પરાંજપે, શિવરામ મહાદેવ (જ. 27 જૂન 1864, મહાડ; અ. 20 સપ્ટેમ્બર, 1929, પુણે) : સ્વાતંત્ર્ય-સૈનિક, રાષ્ટ્રવાદી પત્રકાર. રાષ્ટ્રવાદી સાહિત્યના સર્જક અને વિદ્વાન. પિતા મહાડના જાણીતા વકીલ. માતાનું નામ પાર્વતીબાઈ, પ્રાથમિક શિક્ષણ મહાડ ખાતે, માધ્યમિક શિક્ષણ રત્નાગિરિ તથા પુણે ખાતે અને ઉચ્ચ શિક્ષણ પુણેની ફર્ગ્યુસન તથા ડેક્કન કૉલેજમાં. મૅટ્રિકની પરીક્ષામાં શંકર શેટ શિષ્યવૃત્તિ મેળવનાર (1884) તેઓ પ્રથમ વિદ્યાર્થી હતા. 1895માં સંસ્કૃત વિષયમાં એમ.એ.ની પદવી પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કરી અને ‘ગોકુળદાસ તેજપાલ’ અને ‘ઝાલા વેદાન્ત’ બંને પારિતોષિકો મેળવ્યાં. 1896-97નાં બે વર્ષ પુણેમાં નવી શરૂ થયેલ મહારાષ્ટ્ર કૉલેજમાં સંસ્કૃતના પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. પરંતુ લોકમાન્ય ટિળકના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય ચળવળોમાં સક્રિય હોવાથી કૉલેજમાંથી રાજીનામું આપવું પડ્યું.
1898માં દેશદાઝની ઉત્કટ ઝંખના સાથે લોકજાગૃતિ નિર્માણ કરવા ‘કાળ’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. 1905માં વીર સાવરકરના નેતૃત્વ હેઠળ વિદેશી વસ્ત્રોની હોળી કરવામાં ભાગ લીધો. તે જ વર્ષે પુણે નગરપાલિકામાં ચૂંટાયા. 1908માં બ્રિટિશ સરકારે તેમનાં લખાણો માટે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂક્યો. પોતાનો કેસ પોતે લડ્યા અને ઓગણીસ માસની સખત મજૂરીની શિક્ષા થઈ; પરંતુ પંદર માસ પછી મુક્ત થયા. જેલની સજા ઉપરાંત ‘કાળ’ સાપ્તાહિક પર દસ હજાર રૂપિયાના જામીન માગવાથી 1910માં તે સાપ્તાહિક બંધ કરવું પડ્યું. 1910-20ના દાયકા દરમિયાન જાહેર જીવનમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ સ્વીકારી.
1920માં લોકમાન્ય ટિળકના અવસાન બાદ રાષ્ટ્રીય ચળવળનો દોર મહાત્મા ગાંધીના હાથમાં આવ્યો. તેમના નેતૃત્વ હેઠળની અસહકારની ચળવળનો પ્રચાર કરવા માટે ઑગસ્ટ, 1920માં ‘સ્વરાજ્ય’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું. વૃદ્ધાવસ્થા અને નાદુરસ્ત તબિયતને કારણે 1927માં આ સામયિકની જવાબદારી શંકરરાવ દેવને સોંપી. દરમિયાન મૂળશી નદી પરના પ્રયોજિત બંધમાં ખેડૂતોની જમીનો ડૂબતી હોવાથી શરૂ થયેલ સત્યાગ્રહમાં ભાગ લીધો અને છ માસનો કારાવાસ ભોગવ્યો. સાયમન કમિશનના વિરોધમાં ભાગ લીધો અને ‘નહેરુ અહેવાલ’નો પ્રચાર કર્યો. 1929માં બેળગામ ખાતે યોજાયેલ મહારાષ્ટ્ર સાહિત્ય સંમેલનનું અધ્યક્ષપદ શોભાવ્યું અને પોતાના ભાષણમાં સશસ્ત્ર ક્રાંતિનું સમર્થન કર્યું.
સંસ્કૃત, મરાઠી અને અંગ્રેજી આ ત્રણેય ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. સૉક્રેટિસ, પ્લેટો, ગિબન, કાર્લાઇલ, શેક્સપિયર જેવા સાહિત્યકારો ઉપરાંત વૉલ્ટેર અને રૂસો જેવા ક્રાંતિકારી વિચારકો તથા જોનાથન સ્વિફ્ટ જેવા કટાક્ષ લેખકોના સાહિત્યનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો હતો.
તેમનું સાહિત્યસર્જન વિપુલ, વૈવિધ્યપૂર્ણ અને ઊંચી ગુણવત્તાવાળું છે. તેમાં તેમના સંશોધન અને રસાસ્વાદના લેખોનો સંચય ‘સાહિત્યસંગ્રહ’ (1922-1925, 1946); બે નવલકથાઓ; અન્ય સાહિત્યકૃતિઓ પર આધારિત ‘સંગીત કાદંબરી’(1897); ‘માનાજીરાવ’ (1898) અને ‘રામદેવરાવ’ (1906) – એ ત્રણ નાટકો તથા કર્ણના જીવન પર આધારિત તેમનું એકમાત્ર મૌલિક નાટક ‘પહિલા પાંડ’ (મરણોત્તર પ્રકાશિત : 1931); જાણીતા મરાઠી નાટક ‘સૌભદ્ર’નું સંસ્કૃતમાં ભાષાંતર; ‘અહલ્યાજાર’ નામની તેમની પ્રદીર્ઘ કાવ્યરચના; 1802થી 18 દરમિયાન મરાઠાઓ જે ચૌદ યુદ્ધો લડ્યા તેનો ઇતિહાસ (1928); સંસ્કૃતાધારિત પૂર્વમીમાંસા પરનો ગ્રંથ ‘અર્થસંગ્રહ’ (1905) આ બધાંનો સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે