પર્યુષણ : જૈનોનું ઉત્કૃષ્ટ ધાર્મિક પર્વ. શ્રાવણના છેલ્લા ચાર અને ભાદરવાના પહેલા ચાર એમ આઠ દિવસની સળંગ ધર્મારાધનાના આ મહાન પર્વનો મહિમા જૈન ધર્મમાં ઘણો છે. દિગંબર જૈનો આઠને બદલે દસ દિવસનું પર્યુષણપર્વ આરાધે છે તેથી તેને ‘દશલક્ષણી’ કહેવામાં આવે છે. વર્ષાઋતુમાં ઉત્પન્ન થતા જીવોની હિંસા-હાનિને નિવારવાના હેતુથી જૈન સાધુઓ ચોમાસામાં વિહાર કરતા નથી અને એક સ્થાને વાસ કરે છે. જુદા જુદા નગરના જૈન સંઘો પોતાના નગરમાં ચાતુર્માસ કરવા માટે તેમને નિમંત્રણ પાઠવે છે અને તેમના આગમને સામૈયું કરે છે. એટલે ચોમાસામાં શ્રાવક-શ્રાવિકાઓને આ આધ્યાત્મિક ગુરુઓના સાન્નિધ્ય-માર્ગદર્શનમાં લાંબા સમય સુધી ધર્મારાધનાની તક મળે છે. તેથી જ આઠ દિવસનું સળંગ પર્યુષણપર્વ ચોમાસામાં નિયત થયું છે. ‘પર્યુષણ’ શબ્દનો અર્થ છે સર્વ પ્રકારે વસવું; આસપાસ નજીક વસવું. આત્મભાવમાં સર્વ પ્રકારે વસવું, આત્માની નજીક વસવું. અર્થાત પરભાવમાં બાહ્ય વિષયોમાં દોડતા ચિત્તને વાળી આત્માભિમુખ કરવું. આમ આ પર્વ આત્મશુદ્ધિનું છે, સ્વસ્વરૂપને પામવાનું છે. તેથી તેમાં ધર્મશ્રવણ, ઉપવાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરે ધર્મકાર્યોમાં મન પરોવવાનું છે. રોજ સવારે નિયત સમયે ઉપાશ્રયમાં જૈન સાધુ શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ ધાર્મિક વ્યાખ્યાન આપે છે, જેમાં ભગવાન મહાવીરનું જીવનચરિત્ર આલેખાયેલું છે તે પવિત્ર ધર્મગ્રંથ કલ્પસૂત્રનું પૂજન થાય છે અને તેમાંથી મહાવીર-ચરિત્રનું વાચન થાય છે. ભાદરવા સુદ એકમે મહાવીરજન્મવાચન થાય છે. તે દિવસે મહાવીરમાતા ત્રિશલાદેવીને તેઓ ગર્ભમાં હતા ત્યારે આવેલાં ચૌદ શુભ સ્વપ્નોનું દર્શન કરાવવામાં આવે છે. તે ચૌદ સ્વપ્નો છે : (1) ધવલ હાથી, (2) શ્વેત વૃષભ, (3) સિંહ, (4) કમલાસના લક્ષ્મીદેવી, (5) પુષ્પમાળા, (6) ચંદ્ર, (7) સૂર્ય, (8) સુવર્ણમય દંડ પર ફરકતી ધજા, (9) જલપૂર્ણ કુંભ, (10) પદ્મસરોવર, (11) ક્ષીરસમુદ્ર, (12) દેવવિમાન, (13) રત્નરાશિ અને (14) નિર્ધૂમ અગ્નિ. મહાવીરજન્મશ્રવણથી શ્રાવક-શ્રાવિકાઓ આનંદિત થાય છે. હર્ષપૂર્વક પારણું ઝુલાવે છે. પર્યુષણનો છેલ્લો દિવસ બહુ મહત્ત્વનો છે. તે દિવસે લગભગ બધા જૈનો ઉપવાસ કરે છે. આ દિવસ સાંવત્સરિક ક્ષમાપનાનો છે. વર્ષ દરમિયાન કરેલ હાનિ-ઈજા-દુ:ખ બદલ જૈનો સર્વ જીવોની ક્ષમા યાચે છે અને સર્વ જીવોને ક્ષમા આપે છે. ‘સર્વ જીવો પ્રત્યે મારે મૈત્રીભાવ છે, કોઈની સાથે મને વેર નથી’ એવો ભાવ હૃદયમાં પોષે છે. સાથે સાંવત્સરિક પ્રતિક્રમણ કરવામાં આવે છે.
પર્યુષણમાં જીવોને અભયદાન આપવામાં આવે છે. તેને ‘અમારિપ્રવર્તન’ કહેવામાં આવે છે. જુદે જુદે સ્થાને આવેલાં જિનમંદિરોના દર્શને પગપાળા જવામાં આવે છે. આને ચૈત્યપરિપાટી કહે છે. ભાદરવા સુદ પાંચમે ત્રણ, આઠ, સોળ, ત્રીસ ઉપવાસ કરનાર તપસ્વીઓને આદર-બહુમાન સહિત પારણાં કરાવવામાં આવે છે. આમ અનેક રીતે પર્યુષણમાં ધર્મની આરાધના કરવામાં આવે છે. તેથી પર્યુષણને પુણ્યનું પોષણ કરનાર અને પાપનું શોષણ કરનાર મહાપર્વ ગણવામાં આવ્યું છે.
નગીનભાઈ જીવણલાલ શાહ