પરાગવિદ્યા (palynology) : પરાગરજની બાહ્યરચના તથા તેનાં લક્ષણોના અભ્યાસ સાથે સંકળાયેલ વનસ્પતિશાસ્ત્રની શાખા. ‘પેલિનૉલૉજી’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ વાર હાઇડ અને વિલિયમ્સે (1845) કર્યો હતો. પરાગરજ બીજધારી વનસ્પતિઓમાં ઉત્પન્ન થતું લઘુબીજાણુ (microspore) છે. તેની દીવાલ દ્વિસ્તરીય હોય છે. બહારની બાજુ આવેલું સ્તર ‘બાહ્યકવચ’ (exine) તરીકે અને અંદરની બાજુ આવેલું સ્તર ‘અંત:કવચ’ (intine) તરીકે ઓળખાય છે. પરાગરજનો બાહ્યરચનાકીય અભ્યાસ તેના બાહ્યકવચ પરના નકશીકામ, તેની ઉપર આવેલાં જનનછિદ્રોની સંખ્યા, સ્થાન અને લક્ષણોને અનુલક્ષીને કરવામાં આવે છે. પરાગરજની ઓળખ માટે તેની ધ્રુવતાની માહિતી અગત્યની છે. વિકાસ દરમિયાન પરાગરજ ચતુષ્ક અવસ્થામાં હોય ત્યારે પરાગરજની ધ્રુવતા નક્કી કરી શકાય છે. ચતુષ્ક અવસ્થા દરમિયાન પરાગરજનો જે છેડો કેન્દ્ર તરફ આવેલો હોય છે તેને નિક્ટવર્તી ધ્રુવ (proximal pole), જ્યારે પરિઘ તરફના છેડાને દૂરસ્થ ધ્રુવ (distal pole) કહે છે. આ બંને ધ્રુવોને જોડતી લંબ અક્ષે આવેલી આભાસી રેખાને ધ્રુવાક્ષ (polar axis) કહે છે; જ્યારે અનુપ્રસ્થ અક્ષે વિષુવવૃત્ત પર આવેલી આભાસી રેખાને વિષુવરેખા (equatorial line) કહે છે.
આ બંને ધ્રુવો વચ્ચે સમાનતા અને અસમાનતાને આધારે પરાગરજને અનુક્રમે સમધ્રુવીય (isopolar) અને વિષમધ્રુવીય (heteropolar) કહેવામાં આવે છે. એ જ રીતે દ્વિપાશ્વીય (bilateral) કે અરીય (radial) હોય તો પરાગરજને અનુક્રમે અસમમિત (asymmetric) કે સમમિત (symmetric) કહેવામાં આવે છે.
પરાગરજનાં બાહ્યરચનાકીય લક્ષણો અને જનનછિદ્રોની સંખ્યામાં જોવા મળતી ભિન્નતા વનસ્પતિના રહેઠાણ તેમજ પરાગનયનની ક્રિયાને અનુકૂલિત થવા માટે હોઈ શકે છે. કીટકો તેમજ પક્ષીઓ દ્વારા પરાગનયન પામતી પરાગરજની બાહ્યસપાટી ચીકણી, કંટકમય કે રોમિલ હોય છે. પવનપરાગિત પરાગરજની બાહ્યસપાટી મુખ્યત્વે લીસી તેમજ નકશીવિહીન હોય છે. જલપરાગિત વનસ્પતિની પરાગરજનું બાહ્યસ્તર ખૂબ જ પાતળું હોય છે. તેના કારણે પરાગરજમાં પાણી પ્રવેશતાં પરાગરજ ફૂલી શકે છે, પણ ફાટી જતી નથી. નાઝાસ મરાઈના જેવી આદિકક્ષાની વનસ્પતિમાં પરાગરજની ફરતે બાહ્યસ્તરનો અભાવ હોય છે.
પૂર્ણ વિકસિત પરાગરજના બાહ્યસ્તરને નીચે મુજબ દર્શાવેલ પેટાસ્તરોમાં વિભાજિત કરી શકાય છે :
પરાગરજની સપાટીમાં કેટલીક જગ્યાએ પાતળો વિસ્તાર જોવા મળે છે, જ્યાં બાહ્યસ્તરનો અભાવ હોય છે. આ વિસ્તારને જનનછિદ્ર (germpore) કહે છે. અને તે પરાગરજના અંકુરણ માટે જવાબદાર હોય છે. જો આ જનનછિદ્ર વિસ્તાર લંબાયેલ હોય તો તે પરાગરજને વિદરકી (colpate), જ્યારે ગોળ હોય તો તે પરાગરજને મુખકી (porate) કહે છે. જો આ જનનછિદ્ર વિસ્તારવલય(annulus)થી ઘેરાયેલો હોય તો તે બંનેને અનુક્રમે છિદ્રક-વિદરકી/(colporate)અને સછિદ્ર-મુખકી/(pororate)કહે છે.
જનનછિદ્રોની સંખ્યા (number), સ્થાન (position) અને લક્ષણ (character) પરાગરજના વર્ગીકરણમાં અગત્યનો ફાળો આપે છે. તેના પર આધારિત વર્ગીકરણ-પદ્ધતિને NPC પદ્ધતિ કહે છે. આ પદ્ધતિમાં જનનછિદ્રની જગ્યાએ ટ્રીમ શબ્દ પ્રયોજાય છે.
જો પરાગરજની સપાટી પર જનનછિદ્ર ન હોય અથવા સ્પષ્ટ ન હોય તો તેવી પરાગરજને અછિદ્રી/(atreme) કહે છે; અને તેને સંખ્યા દ્વારા દર્શાવવામાં આવે છે. જો પરાગરજની સપાટી પર જનનછિદ્રોની સંખ્યા 1, 2, 3, 4, 5 કે 6 હોય તો તેવી પરાગરજને અનુક્રમે એકછિદ્રી/ (monotreme N1), દ્વિછિદ્રી (ditreme, N2), ત્રિછિદ્રી (tritreme, N3), ચતુશ્છિદ્રી (tetratreme, N4), પંચછિદ્રી (pentatreme, N5) અને ષટ્છિદ્રી (hexatreme, N6) તરીકે ઓળખવામાં આવે છે. જો જનનછિદ્રોની સંખ્યા 7 અથવા વધુ હોય તો તેવી પરાગરજને બહુછિદ્રી (polytreme, N7) કહે છે. જો જનનછિદ્રોની સંખ્યા અને ગોઠવણી અનિયમિત હોય તો તેવી પરાગરજને અનિયમછિદ્રી (anomotreme, N8) કહે છે.
પરાગરજની સપાટી પર આવેલ છિદ્રોના સ્થાનને અનુલક્ષીને પરાગરજને સાત સમૂહમાં વહેંચવામાં આવે છે. જો છિદ્ર પરાગરજના નિકટવર્તી છેડા પર હોય તો તેને કેટાટ્રીમ (catatreme, P1) અને દૂરસ્થ છેડા પર હોય તો તેને એનાટ્રીમ (anatreme, P3) કહે છે. જ્યારે છિદ્રો બંને છેડા પર હોય તો તેને એના-કેટાટ્રીમ (ana-catatreme, P2) કહે છે. જો છિદ્રો વિષુવવૃત્ત પર હોય તો તેને ઝોનોટ્રીમ (zonetreme, P4) કહે છે. જો છિદ્રો વિષુવવૃત્તને સમાંતરે બે રેખાઓમાં હોય તો તેને ડાયઝોનોટ્રીમ (dizonotreme, P5) કહે છે. જ્યારે જનનછિદ્રો પરાગરજની સપાટી પર વીખરાયેલ હોય તો તેને પેન્ટોટ્રીમ (pentotreme, P6) કહે છે. જો જનનછિદ્રના સ્થાન વિશે માહિતી ન હોય તો તેવી પરાગરજને P0 તરીકે ઓળખવામાં આવે છે.
જનનછિદ્રોનાં લક્ષણોને આધારે પરાગરજને સાત સમૂહમાં વહેંચવામાં આવે છે : જો છિદ્રની જગ્યાએ માત્ર પાતળો પ્રદેશ હોય તો તેને લેપ્ટોમા (leptoma, C1), ત્રણ તિરાડ જેવી રચના હોય તો ટ્રાયકોટોમાકોલ્પેટ (trichotoma colpate, C2), છિદ્ર લાંબું હોય તો તેને વિદરકી (colpate, C3), છિદ્ર ગોળ હોય તો મુખકી (porate, C4), લંબાયેલ છિદ્રની ફરતે વલય હોય તો સછિદ્ર-મુખકી (pororate, C6) પરાગરજ તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે છિદ્રનાં લક્ષણો વિશેની માહિતી સ્પષ્ટ ન હોય તો તેવી પરાગરજને ટ્રીમ (treme, C0) કહે છે.
પરાગરજ આકારમાં ગોળાકાર, ચપટી કે લાંબી અને 10umથી 200um કદ ધરાવતી હોય છે. પરાગરજના બાહ્યકવચમાં રચનાની દૃષ્ટિએ જોવા મળતી વિવિધતાઓ વનસ્પતિના વર્ગીકરણમાં અગત્યનો ફાળો આપે છે; દા. ત., Sesamumની વિવિધ જાતિઓની પરાગરજ પર જનનછિદ્રોની સંખ્યા જુદી જુદી હોય છે.
Sesamum indicumમાં છિદ્રોની સંખ્યા 11; S. prostratumમાં છિદ્રોની સંખ્યા 9 અને S. laciniatumમાં તેની સંખ્યા 8 હોય છે. ડાંગર(Oryza-sativa)ની બે જુદી જુદી જાતનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે જયા જાતની પરાગરજ વલયયુક્ત એકછિદ્ર ધરાવે છે અને સપાટી પર જાલાકાર રચના જોવા મળે છે; સપાટી પર અસંખ્ય છૂટીછવાઈ કણિકા જેવી રચના ધરાવે છે. જ્યારે ઇન્ડિકા જાતની પરાગરજ બે જનનછિદ્રો ધરાવે છે તથા તેમાં જાલાકાર રચનાનો અભાવ હોય છે. કણિકા જેવી રચનાઓ બેથી ચારના સમૂહમાં આવેલી હોય છે.
આમ, પરાગરજની બાહ્યસપાટીનાં લક્ષણોને આધારે વનસ્પતિઓનું વર્ગીકરણ માત્ર જાતિના સ્તર પૂરતું મર્યાદિત નથી, પરંતુ જાતની કક્ષા સુધી થઈ શકે છે. અનુપ્રયુક્ત સંશોધનોમાં પરાગવિદ્યાનો ઉપયોગ વિવિધ ક્ષેત્રે કરવામાં આવે છે, અને ભૂપરાગવિદ્યા (geopalynology), વાતપરાગવિદ્યા (aeropalynology), ઔષધપરાગવિદ્યા (pharmacopalynology) અને મધુપરાગવિદ્યા (melitto-palynology) જેવી તેની વિદ્યાશાખાઓ અસ્તિત્વમાં આવી છે.
ભાનુકુમાર ખુ. જૈન