પરિવર્તનીય ડિબેન્ચર

February, 1998

પરિવર્તનીય ડિબેન્ચર : પાકતી મુદતે રોકડમાં ચુકવણી કરવાને બદલે નિશ્ચિત તારીખ-દરે અને ધારકની પસંદગી અનુસાર કંપનીના શૅરમાં રૂપાંતર કરવામાં આવે તે પ્રકારનું ડિબેન્ચર. નિયમિત વ્યાજની આવક, મૂડીની સલામતી અને શૅરબજારમાં સૂચીકરણ (listing) દ્વારા ઉદ્ભવતી તરલતાનો લાભ લેવા માટે સામાન્ય રોકાણકાર બાંધી મુદતની થાપણના બદલે ડિબેન્ચરમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. જ્યારે કંપની પ્રગતિ કરે છે ત્યારે ડિવિડન્ડમાં વધારો થાય તથા શૅરના બજારભાવમાં પણ વધારો થાય તો તેનો લાભ શૅરધારકને મળે છે; પરંતુ ડિબેન્ચરધારકને આવા લાભ મળતા નથી. આથી કેટલીક વાર કંપની નિશ્ચિત તારીખે, નિશ્ચિત દરે શૅરમાં રૂપાંતર થાય તેવાં ડિબેન્ચર બહાર પાડે છે. તે પરિવર્તનીય ડિબેન્ચર કહેવાય છે. જે ડિબેન્ચરનું પૂરેપૂરું રૂપાંતર થવાનું હોય તે સંપૂર્ણ પરિવર્તનીય (fully convertible) અને આંશિક રૂપાંતર થવાનું હોય તે અંશત: પરિવર્તનીય (partially convertible) ડિબેન્ચર કહેવાય છે. અંશત: પરિવર્તનીય ડિબેન્ચર બે ભાગમાં બહાર પાડવામાં આવે છે. તેમાંથી એક ભાગનું શૅરમાં રૂપાંતર થાય છે અને બીજા જે ભાગનું રૂપાંતર થતું નથી તે ડિબેન્ચરના અપરિવર્તનીય ભાગ (non-convertible part of debenture) તરીકે ઓળખાય છે.

કંપની ડિબેન્ચરધારકને ભવિષ્યમાં શૅરની પ્રાપ્તિનો હક આપે છે. આથી સામાન્ય ડિબેન્ચરની સરખામણીમાં પરિવર્તનીય ડિબેન્ચર ઉપર અપાતા વ્યાજનો દર ઓછો હોય છે. આમ છતાં રોકાણકારોને પરિવર્તનીય ડિબેન્ચરનું આકર્ષણ રહે છે, કારણ કે કંપનીના પ્રારંભના સંઘર્ષના સમયમાં ઉદ્ભવતી નાણાકીય અસલામતીનું જોખમ ત્યાર પછીના ગાળામાં રહેતું નથી અને ભવિષ્યમાં ઓછા ભાવે શૅર મેળવવાની તક મળે છે. કેટલીક વાર કંપની નાણાબજારમાંથી શૅરમૂડી પ્રાપ્ત કરવામાં અથવા ઓછા વ્યાજના દરે નાણાં મેળવવામાં મુશ્કેલી લાગે ત્યારે તે રોકાણકારોની મનોવૃત્તિનો લાભ લઈને પરિવર્તનીય ડિબેન્ચર બહાર પાડે છે.

સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઑવ ઇન્ડિયા(સેબી)ની માર્ગદર્શિકા પ્રમાણે 36 માસ કરતાં વધુ સમયના રૂપાંતર માટેનાં સંપૂર્ણ પરિવર્તનીય ડિબેન્ચર બહાર પાડવાં હોય તો તે માટે પરવાનગી આપવામાં આવતી નથી, સિવાય કે આવા રૂપાંતરમાં તેજીના સોદા (call option) અને મંદીના સોદા(put option)ના વિકલ્પનો સમાવેશ કરવામાં આવ્યો હોય. રોકાણકાર પોતાની પસંદગી પ્રમાણે સોદો કરી શકે છે : એક જ તરફનો એટલે કે ખરીદ અથવા વેચાણનો અથવા બંને તરફનો એટલે કે ખરીદ અને વેચાણ બંનેનો. નિશ્ચિત ભાવે શૅરનું ડિબેન્ચરમાં પરિવર્તન કરાવવા જેવા પસંદગીના પ્રાપ્ત થતા હકના સોદાને તેજીના સોદા કહેવાય છે. જ્યારે ભવિષ્યમાં અમુક ડિબેન્ચરના ભાવ વધવાની શક્યતા અથવા અપેક્ષા હોય ત્યારે તેજીના સોદા કરવામાં આવે છે. તે જ પ્રમાણે નિશ્ચિત ભાવે ડિબેન્ચરનું શૅરમાં પરિવર્તન થતું ઇન્કારવા માટેની પસંદગીના પ્રાપ્ત થતા હકને મંદીના સોદા તરીકે ઓળખવામાં આવે છે. પછીના સમયનાં અમુક ડિબેન્ચરના ભાવમાં ઘટાડાની શક્યતા અથવા અપેક્ષા હોય ત્યારે અથવા તો રોકાણના નફાની સલામતી માટે મંદીના સોદા કરવામાં આવે છે. આવા હકનો અમલ નિશ્ચિત સમયમાં (સામાન્ય રીતે ત્રણ માસમાં) કરવાનો હોય છે. બંને તરફના સોદામાં ખરીદ કરવું કે નહિ અથવા વેચાણ કરવું કે નહિ  એમ બંને પ્રકારના હક પ્રાપ્ત થાય છે.

વાયદાની માફક આવા સોદા રોકાણકારોને ડિબેન્ચરના પરિવર્તન દ્વારા પ્રાપ્ત થતા શૅરના ભાવમાં થતા મોટા ફેરફારોના જોખમ સામે રક્ષણ (hedging) પૂરું પાડવા માટે અને સોદા કરનારાઓ અને સટોડિયાઓને મર્યાદિત જવાબદારીથી સટ્ટો ખેલવાની છૂટ આપે છે.

કંપનીઝ અધિનિયમ 1956ની જોગવાઈઓ હેઠળ જો કંપની નવા શૅર બહાર પાડે તો હયાત શૅરધારકોને નવા શૅર મેળવવાનો પ્રથમ અધિકાર રહે છે. પરિવર્તનીય ડિબેન્ચરનું કાલાંતરે નવા શૅરમાં રૂપાંતર થતું હોવાથી આ ડિબેન્ચર કંપનીઝ અધિનિયમ હેઠળ શૅરધારકોને મળેલા અધિકારને અસર કરે છે, તેથી પરિવર્તનીય ડિબેન્ચર બહાર પાડવા માટે શૅરધારકો અને કેન્દ્ર-સરકારની સંમતિ મેળવવી આવશ્યક હોય છે.

શિરીષભાઈ શાહ