પરિપુષ્પ (perianth) : દ્વિદળી વર્ગના ઉપવર્ગ અદલા (apetalae) અને એકદળી વર્ગની વનસ્પતિઓના પુષ્પમાં આવેલું સહાયક ચક્ર. આ સહાયક ચક્ર વજ્ર (calyx) અને દલપુંજ(corolla)માં વિભેદન પામેલું હોતું નથી અને મોટેભાગે એકચક્રીય હોય છે. આ ચક્ર સામાન્ય રીતે બહારનું હોય છે. તેના એકમને પરિદલપત્ર કહે છે.
આ પરિપુષ્પ ઘણુંખરું ચકચકિત અને રંગીન હોય છે. તેને દલાભ (petaloid) પરિપુષ્પ કહે છે; દા. ત., કંકાસણી (વછનાગ), બોગનવેલ, ક્રાઇનમ. ઍમરેન્ટેસી કુળની કેટલીક વનસ્પતિઓમાં તે ત્વચીય (membranous)અને દીર્ઘસ્થાયી (persistent) હોય છે. પોએસી કુળમાં તે બે પરિપુષ્પકો (lodicules) સ્વરૂપે જોવા મળે છે.

આકૃતિ 1 : પોએસી કુળમાં પરિપુષ્પકો : Festuca pratenisisનું પુષ્પ
જો પરિદલપત્રો એકબીજાથી મુક્ત હોય તો તેવા પરિપુષ્પને મુક્ત પરિપુષ્પી (polyphyllous) કહે છે; દા. ત., કંકાસણી.

આકૃતિ 2 : કંકાસણીમાં મુક્ત પરિદલપત્રી દલાભ પરિપુષ્પ
જો પરિદલપત્રો એકબીજા સાથે સંપૂર્ણ રીતે કે અંશત: જોડાયેલાં હોય તો તેને યુક્ત પરિપુષ્પી (gamophyllous) કહે છે; દા. ત., બોગનવેલ, ક્રાઇનમ.
મધુસૂદન જાંગીડ