પર્જન્ય : ઋગ્વેદના એક ગૌણ કક્ષાના અંતરિક્ષ-સ્થાનીય દેવતા. પૃથિવીના પતિ અને દ્યૌ: ના આ પુત્રની ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં, પૃથ્વી પર જળસિંચન કરનાર દેવ તરીકે સ્તુતિ કરવામાં આવી છે.
વર્ષાકાલીન મેઘના રૂપમાં, એક સજીવ દેવ તરીકે નિરૂપતી પર્જન્યની તુલના જોરથી બરાડા પાડતા વૃષભ સાથે કરવામાં આવી છે. તે જ્યારે વિશ્વને જળબંબાકાર કરે છે ત્યારે પવન સુસવાટા મારે છે, વીજળી ઝબકારા કરે છે, ઔષધિઓ વૃદ્ધિ પામે છે, ગાયો માટે હવાડા રચાય છે અને સમસ્ત જગત માટે અન્ન ઉત્પન્ન થાય છે. વાદળાંરૂપી પોતાના અશ્વોને વીજળીરૂપી ચાબુક ફટકારતા સારથિ તરીકેનું અને દૂરથી ભયંકર ગર્જના કરતા સિંહ તરીકેનું પર્જન્યનું વર્ણન ઓજસ્વી અને કાવ્યત્વપૂર્ણ છે. મેઘ પર મશક અને પર્જન્ય પર પખાલીના ઉપમાનનું આરોપણ પણ આસ્વાદ્ય છે.
ગર્જના કરતાં પર્જન્ય પાપીઓને અને રાક્ષસોને હણે છે ત્યારે સમગ્ર વિશ્વ ભયભીત થઈ જાય છે અને નિર્દોષ લોકો પણ નાસભાગ કરે છે. તેમને સોંપાયેલા કાર્યના પ્રભાવથી પૃથ્વી નમી જાય છે, ખરીવાળાં પ્રાણીઓ દોડાદોડ કરે છે, ઔષધિઓ વિવિધ રૂપ ધારણ કરે છે અને પૃથ્વીમાંનાં સઘળાં તત્ત્વો પ્રસન્ન થઈ જાય છે. પર્જન્ય છોડવાઓ ઉપરાંત ગાયો, ઘોડીઓ અને સ્ત્રીઓમાં પણ પોતાનું બીજ મૂકે છે. આવાં કાર્યોમાં પર્જન્ય કેટલીક વાર વાત, અગ્નિ, મરુતો, ઇન્દ્ર વગેરે અન્ય દેવો સાથે પણ જોડાય છે.
પર્જન્ય પર્યાપ્ત માત્રામાં વરસી રહે ત્યારપછી સ્તોતાઓ તેમને વરસાદ બંધ કરવાની પ્રાર્થના કરે છે.
નિર્જળ પ્રદેશોને વર્ષા વડે સજળ બનાવનાર પર્જન્ય સાર્વભૌમ સત્તા વડે સંપન્ન આત્મનિર્ભર સમ્રાટ છે. તેમના આવા વ્યાપક, પ્રભાવક તથા વિશ્વકલ્યાણકારી વ્યક્તિત્વને કારણે, વૈદિક પરંપરામાં. ‘અમારા દિવ્ય પિતા’ એવી વિશિષ્ટ અને વ્યાવર્તક ઉપાધિ વડે તે વિભૂષિત બન્યા છે.
જયાનંદ દવે