પરાગરજ : આવૃતબીજધારી અને અનાવૃતબીજધારી વનસ્પતિઓના પુષ્પમાં આવેલા પુંકેસરની પરાગધાનીમાં ઉદભવતું લઘુબીજાણુ. લઘુબીજાણુજનન (microsporogenesis) દરમિયાન લઘુબીજાણુમાતૃકોષ (microspore mother cell) કે પરાગમાતૃકોષ(pollen mother cell)નું અર્ધસૂત્રીભાજનથી વિભાજન, થતાં તે પરાગચતુષ્ક (pollen tetrad) તરીકે ઉત્પન્ન થાય છે. તે એકગુણિત (haploid) રંગસૂત્રો ધરાવે છે અને અંકુરણ પામી નર-જન્યુજનક અવસ્થા ઉત્પન્ન કરે છે.
તે ખૂબ જ ચપટીથી માંડી ખૂબ જ લાંબી હોઈ શકે. તેનું કદ 10 માઇક્રોન(Myosotis)થી માંડી 200 માઇક્રોન (કુકરબીટેસી અને નીક્ટાજીનેસી) સુધીનું હોય છે. પરિપક્વ પરાગરજની દીવાલ બે પડની બનેલી હોય છે : (1) બાહ્યપડ (exine) અને (2) અંત:પડ (intine). બાહ્યપડને ઘણા ઉપસ્તરો હોય છે. બાહ્યપડ સ્પોરોપોલનીન દ્રવ્યનું બનેલું હોય છે. આ પડ ભૌતિક અને જૈવિક વિઘટન સામે પ્રતિકાર કરે છે. આ ગુણધર્મને લીધે તે લાંબા સમય સુધી સચવાય છે અને અશ્મિ તરીકે મળી આવે છે. પરાગાશયમાંથી પરાગાસન તરફના પરાગરજના જોખમી સ્થાનાંતર દરમિયાન તે સંરક્ષણાત્મક કાર્ય કરે છે. બાહ્યપડની વિવિધતા વર્ગીકરણવિદ્યા(taxonomy)માં મહત્ત્વની પુરવાર થઈ છે. અંત:પડ પૅક્ટોસેલ્યુલોસનું બનેલું હોય છે; કારણ કે તે વિભાજિત કોષની પ્રાથમિક દીવાલ છે. સેલ્યુલોસ ઘટક સૂક્ષ્મ તંતુમય હોય છે. આ તંતુઓ સપાટીના સમાંતર તલમાં ગોઠવાયેલા હોય છે. અંત:પડમાં સૂક્ષ્મ મણકા કે પટ્ટીઓ જોવા મળે છે અને તે ઉત્સેચકીય પ્રોટીનની બનેલી હોય છે. તે ખાસ કરીને જનનછિદ્રો(germpore)ના પોલાણમાં જોવા મળે છે. જનનછિદ્ર પરાગરજની દીવાલનો સ્થૂલનરહિત વિસ્તાર છે. તે સીધી કે આડકતરી રીતે પરાગરજના અંકુરણ સાથે સંકળાયેલ હોય છે. આ છિદ્ર સરળ કે સંયુક્ત હોય છે.
પરાગરજમાં છિદ્રોની સંખ્યા, સ્થાન અને છિદ્રોનાં લક્ષણોને આધારે પરાગરજનું વર્ગીકરણ કરવામાં આવે છે. છિદ્રરહિત પરાગરજને અછિદ્રિષ્ઠ કહે છે. છિદ્રોની સંખ્યાને આધારે તેને એકછિદ્રિષ્ઠ, દ્વિછિદ્રિષ્ઠ, ત્રિછિદ્રિષ્ઠ, ચતુ:છિદ્રિષ્ઠ, પંચછિદ્રિષ્ઠ કે બહુછિદ્રિષ્ઠ કહે છે. અનિયમિત રીતે ગોઠવાયેલાં છિદ્રોવાળી પરાગરજ પણ જોવા મળે છે.
પરિપક્વતાએ આવૃતબીજધારીઓની 70 % જાતિઓની પરાગરજ દ્વિકોષીય અને બાકીની 30 % જાતિઓની પરાગરજ ત્રિકોષીય હોય છે (બ્રુબૅકર, 1967). બીટ્યુલેસી, રોઝેસી અને સોલેનેસીમાં દ્વિકોષીય પરાગરજ અને કૅર્યોફાયલેસી, ઍસ્ટરેસી, બ્રેસિકેસી અને પોએસીમાં ત્રિકોષીય પરાગરજ જોવા મળે છે. દ્વિકોષીય પરાગરજ કરતાં ત્રિકોષીય પરાગરજ વધારે ચયાપચયિક ક્રિયાશીલતા દર્શાવે છે. બંને પ્રકારની પરાગરજ વાનસ્પતિક કોષ (vegetative cell) કે નાલકોષ (tube cell) ધરાવે છે. તે પરાગરજના ચયાપચયમાં અને પાછળથી પરાગનલિકાના નિર્માણ સાથે સંકળાયેલો હોય છે. ત્રિકોષીય પરાગરજમાં આવેલો જનનકોષ પરાગરજના અંકુરણ પહેલાં, જ્યારે દ્વિકોષીય પરાગરજમાં તે અંકુરણ પછી જન્યુકોષો ઉત્પન્ન કરે છે. જનનકોષ અને જન્યુકોષો વાનસ્પતિક કોષના ‘કોષ’રસમાં રહે છે.
Plumbago zeylanica, Brassica oleracea, B. campestris, Spinacea oleracea અને Zea maysની ત્રિકોષીય પરાગરજના એક અભ્યાસ મુજબ નર-જન્યુકોષો બે પ્રકારના હોય છે : એક જન્યુકોષ બીજા જન્યુકોષ કરતાં મોટો હોય છે. મોટો નર-જન્યુકોષ કણાભસૂત્રો ધરાવે છે; જ્યારે નાનો નર-જન્યુકોષ નીલકણો ધરાવે છે. Zea mays(મકાઈ)માં નર-જન્યુકોષો તંતુમય કણાભસૂત્રો ધરાવે છે. એક નર-જન્યુકોષ એક જ કણાભસૂત્ર સંકુલ ધરાવે છે; જ્યારે બીજા નર-જન્યુકોષમાં ઘણાં કણાભસૂત્રીય સંકુલો હોય છે. આ તફાવતો જનનકોષના વિભાજન પહેલાં અંગિકાઓમાં ઉદ્ભવતી ધ્રુવીયતાને પરિણામે ઉત્પન્ન થાય છે. Plumbagoમાં પણ જનનકોષની ધ્રુવીય પ્રકૃતિ જોવા મળે છે. Petunia અને Hordeumમાં બંને નર-જન્યુકોષો સમાન હોય છે.
Plumbago zeylanicaની ત્રિકોષીય પરાગરજમાં બંને નર-જન્યુકોષો સામાન્ય અનુપ્રસ્થ દીવાલથી જોડાયેલા હોય છે; જ્યારે Brassicaમાં તે રસસ્તરના અંત:પ્રવર્ધથી જોડાયેલા હોય છે અને પરાગરજના કોષરસમાં એક જ કોટરમાં રહે છે. આ ત્રણ કોષોનું સંગઠન વિશિષ્ટ હોય છે અને નર અંકુરણી એકમ (male germ unit) બનાવે છે. તે કયો નર-જન્યુકોષ યુગ્મન(syngamy)ની ક્રિયામાં અને કયો નર-જન્યુકોષ ત્રિગુણિત સંયોગ(triple fusion)માં ભાગ લેશે તે નક્કી કરે છે. વધુ કણાભસૂત્ર ધરાવતો અને વાનસ્પતિક કોષ સાથે સંકળાયેલો મોટો નર-જન્યુકોષ અંડકોષ સાથે યુગ્મન પામે છે. જ્યારે વાનસ્પતિક કોષ સાથે નહિ સંકળાયેલો નાનો નર-જન્યુ ત્રિગુણિત સંયોગમાં ભાગ લે છે.
Rhododendron, Petunia અને Gossypium જેવી મોટાભાગની જાતિઓમાં પરાગરજ દ્વિકોષીય હોય છે અને નર અંકુરણી એકમ પરાગનલિકામાં સંગઠન પામે છે. Hordeum vulgare અને Spinacea જેવી કેટલીક ત્રિકોષીય પરાગરજ ધરાવતી જાતિઓમાં નર અંકુરણી એકમ પરાગરજના અંકુરણ પછી ઉદ્ભવે છે.
સામાન્ય પરિસ્થિતિમાં પરાગરજ દ્વારા નર-જન્યુજનક ઉત્પન્ન થાય છે; પરંતુ તાપમાનની ખાસ સ્થિતિમાં તે માદા-જન્યુજનકનું નિર્માણ કરે છે. ચોક્કસ પ્રકારના પોષક માધ્યમમાં તે અજન્યુકીય (apogamous) બીજાણુજનક ઉત્પન્ન કરે છે.
વિનોદકુમાર ગણપતલાલ ભાવસાર