પરાશર : વેદકાળના પરાશર-ગોત્રપ્રવર્તક ઋષિ. આયુર્વેદના એ નામના આચાર્ય, જેમનો ચરકે ઉલ્લેખ કર્યો છે. અત્રિ નામના આચાર્યના શિષ્ય. વસિષ્ઠ મૈત્રાવરુણિના પૌત્ર. પિતાનું નામ શક્તિ, માતાનું નામ અષ્યંતિ. રાક્ષસો પોતાના પિતા શક્તિને ખાઈ ગયાની ખબર બાળક પરાશરને પડતાં રાક્ષસસત્ર કરીને તેમણે પોતાના તપોબળથી અનેક રાક્ષસોને બાળી મૂક્યાનો ઉલ્લેખ છે. પુલસ્ત્ય ઋષિની રાક્ષસસત્ર બંધ કરવાની વાત તેમણે ન સ્વીકારી. અંતે વસિષ્ઠના કહેવાથી રાક્ષસસત્ર બંધ કર્યો. ‘મત્સ્યની ગંધ દૂર થઈ તારું શરીર સુગંધિત થશે અને તું અક્ષતયોનિ રહેશે’ એવાં બે વરદાન આપીને પરાશર ઉપરિચર નામના રાજાની કન્યા સત્યવતી અથવા મત્સ્યગંધાને પરણેલા. તેમના પુત્ર તે મહાભારતના જાણીતા લેખક મહર્ષિ વેદવ્યાસ, જેઓ કૃષ્ણ દ્વૈપાયન એવા નામે પણ ઓળખાય છે.
પરાશર બ્રહ્મચર્યાશ્રમમાં શ્રીશૈલ પર્વત પર રહેતા હતા. ત્યારે તેમને પંદર હજાર શિષ્યો હતા. તેઓ ધર્મશાસ્ત્ર, જ્યોતિષ, ગણિત, ખગોળ, નૌકાશાસ્ત્ર વગેરેના નિષ્ણાત હતા. નૌકાશાસ્ત્રના જ્ઞાનથી તેમણે સમુદ્રમાં સફર કરી ભરતખંડ સાથે સંબંધ ધરાવતા કેટલાક બેટ શોધેલા. ખગોળમાં પણ કેટલીક શોધ તેમણે કરેલી. તેઓ કૃષિવિદ્યાના પણ જાણકાર હતા. નાની વયની વિધવાના પુનર્લગ્નની હિમાયત તેમણે ધર્મશાસ્ત્રમાં કરી છે.
તેમણે કૃષિ વિશે ‘કૃષિસંગ્રહ’ અને ‘કૃષિપરાશર’; ધર્મશાસ્ત્રમાં ‘પરાશરસ્મૃતિ’ અને ‘બૃહત્પરાશરસંહિતા’; જ્યોતિષ વિશે ‘જ્યોતિષ્પરાશર’, ‘બૃહત્પારાશરી’, ‘લઘુપારાશરી’, ‘પરાશરકલ્પ’ અને ‘હોરાશાસ્ત્ર’; આયુર્વેદમાં ‘પરાશરતંત્ર’, ‘વૃદ્ધપરાશર’, ‘ગોલક્ષણ’, ‘હસ્ત્યાયુર્વેદ’ અને ‘વૃક્ષાયુર્વેદ’; વાસ્તુશાસ્ત્રમાં ‘પરાશરકેવલસાર’; પુરાણમાં ‘પરાશરોપપુરાણ’ વગેરે ગ્રંથો રચ્યા છે. મહાભારતના શાંતિપર્વમાં તેમની ‘પરાશરગીતા’ પણ છે. તેમના પરાશર ગોત્રની ગૌરપરાશર, નીલપરાશર, શ્યામાપરાશર, કૃષ્ણપરાશર, શ્વેતપરાશર અને ધૂમ્રપરાશર એવી છ શાખાઓ, ઉપરાંત એની ઉપશાખાઓ પણ છે. આમ, પરાશર અનેક શાસ્ત્રના જ્ઞાતા અને દ્રષ્ટા તરીકે પ્રસિદ્ધ છે.
બળદેવપ્રસાદ પનારા