પરાદીપ : બંગાળના ઉપસાગર પર મહાનદીના મુખથી 16 કિમી. દૂર નદીના જમણા કાંઠે આવેલું ઓડિસા રાજ્યનું પ્રમુખ બંદર. 1966માં આ બંદર સત્તાવાર રીતે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યના કટક જિલ્લાનું આ નગર મહાનદીના મુખત્રિકોણના એક ફાંટા પર વસેલું છે. ભૌગોલિક સ્થાન : 20° 16´ ઉ. અ. અને 86° 42´ પૂ. રે. ભારતની આઝાદી પછી પૂર્વ કિનારે બંધાયેલું આ બંદર કૉલકાતાથી 210 નૉટિકલ માઈલ વિશાખાપટનમથી 260 નૉટિકલ માઈલ (આંતરરાષ્ટ્રીય માપ : એક નૉટિકલ માઈલ = 1,852 મી.), કટકથી 96 કિમી. અને રૂરકેલાથી 368 કિમી. દૂર આવેલું છે.
પીઠપ્રદેશ : બંદરના પ્રારંભ વખતે તેના પીઠપ્રદેશનો વિસ્તાર ઉત્તરમાં બાલાસોરથી દક્ષિણમાં બેરહામપુર અને પશ્ચિમ તરફ તાલચેર સુધી જ મર્યાદિત હતો. ઉદ્યોગોના વિકાસ સાથે પરાદીપનું તાલચેર, રૂરકેલા અને કટક સાથે રેલમાર્ગ અને રસ્તાઓ દ્વારા જોડાણ થતાં લગભગ સમગ્ર રાજ્યનો તેના પીઠપ્રદેશમાં સમાવેશ થયો છે. આ ઉપરાંત ઝારખંડના સિંગભૂમ જિલ્લાને, પૂર્વ મધ્યપ્રદેશના નદીખીણપ્રદેશને, મનોહરપુર, બિલાસપુર વગેરેના પૂર્વભાગને તથા આંધ્રપ્રદેશના ઉત્તર ભાગને પણ તેના પીઠપ્રદેશમાં આવરી લેવાયો છે. બંદરથી 205 કિમી.ની ત્રિજ્યાનો 1,55,707 ચોકિમી.નો તેનો આ પીઠપ્રદેશ ઓરિસાના 73 % પ્રદેશને આવરી લે છે. પરાદીપનો આ સમગ્ર પીઠપ્રદેશ ખનિજ અને અન્ય સંપત્તિની સમૃદ્ધિ માટે જાણીતો છે.
આ પીઠપ્રદેશમાં ટોમકો-દૈતરી, બોનાઈ, ગંધમાદન અને મયૂરભંજ જિલ્લાની 60 %થી વધુ લોહઅયસ્ક-ખાણો આવેલી છે, જ્યાં 160 કરોડ ટન જેટલો લોખંડનાં ખનિજોનો અનામત જથ્થો છે. સુકિન્ડા, આનંદપુર, ગંગપુર, કીઓન્જાર, બોનાઈ, પટણા અને કાલહંડી જિલ્લાઓમાં 1 કરોડ ટન જેટલો ક્રોમાઇટનો જથ્થો છે. સુંદરગઢ જિલ્લામાં મૅંગેનીઝની ખાણો છે. મહાનદીખીણમાં વધુ ભસ્મમાત્રા (ash content) અને ભેજવાળો હલકી કક્ષાનો 7.6 કરોડ ટન કોલસાનો જથ્થો છે. સારો કોલસો ઈટા, રામપુર અને હિમગિરિની ખાણોમાંથી મળે છે. તાલચેરનું કોલસાક્ષેત્ર ખૂબ જ સમૃદ્ધ છે. ગ્રૅફાઇટ, વેનેડિયમ અને ચૂનાખડકની ખાણો હીરાકુડ બંધથી 48 કિમી. સુધીના વિસ્તારમાં આવેલી છે. તાલચેર-હીરાકુડ અને રૂરકેલા વચ્ચેનો સમગ્ર પ્રદેશ ઔદ્યોગિક વિસ્તાર બની રહેલો છે. અહીં સ્ટીલટ્યૂબ અને પાઇપ, ઍલ્યુમિનિયમ, કાગળ, કાચ, સિમેન્ટ વગેરેનાં કારખાનાં વિકસ્યાં છે. કિનારા નજીકના ત્રિકોણ પ્રદેશમાં ડાંગર અને શણનો મબલક પાક થાય છે. મહાનદીના બંધના જળાશયની સુવિધાને કારણે ડાંગરનો પાક વર્ષમાં બે વાર લેવાય છે. ઉદ્યોગો માટે સસ્તી વીજળી પણ મળી રહે છે. આજુબાજુનાં જંગલો સાગ, સાલ અને વાંસનો વિપુલ જથ્થો પૂરો પાડે છે. સાલના બીજમાંથી તેલ અને પાટડામાંથી રેલમાર્ગ માટેના સ્લીપરો બને છે. કેન્દુના પાનની અહીંથી તમિળનાડુ અને શ્રીલંકા ખાતે નિકાસ થાય છે. આ રીતે જોતાં આ બંદરને કાયમી હેરફેર માટે પૂરતા પ્રમાણમાં માલ મળી રહે છે.
બારું : ખાડીસરોવર (lagoon) પ્રકારના કૃત્રિમ બારાનું ઉત્તર તરફના 538 મીટર લાંબા અને દક્ષિણ તરફના 1,217 મીટર લાંબા બે તરંગરોધો (breakwaters) દ્વારા સમુદ્રમોજાં અને વાવાઝોડાથી રક્ષણ થાય છે. અહીં મોટો જુવાળ લગભગ બે મીટર અને નાનો જુવાળ 1.1 મીટર ઊંચાઈ ધરાવે છે. બારામાં 60થી 80 હજાર ટનનાં 12 મીટર ડ્રાફ્ટ ધરાવતાં જહાજો પ્રવેશી શકે છે, બંદરનાં બજરા, ટગ, ટ્રોલર વગેરે જહાજો માટે ત્રણ જેટીઓ છે. લોહધાતુની નિકાસ માટેની જેટી 155 × 13.75 મીટરની છે તેનો ડ્રાફ્ટ 11.89 મીટર છે. દર મહિને પાંચ લાખ ટન ધાતુ નિકાસ કરી શકાય એવી હેરફેર માટેની યાંત્રિક સાધનક્ષમતા છે. માલના સંગ્રહ માટે ત્રણ ઢાળિયાં (shed) છે. સૌથી શક્તિશાળી ઊંટડો (crane) 13 ટન માલ ઉપાડી શકે છે. માલ માટેની જેટીની એક પાંખ 215 મીટર લાંબી છે, બીજી અને ત્રીજી પાંખ 205 અને 200 મીટર લાંબી છે. આ ધક્કા આગળ 10.6 મીટર અને 11.5 મીટર ડ્રાફ્ટવાળાં જહાજો આવીને થોભે છે. 1977થી ‘લૅશ’ (lash) સેવા શરૂ કરવામાં આવી છે. રીફર જહાજો અને યંત્રસંચાલિત બજરા દ્વારા માલની ચડ-ઊતર થાય છે. ઘડતર લોખંડ, ખાંડ, કોલસા, અનાજ, ખાતર વગેરેના સંગ્રહ માટે સરકારી તેમજ ખાનગી ગોદામો પણ છે.
આયાત–નિકાસ : આ બંદર મારફતે લોહ અને અન્ય ધાતુખનિજો જાપાન, પૂર્વ યુરોપના દેશોમાં નિકાસ થાય છે. ક્રોમાઇટ, મગેનીઝ, કોલસો, ચોખા, શણ, કોથળા, ફેરો-મગેનીઝ, ફેરો-સિલિકોન, કેન્દુનાં પાન વગેરેની નિકાસ થાય છે. પરદેશથી તલ, તેલીબિયાં, ગોળ, ખાતર, ખાતર માટેનો કાચો માલ, અનાજ, કોક, ઊંચી જાતનો કોલસો વગેરેની આયાત થાય છે.
અન્ય સગવડો : માલસંગ્રહ માટે વિશાળ આચ્છાદિત જગા, પ્રવાહી માલ માટે ટાંકીઓ, વિવિધ પ્રકારના ઊંટડા, હેરફેર કરી શકાય એવા મોટા ઊંટડા, ફૉર્ક લિફ્ટ ટ્રક, ડમ્પર, પે લોડરા, શૉવેલ ઊંટડા, અનુયાન (ટ્રેલર), બુલડોઝર, બજરા (barge), ટગ, ડ્રેજરો જેવી સગવડો અહીં ઉપલબ્ધ છે.
ઇતિહાસ : 1951થી જાપાન, ચેકોસ્લોવૅકિયા, પૂર્વ જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ પરાદીપના વિકાસમાં રસ લીધો હતો. જાપાનના વહાણવટા-નિષ્ણાતોએ તેમજ ફ્રેન્ચ મિશને બંદરનું આયોજનકાર્ય સંભાળેલું. 1956ના નવેમ્બર-ડિસેમ્બરમાં તેના વિકાસ માટેના પ્રથમ તબક્કા દરમિયાન જંગલનાં વૃક્ષો કાપી ભૂમિને સમથળ બનાવાઈ હતી. કટક અને પરાદીપ વચ્ચેનો માર્ગ તથા રેલજોડાણની આંતરમાળખાકીય સગવડો; રસ્તાઓ ઉપરાંત નહેરો દ્વારા ખાણોને બંદર સાથે જોડતી સુવિધા; વીજળી, પાણી-પુરવઠો, તાર, ટપાલ, ટેલિફોન, હવામાનદર્શક સંકેતો જેવી આનુષંગિક સગવડો ઊભી કરવામાં આવેલી. એક-બે સ્ટીમરો દ્વારા લંગરસ્થાને રહીને બજરા મારફતે લોખંડની કાચી ધાતુની નિકાસ કરવાનો સફળ પ્રયાસ કરાયો હતો. બીજા તબક્કામાં પાંચ લાખ ટન માલ નિકાસ કરી શકાય એવી સગવડ, તરંગરોધ કસોટીઓ, કાંપકાદવ ખેસવવાની સગવડો, ધક્કો, જેટી, ઊંટડા, નાની પાટાગાડીઓ (ટ્રૉલીઓ), સ્ટાફ માટેનાં મકાનો વગેરેની સગવડ ઊભી કરવામાં આવી હતી. ત્રીજા તબક્કામાં લોખંડની કાચી ધાતુ ભૂમિ પરથી સ્ટીમરમાં ભરવા માટેનો વાહક પટ્ટો, વર્કશૉપ, ટ્રાન્ઝિટ શેડ, ગોદામો, સંગ્રહસ્થાન (marshalling yard), સૂકી ગોદી વગેરે તૈયાર કરવામાં આવ્યાં હતાં. આ બંદર હવે ધીકતું બંદર છે.
શિવપ્રસાદ રાજગોર