પરીખ, દિલીપ રમણલાલ
February, 1998
પરીખ, દિલીપ રમણલાલ (જ. 14 ફેબ્રુઆરી 1937, મુંબઈ) : ગુજરાતના અગ્રણી ઉદ્યોગપતિ અને રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી. તેઓ ગુજરાત યુનિવર્સિટીની બી.એ. (અર્થશાસ્ત્ર) તથા એલએલ.બી.ની પદવીઓ ધરાવે છે. તેમણે ગુજરાત વેપારી મહામંડળ, ગુજરાત રાજ્ય પ્લાસ્ટિક મૅન્યુફૅક્ચરર્સ ઍસોસિયેશન, પ્લાસ્ટિક ઍન્ડ રબર ઇન્સ્ટિટ્યૂટ, ગુજરાત ચેમ્બર ઑવ્ કૉમર્સ ઍન્ડ ઇન્ડસ્ટ્રીઝ જેવી રાજ્યની અગ્રણી ઉદ્યોગ અને વાણિજ્યક્ષેત્રની સંસ્થાઓના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની ઇન્ડિયન મર્ચન્ટ્સ ચેમ્બરમુંબઈ તથા ફેડરેશન ઑવ્ ઇન્ડિયન ચેમ્બર્સ ઍન્ડ કૉમર્સ (ફિક્કી) નવી દિલ્હી જેવી સંસ્થાઓના કારોબારીના સભ્ય તરીકે પણ તેઓ રહી ચૂક્યા છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય રસ ધરાવે છે. નેપથ્ય, લાયન્સ ઇન્ટરનેશનલ, વિદ્યોતેજક મંડળ-અમદાવાદ જેવી સંસ્થાઓની પ્રવૃત્તિઓમાં તેઓ સહભાગી રહ્યા છે. તેઓ ક્રિકેટ, તરણ, પર્યટન અને વાચનમાં વિશેષ અભિરુચિ ધરાવે છે. ઉદ્યોગ, વાણિજ્ય અને વ્યાપારના હેતુસર તેમણે યુરોપ, જાપાન, અમેરિકા, કૅનેડા, આફ્રિકા, સિંગાપુર, હૉંગકૉંગ તથા થાઇલૅન્ડના પ્રવાસ ખેડ્યા છે.
તેમની રાજકીય પ્રવૃત્તિ રાજ્યની આઠમી વિધાનસભા(1990-95)ના સભ્ય તરીકે શરૂ થઈ અને નવમી વિધાનસભા માટે 1995માં યોજાયેલ ચૂંટણીમાં પણ તેઓ તેમના ધંધૂકા મતવિસ્તારમાંથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા. આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષને બહુમતી મળતાં કેશુભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં જે સરકાર રચાઈ તેમાં દિલીપભાઈ ઉદ્યોગપ્રધાન બન્યા હતા. 1996માં પક્ષમાં ભંગાણ પડતાં, શંકરસિંહ વાઘેલાના નેતૃત્વ હેઠળ રાજ્યમાં કૉંગ્રેસના ટેકાથી રાષ્ટ્રીય જનતા પાર્ટી(રાજપા)નું જે મંત્રીમંડળ રચાયું તેમાં પણ ઉદ્યોગપ્રધાન તરીકે દિલીપભાઈનો સમાવેશ થયો હતો. 1997માં કૉંગ્રેસ પક્ષે વાઘેલાની સરકારને અગાઉ આપેલો ટેકો પાછો ખેંચી લેતાં શંકરસિંહ વાઘેલાએ મુખ્યપ્રધાનપદેથી રાજીનામું આપ્યું અને તેમની જગ્યાએ રાષ્ટ્રીય જનતા પાર્ટીનું જે બીજું પ્રધાનમંડળ રચાયું તેમાં દિલીપભાઈ પરીખની મુખ્યપ્રધાન તરીકે વરણી થઈ. ફેબ્રુઆરી, 1998માં યોજાયેલ દસમી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષનો વિજય થતાં દિલીપ પરીખના નેતૃત્વ હેઠળના રાજપાના કામચલાઉ મંત્રીમંડળના સ્થાને ભાજપની સરકાર રચાઈ. દસમી વિધાનસભાની ચૂંટણીમાં દિલીપ પરીખને પોતાના મતવિસ્તારમાં સફળતા મળી નહોતી.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે