પરીખ, અરવિંદ
February, 1998
પરીખ, અરવિંદ (જ. 19 ઑક્ટોબર, 1927, અમદાવાદ ) : ભારતના અગ્રણી સિતારવાદક. અમદાવાદના સમૃદ્ધ કુટુંબમાં જન્મ. માતા સિતાર વગાડતાં; તેથી બાળપણથી તેમના પર શાસ્ત્રીય સંગીતના સંસ્કાર પડેલા. 7થી 8 વર્ષની વયે દિલરુબા વગાડતાં શીખ્યા અને ત્યારબાદ વાયોલિન, જલતરંગ, બાંસરી તથા મેન્ડોલિન જેવાં વાદ્યો પર પણ પ્રભુત્વ મેળવ્યું. 14 વર્ષની વયે અમદાવાદના સિતારવાદક મકરંદ બાદશાહ પાસેથી સિતાર શીખવાનું શરૂ કર્યું. આઠ વર્ષના હતા ત્યારે 1935માં મશહૂર સિતારવાદક વિલાયતખાંનું સિતારવાદન સાંભળવાની તક તેમને પ્રાપ્ત થઈ અને ત્યારે તેમની પાસે સિતારની તાલીમ લેવાની ઝંખના જાગ્રત થઈ. વિલાયતખાંએ તેમને શિષ્ય બનાવ્યા. તેમની પાસેથી 1955 સુધી તેમણે ઘનિષ્ઠ તાલીમ મેળવી. વિલાયતખાંના કાર્યક્રમોમાં તેઓ તેમનો સાથ કરતા. 1955માં અરવિંદ પરીખે અખિલ ભારતીય સંગીત સંમેલનમાં પોતાનો પહેલો જાહેર કાર્યક્રમ રજૂ કર્યો. ત્યારથી આજ સુધીમાં તેમણે દેશવિદેશમાં ઘણા કાર્યક્રમો આપ્યા છે. વિદેશોના કાર્યક્રમોમાં યુરોપના દેશો, અમેરિકા, કૅનેડા, જાપાન અને ઈરાન ખાતેના તેમના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ‘હિઝ માસ્ટર્સ વૉઇસ’ (HMV) તથા વિદેશી કંપનીઓએ તેમની કેટલીક રેકર્ડ પણ બહાર પાડી છે.
વિલયાતખાંના પટ્ટશિષ્યોમાં અરવિંદ પરીખની ગણના થાય છે.
તેમને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરફથી 1997-98માં ગૌરવ પુરસ્કાર અને 2003માં સંગીત નાટક અકાદમી તરફથી રાષ્ટ્રીય ઍવૉર્ડ એનાયત થયા છે.
હૃષીકેશ પાઠક