પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ

February, 1998

પરાંજપે, રઘુનાથ પુરુષોત્તમ (. 26 ફેબ્રુઆરી 1876, મુર્ડી, જિ. રત્નાગિરિ; . 6 મે 1966, પુણે) : જાણીતા કેળવણીકાર, ઉદારમતવાદી રાજકારણી તથા સમાજસુધારક. પિતા ધાર્મિક વૃત્તિના અને કોંકણ વિસ્તારના જમીનદાર હતા. માતા ગોપિકાબાઈ લોકમાન્ય ટિળકના પરિવારમાં જન્મેલાં. રઘુનાથનું પ્રાથમિક શિક્ષણ કોંકણના અંજર્લા, મુર્ડી તથા દાપોલી ખાતે. ત્યારપછીના શિક્ષણાર્થે તેઓે મુંબઈ ગયા અને તેમના ફોઈના દીકરા (મહર્ષિ) ધોંડો કેશવ કર્વેને ત્યાં રહ્યા. 1891માં મૅટ્રિકની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું. 1892માં કર્વે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં લોકમાન્ય ટિળકની જગ્યા પર ગણિતના પ્રાધ્યાપક નિમાયા તેથી પરાજંપે પણ ર્ક્વેની સાથે મુંબઈથી પુણે ગયા. 1896માં તેમણે  બી.એસસી.ની પરીક્ષામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું અને કેન્દ્ર સરકારની શિષ્યવૃત્તિ પ્રાપ્ત કરી ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની સેન્ટ જૉન્સ કૉલેજમાં દાખલ થયા. 1899માં તેમણે ગણિત વિષયના ટ્રાયપૉસની પરીક્ષામાં એક અંગ્રેજ વિદ્યાર્થી સાથે પ્રથમ સ્થાન મેળવ્યું અને ‘સિનિયર રૅન્ગ્લર’નું સન્માન પ્રાપ્ત કર્યું. 1899-1901 દરમિયાન તેમણે પૅરિસ અને ગર્ટિગન યુનિવર્સિટીમાં બાકીનો અભ્યાસ તથા સંશોધનકાર્ય કર્યું.

રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે

1901માં તેઓ ભારત પાછા આવ્યા. અહીં ઇન્ડિયન એજ્યુકેશન સર્વિસ(IES)માં જોડાવા માટેની સરકારની દરખાસ્ત તેમણે ન સ્વીકારી. 1902માં ફર્ગ્યુસન કૉલેજમાં આચાર્ય અને ગણિતના પ્રાધ્યાપક તરીકે જોડાયા (1902-24). આ કાર્યકાળ દરમિયાન તેમણે કરેલા કાર્યને લીધે ફર્ગ્યુસન કૉલેજની પ્રતિષ્ઠા વધી અને તે દેશની અગ્રણી શિક્ષણસંસ્થા તરીકે પ્રસ્થાપિત થઈ. ભારતમાં 1919ના કાયદા મુજબ દાખલ કરવામાં આવેલ દ્વિમુખી રાજ્યવ્યવસ્થા (dyarchy) અંતર્ગત તેઓ તે વખતની મુંબઈ પ્રાંતની સરકારમાં શિક્ષણખાતાના પ્રધાન બન્યા (1921-23). 1927માં તેમને આબકારી ખાતાના મંત્રી બનાવવામાં આવ્યા. 1927-32 દરમિયાન તેઓ કેન્દ્ર-સરકારમાં ઇન્ડિયા કાઉન્સિલના સભ્ય બન્યા. 193238ના ગાળામાં તેમણે લખનૌ યુનિવર્સિટીના કુલપતિ તરીકે સેવાઓ આપી. 1944-47 દરમિયાન તેઓ ઑસ્ટ્રેલિયામાં ભારતના હાઈકમિશનરના પદ પર રહ્યા. 1956-59 દરમિયાન તેઓ પુણે યુનિવર્સિટીના કુલપતિ હતા.

આ સમયગાળા દરમિયાન એક ઉદારમતવાદી મુત્સદ્દી તથા સમાજસુધારક તરીકે તેમની પ્રતિભા ઊપસી આવી. તેઓ રાજકીય અને સામાજિક ક્ષેત્રે સતત કાર્યરત રહ્યા હતા. નૅશનલ લિબરલ ફેડરેશનની સ્થાપનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રાજકારણમાં તેઓ ન્યાયમૂર્તિ રાનડે તથા ગોપાળ કૃષ્ણ ગોખલેની વિચારસરણીને વરેલા હતા. સમાજસુધારણાના ક્ષેત્રે તેઓ ધાર્મિક કર્મકાંડના વિરોધી હતા. ઈશ્વર, પરલોક અને પુનર્જન્મમાં તેમને વિશ્વાસ ન હતો. સમાજસુધારણા વિના દેશની પ્રગતિ થશે નહિ એવી તેમની દૃઢ માન્યતા હતી.

1916માં બ્રિટિશ સરકારે તેમને કૈસરે-હિંદનો પદક તથા 1942માં ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો. આ ઉપરાંત, કલકત્તા યુનિવર્સિટીએ તેમને ડૉક્ટર ઑવ્ સાયન્સની માનદ ઉપાધિ આપી હતી. તેમની માતૃસંસ્થા કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે સંલગ્ન સેંટ જૉન્સ કૉલેજે તેમને માનાર્હ ફેલોશિપ બક્ષી હતી.

નૅશનલ બુક ટ્રસ્ટ ઑવ્ ઇન્ડિયાએ 1965માં તેમની આત્મકથા ‘84 નૉટ આઉટ’ (મરાઠી અનુવાદ : ‘84 નાબાદ’) પ્રકાશિત કરી. વળી તેમનાં જાહેર વ્યાખ્યાનોનો એક સંગ્રહ બી. એમ. ગોરેએ સંપાદિત કરી પ્રકાશિત કર્યો છે. તેમણે લખેલા અને અલગ અલગ સમયે પ્રકાશિત થયેલા લેખોની સંખ્યા વિપુલ છે, જેમાંથી મોટાભાગના લેખો અંગ્રેજીમાં છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે