પલક માઇક્રોસ્કોપ (Blink microscope)
February, 1998
પલક માઇક્રોસ્કોપ (Blink microscope) : આકાશના કોઈ એક ભાગની જુદા જુદા સમયે લેવાયેલી બે છબીઓની તુલના કરીને તેમાં થતા ફેરફારોને શોધી કાઢવા માટે વપરાતું ઉપકરણ. આ ઉપકરણને પલક તુલનામાપક (Blink comparator) પણ કહેવામાં આવે છે. આ ઉપકરણ બંને ફોટોગ્રાફિક પ્લેટને એકસાથે એક જ નેત્ર-કાચ (eye-piece) દ્વારા જોઈ શકાય છે. બંને પ્લેટના સ્થાનની કાળજીપૂર્વકની ગોઠવણી કરીને તેમનાં પ્રતિબિંબોનું એકબીજાં સાથે બરાબર સંપાતન (coincidence) કરવામાં આવે છે. ત્યારબાદ બંને ફોટોગ્રાફિક પ્લેટને એક સેકંડના દરે વારાફરતી પ્રકાશિત કરવામાં આવે છે. આમ કરવાથી બંને પ્લેટમાં એકસરખા દેખાતા આકાશી પદાર્થોમાં કોઈ તફાવત દેખાતો નથી, પરંતુ ફક્ત એક પ્લેટમાં દેખાતો પદાર્થ પલકારા મારતો અથવા દૃશ્ય અને અદૃશ્ય થતો દેખાય છે. વળી, કોઈ પદાર્થનું સમયાંતરે સ્થાનાંતર થતું હોય તો તે જાણી શકાય છે અથવા તેની તેજસ્વિતામાં પરિવર્તન થતું હોય તો તેમાં એક સેકંડનું સ્પંદન જોઈ શકાય છે.
આ સરળ ઉપકરણ વડે અધિક વાસ્તવિક ગતિ (proper motion) ધરાવતા તારાઓ, લઘુ-ગ્રહો, ધૂમકેતુઓ તથા પરિવર્તનશીલ તારાઓની શોધ શક્ય બને છે. આ સાધનની મદદથી થયેલી કેટલીક મહત્ત્વની શોધો નીચે પ્રમાણે છે : (1) 1930માં સી. ડબ્લ્યૂ. ટૉમબૉય દ્વારા પ્લૂટો ગ્રહની શોધ, (2) ડબ્લ્યૂ. જે. લ્યુટેન દ્વારા 14.5 પરિમાણથી વધારે તેજસ્વી અને પારખી શકાય તેવી ‘વાસ્તવિક ગતિ’ ધરાવતા એક લાખથી વધારે તારાઓની યાદી (catalogue) તથા (3) દુનિયાભરની વેધશાળાઓ દ્વારા લગભગ 30,000 જેટલા જાણીતા મોટાભાગના પરિવર્તનશીલ તારાઓની શોધ.
આ ઉપકરણના એક પ્રકારમાં ત્રિ-પરિમાણીય (three-dimensional) પ્રકાશીય વ્યવસ્થા દ્વારા વિસંવાદી (discordant) પદાર્થો તારાઓ કરતાં જુદા તલ(plane)માં જોઈ શકાય છે, તો તેના બીજા પ્રકારમાં વિસંવાદી પદાર્થોને એકસરખા દેખાતા તારાઓ કરતાં જુદા રંગમાં જોઈ શકાય છે.
પરંતપ પાઠક