પરિભાષેન્દુશેખર (ઈ. સ. 1650–1730) : પાણિનિનાં સંસ્કૃત વ્યાકરણસૂત્રોનો અર્થ કરવા માટેના નિયમોનો ગ્રંથ.
સંસ્કૃત વ્યાકરણશાસ્ત્ર નિરૂપતી પાણિનિની અષ્ટાધ્યાયીમાં આપેલાં સૂત્રોની વ્યવસ્થા આપતી કુલ 122 પરિભાષાઓ ભાંડારકર ઓરિએન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ – પુણે દ્વારા 1963માં પ્રકાશિત થયેલ ‘પરિભાષેન્દુશેખર’ની સમીક્ષિત આવૃત્તિમાં બતાવાઈ છે.
‘પરિભાષા’ની સામાન્ય પ્રચલિત વ્યાખ્યા ‘અનિયમે નિયમકારિણી પરિભાષા’ એ પ્રકારની છે. અર્થાત્, ‘જ્યાં કોઈ વ્યવસ્થિત નિયમ ન હોય ત્યાં એક ચોક્કસ નિયમ જે આપે છે તે પરિભાષા. વળી પરિભાષા દીવાની માફક પોતાના નિયત સ્થાને રહી, સમસ્ત શાસ્ત્રમાં પ્રકાશ પાથરે છે – એવું મંતવ્ય પણ શાસ્ત્રકારોએ દર્શાવેલું છે.
આ દૃષ્ટિને લક્ષમાં રાખીને સંસ્કૃત વ્યાકરણશાસ્ત્રમાં પરિભાષા અંગે અનેક ગ્રંથો લખાયા છે. છેક મહર્ષિ પાણિનિ(ઈ. સ. પૂ. ચોથી શતાબ્દી)ના મામા મનાતા આચાર્ય ‘વ્યાડિ’થી માંડીને ‘પરિભાષેન્દુશેખર’ના લેખક નાગેશ સુધીના સુદીર્ઘ સમયગાળામાં 15થી વધુ પરિભાષાગ્રંથો લખાયા છે. પાણિનિથી ઇતર શાખાઓ જેવી કે શાક્ટાયન વ્યાકરણ, કાતન્ત્ર અને જૈનેન્દ્ર વ્યાકરણમાં પણ પરિભાષા-ગ્રંથો લખાયા છે. ખુદ પાણિનિની અષ્ટાધ્યાયીમાં 48 જેટલાં પરિભાષાસૂત્રો છે.
પાણિનિની અષ્ટાધ્યાયીમાં આવેલાં વ્યાકરણસૂત્રો દ્વારા સિદ્ધ કરવામાં આવતા સંસ્કૃત ભાષાના શબ્દો – નામ, ક્રિયાપદ વગેરેનાં રૂપોની પ્રક્રિયા માટે આપેલાં કેટલાંક સૂત્રોમાં અર્થના નિર્ણય માટે મુશ્કેલી ઊભી થતાં, અર્થનો નિર્ણય કરી આપવાનું, તો કેટલાક પ્રયોગોની સિદ્ધિ માટે આવેલાં સરખું બળ ધરાવતાં સૂત્રોમાં બાધ્યબાધકભાવનો નિર્ણય કરી આપવાનું કાર્ય પરિભાષાઓ કરે છે. આથી જ આ પરિભાષાઓ માટે meta rule, a rule for rule, a rule for interpretation જેવા અંગ્રેજી ઉક્તિપ્રયોગો થયા છે.
આ જ અર્થનિર્ણય અને બલાબલત્વ તથા અન્ય પ્રકીર્ણ વિષયોને ધ્યાનમાં રાખીને લખાયેલ ‘પરિભાષેન્દુશેખર’માં ત્રણ પ્રકરણો છે. તેમાં (1) ‘શાસ્ત્રત્વસંપાદક’ નામના પ્રથમ પ્રકરણમાં રૂપોની સિદ્ધિ માટે આપેલાં પાણિનિનાં સૂત્રોનો શાસ્ત્રસંગત અર્થનિર્ણય કરનારી પરિભાષાઓ છે. (2) ‘બાધબીજ’ નામના બીજા પ્રકરણમાં અમુક શબ્દની પ્રયોગસિદ્ધિ વખતે સરખું બલ ધરાવતાં સૂત્રોમાં નિર્બલ (બાધ્ય) અને બલવાન્ (બાધક) નક્કી કરવા માટેની બીજ-પાયારૂપ પરિભાષાઓ આવેલી છે. (3) ‘શાસ્ત્ર(તંત્ર)શેષ’ નામના ત્રીજા યા અંતિમ પ્રકરણમાં પ્રથમ બે પ્રકરણમાં બાકી રહેલ પરિભાષાઓ આપી છે.
‘પરિભાષેન્દુશેખર’માં આવેલી આ જ પરિભાષાઓનાં વિવિધ વર્ગીકરણ પણ થયાં; જેમ કે, કેટલીક પરિભાષાઓ લોક-વ્યવહારના આધારવાળી (લૌકિક ન્યાયસિદ્ધ), કેટલીક શાસ્ત્રીય ન્યાયના આધારે, કેટલીક યુક્તિ-શુદ્ધ તર્કબળના આધારે, તો કેટલીક પાણિનિના મૂળ સૂત્રમાં આવતા પદની પાછળ કોઈ હેતુ હોવો જોઈએ એ વિચારે અનુમાનથી જ્ઞાપિત થતી (જ્ઞાપકસિદ્ધ) પરિભાષાઓ છે.
આ સાથે કોઈ રૂપ-પ્રયોગની સિદ્ધિની કાયમી વ્યવસ્થા કરનાર નિત્ય પરિભાષાઓ તો અમુક સંયોગોમાં તે પરિભાષાને લીધે કોઈ દોષ પેદા થતો હોય ત્યારે એ પરિભાષા અનિત્ય છે એમ વ્યવસ્થા આપનારી નિત્યાનિત્ય પરિભાષા ‘પરિભાષેન્દુશેખર’માં દર્શાવેલ છે.
વિશ્વનાં વ્યાકરણોમાં નામાંકિત સ્થાન પામેલ પાણિનીય વ્યાકરણની ઇમારતને સુઢ રાખવામાં ‘પરિભાષેન્દુશેખર’નું સ્થાન અત્યંત મહત્ત્વપૂર્ણ ગણાય છે.
ભગવતીપ્રસાદ પંડ્યા