પરામનોવિજ્ઞાન (parapsychology) : મનોવિજ્ઞાનની એક એવી શાખા, જે ઇન્દ્રિયાતીત જણાતાં અનુભવો અને ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ કરે છે. પરામનોવિજ્ઞાનના પ્રણેતા સમા ડૉ. રાઇનના શબ્દોમાં કહીએ તો, પરામનોવિજ્ઞાન એવી ઘટનાઓનો વૈજ્ઞાનિક અભ્યાસ છે, જેની સમજૂતી સ્થળ અને કાળની ચોક્કસ મર્યાદામાં કામ કરતા ભૌતિક નિયમો દ્વારા આપી શકાતી નથી. આવી ઘટનાઓને પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓ, ટૂંકમાં, PSI – ઘટનાઓ કહેવામાં આવે છે.
વિવિધ પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓને મુખ્ય બે વિભાગમાં વહેંચી શકાય : (1) કૃત્રિમ રીતે સર્જીને જેનો પ્રાયોગિક અભ્યાસ થઈ શકે તેવી ઘટનાઓ, અને (2) પ્રયોગશાળામાં સર્જી ન શકાય છતાં રોજિંદા જીવનવ્યવહારમાં નોંધાતી હોય એવી ઘટનાઓ.
જે પરામનોવૈજ્ઞાનિક ઘટનાઓના પ્રયોગશાળાના કૃત્રિમ અને નિયંત્રિત વાતાવરણ હેઠળ અનેક પ્રાયોગિક અભ્યાસો થઈ શક્યા છે, તે ઘટનાઓને પણ બે પેટા-પ્રકારમાં વહેંચવામાં આવે છે : (1) ઇન્દ્રિયાતીત સંવેદન કે અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ (ESP), (2) મનની કારકશક્તિ (PK).
ઇન્દ્રિયાતીત સંવેદન અથવા અતીન્દ્રિય પ્રત્યક્ષીકરણ હેઠળ પણ ત્રણ પ્રકારની ઘટનાઓનો સમાવેશ થાય છે :
(1) મનોદર્શન કે માનસસંક્રમણ (telepathy) એટલે કે અન્ય વ્યક્તિના વિચાર કે લાગણીનું મનોમન જ્ઞાન થવું તે.
(2) સંજયદૃષ્ટિ (clairvoyance) એટલે કે દૂર બનતા બનાવનું પ્રત્યક્ષીકરણ થવું તે.
(3) પૂર્વબોધન કે પૂર્વજ્ઞાન (precognition) એટલે કે ભવિષ્યમાં બનનારા કોઈ બનાવનું પહેલેથી જ્ઞાન થવું કે પ્રત્યક્ષીકરણ થવું તે.
આ ઉપરાંત ચોથી મનની કારકશક્તિ તે મનની કે વિચારશક્તિની એકાગ્રતા, જેના દ્વારા કોઈ પણ જાતના ભૌતિક કે દૈહિક સ્પર્શ વગર જ પદાર્થમાં ગતિ, હલનચલન કે અન્ય ફેરફારો પેદા કરવાનું થઈ શકે છે. આવી ઘટનાઓનો પ્રયોગશાળાની નિયંત્રિત પરિસ્થિતિ હેઠળ વૈજ્ઞાનિક અભ્યાસ પણ થતો રહ્યો છે.
આ ચાર પ્રકારની ઘટનાઓ સિવાય પણ પરામનોવિજ્ઞાનમાં મરણોત્તર અસ્તિત્વ, મૃતાત્માના સંદેશા, મૃતાત્માનાં છાયાચિત્રો, સૂક્ષ્મ દેહનું કે કોઈ અજ્ઞાત શક્તિનું પ્રાગટ્ય, ભૂતનો ભ્રમ કે આભાસ, વળગાડ કે સંચાર (possession) જેવા બનાવો કે અનુભવોનો પણ વૈજ્ઞાનિક અભિગમથી અભ્યાસ થાય છે. ભલે આ પ્રકારની ઘટનાઓ પ્રયોગશાળામાં હજી સુધી સર્જી શકાઈ ન હોય, પરંતુ માનવીના રોજ-બરોજના જીવનમાં આ પ્રકારના અનુભવો તમામ સંસ્કૃતિઓમાં પરાપૂર્વ કાળથી નોંધાતા આવ્યા છે. આવા રોજિંદા જીવનમાં નોંધાતા પરામનોવૈજ્ઞાનિક અનુભવોની તટસ્થ વૈજ્ઞાનિક અભિગમથી તપાસ પણ પરામનોવિજ્ઞાનના ક્ષેત્રે કરવામાં આવે છે. પરામનોવિજ્ઞાનના વિકાસનાં શરૂઆતનાં વર્ષોમાં આવા બનાવોના અભ્યાસને પ્રમાણમાં વધારે મહત્ત્વ અપાતું હતું; પરંતુ હાલમાં તો, મૃતાત્મા સંબંધિત ઉપર વર્ણવેલા વિવિધ પરામનોવૈજ્ઞાનિક અનુભવો ઉપરાંત સંમોહન દરમિયાન જોવા મળતું ઇન્દ્રિયાતીત સંવેદન, પૂર્વજન્મની સ્મૃતિ અને પુનર્જન્મ, દેહબાહ્ય અનુભવો (OBE) એટલે કે વ્યક્તિની ચેતના (consciousness) તેના દેહથી અલગ પડી દૂરથી તેના પોતાના દેહને જોતી હોય અથવા તો દેહથી છૂટી પડી ચેતના અન્ય સ્થળે જઈ આવતી હોય તેવા અનુભવો, પૂર્વબોધન કે મનોદર્શનને સમર્થન આપતા અનુભવો વગેરેના અભ્યાસને પણ મહત્ત્વ અપાઈ રહ્યું છે. વળી સ્વપ્નો, માનસપ્રતિમાનાં છાયાચિત્રો (thought photography), ચેતનાની બદલાતી અવસ્થાઓ, હસ્તોપચારથી રહસ્યમય રોગમુક્તિ (psychic healing), અસ્વાધીન લેખન (automatic writing) કે ઉપજાગ્રત મન:પ્રેરિત લખાણ, સભાન રહી શીખ્યા ના હોઈએ તેવી કોઈ અજાણી ભાષા લખવી કે બોલવી વગેરે વિષયવસ્તુ-ઘટનાઓના અભ્યાસનો સમાવેશ પણ પરામનોવિજ્ઞાનના કાર્યક્ષેત્રમાં થાય છે.
પરામનોવિજ્ઞાનના અભ્યાસક્ષેત્રના વિકાસને સમજવા માટે તેની પાર્શ્વભૂમિકા તરફ નજર કરવી જરૂરી છે.
પાર્શ્વભૂમિકા : 1882ની સાલમાં લંડન ખાતે ‘સોસાયટી ફૉર સાયકિક્લ રિસર્ચ’(એસ.પી.આર.)ની સ્થાપના થઈ. ઇંગ્લૅન્ડમાં ‘પૅરેસાયકોલૉજિકલ’ કરતાં ‘સાઇકિકલ રિસર્ચ’ શબ્દ વધારે પ્રચલિત હતો. તત્ત્વચિંતક સિજવિકના અધ્યક્ષપદે ‘એસ.પી.આર.’ની સ્થાપના થઈ. તેમાં માયર્સ, ભાષાશાસ્ત્રી એડમંડ ગુર્ને, પદાર્થવિજ્ઞાની લૉર્ડ રૅલે અને સર ઑલિવર લૉજ, બૅરેટ, પૅડમોર, લૉર્ડ બાલ્ફોર વગેરે વિખ્યાત ચિંતકોનો સહકાર પ્રાપ્ત થયો. તેમણે પરામનોવિજ્ઞાનને સંશોધનાત્મક, પ્રયોગશીલ અને વૈજ્ઞાનિક બનાવવા માટેનો આગ્રહ વ્યક્ત કર્યો. 1885માં અમેરિકામાં ‘અમેરિકન સોસાયટી ફૉર સાયકિકલ રિસર્ચ’(એ. એસ. પી. આર.)ની સ્થાપના થઈ. આ બંને સંસ્થાઓ વર્ષોથી આ ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપી રહી છે.
આ બંને સંસ્થાઓ તેની સ્થાપના પછીનાં શરૂઆતનાં વર્ષોમાં ‘ચૈતસિક માધ્યમો’ (સ્પિરિચ્યુઅલ મીડિયમ્સ) મનાતી વ્યક્તિઓનો સંશોધનાત્મક દૃષ્ટિએ અભ્યાસ કરતી હતી. ‘માધ્યમ’ દ્વારા વ્યક્ત થતા મૃતાત્માના સંદેશાઓનો, મૃતાત્મા દ્વારા દેહાકાર ધારણ કરવો કે અવકાશમાં પદાર્થો તરતા કરવા વગેરે પ્રકારના રહસ્યમય બનાવોનો અભ્યાસ થતો હતો. આમાંના કેટલાક બનાવો છેતરપિંડી અને જાગ્રત કે અજાગ્રત આત્મપ્રતારણાની સાબિતી સમાન જણાતાં પરામનોવિજ્ઞાનની પ્રગતિને આંચકો લાગ્યો હતો; તેમ છતાં, આવા તબક્કાને પરામનોવિજ્ઞાનનું સર્વસ્વ માની લેવાની તાર્કિક ભૂલ કરી શકાય નહિ. ‘ફૉક્સ’ અટકધારી બહેનોના રહસ્યમય કાર્યક્રમો, માદામ બ્લૅવૅત્સ્કીનું ગૂઢવાદી લખાણ તથા ડૉ. મેસ્મરની ચિકિત્સાપદ્ધતિ ‘મેસ્મેરિઝમ’ વગેરેના ઓછાવત્તા પ્રભાવની અસર પણ પરામનોવિજ્ઞાન પ્રત્યે જિજ્ઞાસુને પ્રેરવા માટે કારણભૂત બની હોવાનું મનાય છે.
ડૉ. જૉસેફ બક્સ હ્ઇને (1895થી 1990) પરામનોવિજ્ઞાનમાં મહત્ત્વપૂર્ણ કાર્ય કર્યું છે. પ્રો. મેક્ડૂગલ 1927માં ડ્યૂક વિશ્વવિદ્યાલયમાં મનોવિજ્ઞાન-વિભાગના વડા તરીકે ગયા. તેઓ પરામનોવિજ્ઞાનના મૂલ્યને સ્વીકારતા હોવાથી હ્ાઇન દંપતી ડ્યૂક વિશ્વવિદ્યાલયમાં જોડાયાં અને પરામનોવિજ્ઞાનનાં વિકાસકાર્યોમાં સહભાગી થયાં. 1937માં હ્ાઇન અને મેકડૂગલે બંનેએ સાથે મળી ‘જર્નલ ઑવ્ પૅરેસાઇકૉલૉજી’ની શરૂઆત કરી. ‘પૅરેસાઇકૉલૉજી’ નામ પ્રચલિત કરવાની શરૂઆત પણા હ્રાઇને કરી હોવાનું મનાય છે. ડૉ. હ્રાઇન 1934માં ‘એક્સ્ટ્રાસેન્સરી પર્સેપ્શન’ ગ્રંથ પ્રસિદ્ધ કરી મનોવિજ્ઞાનીઓમાં ચર્ચાસ્પદ બન્યા.
રાઇને પોતાના પ્રયોગો માટે સહજપ્રાપ્ય વિદ્યાર્થીઓ લીધા. તેમણે જાતે તૈયાર કરેલો પચીસ પત્તાંનો ગંજીફો (સેટ) પ્રયોગપાત્રો માટે ઉપયોગમાં લીધો. આ ‘સેટ’ને ‘ઝેનર કાર્ડ્ઝ’ કહે છે. ડૉ. હ્રાઇને આંકડાશાસ્ત્ર(સ્ટેટિસ્ટિક્સ)ના સિદ્ધાંતોને અનુસરીને પ્રયોગરચના તથા તેનાં પરિણામોનું અર્થઘટન કર્યું હોવાનું જણાવ્યું છે. હ્રાઇનના પ્રયોગોએ તરફેણ તથા વિરોધનો વંટોળ જગાવ્યો હતો. તેના લીધે તે સમયે અને પછી ઇન્દ્રિયાતીત પ્રત્યક્ષીકરણને જાણવા માટે વિવિધ સુધારા-વધારા સાથેની કસોટીઓ અને પ્રયોગોની રચનાઓ થઈ. તેમની પ્રાયોગિક ચકાસણી થઈ. ડૉ હ્રાઇને ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૅરેસાઇકૉલૉજી’ નામની સંલગ્ન સંસ્થાની સ્થાપના કરી. ડૉક્ટર શ્રીમતી લ્યુઈસાએ ડ્યૂક વિશ્વવિદ્યાલયની પ્રયોગશાળામાં થયેલું કાર્ય, ત્યાંનો સંબંધિત પત્રવ્યવહાર તેમજ પ્રયોગોની ટિપ્પણી-નોંધો તથા પોતે અભ્યાસ કરેલા બે હજાર કિસ્સા(કેસ)ના વિશાળ સંગ્રહ ‘ડ્યૂક કલેક્શન’ને ‘ઇન્સ્ટિટ્યૂટ ફૉર પૅરાસાઇકૉલૉજી’માં રાખ્યો છે.
1930 પછીના ગાળામાં પરામનોવિજ્ઞાનનું અભ્યાસક્ષેત્ર વિસ્તૃત અને વૈવિધ્યપૂર્ણ બન્યું. ડૉ. ક્રિપનર અને ઉલમને સ્વપ્નાંના સંદર્ભમાં મનોદર્શન કે માનસસંક્રમણનો નોંધપાત્ર સંશોધનાત્મક અભ્યાસ કર્યો. સ્ટીવન્સને લાખો કિલોમીટરનો પ્રવાસ કરીને પૂર્વજન્મની સ્મૃતિના કિસ્સાઓનો જાતે અભ્યાસ કર્યો. આવો અભ્યાસ વર્ષોથી ચાલુ છે. ‘દેહબાહ્ય અનુભવ’ (out of body experience OBE) દરમિયાન જણાતી ચેતનાની અવસ્થાના તથા ચેતનાની બદલાતી અવસ્થાઓના ચાર્લ્સ ટાર્ટે પ્રાયોગિક અભ્યાસો કર્યા છે. આ વિષયમાં સંશોધનાત્મક લખાણ દ્વારા સિલિયા ગ્રીન, મિચેલ ડૉ. ગેબર્ડ, મનરો, શ્રીમતી પાઉલા વગેરેએ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
રશિયામાં સ્ટાલિનની સત્તાના અંત પછી પરામનોવિજ્ઞાન પ્રત્યેનો નિષેધાત્મક અભિગમ બદલાયો. તે પછી ‘બાયૉફિઝિક્સ’, ‘બાયૉઇલેક્ટ્રૉનિક્સ’, ‘સજેસ્ટૉલૉજી’ વગેરે વિવિધ નામ નીચે પ્રાણી અને મનુષ્યમાં મનોદર્શન, સંમોહન (hypnosis), સૂચનવિદ્યા વગેરે વિષયોને લગતો અભ્યાસ થયો. તેમાં પાવલૉવ, બ્રક્ટેરેવ્હ અને મુખ્યત્વે ડૉ. વૉસિલિયૉવે ફાળો નોંધાવ્યો છે. દૂર સુધી માનસસંક્રમણ અને સંમોહન શક્ય છે કે નહિ, દૃષ્ટિસંવેદન દ્વારા પ્રાપ્ત થતી માહિતી જેવી કેટલીક માહિતી સ્પર્શથી પ્રાપ્ત થઈ શકે કે નહિ (dermatological perception) વગેરે જાણવા માટેના પ્રયોગોમાં રશિયાએ નોંધપાત્ર પ્રગતિ કરી હોવાનું મનાય છે. ‘કિર્લિયન ફોટોગ્રાફી’ના સંશોધન અને વ્યવહારલક્ષી ઉપયોગમાં રશિયા અગ્રેસર હોવાનું મનાય છે. અમેરિકા અને રશિયા વચ્ચે યુદ્ધ-સજ્જતાના સ્પર્ધાત્મક ગાળા દરમિયાન પરામનોવિજ્ઞાનમાં ખાનગી પ્રયોગો લશ્કરી કે સરકારી રાહે થયા હોવાની વિગતો પ્રસિદ્ધ થઈ છે.
અભ્યાસક્ષેત્રે પરામનોવિજ્ઞાન વિષયની સ્વીકૃતિ લગભગ સમગ્ર વિશ્વમાં થઈ છે. અમેરિકા, રશિયા, ગ્રેટ બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન, ચીન, આફ્રિકા, ઑસ્ટ્રેલિયા, ભારત વગેરે દેશોનાં કોઈ ને કોઈ વિશ્વવિદ્યાલયો કે મહાવિદ્યાલયો પરામનોવૈજ્ઞાનિક સંશોધનોમાં પ્રવૃત્ત છે. લંડન, કેમ્બ્રિજ, ઑક્સફર્ડ, મ્યૂનિક, બૉન, સરે, રોડ્ઝ, આંધ્ર વગેરે વિશ્વવિદ્યાલયો પરામનોવિજ્ઞાન વિષયના પ્રબંધો સ્વીકારી ‘પીએચ.ડી.’ની પદવી આપી ચૂક્યાં છે. પરામનોવિજ્ઞાનમાં પીએચ.ડી.ની પદવી માટે માર્ગદર્શનની સગવડ કૅલિફૉર્નિયા, ઍડિન્બરો, ફ્રીબર્ગ, ડરહૅમ, નૉર્થ કૅરોલિના, આંધ્ર વગેરેનાં વિશ્વવિદ્યાલયોમાં પ્રાપ્ત થાય છે.
પરામનોવૈજ્ઞાનિક લાગતા બનાવોના સત્યાસત્ય વિશે પરામનોવિજ્ઞાની અને જાદુગરો વચ્ચે ગજગ્રાહ ચાલતો આવ્યો છે. કોઈ વાર તે જાહેર પ્રસિદ્ધિનો વિષય બને છે. ‘માર્જેરી’ નામથી જાણીતા ‘ચૈતસિક માધ્યમ’ના સંશોધન વખતે વિખ્યાત જાદુગર હૂડીનીની ભૂમિકા ચર્ચાસ્પદ બની હતી. ધાતુની ચમચીઓ તથા ચાવીઓને મનની કારકશક્તિ(psychokinesis)થી વાળવાનો દાવો કરતા યુરી ગેલરને જાદુગર જેમ્સ રેન્ડીએ જાહેર પડકાર ફેંક્યો છે. કેલર, ડનિન્જર જેવા વિખ્યાત જાદુગરો છેતરપિંડીની શક્યતાઓ સ્વીકારવા છતાં પરામનોવૈજ્ઞાનિક શક્તિનો કોઈ વ્યક્તિ કે કિસ્સામાં સ્વીકાર કરે છે. ટીકાકારો દ્વારા પરામનોવિજ્ઞાનને વિવાદાસ્પદ ગણવામાં આવે છે. તેઓ આ વિષયમાં કાર્યકારણસંબંધ શોધવાની મુશ્કેલી દર્શાવે છે. જોકે, આવા વાંધા દર્શાવીને સમગ્ર વિષયનો નિષેધ તો કરાય નહિ.
પરામનોવિજ્ઞાનનાં ભાવિ સંશોધનોમાં યોગનો વૈજ્ઞાનિક અભ્યાસ પ્રાયોગિક તેમજ સિદ્ધાંતરચના(theory)ની દૃષ્ટિએ મહત્ત્વ પામશે એમ મનાય છે. ધ્યાન(meditation)ના વિવિધ પ્રકારોની મન અને શરીર પર થતી અસરોનો અભ્યાસ, નિયંત્રિત સંવેદનોની સ્થિતિમાં કલાકો કે દિવસોના એકાંતની વ્યક્તિના મન ઉપર થતી અસરો, મનોજનિત કે કેફી ઔષધોનો પરાભૌતિક બનાવો સાથે સંબંધ, ચેતનાની વિવિધ અવસ્થાઓ અને તેની ખાસિયતો, તેની અસરો તથા પરાભૌતિક ઘટનાઓ સાથેનો તેનો સંબંધ વગેરે વિષયોનો અભ્યાસ પણ મહત્ત્વ પામશે એમ મનાય છે.
રજનીકાન્ત પટેલ