પરાવિકસન (metaplasia) : એક પુખ્તકોષ પ્રકારને સ્થાને બીજા પુખ્તકોષ પ્રકારના કોષો વિકસવા તે. મધ્યત્વકીય (mesenchymal) કોષો કરતાં અધિત્વકીય (epithelial) કોષો વિરોધી વાતાવરણમાં વધુ ટકી રહે છે. આમ તે એક પ્રકારની તણાવપૂર્ણ પરિસ્થિતિને અનુરૂપ કોષોનું અવેજીકરણ (substitution) છે. કુટેવપૂર્ણ ધૂમ્રપાન કરનારાના શ્વસનમાર્ગમાંના સામાન્ય સ્તંભાકાર (columnar) કોષોના સ્થાને સ્તરીકૃત લાદીસમ અધિચ્છદ(stratified squamous epithelium)ના ચપટા કોષો જોવા મળે છે. તેવી જ રીતે લાળગ્રંથિ અને સ્વાદુપિંડની અને પિત્તની નળીઓમાં જો પથરી થાય તો ત્યાં રસ ઉત્પન્ન કરતી ગ્રંથિઓવાળા સ્તંભાકાર કોષોને સ્થાને સ્તરીકૃત લાદીસમ અધિચ્છદના કોષો વિકસે છે. વિટામિન-‘એ’ની ઊણપ હોય ત્યારે પણ શ્વાસની નળીઓમાં તે જ પ્રકારનું પરાવિકસન થાય છે. આ પ્રકારના પરાવિકસનમાં ક્યારેક પાછળથી કૅન્સર ઉદ્ભવે છે.
ક્યારેક તંતુબીજકોષો(fibroblasts)નું અસ્થિબીજકોષો (osteoblasts) કે કાસ્થિબીજકોષો(chondroblasts)માં રૂપાંતરણ થાય છે. તેથી તંતુબીજકોષોમાંથી જ્યાં તંતુઓ બનતા હોય ત્યાં અસ્થિબીજકોષોમાંથી હાડકું કે કાસ્થિબીજકોષોમાંથી કાસ્થિ (cartilage) બને છે. સામાન્ય રીતે ક્યારેક ઈજા પછી આવો ફેરફાર થાય છે. આ પ્રકારનો ફેરફાર પરિસ્થિતિને અનુકૂળ થવા માટેનો ફેરફાર હોતો નથી, પરંતુ તે મૂળમાર્ગને છોડીને કોઈક ફાંટા પર કોષોનો વિકાસ થઈ રહ્યો છે એવું સૂચવે છે. માટે તેને અપગામી વિભેદન (divergent differentiation) પણ કહે છે.
ક્યારેક અસ્થિમજ્જાતંતુતા (myelofibrosis) નામના વિકારમાં અને અસ્થિમજ્જાના કોષોની સંખ્યાવૃદ્ધિ(myeloproliferative)ના વિકારમાં બરોળની અંદર લોહીના કોષો બનાવતી પેશી વિકસે છે. લોહીના કોષો બનાવતી પેશીને રુધિરકોષ-પ્રસર્જી પેશી (haemopoietic tissue) કહે છે અને તે હાડકાના પોલાણમાં આવેલી મજ્જામાં આવેલી છે તેને અસ્થિમજ્જા કહે છે. અસ્થિમજ્જામાં તંતુઓ બનાવતા કોષો વિકસવાનો વિકાર થાય તો તેને અસ્થિમજ્જાતંતુતા કહે છે અને તેના બધા કે કોઈ એક પ્રકારના કોષોની સંખ્યાવૃદ્ધિ વધુ પડતી થાય તો તેને મજ્જાકોષી સંખ્યાવૃદ્ધિવિકાર (myeloproliferative disorder) કહે છે. તે બંને વિકારમાં અસ્થિમજ્જાના લોહીના બધા સામાન્ય કોષો વિકસી શકતા નથી. તેવે સમયે તે બરોળમાં વિકસે છે. તેથી બરોળ ઘણી મોટી થાય છે અને તેનું વજન 4 કિલો જેટલું પણ થઈ જાય છે. મોટી થયેલી બરોળવાળી સ્થિતિને બરોળવર્ધન કે પ્લીહાવર્ધન (splenomegaly) કહે છે. તેને કાપતાં તે લાલથી ભૂખરા રંગની થયેલી જોવા મળે છે. ક્યારેક યકૃતમાં પણ અસ્થિમજ્જાનું પરાવિકસન થાય છે ત્યારે તે પણ મોટું થાય છે. લસિકાગ્રંથિઓ(lymphnodes)માં ભાગ્યે જ આવું પરાવિકસન જોવા મળે છે. તે મોટી થતી નથી. અસ્થિમજ્જાનું પેશીપરીક્ષણ (biopsy) કરવામાં આવે તો તે અલ્પકોષિતા (hypocellularity) બતાવે છે. ચામડીને બહેરી કરીને છાતીના મધ્યભાગ કે કેડના હાડકામાં સોય વડે છિદ્ર પાડી તેમાંથી અસ્થિમજ્જા શોષી લેવાય છે. તેનો સૂક્ષ્મદર્શક વડે અભ્યાસ કરાય છે. તેને અસ્થિમજ્જા-પેશીપરીક્ષણ (bone marrow biopsy) કહે છે. તેમાં ઘણા ઓછા કોષો જોવા મળે તો તેને અલ્પકોષિતા કહે છે. રુધિરાભિસરણમાં ફરતા લોહીમાં શ્વેતકોષો અને રક્તકોષોની શ્રેણીઓના અપક્વ કોષો પણ ફરતા જોવા મળે છે. તેને શ્વેતરક્તબીજકોષીય પ્રતિક્રિયા (leucoerythroblastic reaction) કહે છે. દર્દીના લોહીમાં હીમોગ્લોબિન ઘટે છે અને શ્વેતકોષો તથા ગંઠનકોષો(platelets)ની સંખ્યા સામાન્ય, ખૂબ વધુ કે ઘટી ગયેલી હોય છે. અશ્રુબિંદુ-આકારના (tear-drop) રક્તકોષો જોવા મળે છે. તેને દીર્ઘકાલીન મજ્જાકોષી રુધિરકૅન્સર(chronic myeloid leukaemia, CML)થી અલગ પાડવું પડે છે. લોહીમાં યુરિક ઍસિડનું પ્રમાણ વધે છે તેથી મૂત્રપિંડને નુકસાન ન થાય તે માટે એલોપ્યુરિનોલ અને પેશાબને આલ્કેલાઇન કરવાની દવા અપાય છે. તેમાં ચેપ લાગવો અને લોહી વહેવા માંડવું તે બે મુખ્ય તકલીફો છે. તેથી વારંવાર ઍન્ટિબાયૉટિક દવાઓ તથા તરતનું મેળવેલું લોહી આપવું પડે છે. વિપુલ ગંઠનકોષી રુધિરજળ (platelet rich plasma – PRP) અપાય છે. લોહીમાંથી વધુ ગંઠનકોષોવાળું રુધિરજળ છૂટું પડાય છે, તેને PRP કહે છે. ક્યારેક બરોળના કોઈ એક ભાગમાં કોષોના ભરાવાથી રુધિરાભિસરણ અટકે છે અને તે ભાગ મરી જાય છે. તેને પેશીપ્રણાશ (infarction) કહે છે. 10 % દર્દીઓમાં ઉગ્ર રુધિરકૅન્સરની સ્થિતિ સર્જાય છે. અસ્થિમજ્જા પરાવિકસનના દર્દીનો મધ્યસ્થ જીવનકાળ 5 વર્ષનો ગણાય છે.
શિલીન નં. શુક્લ
શાંતિ પટેલ