પરિણય : હિન્દી ચલચિત્ર. સાચો પ્રેમ કદી કોઈ બંધનો સ્વીકારતો નથી તે ખૂબ હૃદયસ્પર્શી રીતે તેમાં રજૂ થયેલું છે. નિર્માણવર્ષ : 1974. નિર્માણસંસ્થા : સમાંતર ચિત્ર. પટકથા : કાંતિલાલ રાઠોડ અને વિનય શુક્લ. દિગ્દર્શન: કાંતિલાલ રાઠોડ. સંવાદ : વિનય શુક્લ અને અનુરાગ. ગીતકાર : નકશ લાયલપુરી અને રામાનંદ શર્મા. છબીકલા : કે. કે. મહાજન. સંગીત : જયદેવ. કથા : હરીન મહેતા. મુખ્ય ભૂમિકા : રોમેશ શર્મા, શબાના આઝમી, કૃષ્ણકાંત, શિવરાજ, અભિજિત સેન, અચલા સચદેવ.
ગામડામાં મુસ્લિમ પાલક પિતા રહીમચાચા પાસે ઊછરેલો સીધોસાદો યુવાન રામ અમદાવાદ જેવા શહેરમાં ભણવા આવે છે ત્યારે કૉલેજમાં એક શ્રીમંત પરિવારની પુત્રી રેખાના પરિચયમાં આવે છે. બંને પ્રેમમાં પડે છે. લગ્ન કરવાનાં હોય છે ત્યારે રેખા ઇચ્છે કે રામ શહેરમાં જ વસી જાય; પણ રામે રહીમચાચાને વચન આપ્યું હોય છે કે ભણીગણીને પોતે ગામડાને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવશે, ગામડામાં શાળા શરૂ કરશે અને બાળકોને ભણાવશે. રામના આ સપનાને પૂરું કરવા રેખા પણ લગ્ન કરીને તેની સાથે ગામડે જવા તૈયાર થાય છે, પણ આ નિર્ણય તેણે માત્ર રામ પ્રત્યેના પ્રેમને કારણે લીધો હોય છે. ગામડાના જીવનથી તે સાવ અજાણ હોય છે. પરણીને ગામડામાં આવ્યા પછી રેખા ગામડા સાથે ઓતપ્રોત થઈ શકતી નથી અને એક સમય એવો આવે છે કે તે પતિનું ઘર છોડીને શહેરમાં રહેવા આવી જાય છે. રામ પોતાના આદર્શો સાથે કોઈ બાંધછોડ કરવા તૈયાર હોતો નથી.
અમદાવાદમાં રેખા મ્યુનિસિપલ કૉર્પોરેશન સંચાલિત પ્રવાસી બસમાં ‘ગાઇડ’ તરીકે કામ કરવા માંડે છે. એક દિવસ રામ પોતાના વિદ્યાર્થીઓને અમદાવાદ દર્શન કરાવવા લઈ આવે છે ત્યારે પ્રવાસી બસમાં રેખા સાથે ભેટો થાય છે. બસ જેમ જેમ આગળ વધે છે તેમ તેમ જાણીતાં સ્થળો જોઈને રામ અને રેખા સામે તેમના ભૂતકાળનો પ્રેમ ખડો થાય છે. એમાંય જ્યારે બસ ઝૂલતા મિનારા પાસે આવે છે ત્યારે આ મિનારા રામ અને રેખા વચ્ચે એક વિશેષ ઘટનાનું કેન્દ્ર બની જાય છે. એક મિનારાને હલાવવાથી બીજો મિનારો પણ હલવા માંડે એ ઝૂલતા મિનારાની વિશેષતા રેખાના મનમાં એક સમાધાનની ભૂમિકા રચે છે. પથ્થરના બનેલા મિનારા જો કોઈ આંતરિક લહેરથી પ્રભાવિત થઈ શકતા હોય તો બે માણસો એકબીજાના મનની લહેરો કેમ ન અનુભવી શકે ? અંતે બંને વિખૂટાં પ્રેમીઓ ફરી મળે છે.
હરસુખ થાનકી