પરાગનયન (Pollination)

પુષ્પમાં આવેલા પુંકેસરના પરાગાશયમાં ઉદ્ભવતી પરાગરજનું સ્ત્રીકેસરના પરાગાસન પર થતું સ્થાનાંતરણ. આવૃતબીજધારી વનસ્પતિઓમાં પ્રજનન-અંગ તરીકે પુષ્પનો વિકાસ થાય છે. આ પુષ્પમાં નર-પ્રજનન-અંગ તરીકે પુંકેસર અને માદા-પ્રજનન-અંગ તરીકે સ્ત્રીકેસર ઉત્પન્ન થાય છે. પ્રત્યેક પુંકેસર-તંતુ (filament), પરાગાશય (anther) અને યોજી(connective  પુંકેસર-તંતુ અને પરાગાશયને જોડતી પેશી)નું બનેલું હોય છે. જ્યારે સ્ત્રીકેસર બીજાશય (ovary), પરાગવાહિની (style) અને પરાગાસન ધરાવે છે.

પરાગાશયમાં પરાગધાનીઓ (pollen sacs) કે લઘુબીજાણુ-ધાનીઓ (microsporangia) આવેલી હોય છે. આ પરાગધાનીમાં પરાગરજ (pollen) કે લઘુબીજાણુ (microspore) ઉત્પન્ન થાય છે.

સ્ત્રીકેસરના બીજાશયમાં અંડકો ઉત્પન્ન થાય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થતા નરજન્યુ વડે અંડકમાં આવેલા અંડકોષનું ફલન થાય છે અને અંડક બીજમાં પરિણમે છે. આમ, ફલનની ક્રિયા માટે પરાગનયન અનિવાર્ય હોય છે.

આકૃતિ 1 : પરાગનયન

પરાગનયનના બે પ્રકારો છે : (1) સ્વપરાગનયન (self-pollination) અને (2) પરપરાગનયન (cross-pollination). એક જ પુષ્પના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને સ્વપરાગનયન અથવા સ્વફલન (autogamy) કહે છે. આ પ્રકારના પરાગનયનમાં પરાગરજના વહન માટે વાહકની જરૂર હોતી નથી. સ્વપરાગનયન કરતી વનસ્પતિનાં પુષ્પો અનાકર્ષક, સુગંધ વગરનાં, કદમાં નાનાં અને હંમેશાં દ્વિલિંગી હોય છે. કેટલીક વાર બારમાસી, દારૂડી અને તનમનિયાં જેવી વનસ્પતિઓનાં પુષ્પોમાં પરપરાગનયનની ક્રિયા ન થઈ શકે તો સ્વપરાગનયનની થાય છે. પુષ્પો દ્વિલિંગી હોવાથી પરાગરજનો વ્યય થતો નથી; કારણ કે પરાગાશય અને પરાગાસન નજીક આવેલાં હોય છે. આ ક્રિયા સરળતાથી અને હંમેશાં સચોટપણે થતી હોવાથી અલ્પ પ્રમાણમાં પરાગરજ ઉત્પન્ન થાય તોપણ આ ક્રિયા થઈ શકે છે; આમ છતાં બહુ જૂજ વનસ્પતિઓમાં સ્વપરાગનયન થાય છે.

એક પુષ્પની પરાગરજ તે જ વનસ્પતિના બીજા પુષ્પને પરાગિત કરે તો તેને સ્વજાતપુષ્પી પરાગનયન (geitonogamy) કહે છે. સ્વપરાગનયન અને સ્વજાતપુષ્પી પરાગનયનમાં બહુ ઓછો તફાવત હોય છે; કારણ કે એક જ વનસ્પતિનાં બધાં પુષ્પોનું જનીન બંધારણ સમાન હોય છે.

એક પુષ્પના પરાગાશયમાંથી ઉત્પન્ન થયેલી પરાગરજ તે જ જાતિના કે અન્ય જાતિના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન અથવા પરફલન (allogamy) કહે છે. પરાગરજના વહન માટે વાહકો પર આધાર રાખવો પડે છે. મોટાભાગની આવૃતબીજધારી વનસ્પતિઓમાં આ પ્રકારનું પરાગનયન જોવા મળે છે. અનાવૃત બીજધારી વનસ્પતિમાં મુખ્યત્વે પવન પરાગિત પદ્ધતિની પરાગનયન ક્રિયા થાય છે. તેનાં પુષ્પો રંગબેરંગી, આકર્ષક, મોટાં અને સુગંધિત હોય છે. આ પ્રકારના પરાગનયનથી વિકાસ પામતાં ફળો અને બીજ કદમાં મોટાં, વજનમાં ભારે અને ગુણવત્તાની દૃષ્ટિએ શ્રેષ્ઠ હોય છે; કારણ કે બે ભિન્ન ભિન્ન વનસ્પતિઓનાં લક્ષણોનું મિશ્રણ થાય છે. તેથી નવી વિકસતી વનસ્પતિ માતૃ અને પિતૃવનસ્પતિઓ કરતાં વધારે ઉમદા લક્ષણો ધરાવે છે. તે વધારે તંદુરસ્ત અને રોગપ્રતિકારક હોય છે. તે પ્રતિકૂળ પરિસ્થિતિ સામે ટકી શકે છે.

પરપરાગનયનની ક્રિયા કરતી વનસ્પતિઓમાં નિર્જીવ અને સજીવ વાહકોની જરૂર પડે છે. નિર્જીવ વાહકોમાં પવન અને પાણી મુખ્ય છે. જે પુષ્પોમાં પવન દ્વારા પરપરાગનયનની ક્રિયા થતી હોય તેવાં પુષ્પોને પવનપરાગિત (anemophilous) પુષ્પો કહે છે. જે પુષ્પોમાં પરપરાગનયન પાણી દ્વારા થતું હોય તેવાં પુષ્પોને જલપરાગિત (hydrophilous) પુષ્પો કહે છે. પરપરાગનયનની ક્રિયામાં પ્રાણીઓ સંકળાયેલાં હોય તો તેવાં પુષ્પોને પ્રાણીપરાગિત (zoophilous) પુષ્પો કહે છે. પ્રાણીપરાગિત પુષ્પોને (અ) કીટપરાગિત (entomophilous), (આ) વિહગપરાગિત (ornithophilous), (ઇ) જંતુપરાગિત (chiropteriphilous) અને (ઈ) શંબૂક-પરાગિત (malacophilous) પુષ્પોમાં વર્ગીકૃત કરવામાં આવે છે. આ બધાં પૈકી કીટપરાગનયન સૌથી અગત્યનું છે.

વનસ્પતિ સ્વપરાગનયની ક્રિયા ન કરે તે માટે તેની પુષ્પીય સંરચનામાં કુદરતી રીતે જ વિવિધ પ્રયુક્તિઓની અજમાયશ થયેલી હોય છે; જે નીચે મુજબ છે :

(1) એકલિંગતા (dicliny) : તે સ્વપરાગનયનને અટકાવતી મુખ્ય પ્રયુક્તિ ગણાય છે, જેમાં વનસ્પતિ એકલિંગી પુષ્પો ધરાવે છે. એકલિંગી પુષ્પો એટલે કે નર અથવા માદા પુષ્પો એક જ વનસ્પતિ પર ઉત્પન્ન થાય તેને એકગૃહી (monoecious) વનસ્પતિ કહે છે. નર અને માદા પુષ્પો જુદી જુદી વનસ્પતિઓ પર ઉત્પન્ન થાય તો તેવી વનસ્પતિઓને દ્વિગૃહી (dioecious) વનસ્પતિ કહે છે.

(2) સ્વવંધ્યતા (self-sterility) : એક પુષ્પની પરાગરજ તે જ પુષ્પના સ્ત્રીકેસર-ચક્ર માટે વંધ્ય હોય છે. આ સ્થિતિ તમાકુ અને બટાકામાં જોવા મળે છે.

(3) ભિન્નકાલપક્વતા (dichogamy) : પુષ્પમાં પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર બંને આવેલાં હોય, પરંતુ બંનેનો પરિપક્વતાનો સમય જુદો જુદો હોય છે. કેટલાંક પુષ્પોમાં પુંકેસરો પ્રથમ પરિપક્વ બની પરાગરજ ઉત્પન્ન કરે છે. તે જ સમયે સ્ત્રીકેસર-ચક્ર અપરિપક્વ હોય છે. આ ક્રમને પૂર્વપુંપક્વતા (protoandry) કહે છે. આ પ્રકારના વિકાસથી સ્વપરાગનયન ટાળી શકાય છે. માલ્વેસી, ઍપિયેસી અને ઍસ્ટરેસી જેવા કુળમાં પૂર્વપુંપક્વતા જોવા મળે છે. આથી ઊલટું, કેટલાંક પુષ્પોમાં સ્ત્રીકેસર-ચક્ર પહેલાં પરિપક્વ બને છે અને પુંકેસર-ચક્ર તે સમયે અવિકસિત રહે છે. આ ક્રમને પૂર્વસ્ત્રીપક્વતા (protogyny) કહે છે. સીતાફળ, આસોપાલવ, પીળો ચંપો અને સૂરણ જેવી વનસ્પતિઓમાં આ સ્થિતિ હોય છે. આમ, પૂર્વપુંપક્વતા અને પૂર્વસ્ત્રીપક્વતા દ્વારા દ્વિલિંગી પુષ્પોમાં સ્વપરાગનયન કુદરતી રીતે થતું નથી અને માત્ર પરપરાગનયન જ થઈ શકે છે.

(4) અનાત્મપરાગણતા (herkogamy) : દ્વિલિંગી પુષ્પમાં સ્વપરાગનયનની ક્રિયા અટકાવવા પુંકેસર અને સ્ત્રીકેસર વચ્ચે ભૌતિક અવરોધ સર્જાય છે. રાઈ અને મૂળામાં પરાગાસનનું સ્થાન ઊંચું હોય છે અને પુંકેસરો ટૂંકાં હોય છે. તેથી તેની પરાગરજ પરાગાસન સુધી પહોંચી શકતી નથી. વછનાગમાં પુંકેસરો લાંબાં હોય છે અને પરિદલપુંજની બહાર સ્ત્રીકેસરની વિરુદ્ધ ગોઠવાયેલાં હોય છે. આવી વ્યવસ્થાથી માત્ર પરપરાગનયન જ થાય છે. આકડો અને ઑર્કિડ જેવી વનસ્પતિમાં પરાગરજ જોડાઈ જઈ પરાગપિંડ (pollinium) બનાવે છે. તેનું કીટકો દ્વારા જ માત્ર બીજા પુષ્પ સુધી વહન થાય છે. ટગરમાં પુંકેસરો ટૂંકાં હોવાથી દલપુંજની અંદર રહે છે અને કેટલીક વાર પરાગવાહિની લાંબી અને પુષ્પની બહાર લંબાયેલી હોય છે. વિલાયતી મેંદી અને સાલ્વિયાનાં પુષ્પોમાં પૂર્વપુંપક્વ પુંકેસરો કીટકોના સંપર્કમાં આવે છે ત્યારે સ્ત્રીકેસર-ચક્ર અપરિપક્વ હોય છે અને પરાગવાહિની નીચેની તરફ વાંકી વળેલી હોવાથી તે પુષ્પની પરાગરજ તે જ પુષ્પના પરાગાસનના સંપર્કમાં આવી શકતી નથી.

(5) વિષમસ્વરૂપતા (heteromorphism) : કેટલીક વનસ્પતિઓમાં પુષ્પો દ્વિસ્વરૂપી (dimorphic) કે ત્રિસ્વરૂપી (trimorphic) હોય છે. પ્રિમ્યુલામાં કેટલાંક પુષ્પોમાં પરાગવાહિની લાંબી હોય છે.

આકૃતિ 2 : પ્રિમ્યુલામાં દ્વિસ્વરૂપી ભિન્નતા

તેનું પરાગાસન દલપુંજનલિકાના મુખદ્વાર પર ગોઠવાયેલું હોય છે. પરાગાશયો દલપુંજનલિકાની અંદરની તરફ આવેલાં હોય છે. આ પુષ્પની પરાગરજ નાની હોય છે. આવી રચનાને વિષમ પરાગવાહિનીતા (heterostyly) કહે છે. બીજા પ્રકારનાં પુષ્પોમાં પુંકેસરો લાંબાં અને પરાગાશયો દલપુંજનલિકાના મુખદ્વારે ગોઠવાયેલાં હોય છે અને પરાગવાહિની ટૂંકી હોવાથી પરાગાસન દલપુંજમાં ઊંડે આવેલું હોય છે. આ પ્રકારની સ્થિતિને વિષમપરાગતા (heteroanthy) કહે છે. તેથી અમુક કીટકો દ્વારા જ પરાગાશય અને પરાગાસનનો સંપર્ક થાય છે અને પરપરાગનયન થાય છે. વિષમ-સ્વરૂપી પુષ્પમાં પરાગરજ અસમાન કદની હોય છે. તેથી અમુક કીટકોના શરીર પર નાની પરાગરજ, જ્યારે બીજાં કીટકો પર મોટી પરાગરજ ચોંટે છે.

આ કીટકો બીજા પુષ્પ ઉપર બેસે છે ત્યારે પરાગરજ તેના પરાગાસન ઉપર ચોંટે છે. વિષમ-સ્વરૂપી પુષ્પો ઑલિયેસી કુળની વનસ્પતિઓમાં, અળસી (Linum) અને Fagopyrumમાં પણ જોવા મળે છે. Lythrum salicariaમાં ત્રિસ્વરૂપી પુષ્પો જોવા મળે છે. એક પ્રકારના પુષ્પમાં અમુક પુંકેસરો ટૂંકાં અને દલપુંજમાં ઊંડે આવેલાં; થોડાંક પુંકેસરો લાંબાં અને દલપુંજના મુખ સુધી લંબાયેલાં; જ્યારે પરાગવાહિની ખૂબ લાંબી અને પરાગાસન દલપુંજનલિકાની બહાર લંબાયેલું હોય છે. બીજા પ્રકારનાં પુષ્પોમાં કેટલાંક પુંકેસરો ટૂંકાં અને દલપુંજમાં ઊંડે આવેલાં હોય છે, અમુક પુંકેસરો ખૂબ લાંબાં અને દલપુંજનલિકાની બહાર આવેલાં હોય છે, જ્યારે પરાગવાહિની આ લાંબાં પુંકેસરો કરતાં સહેજ ટૂંકી હોય છે અને દલપુંજનલિકાના મુખ સુધી લંબાયેલી હોય છે. ત્રીજા પ્રકારના પુષ્પમાં પરાગવાહિની સૌથી ટૂંકી અને દલપુંજનલિકામાં અંદરની તરફ ગોઠવાયેલી હોય છે, થોડાંક પુંકેસરો દલપુંજનલિકાના મુખ સુધી અને બાકીનાં દલપુંજનલિકાની બહાર લંબાયેલાં હોય છે, આમ, ત્રિસ્વરૂપતા દ્વારા પરપરાગનયન શક્ય બને છે.

આકૃતિ 3 : ત્રિસ્વરૂપી ભિન્નતા Lythrum salicaria

કેટલીક વનસ્પતિઓમાં પરાગાસન દ્વારા ઝેરી પદાર્થનો સ્રાવ થાય છે; તેથી પરાગરજ નાશ પામે છે. ઑર્કિડેસી કુળની કેટલીક જાતિઓમાં સ્વપરાગનયન થાય તો પુષ્પ ચીમળાઈ જઈ ખરી પડે છે.

ઘણી વાર પરપરાગનયનની ક્રિયા નિષ્ફળ જાય તો વનસ્પતિ સ્વપરાગનયનની ક્રિયા કરી શકે તે માટે તેઓમાં નીચે પ્રમાણેની પ્રયુક્તિઓ થતી જોવા મળે છે :

(1) સંવૃતપુષ્પતા (cleistogamy) : શીશમૂળ (commelina) જેવી વનસ્પતિઓ જમીનની ઉપર અને જમીનની અંદર એમ બે પ્રકારનાં પુષ્પો ઉત્પન્ન કરે છે. જમીનમાં રહેલાં પુષ્પો ખીલતાં નથી, તેથી તેમાં સ્વપરાગનયન થાય છે. આવાં ભૂમિગત, નાનાં અને ન ખીલતાં પુષ્પોને સંવૃતપરાગિત (cleistogamous) પુષ્પો કહે છે.

આકૃતિ 4 : શીશમૂળ (Commelina benghalensis)નાં ઉન્મીલ-સંવૃત પરાગિત પુષ્પો. (અ) સામાન્ય પુષ્પ (ઉન્મીલ પુષ્પ), (આ) ભૂમિગત (સંવૃત પરાગિત) પુષ્પો.

આ વનસ્પતિમાં જમીનની બહાર વાદળી પુષ્પો ઉત્પન્ન થાય છે. તેમાં પુષ્પો પરાગોદ્ભવ (anthasis) દરમિયાન ખૂલે છે. આ ઘટનાને ઉન્મીલ પરાગનયન (chasmogamy) કહે છે; જેથી પરપરાગનયન થાય છે. આમ, શીશમૂળ સામાન્ય તેમજ સંવૃતપુષ્પી પુષ્પો ધરાવે છે; તેથી તેને ઉન્મીલ-સંવૃતપુષ્પી (Chasmocleistogamous) કહે છે. ચોખા(Oryza)ની અનેક જાતો, અબૂટી (Oxalis), તનમનિયાં (Impatiens) અને લૂણી(Portulaca)માં પુષ્પ ખીલતાં પહેલાં સ્વપરાગનયન થાય છે. તે અર્થમાં તે સંવૃત-પુષ્પી છે.

ભિન્ન-કાલ-પક્વ પુષ્પોમાં સ્વપરાગનયન માટેનાં અનુકૂલનો : પૂર્વ સ્ત્રીપક્વ પુષ્પોમાં પરપરાગનયન નિષ્ફળ જાય તો તે પુષ્પનાં પુંકેસરો લંબાઈને પરાગાસનની સપાટીએ પહોંચે છે અને સ્વપરાગનયનની ક્રિયા કરે છે. આ પ્રકારની સ્થિતિ બ્રેસિકેસી કુળમાં જોવા મળે છે. જાસૂદ અને સૂર્યમુખી જેવી પરપરાગિત વનસ્પતિઓનાં પુષ્પોમાં પુંકેસરો અને સ્ત્રીકેસર દૂર આવેલાં હોય છે; પરંતુ પરપરાગનયન નિષ્ફળ જતાં તે વિવિધ પ્રકારના હલનચલન દ્વરા સંપર્કમાં આવી સ્વપરાગનયન કરે છે. અબૂટીમાં પાંચ ટૂંકાં અને પાંચ લાંબાં એમ કુલ 10 પુંકેસરો હોય છે. ટૂંકાં પુંકેસરો પહેલાં પરિપક્વ બને છે; પરંતુ પરાગાસન ઊંચું હોવાથી સ્વપરાગનયનની ક્રિયા થઈ શકતી નથી. જો પરપરાગનયનની ક્રિયા ન થાય તો બાકીનાં પાંચ લાંબાં પુંકેસરો પરિપક્વ થાય છે અને તેની પરાગરજ તે જ પુષ્પના પરાગાસન પર પડે છે. ઍમેરીલીડેસી કુળની વનસ્પતિઓમાં પરાગાશયો કરતાં પરાગાસન ઊંચું હોય છે. તેથી સ્વપરાગનયન થઈ શકતું નથી. પરપરાગનયનની ક્રિયા નિષ્ફળ બને ત્યારે પુષ્પનાં દલપત્રો ઉપર પડેલી પરાગરજ પરાગાસન સુધી પહોંચાડાય છે. તે માટે દલપત્રો પરાગાસન સુધી લંબાય છે.

ભિન્નકાલ-પક્વતાથી વિરુદ્ધ સમપુષ્પતા (homogamy) દર્શાવતી વનસ્પતિઓમાં પુષ્પમાં પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર એક સમયે પરિપક્વ બને છે. તેથી સ્વપરાગનયનની તકો વધે છે.

ગુલબાસ(Mirabilis)માં પરાગવાહિની અને પુંકેસરો લાંબાં હોય છે. પુંકેસરો પ્રથમ પરાગરજ ઉત્પન્ન કરે છે; તે સમયે પરાગાસન અવિકસિત હોય છે, તેથી સ્વપરાગનયનની ક્રિયા થઈ શકતી નથી; પરંતુ પરપરાગનયન નિષ્ફળ જાય તો પુંકેસરો, પરાગવાહિની અને પરિપુષ્પો ત્રણે સ્પ્રિંગની જેમ વાંકાં વળી પરિપુષ્પનલિકામાં પડી રહેલી પરાગરજ પરાગાસન પર સ્થાપિત કરે છે. નેવરી (Ixora), દીકામાલી (Gardenia) અને બારમાસી(Catheranthus)માં પરાગાશયો દલપુંજનલિકાના મુખ પાસે સ્થપાયેલાં હોય છે. તે પરિપક્વ થતાં કીટપરાગનયનની ક્રિયા થાય છે. જો પરપરાગનયન ન થાય તો પરાગવાહિની લાંબી થાય છે અને પરાગાશયોના સંપર્કમાં આવતાં સ્વપરાગનયન થાય છે.

ઍસ્ટરસી કુળની સૂર્યમુખી (Helianthus) જેવી જાતિઓમાં સંપરાગ (syngenesious) પરાગાશયો હોય છે. તેઓ પરાગવાહિનીની ફરતે નલિકા બનાવે છે. પૂર્વપુંપક્વ બિંબ પુષ્પકમાં જ્યારે પરાગાશયો પક્વ બને ત્યારે અપરિપક્વ પરાગાસન પરાગાશયનલિકા(anthertube)માં ગોઠવાયેલું હોય છે. આ તબક્કે સ્વપરાગનયન થતું નથી. બીજા તબક્કામાં દ્વિશાખી પરાગવાહિની લાંબી થાય છે અને સંપરાગ પરાગાશયોની બહાર નીકળે છે. પરાગાસન પરિપક્વ બનતાં કીટપરાગનયનની ક્રિયા થાય છે. જો પરપરાગનયન ન થાય તો પરાગાસનની બહારની બાજુએ આવેલી પરાગરજ ગ્રહણ કરવા પરાગાસન સ્પ્રિંગની જેમ વાંકું વળે છે અને તેની સપાટીએ ચોંટેલી પરાગરજ પરાગાસનની ગ્રાહક સપાટીના સંપર્કમાં આવતાં સ્વપરાગનયન થાય છે.

આકૃતિ 5 : ઍસ્ટરેસીમાં પરાગનયન : (અ) સૂર્યમુખીનું પૂર્વપુંપક્વ બિંબ પુષ્પક. તે પરિપક્વ સંપરાગ પરાગાશયો ધરાવે છે; પરંતુ પરાગાસનો અપરિપક્વ હોય છે અને પરાગાશયનલિકામાં છુપાયેલાં રહે છે. (આ) ગ્રાહક સપાટી દર્શાવતું પરિપક્વ અને પહોળું દ્વિશાખી પરાગાસન. (ઇ) જ્યારે પરપરાગનયન નિષ્ફળ જાય ત્યારે પરાગાસનની વાંકા વળવાની ક્રિયા. 1. પરાગવાહિની, 2. બીજાશય, 3. સંપરાગ પુંકેસરો, 4. પરાગાસન, 5. ગ્રાહક સપાટી.

ચોખા, જવ, ઘઉં, ઓટ, વટાણા, વાલ, તમાકુ, ટામેટાં અને શણ જેવી વનસ્પતિઓ આ પ્રકારના પરાગનયનનો આશ્રય લે છે.

(1) પવનપરાગિત પુષ્પો : મોટાભાગની અનાવૃત બીજધારી અને એકદળી વનસ્પતિઓ પવન-પરાગિત હોય છે. પોએસી ઉપરાંત ઍરિકેસી સેલિકેસી, બીટ્યુલેસી, ફૅગેસી, અલ્મેસી અને અર્ટિકેસીની કેટલીક જાતિઓમાં પવન-પરાગનયન જોવા મળે છે.

પવન-પરાગિત પુષ્પો સાદાં, અનાકર્ષક અને સુગંધરહિત હોય છે; કારણ કે પવન નિર્જીવ વાહક છે. પુષ્પો કદમાં નાનાં, સમૂહમાં ઉત્પન્ન થઈ પુષ્પ-વિન્યાસ બનાવે છે. તેઓ સામાન્યત: એકલિંગી હોય છે; જો દ્વિલિંગી હોય તો ભિન્ન-કાલ-પક્વતા જોવા મળે છે. તેઓ પ્રકાંડની ટોચ પર સ્થપાયેલાં અને પર્ણ ખરી પડે પછી ઉત્પન્ન થાય છે. તેથી પર્ણોનો અવરોધ પરાગનયનની ક્રિયામાં રહેતો નથી. પરાગરજનો બગાડ થતો હોવાથી નરપુષ્પો મોટી સંખ્યામાં અને પરાગરજ પુષ્કળ જથ્થામાં ઉત્પન્ન થાય છે. પરાગરજ સૂક્ષ્મ, ગોળ, લીસી અને વજનમાં હલકી હોવાથી પવન દ્વારા સહેલાઈથી દૂર દૂર સુધી વિકિરણ પામે છે. પાઇનસમાં પરાગરજનું બાહ્ય પડ પાતળું અને તે રજ પાંખ જેવા બે ચપટા પ્રવર્ધો ધરાવે છે. આવી સપક્ષ (winged) પરાગરજ હવામાં ઊડતી રહે છે. પુંકેસરના તંતુઓ લાંબા, પુષ્પની બહાર લંબાયેલા (બહિર્ભૂત), પરાગાશયો તેની પર મુક્તપણે લટકતાં  મધ્યડોલી (versatile), લાંબી તંતુ જેવી, હવામાં મુક્ત રીતે લટકતી પરાગવાહિની અને પરાગરજ સહેલાઈથી જેમાં ચોંટી જાય એવું રોમમય પરાગાસન જોવા મળે છે. ફલનની તકો ઓછી હોવાથી માદા પુષ્પનાં બીજાશય ઓછાં અંડકો ધરાવે છે. મકાઈ(Zea)માં આ બધી લાક્ષણિકતાઓ જોવા મળે છે.

આકૃતિ 6 : મકાઈ(Zea mays)નો માદા પુષ્પવિન્યાસ : તે અસંખ્ય લાંબી અને પીંછાકાર પરાગવાહિનીઓ અને પરાગાસનો ધરાવે છે, જે પવન-પરાગિત પરાગરજ ગ્રહણ કરવા અત્યંત અનુકૂળ હોય છે. 1. પરાગવાહિની.

કેટલાક વનસ્પતિશાસ્ત્રીઓ પવનપરાગનયનને આદ્યલક્ષણ ગણે છે.

(2) જલપરાગિત પુષ્પો : પાણીમાં ઊગતી જલજ વનસ્પતિઓમાં નિમજ્જિત વનસ્પતિઓ જલ-પરાગિત હોય છે, જ્યારે તરતી વનસ્પતિ કીટ કે પવન-પરાગિત હોય છે. જલસરપોલિયા (Vallisnaria) નિમજ્જિત વનસ્પતિ છે. તેમાં નર અને માદા વનસ્પતિઓ જુદી જુદી હોય છે. નર પુષ્પો ટૂંકાં, અદંડી  અને માંસલ-વૃન્ત ઉપર સમૂહમાં પાણીની સપાટીની અંદર ગોઠવાયેલાં હોય છે. વિકાસ પામતાં નરપુષ્પો પરિપક્વ થતાં પાણીની સપાટી ઉપર આવે છે અને તરતાં રહે છે. માદા છોડ ઉપર માદા પુષ્પો વિકાસ પામે છે. તે પરિપક્વ થતાં તેનો પુષ્પ વૃન્ત ક્રમશ: લાંબો થાય છે અને પુષ્પને પાણીની સપાટી ઉપર લાવે છે. પવન દ્વારા નર પુષ્પો તરતાં તરતાં માદા પુષ્પની નજીક આવે છે. પરાગાશય અને પરાગાસન સંપર્કમાં આવતાં પરાગનયનની ક્રિયા થાય છે. આ ક્રિયા બાદ, માદા પુષ્પનો લાંબો પુષ્પવૃન્ત સ્પ્રિંગની જેમ ધીરે ધીરે પાણીની અંદર તરફ પુષ્પને ખેંચે છે અને યોગ્ય સ્થાને ગોઠવે છે. માદા પુષ્પનો વૃન્ત પાણીની ઊંડાઈ જેટલો લાંબો હોય છે. તેનું પાણીની સપાટી સુધી લંબાવું અને પુન: સ્પ્રિંગની જેમ સંકોચન પામવું આશ્ચર્યકારક ઘટના છે.

આકૃતિ 7 : જલસરપોલિયા – જલ-પરાગિત વનસ્પતિ

પરાગનયન પાણીની સપાટી પર થતું હોય તેવા પુષ્પને ઉપરિજલપરાગિત (epihydrogamous) પુષ્પ કહે છે; દા. ત., જલસરપોલિયા, બામ (Hydrilla) અને ઇલોડિયા. પરાગનયનની ક્રિયા પાણીમાં થતી હોય તેવા પુષ્પને અધ:જલપરાગિત (hypohydrogamous) પુષ્પ કહે છે; દા. ત., Naias અને (eratophyllum).

(3) પ્રાણી-પરાગિત પુષ્પો : (અ) કીટ-પરાગિત પુષ્પો : મોટાભાગનાં પુષ્પો કીટ-પરાગિત હોય છે. એવું માનવામાં આવે છે કે કીટકો અને સપુષ્પ વનસ્પતિઓની ઉત્ક્રાંતિ સમાંતરે થઈ છે. કીટ-પરાગિત પુષ્પો કીટકોને વિવિધ રીતે આકર્ષે છે. પરાગરજ ચીકણી અને ખરબચડી સપાટીવાળી હોય છે; જેથી તે કીટકોનાં ઉપાંગો સાથે ચોંટી જાય છે. પરાગાસન પણ તે જ રીતે ચીકણું હોય છે અને પરાગરજને વધારે સહેલાઈથી ગ્રહણ કરી શકે છે. કીટકોને આકર્ષવા પુષ્પોમાં નીચેનાં લક્ષણો જોવા મળે છે :

(i) સંલક્ષ્યતા (conspicuousness) : દલપુંજ કે પરિપુષ્પના ચકચકિત રંગથી પુષ્પ સંલક્ષ્ય બને છે. કેટલીક વાર નિપત્રો (bracts), વજ્રપત્રો કે પુંકેસરો દલાભ (petaloid) બનીને આ કાર્ય કરે છે. સંલક્ષ્યતા એક જ પુષ્પ દ્વારા કે સમગ્ર પુષ્પવિન્યાસ [દા. ત., સ્તબક (capitulum)] દ્વારા સધાય છે. મિલરના મંતવ્ય અનુસાર કેટલાક કીટકો રંગની પસંદગી દર્શાવે છે; દા. ત., મધમાખી વાદળી પુષ્પો અને પતંગિયાં લાલ પુષ્પો પસંદ કરે છે.

(ii) ગંધ : માખીઓ Rafflesia અને એરેસી કુળની કેટલીક વનસ્પતિઓનાં પુષ્પોની વમનકારી (nauseous) ગંધ (ઇન્ડોલૉઇડ ગંધ) દ્વારા આકર્ષાય છે; પરંતુ કીટકો ગંધને કેટલા પ્રમાણમાં પારખે છે, તે જાણી શકાયું નથી. એટલે કીટક પુષ્પની ગંધથી આકર્ષાય છે કે તેના પુષ્ટ દેખાવથી તે નક્કી કહી શકાતું નથી. તેથી પરાગનયનમાં ગંધનો શો ફાળો છે તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. જોકે કેટલાંક પુષ્પો દિવસે ગંધરહિત હોય છે; પરંતુ રાત્રે પુષ્કળ સુગંધી છોડે છે અને ફૂદાં દ્વારા પરાગિત થાય છે. તે સૂચવે છે કે પરાગનયનમાં ગંધનો ફાળો છે. પુષ્પનાં દલપત્રોમાં આવેલાં ભંગજાત (schizogenous) કોટરોમાં બાષ્પશીલ તેલ ઉત્પન્ન થાય છે.

(iii) મકરંદ (nectar) : પુષ્પોમાં જુદા જુદા ભાગોમાં મકરંદ-ગ્રંથિઓ આવેલી હોય છે. તે શર્કરાયુક્ત પ્રવાહીનો સ્રાવ કરે છે, જેને મકરંદ કે મધ કહે છે. ખરેખર તો કીટકો પુષ્પની મુલાકાત મકરંદ માટે લેતા હોય છે; દા. ત., મધમાખી. મકરંદગ્રંથિઓ પુષ્પાસન(thalamus)માં, વજ્રપત્રોની બહારની બાજુએ; વજ્રપત્રો, દલપત્રો, પુંકેસર કે સ્ત્રીકેસરોના તલસ્થભાગે અથવા બીજાશયની અંદર આવેલા પડદાઓમાં આવેલી હોય છે. તે ઘણી વાર દલપુંજનલિકા અથવા દલપુટ(spur)માં ઊંડે હોવાથી  કીટકે મકરંદની શોધ માટે મથામણ કરવી પડે છે. તે દરમિયાનમાં પરાગરજ તેના શરીર સાથે ચોંટી જાય છે. દલપત્રો પર આવેલાં કેટલાંક ટપકાં કે રેખાઓ ઘણી વાર મકરંદગ્રંથિ તરફ અભિસરણ પામે છે. તેમને મકરંદ-પથદર્શક (necter guide) કહે છે; કારણ કે તે કીટકોને મકરંદ-ગ્રંથિઓ તરફ દોરી જાય છે. કેટલીક વાર મકરંદ-ગ્રંથિઓ પર્ણો અને ઉપપર્ણો જેવા પુષ્પ-બાહ્ય ભાગોમાં આવેલી હોય છે. તેમનું કાર્ય બિનજરૂરી કીટકોને તેમની તરફ વાળવાનું હોય છે.

(iv) ખાદ્ય રસ : Orchis morio જેવા કેટલાક ઑર્કિડનાં પુષ્પોમાં મકરંદ-ગ્રંથિ હોતી નથી; પરંતુ તે ખાદ્ય રસનો સ્રાવ કરે છે.

(v) ખાદ્ય પરાગરજ : મધમાખી તેનાં બચ્ચાંને પોષણ આપવા માટે મોટા જથ્થામાં પરાગરજનો સંગ્રહ કરે છે અને પ્રજનન ઋતુ દરમિયાન મકરંદ કરતાં પરાગરજનો વધારે પ્રમાણમાં સંગ્રહ કરે છે. મધમાખી પરાગરજ પર મીણનો ઉપયોગ કરી મધપૂડો બનાવે છે.

(vi) વિશિષ્ટ ક્રિયાવિધિઓ : કેટલાંક કીટ-પરાગિત પુષ્પો ખાસ પ્રકારની ક્રિયાવિધિઓ દર્શાવે છે; જેથી કીટકો દ્વારા પરાગરજનું પરિક્ષેપણ (dissemination) શક્ય બને છે.

આકૃતિ 8 : Centaureaનાં પુંકેસર-ચક્ર અને સ્ત્રીકેસર-ચક્ર : (અ) સામાન્ય સ્થિતિ, (આ) કીટકનો સ્પર્શ થતાં પરાગાસન ખુલ્લું થાય છે. (1) પરાગાસન.

() ઉત્તેજનશીલતા (irritability) : કેટલાંક પુષ્પોનાં પરાગાશયો અને પરાગાસનો આ લક્ષણ દર્શાવે છે. Bignoniaનાં દ્વિશાખી પરાગાસનની બંને શાખાઓ કીટકના સ્પર્શ સાથે બિડાઈ જાય છે. જો પરાગનયનની ક્રિયા ન થાય તો તે ફરી પાછી ખૂલી જાય છે. ઍસ્ટરેસી કુળની પ્રજાતિ Centaureaમાં કીટકનો સ્પર્શ થતાં પરાગવાહિની વાંકી વળે છે, જેથી પરાગાસન ખુલ્લું થાય છે.

() સ્ફોટક (explosive) ક્રિયાવિધિ : કીટકનો સ્પર્શ થતાં કેટલાંક પુષ્પોનાં પરાગાશયો ફાટે છે અને પરાગરજનું વિકિરણ થાય છે.

() પ્રાક્ષેપિક (ballistic) ક્રિયાવિધિ : મધ્યડોલી પરાગાશયો અને અન્ય સમતોલન કરતાં લક્ષણો (દા. ત., Salvia) દ્વારા કીટકો પર પરાગરજનો છંટકાવ થાય છે.

આકર્ષણને આધારે કીટ-પરાગિત પુષ્પોના બે પ્રકાર પડે છે :

(1) પરાગપુષ્પો (pollen-flowers) : આ પુષ્પો સામાન્યત: નિયમિત હોય છે અને અસંખ્ય પુંકેસરો ધરાવે છે. Argemone (દારૂડી), Papaver (ખસખસ), Magnolia, Nymphaea (કમળ) અને સોલેનેસી કુળની કેટલીક વનસ્પતિઓ પરાગપુષ્પો ધરાવે છે.

(2) મકરંદપુષ્પો : મોટાભાગનાં કીટ-પરાગિત પુષ્પો આ પ્રકારનાં હોય છે. મકરંદ-ગ્રંથિઓ પૂર્ણ ખુલ્લી, અર્ધખુલ્લી કે પૂર્ણગોપિત (concealed) હોય છે; અથવા પુષ્પો સઘન (compact) સમૂહો(સામાજિક પુષ્પો)માં ઉત્પન્ન થાય છે. મકરંદ-ગ્રંથિના સ્થાન દ્વારા પુષ્પના મુલાકાતી કીટકોનો પ્રકાર નક્કી થાય છે.

પુષ્પોની મુલાકાત લેતા કીટકોમાં કલાપંખી (Hymenoptera; દા. ત., મધમાખી, ભમરી), શલ્કપંખી (Lepidoptera; દા.ત., પતંગિયાં, ફૂદાં), દ્વિપંખી (Diptera; દા. ત., માખીઓ), વર્મપંખી (Coleoptera; દા. ત., ભૃંગ), થાયસેનોપ્ટેરા(કાષ્ઠ-કીટકો) અને અર્ધપંખી(Hemiptere; દા. ત., માંકડ)નો સમાવેશ થાય છે. કીટકોનો ચોક્કસ વર્ગ ચોક્કસ પ્રકારનાં પુષ્પોની મુલાકાત લેતો હોય છે; કારણ કે આ અનુકૂલનનું નિયમન કીટકને થતા પરાગરજ અને મકરંદના લાભ દ્વારા ઋતુ તથા પુષ્પ ખીલવાના સમય દ્વારા, કીટકોની ટેવો દ્વારા અને મકરંદ-ગ્રંથિ સુધીની પ્રવેશની સગવડ દ્વારા થાય છે.

આ  કીટકો  પૈકી શલ્કપંખી સૌથી લાંબી જીભ ધરાવે છે; ત્યાર પછી કલાપંખી આવે છે, જ્યારે બાકીનાં કીટકજૂથોમાં જીભ ટૂંકી હોય છે. પુષ્પોને કીટકોના પ્રકારો સાથેના અનુકૂલનને આધારે વિવિધ જૂથોમાં વહેંચવામાં આવે છે :

(1) ટૂંકી જીભવાળા કીટકો સાથે અનુકૂલન ધરાવતાં પુષ્પો : દા. ત., વર્મપંખી (ભૃંગ), થાયસેનોપ્ટેરા (કાષ્ઠ-કીટકો) અને અર્ધપંખી (માંકડ). આવા કીટકો (i) પૂર્ણ ખુલ્લી મકરંદ-ગ્રંથિ ધરાવતાં પુષ્પો (દા.ત., રુટેસી, વાઇટેસી, ઍપિયેસી અને યુફોરબિયેસી) અને (ii) અર્ધ-ખૂલતી મકરંદ-ગ્રંથિ ધરાવતાં પુષ્પો(દા. ત., બ્રેસિકેસી, રેનન્ક્યુલેસી અને રોઝેસી)નું જ પરાગનયન કરી શકે છે.

(2) દ્વિપંખી પુષ્પો (Diptera flowers) : તેઓ નાની માખીઓ છે, જે પુષ્પમાં ઘસડાઈને ચાલતી વખતે પરાગનયનની ક્રિયા કરે છે. આ કીટકોને પુષ્પમાં આશ્રય સિવાય ખાસ લાભ મળતો નથી. તેઓ સંભવત: વમનકારી ગંધને કારણે આકર્ષાય છે.

() વમનકારી પુષ્પો : આ પ્રકારનાં પુષ્પો એરેસી કુળની વનસ્પતિઓમાં જોવા મળે છે; દા. ત., Arum maculatum, Typhonium trilobatum, Amorphophallus campanulatus (સૂરણ), Alocasia indica (કાળી અળવી), Colocasia antiquorum (અળવી). તે રાત્રે સખત દુર્ગંધ મારતી ગંધ છોડે છે. માંસલ શૂકી (spadix) પ્રકારના પુષ્પવિન્યાસ પર નર-પુષ્પો ઉપરની તરફ અને માદા-પુષ્પો નીચે આવેલાં હોય છે. માખીઓ ઉપર અને નીચે ઘસડાતી વખતે પરાગનયનની ક્રિયા કરે છે. Rafflesia arnoldi અને તેના જેવાં દુર્ગંધ મારતાં પુષ્પોને આ જૂથમાં મૂકવામાં આવે છે.

() ગર્તપાતી (pitfall) પુષ્પો : તેઓ દ્વિપંખી માખીઓ માટે ખાસ પ્રકારનો પાશ (trap) ધરાવે છે. Aristolochia clematitisનાં પુષ્પ પૂર્વસ્ત્રીપક્વ હોય છે. શરૂઆતમાં આ પુષ્પ સીધાં હોય છે અને માખીઓ નીચેની તરફ વળેલા રોમ સાથે ઘસડાઈને દલપુંજનલિકામાં નીચેની તરફ આવે છે અને આ રોમ ખરી ન પડે ત્યાં સુધી ઉપર જઈ શકતી નથી. અમુક સમય પછી પરાગાસનો સંકોચાય છે. પરાગાશયો પરિપક્વ થતાં ફાટે છે અને પરાગરજ મુક્ત થાય છે. હવે પુષ્પ નીચેની તરફ વાંકું વળે છે. પરાગરજ ધરાવતી માખીઓ પુષ્પની બહાર આવે છે અને બીજા તરુણ પુષ્પમાં પ્રવેશી તે પુષ્પના પરાગાસનને પરાગિત કરે છે.

આકૃતિ 9 : (અ) સૂરણ(Amorphophallus campanulatus)નો માંસલ શૂકી પુષ્પવિન્યાસ. (આ) Aristolochia clematitisના પુષ્પમાં ગર્ત-પતનની ક્રિયાવિધિ. (1) તરુણ સીધું પુષ્પ; તે પરિપક્વ પરાગાસનો ધરાવે છે. (2) નીચેની તરફ ઝૂકેલું પરિપક્વ પુષ્પ. 1. નર પુષ્પો, 2. માદા પુષ્પો, 3. પૃથુ પર્ણ, 4. રોમ, 5. પરાગાસનો.

(3) કલાપંખી પુષ્પો : આ પુષ્પોનું પરાગનયન મધમાખીઓ અને ભમરીઓ દ્વારા થાય છે. તે લાલ, વાદળી કે જાંબલી રંગનાં અને અનિયમિત રીતે ગોઠવાયેલાં હોય છે. કીટકો વધતે-ઓછે અંશે ખુલ્લી મકરંદ-ગ્રંથિઓ ધરાવતાં પુષ્પોની મુલાકાત લે છે. (અ) પેપિલિયોનેસી, લેમિયેસી, સ્ક્રોફ્યુલારિયેસી, ઑર્કિડેસી કુળનાં પુષ્પોમાં પૂર્ણગોપિત મકરંદ-ગ્રંથિઓ હોય છે. (આ) ઍસ્ટરેસી કુળમાં સ્તબક પ્રકારના પુષ્પવિન્યાસમાં પુષ્પો સમૂહમાં હોય છે અને ગોપિત મકરંદ-ગ્રંથિ ધરાવે છે. ઉપર્યુક્ત બંને જૂથોનું પરાગનયન ટૂંકી (6.0 મિમી. સુધી લાંબી) જીભ ધરાવતા કલાપંખી કીટકો દ્વારા થાય છે. (ઇ) પુષ્પોની દલપુંજનલિકા લાંબી હોય છે અને મકરંદ-ગ્રંથિ તેમાં નીચેની બાજુએ ગોપિત હોય છે. તેનું પરાગનયન 6થી 15 મિમી. લાંબી સૂંઢ ધરાવતા કીટકો દ્વારા થાય છે.

સાલ્વિયામાં પરાગનયન : તેનું પુષ્પ દ્વિઓષ્ઠીય દલપુંજ અને બે દલલગ્ન (epipetalous) પુંકેસરો ધરાવે છે. પુંકેસરો અને પરાગવાહિની ઉપરના ઓષ્ઠ નીચે ઢંકાયેલાં હોય છે. પુષ્પ પૂર્વપુંપક્વ હોય છે. પુંકેસર તંતુ ટૂંકો હોય છે અને તેની ચોટ પર ડિસ્ટ્રેક્ટાઇલ યોજી આવેલી હોય છે. આ યોજી લાંબી અને ઉત્તોલક (lever) જેવી હોય છે. તેની બે અસમાન ભુજાઓ બંને પરાગાશય-ખંડોને જુદા પાડે છે. પરાગાશયનો નીચેનો ખંડ વંધ્ય અને ત્રિકોણાકાર હોય છે અને ઉપરનો ખંડ ફળાઉ હોય છે. નીચેના પરાગાશયન-ખંડ પર સહેજ દબાણ આવે તો ઉપરનો પરાગાશય-ખંડ નીચે આવે છે. સાલ્વિયાના પુષ્પનું મધમાખી દ્વારા પરાગનયન થાય છે. તે દલપુંજના નીચેના ઓષ્ઠ પર બેસી દલપુંજનલિકાના અંદરના છેડે આવેલી મકરંદ ગ્રંથિ સુધી પહોંચવા પુષ્પમાં પ્રવેશે છે. આ સમયે તે નીચેના પરાગાશય-ખંડને ધકેલે છે; તેથી ઉપરનો ફળાઉ પરાગાશય-ખંડ મધમાખીની પીઠ પર અથડાય છે. અને તેની પીઠ પરાગિત થાય છે. જ્યારે સ્ત્રીકેસર-ચક્ર પરિપક્વ થાય છે ત્યારે પરાગાસનો ઉપરના ઓષ્ઠમાંથી બહાર નીકળે છે; જેથી પુષ્પમાં દાખલ થતી પરાગિત મધમાખી દ્વારા પરાગનયન થાય છે.

આકતિ 10 : સાલ્વિયામાં પરાગનયન : (અ) અને (આ) અપરિપક્વ સ્ત્રીકેસર-ચક્ર અને તીરની દિશામાં દબાણ થાય ત્યારે પુંકેસરનું થતું હલનચલન; (ઇ) પરાગિત થતી મધમાખી; (ઈ) પરિપક્વ પરાગાસન ધરાવતું પુષ્પ.

અંજીર (Ficus carica) ઉદુમ્બરFicus glomerata અને Ficusની બીજી જાતિઓમાં પરાગનયન : અંજીરમાં પુષ્પો પોલા જમરૂખ આકારના ઉદુમ્બરક (hypanthodium) પ્રકારના પુષ્પવિન્યાસમાં ઢંકાયેલાં હોય છે. તેની ટોચ પર સાંકડું છિદ્ર આવેલું હોય છે.

આકતિ 11 : અંજીર(Ficus carica)માં છિદ્ર દ્વારા પ્રવેશતી Blastophaga નામની ભમરી. ઉદુમ્બરકની અંદરની બાજુએ કેટલાંક પિટિકા (gall) પુષ્પો ઉત્પન્ન થાય છે. ટોચ તરફ નર-પુષ્પો અને તળિયામાં માદા-પુષ્પો હોય છે. 1. Blastophaga, 2. પુષ્પો, 3. નર-પુષ્પ, 4. માદા-પુષ્પો, 5. પિટિકા-પુષ્પ.

ઉદુમ્બરકની અંદરની બાજુએ નર-પુષ્પો, માદા-પુષ્પો અને પિટિકા-પુષ્પો – એમ ત્રણ પ્રકારનાં પુષ્પો આવેલાં હોય છે. નર-પુષ્પો છિદ્રની નજીક આવેલાં હોય છે અને નીચેની તરફ જતાં લાંબી પરાગવાહિનીવાળાં માદા-પુષ્પો અને ટૂંકી પરાગવાહિનીવાળાં પિટિકા-પુષ્પો આવેલાં હોય છે. અંજીરમાં પરાગનયન Blastophaga નામની ભમરી દ્વારા થાય છે. તે ઉદુમ્બરકમાં ઘસડાય છે અને પિટિકા-પુષ્પના જ અંડકોમાં અંડનિક્ષેપક (ovipositor) દ્વારા ઈંડાં મૂકી શકે છે; કારણ કે તેની પરાગવાહિની ટૂંકી હોય છે. ઈંડાંમાંથી ઉત્પન્ન થતી ઇયળો અંડકોમાંથી પોષણ મેળવીને પિટિકા બનાવે છે. કોશિત (pupa) અવસ્થા પસાર કરી તેમાંથી નીકળતી ભમરીઓ છિદ્ર દ્વારા અંજીરની બહાર આવે છે. આમ થતાં નર-પુષ્પોની પરાગરજ તેમના શરીરે ચોંટી જાય છે. આ ફૂદાં નવા અંજીરમાં પ્રવેશી લાંબી પરાગવાહિની ધરાવતાં માદા-પુષ્પોનું પરાગનયન કરે છે અને તેનાં પિટિકા-પુષ્પોમાં ઈંડાં મૂકે છે.

ઑર્કિડમાં પરાગનયન : ઑર્કિડના પુષ્પમાં પરાગરજ એકત્રિત થઈ પરાગપિંડ બનાવે છે. મધમાખી પરિદલપુંજના મોટા ઓષ્ઠક (labellum) પર બેસે છે અને પુંજાયાંગસ્તંભ(gynostemium)ની સામે આવેલા દલપુટના છિદ્રમાં પ્રવેશવા અસમર્થ હોવાથી તેની જીભ દલપુટમાં નીચે આવેલી મકરંદ-ગ્રંથિ તરફ મોકલે છે. આમ કરતી વખતે તેનું શીર્ષ તુંડક (rostellum) સહિત પરાગાસનની સપાટીને ધકેલે છે. તેથી પરાગપિંડો બહાર આવે છે અને તેનું ચીકણું બિંબ (disc) મધમાખીના શીર્ષના અગ્ર ભાગે અથડાય છે. પરાગપિંડ શરૂઆતમાં ઊભા રહે છે, પરંતુ તરત જ મધમાખીના માથા તરફ વાંકા નમે છે. જ્યારે મધમાખી બીજા પુષ્પની મુલાકાત લે છે ત્યારે તે જ રીતે પરાગાસનની સપાટી સાથે શીર્ષ ઘસે છે. વાંકા અને ચીકણા પરાગપિંડો પરાગાસન સાથે ચોંટે છે અને પરાગનયન થાય છે.

આકૃતિ 12 : ઑર્કિડમાં પરાગનયન ક્રિયાવિધિ : (અ) પુષ્પના વિવિધ ભાગો. (આ) પુંજાયાંગસ્તંભની રચના. (ઇ) બે મધમાખીઓ. ઉપરની મધમાખી સીધો પરાગપિંડ અને નીચેની મધમાખી વાંકા વળેલા પરાગપિંડ ધરાવે છે. 1.દલપુટનું છિદ્ર, 2. તુંડક, 3. પરાગપિંડ, 4. બાહ્ય પરિદલપત્ર, 5. અંત:પરિદલપત્ર, 6. દંડ, 7. બિંબ, 8. પુંજાયાંગસ્તંભ, 9. પરાગાશય-ખંડ, 10. ઓષ્ઠક.

આકડા(Calotropis)માં પરાગનયન : તેના પુષ્પમાં પુંજાયાંગક (gynostegium) નામની રચના પ્રિઝમી પરાગાસન અને પુંકેસરચક્રના સંયોગથી ઉત્પન્ન થાય છે. ઑર્કિડેસી કુળની જેમ તેની પરાગરજ પરાગપિંડમાં આવેલી હોય છે. જુદા જુદા પરાગાશયના બે પરાગપિંડો પરાગાસનના ખૂણા સાથે ગ્રંથીય ચીકણા બિંબ વડે જોડાયેલ હોય છે. [સ્થાનાંતરક (translator) ક્રિયાવિધિ]. આ ચીકણાં બિંબ મુલાકાત લેતી મધમાખીઓની સૂંઢ કે પગ સાથે ચોંટી જતાં પરાગપિંડો ખેંચાઈ આવે છે. જ્યારે મધમાખી બીજા પુષ્પની મુલાકાત લે છે ત્યારે તેની સાથે આવેલા ચીકણા પરાગપિંડો પરાગાસન પર ચોંટી જાય છે.

આકૃતિ 13 : આકડામાં પરાગનયનની ક્રિયાવિધિ : (અ) પુષ્પ. (આ) પુંજાયાંગક પરથી પરાગપિંડની જોડને દૂર કરતી મધમાખી. (ઇ) પરાગપિંડની જોડ. 1. સ્થાનાંતરક, 2. બિંબ, 3. દંડ, 4. પરાગપિંડ, 5. પુંજાયાંગક, 6. સંયુક્ત પરાગવાહિની.

આકૃતિ 14 : યુક્કાના ખીલેલા પુષ્પમાં પ્રોનુબા ફૂદું

4. શલ્કપંખી પુષ્પો : આ પુષ્પોની દલપુંજનલિકાઓ સૌથી લાંબી હોય છે, જેથી મકરંદ-ગ્રંથિ સુધી શલ્કપંખી (પતંગિયાં અને ફૂદાં) તેમની ખૂબ લાંબી (20 મિમી. કે વધારે) જીભ દ્વારા પહોંચી શકે છે. મીઠી સુગંધ ધરાવતાં પુષ્પો; દા. ત., કમળ, લૅવેન્ડર, પારિજાતક (Nyctanthes), ગુલછડી (Polyanthes), મોગરો (Jasminum), તમાકુ (Nicotiana) – આ પૈકી રાત્રે ખીલતાં પુષ્પોનું પતંગિયાં, ફૂદાં દ્વારા અને દિવસે ખીલતાં પુષ્પોનું પતંગિયાં દ્વારા પરાગનયન થાય છે. Yuccaના પુષ્પનું પરાગનયન Pronuba yuccasella નામના નાનકડા ફૂદા દ્વારા થાય છે. અંજીરમાં Blastophaga જે રીતે ઈંડાં મૂકે છે તે રીતે તે બીજાશયમાં ઈંડાં મૂકે છે. 20 % જેટલાં બીજ આ પ્રક્રિયામાં નાશ પામે છે; yuccaમાં Pronuba ફૂદાની મુલાકાત સિવાય બીજ બેસતાં નથી.

(આ) વિહગ-પરાગિત પુષ્પો : જે પુષ્પોમાં પક્ષીઓ દ્વારા પરાગનયન થાય છે; તેમને વિહગ-પરાગિત પુષ્પો કહે છે. કાબર, કાગડો, મેના જેવાં પક્ષીઓ શીમળાના પુષ્પના પરાગનયનમાં મદદ કરે છે. શક્કરખોર તેની તીણી લાંબી ચાંચની મદદથી પુષ્પનો રસ ચૂસે છે.

આકૃતિ 15 : Bignonia capreolataની મકરંદ-ગ્રંથિમાંથી મધ ચૂસતું ગુંજન પક્ષી.

તે દરમિયાનમાં પરાગનયનની ક્રિયા શક્ય બને છે. ગુંજન (humming birds) અને મધુ-પક્ષીઓ (honey-thrushes) જેવાં નાનાં પક્ષીઓ Bignonia capreolata જેવાં પુષ્પોની મકરંદ-ગ્રંથિમાંથી પોષણ મેળવે છે. મ્યુઝેસી કુળની Strelitzia પ્રજાતિનાં મોટાં પુષ્પોનું પરાગનયન Nectarina afra નામના મધુ-પક્ષી દ્વારા થાય છે.

(ઇ) જંતુ-પરાગિત પુષ્પો : કદંબ (Anthocephalus cadamba), અને શીમળો (Salmalia) અને કંચન (Bauhinia) જેવાં વૃક્ષોનાં પુષ્પોનું પરાગનયન ચામાચીડિયા દ્વારા થાય છે.

(ઈ) શંબૂક-પરાગિત પુષ્પો : એરેસી કુળની અળવી (Colocasia) જેવી વનસ્પતિના માંસલ શૂકી પ્રકારના પુષ્પવિન્યાસમાં કેટલીક વાર ગોકળગાય જોવા મળે છે, જેના દ્વારા પરાગનયન થાય છે. જોકે અળવીમાં સામાન્ય રીતે દ્વિપંખી કીટકો દ્વારા પરાગનયન થાય છે.

જૈમિન વિ. જોશી

બળદેવભાઈ પટેલ