પર્સિપોલીસ : નૈર્ઋત્ય ઈરાનના ફાર્સ પ્રાંતના શીરાઝથી ઈશાન ખૂણે 50  કિમી.એ આવેલી ઈરાનની પ્રાચીન રાજધાની. તે એકિમેનિયન વંશના રાજાઓનું વસંતઋતુનું પાટનગર હતું.

આ સ્થળે રાજમહેલો વગેરેના સંકુલનું બાંધકામ ઈ.પૂ. 518માં દૅરિયસ પહેલા(521-485 ઈ. સ. પૂ.)ના સમયમાં શરૂ થયું હતું. ત્યારબાદ ઝકર્સીઝ પહેલાએ તે કામ ચાલુ રાખ્યું હતું અને તેના અનુગામી અર્તાઝકર્સીઝ પહેલાએ તે પૂર્ણ કર્યું હતું. ઈ. સ. પૂ. 330માં મૅસિડોનિયાના ઍલેક્ઝાન્ડરે તે લૂંટ્યું અને બાળ્યું હતું. હાલ તેનાં ખંડેરો જોવા મળે છે. તે ‘તખ્તે જમશીદ’ અથવા ‘જમશીદના સિંહાસન’ તરીકે ઓળખાય છે. પર્સિપોલીસ ખાતે નવી રાજધાની દૅરિયસ પહેલાએ ફેરવી હતી. આ સ્થળ પ્રતિકૂળ હોવાથી રાજ્યનો વહીવટ સુસા, બૅબિલોન અને એક્બટાનાથી થતો હતો. ઍલેક્ઝાન્ડરની ચડાઈ પૂર્વે ગ્રીકોને તેની ખબર ન હતી. ઈ. સ. પૂ. 316માં પર્સિપોલીસ મૅસિડોનિયન સામ્રાજ્યમાં પરસીસ પ્રાંતનું પાટનગર હતું. સેલ્યુસિડ કાળ દરમિયાન આ શહેરની ક્રમશ: અવનતિ થઈ હતી.

રાજધાની પર્સિપોલીસની ભવ્યતાની ઝાંખી કરાવતા સ્તંભોના અવશેષો

દૅરિયસ પહેલાએ, ઝકર્સીઝે અને અર્તાઝક્ર્સીઝે ત્યાં મહેલો, કિલ્લો વગેરે બંધાવ્યા હતા. તેની પશ્ચિમ બાજુના ઉત્તર તરફના છેડે મેદાનમાંથી શરૂ થતો એક દાદર હતો. તેના ઉપરના ભાગમાં ઝકર્સીઝનો દરવાજો હતો. ઝકર્સીઝના દરવાજાની જમણી બાજુએ દૅરિયસે શરૂ કરેલ અને ઝક્ર્સીઝે પૂર્ણ કરેલ સભાગૃહ હતું. ત્યાં જવા માટે ઉત્તર અને પૂર્વ બાજુએ બે ભવ્ય અલંકૃત દરવાજા હતા. ઉત્તરના દરવાજા ઉપર રાજાની સવારીનું શિલ્પ જોવા મળે છે. પૂર્વ બાજુના દરવાજા ઉપર 23 તાબેદાર દેશોના એલચીઓની હાર કોતરેલી જોવા મળે  છે. નવા વરસની ભેટ રાજાને ધરતા તેમને બતાવ્યા છે. રાજાનો દરબાર 18 ચોમી.નો ચોરસ આકારનો છે. તેની ત્રણ બાજુએ દેવડીઓ છે. સભાગૃહની જમણી બાજુએ દૅરિયસનો મહેલ છે. આ મહેલમાં સુંદર શિલ્પો છે. ચોતરાના મધ્ય ભાગમાં સત્કાર કરવાનો યજમાન-ખંડ છે. તેની દીવાલો ઉપર ઉચ્ચ હોદ્દેદારોની હારમાળાનું શિલ્પ છે. ઉત્તર તરફની પૉર્ટિકોની બંને બાજુએ બે ભીમકાય આખલાનાં શિલ્પો છે. મહેલને આઠ દરવાજા છે. તેના ઉપર સિંહાસન ઉપર બેઠેલા રાજાનાં વિવિધ દૃશ્યોનાં અને રાક્ષસો સાથે દ્વન્દ્વયુદ્ધ ખેલતા રાજાનાં શિલ્પો છે. ચોતરાની દક્ષિણ બાજુએ ઝકર્સીઝનો મહેલ, જનાનખાનું તથા કોશાગાર છે.

અહીંથી ક્યૂનિફૉર્મ લિપિમાં લખાયેલા ઘણાં દસ્તાવેજો, મુદ્રાઓ તથા શિલાલેખો મળી આવ્યાં છે. સૌથી જૂના એક શિલાલેખમાં દૅરિયસની પ્રાર્થના છે : ‘ભગવાન આ દેશને દુશ્મન, દુકાળ અને અસત્યથી બચાવો.’ ઝકર્સીઝના સમયના બે શિલાલેખો છે. એક શિલાલેખમાં તેના પિતામહ સુધીની વંશાવલી આપી છે. તખ્તે જમશીદના પાછળના ભાગમાં અર્તાઝકર્સીઝ બીજા અને ત્રીજાની કબરો તથા અરસેસની અધૂરી કબર છે. છેલ્લી કબર સિકંદરે પદભ્રષ્ટ કરેલ દૅરિયસ ત્રીજાની હોવાની શક્યતા છે. હાલ મહેલના સ્તંભો, દરવાજાઓ વગેરે ખંડેર રૂપે જોવા મળે છે.

શિવપ્રસાદ રાજગોર