પર્ણદત્ત : ઈ. સ.ની પાંચમી સદીમાં સુરાષ્ટ્રનો રાજ્યપાલ. ગિરનાર અને જૂનાગઢની વચ્ચે આવેલા એક શૈલ ઉપર મગધના મહારાજધિરાજ સ્કંદગુપ્તના સમયનો અભિલેખ કોતરેલો છે. તેમાં એ સમયના સુરાષ્ટ્રના રાજ્યપાલ પર્ણદત્ત વિશે માહિતી આપી છે. બીજા બધા પ્રદેશોના ગોપ્તા (રાજ્યપાલ) નીમીને સ્દકંદગુપ્તે સુરાષ્ટ્રમાં કોઈ યોગ્ય ગોપ્તા નીમવા માટે બહુ ચિંતન કર્યું (કેમ કે, આ એ સામ્રાજ્યનો સીમાન્ત પ્રાંત હતો); અનેક અહોરાત્ર વિચાર કરીને તેણે આ પ્રાંતના રક્ષણ માટે પર્ણદત્ત જેવા સમર્થ ગોપ્તાની નિયુક્તિ કરી. દેવો જેમ વરુણને પશ્ચિમના દિક્પાલ નીમી નિશ્ચિંત થયા, તેમ સ્કન્દગુપ્ત પર્ણદત્તને આ પશ્ચિમ પ્રાંતનો ગોપ્તા નીમી નિશ્ચિંત થયા.

પર્ણદત્તે પોતાના ગુણસંપન્ન પુત્ર ચક્રપાલિતને સુરાષ્ટ્રના વડા મથક ગિરિનગરનો નગરપાલક નીમ્યો. ઈ. સ. 455માં અતિવૃષ્ટિના પરિણામે સુદર્શનનો સેતુ (બંધ) તૂટી ગયો, સુદર્શન સરોવર ખાલીખમ થઈ ગયું; પરંતુ ચક્રપાલિતે બીજે વર્ષે બંધ સમરાવી દીધો. વળી ઈ. સ. 457માં ચક્રપાલિતે સુદર્શનની સમીપમાં ચક્રધર(વિષ્ણુ)નું ઉત્તુંગ દેવાલય બંધાવ્યું. સુદર્શન-તટાક-સંસ્કારને લગતા પદ્યબદ્ધ પ્રશસ્તિલેખમાં પર્ણદત્તના વિવિધ ગુણોની રુચિર પ્રશસ્તિ કરવામાં આવી છે.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી