પર્લ, માર્ટિન લેવિસ (જ. 24 જૂન 1927, બ્રુકલીન, ન્યૂયૉર્ક; અ. 30 સપ્ટેમ્બર 2014, કૅલિફૉર્નિયા) : ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે મૂળભૂત કણોના પ્રખર અભ્યાસી અને 1995ના ભૌતિકવિજ્ઞાન વિષયના નોબેલ પુરસ્કાર વિજેતા. આ પુરસ્કાર તેમને ફ્રેડરિક રેઈનની ભાગીદારીમાં મળ્યો હતો.
ઉચ્ચઅભ્યાસ તેમણે કોલંબિયા યુનિવર્સિટીમાં કર્યો અને 1955-63 સુધી મિશિગન યુનિવર્સિટીમાં શૈક્ષણિક કાર્ય કર્યું. 1963થી તે સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટીમાં જોડાયા. કૅલિફૉર્નિયામાં પાઉલો આલ્ટો ખાતે સ્ટેનફૉર્ડ લિનિયર એક્સીલરેટર સેન્ટરમાં સંશોધનકાર્ય ચાલે છે.
મૂળભૂત કણો તેમનું સંશોધન અને રસનું ક્ષેત્ર છે. આવા કણોના અભ્યાસને કારણે તે અલ્પ-જીવી કણ ટાઉ-લેપ્ટૉન શોધી કાઢવામાં સફળ થયા. આ કણને ઇલેક્ટ્રૉનનો પિતરાઈ ગણી શકાય. પ્રબળ આંતરક્રિયામાં ભાગ ન લેતા ફર્મિયૉન કણોના સમૂહને લેપ્ટૉન કહે છે, અર્ધ-પૂર્ણાંક પ્રચક્રણ (spin) ધરાવતા કણો ફર્મિયૉન તરીકે ઓળખાય છે.
પર્લે શોધેલ ટાઉ-લેપ્ટૉન લગભગ ઇલેક્ટ્રૉનના જેટલું દળ ધરાવતો ભારે કણ છે. દ્રવ્યના બંધારણમાં ભાગ લેતા અન્ય કણોની જેમ ટાઉ-લેપ્ટૉન પાયાનો કણ છે.
પર્લે 1977માં શોધી કાઢેલ ટાઉ-લેપ્ટૉન વાસ્તવમાં અપેક્ષિત હતો, કારણ કે ટાઉ-કણો ભારે અને ખૂબ જ અસ્થિર હોવાથી તે જેવો ઉદભવે છે કે તરત જ હલકા નાના કણોમાં વિભાજિત થઈ જાય છે. આથી પર્લની ટાઉ-કણોની શોધ મહત્ત્વની બની છે.
પ્રહલાદ છ. પટેલ