પરિવહન–ભૂગોળ : ભૂગોળની એક શાખા. પરંપરાગત રીતે પરિવહનનું અધ્યયન પ્રાદેશિક અભ્યાસોમાં એક માળખાકીય લક્ષણ તરીકે તથા ઇજનેરી, અર્થશાસ્ત્ર, ભૂગોળ અને આયોજનમાં એક સ્થાનિક બાબત તરીકે હાથ ધરવામાં આવતું રહ્યું છે. ભૂગોળવેત્તાઓ બે કારણોસર પરિવહનનું અધ્યયન કરે છે : (1) કૃષિ, પોલાદનું ઉત્પાદન તથા છૂટક વેચાણને લગતી પ્રવૃત્તિઓની જેમ પરિવહન પણ એક પ્રબળ સ્થાનિક ઘટકની રૂએ મહત્ત્વની માનવ-પ્રવૃત્તિ છે અને તેથી તેનો અભ્યાસ પણ મહત્ત્વનો છે. (2) તે એક એવું પરિબળ છે, જે સામાજિક અને આર્થિક પ્રવૃત્તિઓ ઉપરાંત સ્થાનિક પરિવર્તનો પર પણ અસર કરે છે. બહોળા અર્થમાં વિચારીએ તો જ્યાં વર્ણનાત્મક શૈલી કે અનુમાનોની ગ્રાહ્યતા કરતાં વિશ્લેષણાત્મક શૈલી અને પરિમાણાત્મક પ્રવિધિઓનું વિશેષ મહત્ત્વ હોય છે તેવાં સમાજવિદ્યા, ઇજનેરી અને આયોજનનાં ક્ષેત્રોમાં પરિવહન સંશોધન અને અધ્યયનનો વિષય બન્યું છે. અર્થશાસ્ત્રમાં આર્થિક પ્રવૃત્તિઓના સ્થાનીયકરણને લગતું પરિરૂપ (models) તૈયાર કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવેલ છે, જેથી વાહનવ્યવહારના કે પરિવહનના ખર્ચમાં ઘટાડો કરી શકાય. ભૂગોળમાં પણ પરિમાણાત્મક પ્રવિધિઓના ઉપયોગનો ક્રાંતિકારી ઉદય થતાં વસ્તુઓની હેરફેર, ગુરુત્વાકર્ષણ અને એન્ટ્રૉપી(અવ્યવસ્થા માપ)ને લગતાં પરિરૂપ બનાવવાની શક્યતા ઊભી થઈ છે, જેના દ્વારા વિવિધ ભૌગોલિક ઘટકો વચ્ચેની અંત:ક્રિયાના શ્રેણિકો અને સુરેખ આયોજનના નમૂનાઓ પણ તૈયાર કરી શકાય તેમ છે.
ભૂગોળ એક એવું શાસ્ત્ર છે, જે મનુષ્યના પર્યાવરણને લગતાં બધાં જ પ્રાકૃતિક, આર્થિક અને સામાજિક પાસાંઓનો અભ્યાસ કરે છે. તેને કારણે ભૂગોળ પર્યાવરણીય પરિબળોના આંતરસંબંધો તેમ જ પર્યાવરણીય પરિબળો અને માનવપ્રવૃત્તિઓ વચ્ચેના સંબંધોના અભ્યાસ તરફ વળે છે. ભૂગોળના આ પરિપ્રેક્ષ્યને મહદ્અંશે સમગ્રદર્શી (holistic) અભિગમ કહેવામાં આવે છે, પણ તેને વ્યવસ્થાલક્ષી અભિગમ (systems approach) પણ કહી શકાય. પરિવહનના અભ્યાસમાં આ દૃષ્ટિકોણ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બીજું, ભૌગોલિક વિસ્તાર(space)માં પર્યાવરણીય ઘટનાઓના સંગઠન અને તેમાં આવતા ફેરફારો પણ ભૂગોળના અભ્યાસનું એક અંગ છે. પરિવહન-પદ્ધતિના અભ્યાસમાં પ્રાકૃતિક ભૂગોળ, ભૂસ્તરશાસ્ત્ર, આબોહવા જેવા નિવેશો (inputs) ઉપરાંત માણસો, વાહનો તથા માલસામાનની હેરફેરની સંભાવ્યતા, ભૂતકાળમાં મૂડીરોકાણ અંગે લીધેલા નિર્ણયો તથા વ્યવસ્થાપનને લગતી વર્તમાન નીતિઓ જેવી બાબતોનો સમાવેશ થતો હોય છે. ત્રીજું, ભૌગોલિક દૃષ્ટિકોણને કારણે પરિવહન-પદ્ધતિઓમાં એક નિવેશ તરીકે તકનીકી વિકાસ પ્રત્યેની જાગૃતતાને પ્રોત્સાહન મળે છે. વસ્તુઓ, લોકો અને વિચારોનો પ્રવાહ એક તરફ આવા પ્રવાહોનું ઉત્પાદન કરનાર અને તેમને શોષી લેનાર સામાજિક-આર્થિક માળખામાંથી ઉદ્ભવતો હોય છે તો બીજી તરફ પરિવહનની જાળ(net-work)ની કાર્યક્ષમતા પર પણ તે અવલંબે છે. આ પ્રવાહો નિશ્ચિત માર્ગો/માધ્યમોમાંથી પસાર થતા હોય છે; અને તેમની સ્થળલક્ષી (spatial) ગોઠવણો સ્થળલક્ષી અર્થવ્યવસ્થાનું એકત્રીકરણ કરનાર પરિબળો વચ્ચેના આંતરસંબંધોની વધુ જટિલ પદ્ધતિ માટે આધારભૂત નીવડે છે.
પરિવહનને લગતા અભ્યાસો સર્વસામાન્ય ગણાય તેવા ત્રણ જાતના વિભાગોમાં વહેંચી નાખવામાં આવે છે : (1) પરિવહન-જાળ (net-work)નો અભ્યાસ; (2) પરિવહન-જાળને લગતા પ્રવાહોનો અભ્યાસ અને (3) પરિવહન-જાળ અને પ્રવાહોના પારસ્પરિક સંબંધોનો તથા અર્થવ્યવસ્થાના સ્થળલક્ષી સંગઠનનો અભ્યાસ.
પરિવહન-પદ્ધતિનો વિકાસ આંતરસંબંધ ધરાવતાં ચાર પાસાંઓના સંદર્ભમાં પામી શકાય છે : (1) પરિવહનની સ્થળલક્ષી ગોઠવણ અને પરિવહન-પદ્ધતિઓની અભિરચના અથવા ઢાંચો, (2) તકનીકી વિકાસ, (3) સંસ્થાકીય વિકાસ અને (4) વસવાટ તથા જમીનના ઉપયોગની અભિરચના. પરિવહન ભૂગોળ માત્ર પરિવહન-પદ્ધતિઓના ઐતિહાસિક વિકાસની શોધ જ નહિ; પરંતુ તે ઉપરાંત તે એવાં પ્રાકૃતિક, આર્થિક, રાજકીય અને સામાજિક પરિબળોને પોતાના અભ્યાસમાં વણી લે છે, જે શહેરી તથા પ્રાદેશિક પરિસ્થિતિઓમાં આર્થિક પ્રવૃત્તિઓના સ્થાન અને સામાજિક સુખ-સગવડોના સંદર્ભમાં પરિવહન-જાળના વિકાસ અને વિસ્તરણ પર અસર કરે છે.
કૃષ્ણમૂર્તિ કુલકર્ણી
અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે