વનસ્પતિના ઓછા આવરણવાળા પ્રદેશો પરથી ખોતરાવાની ક્રિયામાં છૂટા પડતા કણોની ઊડી જવાની રીતને વાયુઉત્ખાત કહે છે. વાયુઉત્ખાતનું પ્રમાણ પવનના વેગ અને છૂટા કણજથ્થા પર આધાર રાખે છે. જ્યાં ભેજનું પ્રમાણ અને વનસ્પતિ-આચ્છાદન ઓછું રહેતું હોય, પરંતુ પવનનો મારો વધુ રહેતો હોય ત્યાં વાયુઉત્ખાત વધુ થાય છે. સૂક્ષ્મ કણો વધુ ઊંચાઈ સુધી ફંગોળાય છે. ખેડેલી જમીનોના છૂટા કણો ઊડી જાય છે. વાયુઉત્ખાતના વધુ પ્રમાણવાળા વિસ્તારમાં વનીકરણ દ્વારા આ ક્રિયાની અસરો ઓછી કરી શકાય.

વાયુઉત્ખાતની ક્રિયા જ્યાં એકધારી ચાલુ રહેતી હોય ત્યાં નાનાંમોટાં પોલાણો કે ખાડા તૈયાર થાય છે, જે વાયુઉત્ખાત-પોલાણ (deflation hollow) તરીકે ઓળખાય છે. તેનાં પરિમાણ અમુક સેમી.થી અનેક મીટર કે કિલોમીટર જેટલાં હોઈ શકે છે, ઊંડાઈનું પ્રમાણ 10 મીટર સુધી જઈ શકે છે. ઘૂમરી ખાતા પવનોને કારણે આ પ્રકારના ગર્ત રચાતા હોય છે. આકારમાં તેમની તુલના જળજન્ય કોટર સાથે થઈ શકે. ક્યારેક થતી એકધારી અસરથી મોટા પરિમાણવાળા ગર્ત પણ તૈયાર થતા હોય છે. ઇજિપ્તમાં રચાયેલો આવો એક ગર્ત 150 x 300 કિમી.ની પહોળાઈ-લંબાઈવાળો છે, તેની ઊંડાઈ 150 મીટરની છે. રણસપાટીનાં લક્ષણો પણ વાયુઉત્ખાતથી ઉદભવી શકે છે.

વાતઅપઘર્ષણ (corrosion or abrasion) : વાતજન્ય કણોની ખડકો પર એકધારી અસર થવાથી ખડકો ઘસાઈ જાય છે. આ ક્રિયાને વાત-અપઘર્ષણ કહે છે. વાત-અપઘર્ષણથી ખડકોની સપાટી લીસી બનતી જાય છે અને ખડકો ક્રમે ક્રમે ઘસાતા જાય છે. પવન દ્વારા વહન પામતા કણો જો સૂક્ષ્મ હોય તો ફૂંકાઈને ઊડી જાય છે, જો મોટા અને ભારે હોય તો વધુ ઊંચાઈ સુધી જઈ શકતા નથી, પણ તે તળખડકો પરથી પસાર થતાં તેને ઘસે છે. લઘુગોળાશ્મ અને ગુરુગોળાશ્મ ઘસાઈને ખૂણાવાળા બની રહે છે. સપાટી પરના ખડકટુકડા ઘસાઈને નાના બનતા જાય છે. ઊડતા કણો જો કઠણ હોય, પવનવેગ વધુ હોય અને ખડકો મૃદુ હોય તો ઘસારો વધુ પ્રમાણમાં થાય છે. રણોમાં ખોડવામાં આવતા ટેલિગ્રાફના થાંભલાઓને આ પ્રકારની અસરથી મુક્ત રાખવા માટે તેમને કાષ્ઠઆવરણ ચઢાવવામાં આવે છે.

સંઘાત (impact) : ખડકોની સપાટી ઉપર ઊડીને આવતા રેતીકણોનો મારો થાય એ ક્રિયાને સંઘાત કહે છે. આ પ્રકારના સંઘાતબળથી ખડકની સપાટીમાંથી કણો છૂટા પડે છે.

સંનિઘર્ષણ (attrition) : પવનમાં ઊડી આવતા કણો અંદરઅંદર અથડાવાથી ઘસારો પામે તે ક્રિયાને સંનિઘર્ષણ કહે છે.

વાત-અપઘર્ષણ દ્વારા ઉદ્ભવતાં ઘસારાજન્ય લક્ષણો : ટેકરીઓની ખોતરાવાની ક્રિયા : પવનનો મારો ઓછી ઊંચાઈએ વધુ રહેતો હોવાથી ટેકરીઓની નીચેની બાજુઓ વધુ પ્રમાણમાં ઘસાતી જાય છે. આ કારણે ટેકરીઓના આકારો કઢંગા બની રહે છે. તેમના તળવિભાગો કરતાં શિરોભાગ પરિમાણમાં મોટા દેખાય છે.

આકૃતિ 5 : તળવિભાગમાં ખોતરાયેલી ટેકરી

ક્યારેક રેતીકણોની વધુ પડતી અને એકધારી અથડામણથી ટેકરીઓની બાજુઓ ગુફાના આકારોમાં કોતરાઈ જાય છે. ક્યારેક આખા ને આખા ખડકજથ્થા ઘસાતા-કોતરાતા જઈને લાક્ષણિક સ્થળદૃશ્ય પણ રચે છે. (જુઓ, આકૃતિ  6 : વાતઘર્ષિત રેતીખડકો)

આકૃતિ 6 : વાતઘર્ષિત રેતીખડકો

પીઠિકા-ખડકદૃશ્ય, બિલાડીના ટોપ આકારનાં તથા સપાટ શિરોભાગવાળાં સ્થળદૃશ્ય : આ પ્રકારનાં સ્થળદૃશ્ય છૂટાંછવાયાં જોવા મળે છે. અહીં હવામાંના કણોના મારાથી ખડકસમૂહની નીચેની બધી બાજુઓ કોરાઈ જાય છે. ઉપરનો ભાગ ગોળાકાર અથવા સપાટ લક્ષણોવાળો અને વધુ પહોળો રહી જાય છે. નીચેની બાજુએ થાંભલા જેવો ખડકભાગ હોય અને ઉપરનો પહોળો ખડકભાગ થાંભલા પર ઓછા આધારે ટકી રહેલો હોય તો એવા સ્થળદૃશ્યને પીઠિકા-ખડક કહેવાય છે. ઘસારાના પ્રમાણ મુજબ બિલાડીના ટોપ આકારનાં તેમજ મેજ આકારનાં સ્થળશ્યો પણ બને છે. (આકૃતિ : 7, 8, 9)

આકૃતિ 7                                       આકૃતિ 8                     આકૃતિ 9
પીઠિકા સ્થળદૃશ્ય                   મેજ-આકાર સ્થળદૃશ્ય     બિલાડીના ટોપ આકારનું સ્થળદૃશ્ય

યારડાન્ગ (yardang) : જે વિસ્તારમાં સખત અને મૃદુ ખડકસ્તરો વારાફરતી ગોઠવાયેલા હોય ત્યાં પવનના ઘસારાને કારણે મૃદુ ખડકો નામશેષ બની રહે છે અને સખત ખડકો ઊપસેલા રહી જાય છે. ડુંગરધારો (ridges) જેવાં, પવનની વહનદિશાને સમાંતર વિસ્તરેલાં, આ પ્રકારનાં સ્થળદૃશ્ય યારડાન્ગ તરીકે ઓળખાય છે.

યારડાન્ગ
        આકૃતિ               આકૃતિ                   આકૃતિ
        10                        11                            12

વાયુઘૃષ્ટાશ્મ (ventifacts) : વાતઘર્ષણ દ્વારા તૈયાર થયેલા લીસી સપાટીઓવાળા પાષાણ આકારો વાયુઘૃષ્ટાશ્મ તરીકે ઓળખાય છે. પવનની અસર હેઠળ પાષાણ-ટુકડાઓ ગબડ્યા કરે ત્યારે તેની બાજુઓ સપાટ બનતી જાય છે અને તેમાં ફલકો અને ખૂણાઓ સર્જાય છે. વાયુઘૃષ્ટાશ્મની એક જ સપાટી લીસી હોય તો ઇન્કેંટર (einkanter) અને ત્રણ સપાટી (બાજુઓ) હોય તો ડ્રાઇકેંટર (dreikanter) કહેવાય છે.

આકૃતિ 13 : વાયુઉત્ખાત દ્વારા સર્જાતાં ઘસારાજન્ય લક્ષણો

રણસપાટી : વાયુઉત્ખાત દરમિયાન પવનથી થતી પાષાણટુકડાઓની ગોઠવણી અને અલગીકરણ રણની સપાટી પર ફરસબંધી (pavement) તૈયાર કરે છે. તેમાંથી સૂક્ષ્મ કણો ઊડી જાય છે, સ્થૂળ ટુકડા રહી જાય છે. નિક્ષેપજમાવટમાં સ્થૂળ ટુકડાઓનું સંકેન્દ્રણ થાય છે. રણસપાટી પર તે પથરાયેલા જોવા મળે ત્યારે તેને રણની ફરસબંધી (desert pavement) અથવા બખ્તર (armour) કહે છે. સૂક્ષ્મ કણો ઊડી જાય અને પાછળ રહી જતા લીસા લઘુગોળાશ્મ લોહદ્રવ્યથી આચ્છાદિત બનેલા મળે તો તેને માટે રણવાર્નિશ (desert varnish) પર્યાય અપાય છે.

આકૃતિ 14 એ : રણની ફરસબંધીનો વિકાસ     14 બી : રણની ફરસબંધી

પવન દ્વારા વહન પામતા કણો :

પ્રવલ્ગન (saltation) : ગબડતો કે ઊછળતો કણ જ્યારે બીજા કણ સાથે અથડાય છે ત્યારે તે કણ પણ ઊછળે છે અને પવનને કારણે તે આગળ ધપે છે, પરંતુ ગરુત્વાકર્ષણથી પાછો નીચે પડે છે. જુદા જુદા કણોની અથડામણમાં કણો ઊંચકાતા જાય છે, પરિણામે કણો ભૂમિ પર સીધો કે વાંકોચૂકો પથ ગ્રહણ કરતા આગળ વધતા જાય છે. ક્રમિક ઉછાળામાં થતી આ પ્રકારની કણ-હલનચલનની ક્રિયાને પ્રવલ્ગન કહે છે. નદીમાં પણ આ જ પ્રકારની ક્રિયા થતી હોય છે.

આકૃતિ 15 : પ્રવલ્ગન (saltation)

સ્થૂળ ખડકટુકડાઓ પવનના વેગને કારણે આગળ ને આગળ ગબડતા રહે છે. તેમની નીચે રહેલા સૂક્ષ્મ કણો ફૂંકાઈને ઊડી જાય છે. ભૂમિસપાટી પર ટુકડાઓની આ પ્રકારની ગબડવાની સ્થિતિને ખેંચાણ (traction) કહે છે. ક્યારેક ઝંઝાવાતી પવનોથી ધૂળ(રજ)ની ડમરીઓ કે રજબોજ ઊડીને અન્યત્ર જમા થાય છે.

આકૃતિ 16 : પ્રવલ્ગન : પવનથી ઊડતી રેતીનું પ્રસ્થાન

હવામાં રજકણોની તરતી સ્થિતિ (suspension) : હવાના માધ્યમમાં રજકણો તરતી સ્થિતિમાં વહન પામતા રહે છે. તે ઘણા હલકા હોવાથી ગુરુત્વાકર્ષણની અસરને વટાવી જઈ પવન દ્વારા આગળ ધપતા રહે છે. પવન દ્વારા વહન પામતો આ મુખ્ય બોજ ગણાય છે.

પવન દ્વારા નિક્ષેપ : કારણો : પવન દ્વારા વહન પામતા કણો નીચેનાં કારણોથી જમાવટ પામે છે : (1) પવનને લાગતો અવરોધ, (2) પવનગતિમાં ઘટાડો, (3) બોજવૃદ્ધિ, અને (4) વરસાદ. પવન જ્યારે ટેકરીઓને અથડાય ત્યારે તેની ગતિમાં ઘટાડો થાય છે, પરિણામે કણો નીચે પડીને જમાવટ પામે છે. વરસાદ પડે ત્યારે હવામાં તરતા રજકણો ધોવાઈને નીચે પડે છે અને જમાવટ પામે છે.

વાતનિક્ષેપના બે પ્રકારો પડે છે : 1. ઢગ-સ્વરૂપ. 2. ચાદર(આવરણ)-સ્વરૂપ. ઢૂવા એ પ્રથમ પ્રકારનું અને લોએસ એ બીજા પ્રકારનું ઉદાહરણ છે. આ ઉપરાંત સહરાના રણમાં જોવા મળતાં રેતીનાં અફાટ મેદાનો અર્ગ (ergs) તરીકે ઓળખાય છે.

લોએસ : કાંપ અને માટી જેવા અતિસૂક્ષ્મ કણોથી બનેલો ચાદર કે આવરણ સ્વરૂપનો આ વાતનિક્ષેપ ગણાય છે. ગુણધર્મોના સંદર્ભમાં મૂલવતાં તે બફરંગી અને જામ્યા વગરનાં સ્તરબદ્ધતાવિહીન પડનો બનેલો હોય છે. તેમાંના કણો તાજા અથવા ઓછા ખવાણવાળા અને કાંપના કદના કોણાકાર હોય છે. ખનિજીય દૃષ્ટિએ તેમાં ક્વાટર્ઝ અને ઓછા પ્રમાણમાં ફેલ્સ્પાર, અબરખ તથા કૅલ્શાઇટ કણો હોય છે. ઘસારાની અસર હેઠળ આવતાં તે ઊભી દીવાલો રચે છે તેથી ક્યારેક ભેખડ જેવું સ્વરૂપ દર્શાવે છે. જાડાઈમાં તે થોડાક મીટર સુધી જામે છે, પરંતુ ચીનમાં 60 મીટરની જાડાઈવાળો લોએસ પણ મળે છે. લોએસનું કોઈ સ્પષ્ટ કહી શકાય એવું ભૂમિસ્વરૂપ બનતું નથી. તે અગાઉના ભૂમિલક્ષણને ઢાંકી દે છે. આ પ્રકારના નિક્ષેપનો સ્રોત રણ કે રણ જેવા શુષ્ક-અર્ધશુષ્ક પ્રદેશો હોય છે. ક્યારેક હિમજન્ય નિક્ષેપોમાંથી ઊડીને પણ તે બને છે. લોએસને એક પ્રકારની જમીન તરીકે ઘટાવવામાં આવે છે, જે તેમાં રહેલા પોટાશના પ્રમાણને કારણે ઘણી ફળદ્રૂપ અને ઉપજાઉ નીવડે છે. લોએસની વાતજન્ય ઉત્પત્તિ નીચેના પુરાવાઓ પરથી નક્કી કરી શકાય છે :

1. કેટલાક લોએસમાં ભૂમિશંબુક (land-snails) મળી રહે છે. 2. વનસ્પતિ-મૂળ રજૂ કરતી ઊર્ધ્વ નલિકાઓ મળે છે. (મૂળ પછીથી સડી જતાં હોય છે.) 3. લોએસ ટેકરીઓના ઢોળાવો પર અને થાળાંઓમાં આચ્છાદન રૂપે પથરાયેલો મળે છે.

જ્વાળામુખી ભસ્મ અને રજ : જ્વાળામુખીપ્રસ્ફુટન દ્વારા બહાર નીકળતા પદાર્થો પૈકી સૂક્ષ્મ કણોથી બનેલી ભસ્મ અને રજ હવામાં ભળે ત્યારે લાંબા સમય માટે તે તરતી સ્થિતિમાં રહે છે; અનુકૂળ સંજોગો મળી રહેતાં તે અન્યત્ર આવરણ સ્વરૂપે જમા થાય છે.

પુરવણી : કચ્છ-સૌરાષ્ટ્ર પર ત્રાટકેલો ચક્રવાત : 1998ના જૂનના પ્રથમ સપ્તાહના પ્રારંભે ભારતીય દ્વીપકલ્પના પશ્ચિમ કાંઠાથી આશરે 650 કિમી.ના અંતરે અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા ભારે દબાણને કારણે ચક્રવાત કેન્દ્રિત થયેલો. ત્યારે એવી આગાહી કરવામાં આવેલી કે થોડાક જ દિવસોમાં તે પશ્ચિમ કાંઠા પર કે સૌરાષ્ટ્ર કાંઠા પર 150થી 200 કિમી. ઝડપવાળા પ્રચંડ વાવાઝોડાની વિનાશક સ્થિતિ સર્જી શકે તેમ છે. તા. 7-6-1998 ને રવિવારે અમદાવાદ વેધશાળાનાં સૂત્રોએ પણ તાકીદની સૂચના આપેલી કે આ વાવાઝોડું પશ્ચિમ કાંઠેથી વાયવ્ય દિશામાં ધસમસતું આગળ વધી રહ્યું હોવાથી આવતા 48 કલાક માટે સાગરખેડુઓએ, દરિયો ખેડવો નહિ. વળી રાજ્યભરનાં લાગતાં-વળગતાં તંત્રોને સંપૂર્ણ સાબદાં રહેવા માટેના આદેશો પણ અપાયેલા અને તે મુજબ જ્યાં જરૂર હતી ત્યાં તે આંકવાળાં ભયસૂચક સંકેતસાધનો પણ ગોઠવવામાં આવેલાં. આ દરમિયાન વાવાઝોડું આગળ ધપીને વેરાવળ બંદરથી 400 દરિયાઈ માઈલ દૂરના સ્થળે કેન્દ્રિત થયેલું, તે સોમવારની રાત્રે કે મંગળવારની વહેલી પરોઢ સુધીમાં સૌરાષ્ટ્રને કિનારે ત્રાટકે, ભારે વરસાદ પડે તથા વિનાશ વેરે એવી પૂરેપૂરી સંભાવનાઓ હતી.

આ રીતે મુંબઈનો દરિયાકાંઠો તો હેમખેમ ઊગરી ગયો, પણ વલસાડ, નવસારી, સૂરત અને ભરૂચને સ્પર્શતું, છેલ્લા 48 કલાકથી ક્યાંક તૂટી પડવા ઝળૂંબી રહેલું આ વાવાઝોડું છેવટે સોમવારે 8-6-1998ની રાત્રે સૌરાષ્ટ્ર કાંઠા પર ત્રાટક્યું. જોકે વેરાવળમાં તો સોમવારની વહેલી સવારથી જ ઝંઝાવાતી પવનના સુસવાટા શરૂ થઈ ચૂક્યા હતા, ત્રાટક્યું તો એવું ત્રાટક્યું કે દરિયાઈ જળના લોઢ ઊછળ્યા, 7 મીટરની ઊંચાઈનાં પ્રચંડ મોજાંઓની વિનાશક થપાટો પર થપાટો પડ્યા કરી. તા. 8 અને 9 જૂનના બે દિવસો દરમિયાન તે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદરના કાંઠા પરના પ્રદેશોને ધમરોળી રાજકોટ-જામનગર પર કેર વરતાવતું કચ્છના કાંઠે પહોંચી ગયું. નજીકનો બનાસકાંઠા જિલ્લો પણ તેની આછી અસરમાંથી બાકાત રહ્યો નહિ. હવામાનશાસ્ત્રીઓએ કરેલી આગાહી ખરેખર ખોફનાક સાબિત થઈને રહી.

આકૃતિ 17 : વાવાઝોડાથી અસરગ્રસ્ત બનેલા ગુજરાતના વિસ્તારો

તત્કાલીન વાવાઝોડાની અસર પામેલા ગુજરાતના 12 જિલ્લાઓમાં સૂરત (1 તાલુકો), ભરૂચ (1 તાલુકો), ભાવનગર (2 તાલુકા), અમરેલી (394 ગામડાં), જૂનાગઢ (6 તાલુકા), પોરબંદર (3 તાલુકા), જામનગર (10 તાલુકા), રાજકોટ (625 ગામડાં), બનાસકાંઠા (1 તાલુકો), કચ્છ (9 તાલુકા) તથા અમુક અંશે વલસાડ અને નવસારીનો સમાવેશ થાય છે. કુલ મળીને લગભગ 8,253 જેટલાં ગામડાં જુદી જુદી રીતે અસરગ્રસ્ત થયેલાં.

વાવાઝોડાથી સર્જાયેલી ભીષણ માનવ-જાનહાનિનું દૃશ્ય

સોમવાર રાતથી મંગળવાર બપોર સુધીમાં તો સૌરાષ્ટ્ર-કચ્છનો ઉપર જણાવેલા જિલ્લાઓનો મોટા ભાગનો વિસ્તાર ખેદાનમેદાન થઈ ગયો. વેરાવળ, માંગરોળ, કોડીનાર, સોમનાથ, માધાપુર, રાણાવાવ, માણાવદર, કુતિયાણા, પોરબંદર, ઓખા, દ્વારકા, જામકલ્યાણપુર, જામનગર, માળિયા મિયાણા, નવલખી, કંડલા, ગાંધીધામ, અંજાર, ભુજ, ભચાઉ, માંડવી, મુંદ્રા, નળિયા, નખત્રાણા વગેરેમાં નુકસાનની નોંધપાત્ર અસરો થયેલી. કંઠાર ધોરી માર્ગ પરનાં કંટ્રોલપૉઇન્ટ, પિકઅપ મથકો અને બસ-મથકોનાં છાપરાં ઊડ્યાં, ફંગોળાયાં અને ધરાશાયી થઈ ગયાં હતા.

વેરાવળ બંદરની દીવાદાંડીથી થોડે દૂર દરિયામાં, ચેન્નાઈથી અરબ દેશો તરફ અવશિષ્ટ રાખ (clinker) ભરેલું દક્ષિણ અમેરિકી જહાજ આ વાવાઝોડામાં અટવાઈ ગયેલું. એ જ રીતે નૉર્વેની જહાજી કંપનીનુ આશરે 75 મીટર લાંબું એક જહાજ પોરબંદર નજીક છીછરા પાણીની રેતીમાં ફસાઈ ગયેલું. અસંખ્ય હોડીઓ, લૉન્ચો, બજરા વગેરે ઠેકઠેકાણે ગુમ થઈ ગયાં. દરિયામાંથી સાત મીટર ઊંચે ઊછળેલા લોઢમાંથી ફેંકાયેલાં મોજાંથી લોકો તેમજ પશુઓની લાશો ઊછળીને નજીકનાં વૃક્ષો, વીજળીના તાર, થાંભલાઓ પર લટકતી જોવા મળેલી. દરિયામાં તણાઈને દૂર સુધી ખેંચાઈ ગયેલી લોકો કે પશુઓની લાશો ફોગાઈને, કોહવાઈને પાછી કિનારા તરફ આવીને કાદવમાં ફસાયેલી પડી હતી. કંડલા-ગાંધીધામ વચ્ચેના નકટી પુલ પાસે અસંખ્ય લાશો તરતી જોવા મળેલી. પોરબંદર-ગોંડળ તથા પોરબંદર-જામનગર જતા માર્ગ પર સંખ્યાબંધ વૃક્ષો ધરાશાયી થયેલાં. અસર પામેલા બધા જ વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઈ ગયેલો. કંડલા નજીકના તમામ નાનામોટા ઔદ્યોગિક એકમો, વિશાળ સંકુલો, ઇમારતી બાંધકામો, સંદેશાવ્યવહારને અકલ્પ્ય નુકસાન થયેલું. સમગ્ર કંડલા શહેરમાં 3 મીટર જેટલાં પાણી ફરી વળેલાં. નાનીમોટી હોડીઓ ઝંઝાવાતમાં ઊડી, ફંગોળાઈને ધોરી માર્ગો પર પટકાયેલી. કચ્છના મત્સ્યોદ્યોગને 2.5 કરોડનું નુકસાન થયેલું. પ્રચંડ ઝડપે ફૂંકાયેલા આ વાવાઝોડાની અડફેટમાં આવેલા વીજળીના થાંભલા, માઇક્રોટાવર, વાયરલેસ-ટાવર પણ ધરાશાયી થઈ ગયા હતા. રાજકોટનાં માળિયા મિયાણા, નવલખીને મંગળવારની બપોરે 1થી 2 વાગ્યાની વચ્ચે આ ઝંઝાવાતે અડફેટમાં લીધેલાં. એક જ કલાકમાં અહીંનાં નવલખી, દહીંસરા, લવણપુર, વર્ષામેડી, ઝાંઝરકા ગામોમાં બે મીટર ઊછળેલાં દરિયાઈ મોજાંથી ચારે તરફ પાણી ફરી વળેલાં. મોરબીથી 42 કિમી. દૂર આવેલી દોઢથી બે કિમી. વિસ્તાર આવરી લેતી વસાહત ક્ષણભરમાં ભેંકાર બની રહેલી.

આકૃતિ 19 : કંડલામાં 9-6-1998 મંગળવારે ત્રાટકેલા વાવાઝોડાથી ધરાશાયી બનેલું માળખું

કંડલા બંદર પરનું હજારો ટન અનાજ (ઘઉં, મગ, ચણા, ચોખા, તુવેર દાળ) પલળી ગયું, મગફળી, ખાતર, તૈયાર પોષાક નાશ પામ્યાં, જેટીઓ, ઑઇલ-ટૅન્કરો, સંચય-ટાંકીઓ તૂટી ગયાં. નજીકની બધી જ વસાહતો, એલ.પી.જી.ગૅસ, મીઠાનાં બધાં જ કારખાનાં, પુરજાઓ સહિતની યંત્રસામગ્રી, ઉપકરણો, લોખંડ-ઍલ્યુમિનિયમનો ભંગાર સંપૂર્ણપણે નાશ પામ્યાં. સૌરાષ્ટ્ર કિનારા પરના આંબા, કેળ તથા નારિયેળીના બગીચા સાફ થઈ ગયા હતા.

એક એવો અંદાજ મુકાયો  કે સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારના આશરે 46 લાખ લોકોને વત્તી-ઓછી અસર પહોંચેલી. વાવાઝોડાથી થયેલા વિનાશે હજારો માણસો અને પશુઓનો ભોગ લીધો, હજારોએ હિજરત કરી, સેંકડો કુટુંબો તારાજ થઈ ગયાં. ઉપલબ્ધ માહિતી અનુસાર 5,000 લોકો અને 5,000 પશુઓ મૃત્યુ પામ્યાં, 35-36 હજાર માણસોએ રાહત છાવણીઓમાં આશ્રય લીધેલો, 25,600 પાકાં મકાનો, 1,414 કાચાં મકાનો તથા 28,000થી વધુ ઝૂંપડાંને નુકસાન પહોંચેલું. જામનગર, હાલાર અને કંડલા-વિસ્તારને કરોડોનું નુકસાન થયું હતું.

ગુજરાતના આ અસરગ્રસ્ત વિસ્તારોમાં અબજો રૂપિયાનું નુકસાન થયેલું. એકલા કંડલા માટે 30 અબજ રૂપિયાના નુકસાનનો અંદાજ મુકાયેલો, ગુજરાત સરકારે 21-22 અબજ રૂપિયાના નુકસાનની ગણતરી બતાવી હતી.

કુદરતની આ કારમી થપાટથી કંડલા બંદર જાણે કે ખેદાનમેદાન થઈ ગયેલું. દેશનાં પ્રથમ દરજ્જાનાં ગણાતાં 11 બંદરો પૈકીનું બીજા ક્રમે આ બંદર વાવાઝોડાની ભીંસમાં એટલી હદે તારાજ થઈ ગયું કે તેને ફરીથી સજ્જ કરતાં બીજાં દશ વર્ષ લાગી જાય. અહીંના અર્થતંત્રને એક એવો પ્રચંડ ફટકો પડેલો કે તાજેતરના ઇતિહાસમાં આ પ્રકારની તારાજીનો જોટો જડવો મુશ્કેલ હતો. 20મી સદીમાં સર્જાયેલા આ ચક્રવાતને ગુજરાતની તથા ભારતની મોટી કુદરતી આપત્તિ ગણી શકાય.

ગિરીશભાઈ પંડ્યા

નીલેન્દ્ર દીક્ષિત