પલામુ (પાલામાઉ) : ઝારખંડ રાજ્યના 24 જિલ્લાઓમાંનો એક જિલ્લો.

ભૌગોલિક સ્થાન – ભૂપૃષ્ઠ – આબોહવા : તે 23 50´ ઉ. અ.થી 24 8´ ઉ. અ. અને 83 55´ પૂ. રે.થી 84 30´ પૂ. રે.ની વચ્ચે આવેલો છે. આ જિલ્લાની ઉત્તરે શોણ નદી અને બિહાર રાજ્ય, પૂર્વે ચતરા અને હજારીબાગ જિલ્લા, દક્ષિણે લતેહર જિલ્લો જ્યારે પશ્ચિમે ગરહવા જિલ્લો સીમા રૂપે આવેલા છે. આ જિલ્લાની મુખ્ય નદીઓમાં શોણ, કોએલ અને ઔરંગા મુખ્ય છે.

ઝારખંડ રાજ્યના મોટા ભાગના વિસ્તારો છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાં આવેલા છે. આ જિલ્લો પણ છોટા- નાગપુરના ઉચ્ચપ્રદેશની નાની ટેકરીઓથી છવાયેલો છે. દક્ષિણ તરફ જતાં ટેકરીઓ નાની થતી જાય છે. આ જિલ્લામાંથી પસાર થતી નદીઓએ આ વિસ્તારને કોતરી નાંખ્યો છે. નદીઓએ ઊંડાં કોતરો અને જળધોધની પણ રચના કરી છે.

અહીંની આબોહવા આર્દ્ર દક્ષિણ-પૂર્વ પ્રકારની કહી શકાય. અહીં જુલાઈ મહિનાનું સરેરાશ તાપમાન 26 સે.થી 34 સે. જ્યારે જાન્યુઆરી માસનું સરેરાશ તાપમાન 12 સે.થી 27 સે. જોવા મળે છે. જ્યારે વર્ષ દરમિયાન વરસાદ આશરે 1000 મિમી.થી 2000 મિમી. પડે છે.

અર્થતંત્ર : આ જિલ્લો કુદરતી સંપત્તિની દૃષ્ટિએ અને ખેતીમાં સમૃદ્ધ છે. શોણ, કોયેલ અને નાની નદીઓના કાંપ નિક્ષેપણને કારણે જમીન વધુ ફળદ્રૂપ છે. જેથી અહીં ડાંગર, ઘઉં, શેરડી, કપાસ, મકાઈ, તલ, ફળ અને શાકભાજીની ખેતી લેવાય છે. અહીં સાગ, સાલ, રોઝવૂડ, પલાસ, ખેર, ટીમરુ વગેરે વૃક્ષોનો સમાવેશ થાય છે. ખનીજ સંપત્તિની બાબતમાં સમૃદ્ધ છે. અહીં લોહઅયસ્ક, બૉક્સાઇટ, લિથિયમ, ડોલોમાઇટ અને ખનીજ કોલસો પ્રાપ્ત થાય છે.

આ જિલ્લામાં લોકોનો વિકાસ ખેતી ઉપર વધુ રહેલો છે. અહીં લેવાતી ખેતી સઘન પ્રકારની છે. ખેતી સાથે પશુપાલનપ્રવૃત્તિ પણ જોવા મળે છે. ખેતીમાં યાંત્રિક સાધનોનો વપરાશ મર્યાદિત છે. આદિવાસી લોકો જંગલ-પેદાશો અને સામાન્ય પ્રકારની ખેતીને આધારે રોજી-રોટી મેળવે છે. ખનીજ સંપત્તિ ઘણી છે, પરંતુ અહીં મોટા એકમો સ્થપાયેલા નથી. મોટા ભાગની ખનિજ આ જિલ્લામાંથી નિકાસ થાય છે. પરિણામે સ્થાનિક લોકોનો આર્થિક વિકાસ વધુ થઈ શક્યો નથી.

વસ્તી : આ જિલ્લાનો કુલ વિસ્તાર 4,393 ચો.કિમી. છે. જ્યારે વસ્તી (2011 મુજબ) 19,39,869 છે. સેક્સ રેશિયો દર 1000 પુરુષોએ 929 મહિલાઓ છે. સાક્ષરતાનું પ્રમાણ 63.63%, શહેરી વસ્તીની ટકાવારી 11.65% છે. આદિવાસી અને પછાત જાતિનું પ્રમાણ અનુક્રમે 9.34% અને 27.65% છે. અહીં હિન્દુઓની બહુમતી છે. જેનું પ્રમાણ 86.77% છે. જ્યારે મુસ્લિમોની વસ્તી 12.28% છે. ભાષાના સંદર્ભમાં જોઈએ તો હિન્દી આ જિલ્લાની પ્રમુખ ભાષા છે. તેની ટકાવારી 65.49% છે. આ સિવાય મઘાઈ, ઉર્દૂ, પાલમુહા (palmuha) ભાષાનો વપરાશ પણ છે. જેની ટકાવારી અનુક્રમે 24.44%, 6.87%, 1.15% છે. અહીં  કોરથા ભાષા બોલાય છે. તેની ટકાવારી ફક્ત 0.5% જ છે.

આ જિલ્લામાં આવેલ મેદીનીનગર ખાતે નીલામ્બેર – પીતામ્બેર યુનિવર્સિટી આવેલી છે. જ્યારે પ્રાથમિક શાળા 66, માધ્યમિક શાળા 30, નવસર્જિત સ્કૂલ 17, હાઈસ્કૂલ 10 અને એન્જિનિયરિંગ કૉલેજ ફક્ત એક જ છે.

બ્રિટિશરોના શાસનકાળમાં મેદીનીનગર શહેર ડાલ્ટનગંજ તરીકે ઓળખાતું હતું. ઝારખંડ સરકારે 2004માં નામનું નવીનીકરણ કરીને મેદીનીનગર નામ આપ્યું. 2015ના રોજ મેદીનીનગરમાં મ્યુનિસિપાલિટીની રચના કરવામાં આવી.

પલામુનું જિલ્લામથક મેદીનીનગર : આ શહેરનું મૂળ નામ ડાલ્ટનગંજ હતું.

તે 24 03´ ઉ. અ. અને 84 07´ પૂ. રે. પર આવેલું છે. તેનો વિસ્તાર 150 ચો.કિમી. જ્યારે વસ્તી (2011 મુજબ) 1,58,941 છે. જ્યારે 2014 મુજબ વસ્તી 3,89,307 છે. સમુદ્રસપાટીથી 215 મીટર ઊંચાઈએ તે આવેલું છે. સાક્ષરતાનું પ્રમાણ 87.29% છે.

અહીંની આબોહવા ભેજવાળી ઉપ-ઉષ્ણકટિબંધની કહી શકાય. ઉનાળા દરમિયાન મે-જૂન માસનું સરેરાશ તાપમાન 40 સે. જ્યારે શિયાળામાં ડિસેમ્બર-જાન્યુઆરીનું સરેરાશ તાપમાન 9 સે. જેટલું અનુભવાય છે. વર્ષાઋતુ દરમિયાન વરસાદની માત્રા લગભગ 300 મિમી. જેટલી છે.

આ શહેર પલામુ જિલ્લાનું જિલ્લામથક છે. ખેતપેદાશોનું મુખ્ય બજાર છે. પશુપાલન આ જિલ્લામાં વિકસેલું હોવાથી ડેરીઓનું પ્રમાણ વધુ છે. દૂધની આડપેદાશોનું પણ મોટું બજાર છે. લાખ, સુતરાઉ કાપડ, ધાબળા, દેશી શસ્ત્રો બનાવવાનાં કારખાનાં આવેલાં છે. વાસણો, ચાંદીનાં ઘરેણાં બનાવવાનાં, હૅન્ડલૂમ કાપડ બનાવવાના કુટિર ઉદ્યોગો પણ અહીં આવેલા છે. ખનનપ્રવૃત્તિ આ જિલ્લામાં વધુ હોવાથી મોટી કંપનીઓનાં કાર્યાલયો અહીં સ્થપાયેલાં છે.

આ શહેર રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 39 સાથે સંકળાયેલ છે. રાજ્યના ધોરી માર્ગો અને જિલ્લાના માર્ગો સાથે સંકળાયેલું હોવાથી ખાનગી બસો અને રાજ્ય પરિવહનની બસોની સગવડ રહેલી છે. રાંચી, જમશેદપુર, ધનબાદ, રાયપુર, કૉલકાતા, દુર્ગાપુર, દિલ્હી, લખનઉ, કોટા, ગયા, પટના વગેરે મોટાં શહેરો સાથે સડક માર્ગોથી જોડાયેલ છે. ડાલ્ટનગંજ રેલવેસ્ટેશન (મેદીનીનગર), ભોપાલ, રાંચી, કૉલકાતા, અમદાવાદ, જબલપુર, વારાણસી વગેરે શહેરો સાથે રેલવે માર્ગથી જોડાયેલ છે. આ શહેરની નજીકનું હવાઈ મથક રાંચી છે. જે 165 કિમી. દૂર છે. ચીઆનકી હવાઈ મથક મેદીનીનગર પાસે આવેલું છે. હેલિકૉપ્ટર માટે જ તેનો ઉપયોગ થાય છે.

ઝારખંડ રાજ્યના પલામુ વિભાગમાં આવેલ મેદીનીનગરમાં 2009ના વર્ષમાં નીલામ્બેર–પીતામ્બેર યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. આ શહેરમાં મેડિકલ કૉલેજ, એન્જિનિયરિંગ કૉલેજ, કાયદા વિભાગની કૉલેજ, આર્ટ્સ, કૉમર્સ અને સાયન્સ વિભાગની કૉલેજો પણ આવેલી છે. અહીં મોટે ભાગે ખાનગી શાળાઓનું પ્રમાણ અધિક છે. જે CBSE, ICSEની માન્યતા ધરાવતી સ્કૂલો છે. રાજ્ય સરકાર દ્વારા માન્ય શાળાઓ પણ આવેલી છે. ખાનગી અને સરકારી હૉસ્પિટલો પણ આવેલી છે.

આ શહેરમાં ઘણા જોવાલાયક સ્થળો આવેલાં છે. જેમાં બેટલા રાષ્ટ્રીય ઉદ્યાન કે જે વાઘના અભયારણ્ય તરીકે તે જાણીતું બન્યું છે. જે મેદીનીનગરથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આનંદપ્રમોદ માટેનું સ્થળ કેચકી છે જે આ શહેરથી 18 કિમી. દૂર છે. અહીંથી કોએલ અને ઔરંગા નદી વહે છે. આ સિવાય પલામુ કિલ્લો, હસેનીબાગ કિલ્લો, શાહપુર કિલ્લો, હડપ્પન સંસ્કૃતિના અવશેષો કાલા-કાબરા ટેકરા પાસેથી મળ્યા છે જે જોવાલાયક છે. તેમજ ગાંધી ઉદ્યાન પાર્ક, બી. આર. આંબેડકર ઉદ્યાન વગેરે પણ આવેલા છે.

શોણ નદી અને કોએલ નદીના ઉપરવાસમાંથી પથ્થરયુગના અવશેષો પ્રાપ્ત થયેલ છે. 16મી સદી પહેલાં દક્ષિણ બિહારનાં જંગલોમાં ચેરોસ પ્રજા વધુ શક્તિશાળી ગણાતી હતી. 16મી સદીના અંત ભાગમાં પલામુ ઉપર રાકસેલ રાજપૂતોનું પ્રભુત્વ હતું. 1605માં અકબરનું મૃત્યુ થતાં મોગલોનું વર્ચસ્વ ઘટી ગયું હતું. 1613માં રાયે (Rai) પાલામુના રાજા માનસિંગ અને તેના કુટુંબીજનોની હત્યા કરી. 1629માં મોગલોના સૂબેદાર અહમદ ખાને ચેરોસના રાજા પાસે ફરજિયાત ખંડણી લેવાનો પ્રારંભ કર્યો. 1642માં ચેરોસે મોગલો ઉપર આક્રમણ કર્યું. 1800માં બ્રિટિશરોએ પલામુ ઉપર પ્રભુત્વ મેળવ્યું.

ગિરીશ ભટ્ટ

નીતિન કોઠારી