પર્કિન, વિલિયમ હેન્રી (સર)
February, 1998
પર્કિન, વિલિયમ હેન્રી (સર) (જ. 12 માર્ચ 1838, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 14 જુલાઈ 1907, સડબરી, મિડલસેક્સ, ઇંગ્લૅન્ડ) : એનીલીન રંગકોના શોધક અને કાર્બનિક રસાયણ ઉદ્યોગના સ્થાપક. બ્રિટિશ રસાયણવિદ. પિતા થૉમસ પર્કિનનાં સાત સંતાનોમાં સૌથી નાના પુત્ર. પિતાની નામરજી છતાં પર્કિન 1853માં રૉયલ કૉલેજ ઑવ્ કેમિસ્ટ્રી (હવે ઇમ્પિરિયલ કૉલેજનો એક વિભાગ), લંડનમાં 15 વર્ષની ઉંમરે રસાયણવિજ્ઞાન ભણવા માટે દાખલ થયા. 17 વર્ષની વયે તેઓ પ્રો. હૉફમૅનના સહાયક બન્યા અને પોતાના ઘરે થોડાંક સંશોધનો કરવા માંડ્યા. હૉફમૅને ક્વિનાઇનના સંશ્લેષણની શક્યતા વિચારવા તેમને સૂચવ્યું. 1856ના ઈસ્ટર વૅકેશન દરમિયાન એનીલીનના ઉપચયન દ્વારા પર્ક્ધિો ક્વિનાઇન બનાવવાનો પ્રયત્ન આદર્યો.
આ વિચાર બિલકુલ પાયાવિહીન હતો, પરંતુ પર્ક્ધિો પ્રયોગ દરમિયાન નોંધ્યું કે કાળા રંગની ઉપચયન-નીપજ સાથે જ જાંબલી રંગનો એક પદાર્થ બને છે. આ પદાર્થને મોવે (mauve) નામ આપ્યું, જે પાછળથી એનીલીન પરપલ કે ટીરીઅન પરપલ તરીકે પણ ઓળખાતો થયો. મોવે રેશમને રંગવામાં વપરાય છે. 18 વર્ષની ઉંમરે પર્ક્ધિો તેમના પિતાની સહાય વડે પોતે બનાવેલ મોવેના ઉત્પાદનની ફૅક્ટરી નાંખી. આ ફૅક્ટરીમાં તેમણે કોલ-ટાર આધારિત બીજા ઘણા રંગકો (dyes) બનાવ્યા. ખૂબ જ ટાંચાં સાધનો વડે તેમણે આ રંગકોનું વ્યાપારી ધોરણે ઉત્પાદન કર્યું હતું. દરમિયાન તેમનો અભ્યાસ ચાલુ હતો અને 1860 સુધીમાં તેમણે ગ્લાયસીન (ઍમિનો-ઍસિડ) તથા ટાર્ટરિક ઍસિડનું સંશ્લેષણ કર્યું. ફૅક્ટરીમાં મોવેનું ઉત્પાદન લગભગ 10 વર્ષ ચાલ્યું. મોવે ટેક્સ્ટાઇલ ઉદ્યોગમાં તથા પોસ્ટેજ-સ્ટૅમ્પના છાપકામમાં વપરાતો. આ પછી પર્ક્ધિો મેજન્ટા અને એલિઝરીન રંગકો પણ બનાવ્યા. તેમજ પફર્યુમ માટેનો સૌપ્રથમ માનવસર્જિત સુગંધીદાર પદાર્થ કુમારિન પણ બનાવ્યો. 36 વર્ષની ઉંમરે, 1874માં તેમણે રંગ બનાવવાનું છોડી દીધું અને માત્ર સંશોધનમાં જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1867માં ઍરોમૅટિક ઍસિડ મેળવવાની એક સર્વમાન્ય રીત પર્કિન-પ્રક્રિયા તેમણે શોધી અને વિકસાવી.
પર્કિનના ત્રણેય દીકરાઓ પણ ખ્યાતનામ કાર્બનિક રસાયણવિદો બન્યા. તેમનો પુત્ર પ્રોફે. વિલિયમ હેન્રી પર્કિન જુનિયર (1860-1929) એડિનબરો, માંચેસ્ટર અને ઑક્સફર્ડમાં શિક્ષણ-સંશોધન માટે પિતાના જેટલી ખ્યાતિ પામેલો. પર્કિનને મળેલાં માન-અકરામોમાં રૉયલ સોસાયટીના ફેલો(1866)નું પદ; રૉયલ ચંદ્રક (1879); ડેવી ચંદ્રક (1889)નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોવેની શોધની 50મી વર્ષગાંઠે (1906)માં તેમને ‘સર’નો ખિતાબ તેમજ સોસાયટી ઑવ્ કેમિકલ ઇન્ડસ્ટ્રીના રસાયણવિભાગ દ્વારા પ્રતિ વર્ષે આપવામાં આવતો પર્કિન ચંદ્રક પણ સૌપ્રથમ તે જ વર્ષે તેમને એનાયત કરવામાં આવ્યો હતો.
2013માં ગ્રીનવુડ ખાતે શરૂ થયેલી પર્કિન હાઈસ્કૂલનો યુનિફૉર્મ મોવે રંગનો રાખવામાં આવ્યો છે.
જગદીશ જ. ત્રિવેદી