પળ્ળૂ : તમિળ નાટકનું પ્રાચીન સ્વરૂપ. વિદ્વાનોના મત પ્રમાણે ‘પન્નિરુ પાટ્ટિયલ’ નામના વ્યાકરણગ્રંથમાં જેનો ઉલ્લેખ છે તે ઉળત્તિપાટુ (કૃષિગીત) સમય જતાં પળ્ળૂ કહેવાયું. એમાં વિશેષત: ખેડૂતોના સામાજિક જીવનનું ચિત્રણ થયેલું હોય છે.
એમાંની કથાની રૂપરેખા આવી હોય છે : ખેડૂત સ્ત્રીઓમાં અંદરઅંદર વિખવાદ અને ઉગ્ર બોલાચાલી થાય, જમીનદાર પાસે જઈને એક જણ એના પતિએ એની પર કેવો જુલ્મ કર્યો તેની વિગતથી ફરિયાદ કરે અને બીજી એના પતિનો જમીનદાર આગળ બચાવ કરે અને પત્નીનો વાંક છે એ જરૂરી વિગતો આપીને સાબિત કરવા પ્રયત્ન કરે, અને અંતમાં પરસ્પરનો વેરભાવ ભૂલીને જાણે કશું બન્યું જ નથી એમ એકબીજા જોડે હળીમળી રાજી થતાં થતાં બંને પાછાં ફરે. મોટા ભાગનાં પળ્ળૂ નાટકો આ પ્રકારના વિષયવસ્તુવાળાં હોય છે. ગ્રામજનોના મનોરંજન માટે આ પ્રકારનાં નાટકોની રચના થતી હતી. એ કારણે એમાં હાસ્યરસ જ પીરસાતો. એને લોકનાટ્ય કહી શકાય. એમાં સંવાદની વચ્ચે વચ્ચે ગીતો આવતાં. ક્યારેક ગીતો એટલા બધા પ્રમાણમાં આવતાં કે એને સંગીતનાટક કહી શકાય. એમાં લોકબોલીનો જ પ્રયોગ થયો હોય છે. ચૌદમી તથા પંદરમી સદીમાં ઘણાં પળ્ળૂ નાટકો રચાયાં હતાં. એમાં ઘણું જાણીતું નાટક છે ‘મુક્કુડર પળ્ળૂ’, જેનો રચયિતા અજ્ઞાત છે.
ચન્દ્રકાન્ત મહેતા