પરવાળાં : કોષ્ઠાંત્રી સમુદાયના પુષ્પજીવ (anthozoa) વર્ગના લઘુ-જીવો દ્વારા નિર્માણ થતી ચૂના-પથ્થર(lime stone)ની રચના. નિર્માણક લઘુજીવો પણ પરવાળાં તરીકે ઓળખાય છે. રચના શાખા-પ્રબંધિત વનસ્પતિ, મોટા ઘુંમટ, અનિયમિત આકારનાં ભૂકવચ (crust), ખડક, પંખા કે નળાકાર-આકૃતિઓ જેવી વિવિધ પ્રકારની હોય છે. પરવાળાં-પ્રાણીઓ કથ્થાઈ, લાલ, પીળાં, હરિત જેવા રંગનાં હોવાથી આકર્ષક દેખાય છે. જૂનાં પ્રાણીઓ મૃત્યુ પામતાં નવાં સજીવો કંકાલમાં ઉમેરો કરે છે અને તેના પરિણામે રચનાનો વિસ્તાર વધે છે. વળી કૅલ્શિયમ-શેવાળો ચૂના-પથ્થરને એકબીજા સાથે જોડતી હોય છે. તેથી લાખો કે કરોડો વર્ષો સુધી પથ્થરમાં સતત ઉમેરો થતાં કેટલાક આવા સમૂહો ટાપુઓ (islands) બન્યા હોય છે. દરિયામાં આવા ટાપુવાળા બે પ્રદેશો વિજ્ઞાનીઓેને પરિચિત છે. એક પ્રદેશ કૅરિબિયન તરીકે જાણીતો છે, જ્યારે બીજો પ્રદેશ ઇંડો-પૅસિફિક પ્રદેશ તરીકે. તેની શરૂઆત લાલ સમુદ્રથી થાય છે અને તે હિંદ અને પ્રશાંત મહાસાગરમાંથી પસાર થઈને પનામાના પશ્ચિમ કિનારા સુધી પ્રસરેલો છે. ઇંડો-પૅસિફિક પ્રદેશમાં આવેલા એનેવેટાક અને બિકિની ટાપુમાં, 1950ના અરસામાં અણુ-વિસ્ફોટ(nuclear explosion)ના કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા હતા.

પરવાળાંના પ્રકારો : (અ) દરિયાઈ ગૉર્ગોનિયા, (આ) ભિત્તિકારી પ્રવાળ, (ઇ) મૃદુ પ્રવાળ, (ઈ) અશ્મ પ્રવાળની રચના.

ગુજરાતના કચ્છના અખાતમાં દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન (marine national park) તરીકે જાહેર કરવામાં આવેલા પ્રદેશના મોટાભાગના ટાપુઓ પરવાળાંના બનેલા છે. તે જ પ્રમાણે ભારતના પશ્ચિમ કિનારા પાસે અરબી સમુદ્રમાં  આવેલા માલદીવ ટાપુઓ પણ આ પ્રકારના છે. છોડઘર(green house)ની અસર હેઠળ થતા વૈશ્વિક ઉષ્મીકરણ(global warming)થી દરિયાની સપાટી વધી રહી છે. પરિણામે ટાપુ પર પાણી ફરી વળતાં તેનો વિસ્તાર ઘટી રહ્યો છે. કેટલાક ટાપુઓ તો આવતાં થોડાં વર્ષોમાં સાવ ડૂબી જાય તો નવાઈ નહિ.

પરવાળાં-પ્રાણીઓ અત્યંત નાના કદનાં અને ફૂલ જેવા આકારનાં હોય છે. તે સમૂહમાં રહે છે. અનેક વર્ષો સુધી તેમનાં કંકાલ એકત્ર થવાથી તે મોટા પથ્થર કે ટાપુઓમાં ફેરવાઈ જાય છે. પરવાળાં-લઘુજીવો દરિયામાં તરતા સૂક્ષ્મજીવોને આહાર તરીકે સ્વીકારતા હોય છે. પ્રાણી પુખ્ત સ્વરૂપ પ્રાપ્ત કરતાં તેના પર ફણગા રૂપે કલિકા નિર્માણ થાય છે. ક્રમશ: કલિકાનો વિકાસ સ્વતંત્ર પ્રાણી રૂપે થાય છે. એ રીતે તે પ્રજનકમાંથી છૂટા થઈ વસાહતમાં ચૂના-પથ્થર વડે કંકાલનું સ્થાપન કરે છે, જેના કારણે વસાહતનો વિસ્તાર વધે છે. પ્રવાળ લિંગીપ્રજનન વડે પણ નવાં સંતાનોને જન્મ આપે છે. આ દરમિયાન ફલિતાંડોનો વિકાસ ડિમ્ભોમાં થતાં તે દરિયાને તળિયે જઈને નવી વસાહતની રચના કરે છે. પરવાળાના મુખ્ય પ્રકારો નીચે મુજબ છે :

1. ગૉર્ગોનિયાપ્રવાળ : આ શ્રેણીનાં પ્રવાળ પંખા કે પીંછાં જેવા આકારનાં હોય છે. તેઓ ગૉર્ગોનિન પદાર્થમાંથી મધ્યસ્થ-દંડ (અક્ષ – axis) બનાવે છે. આ દંડની ફરતે સૂક્ષ્મ કંટકોનું આવરણ રચાય છે. પરિણામે જાલિકા આકારની રચના થાય છે, જે દેખાવમાં પંખા કે પીંછાં જેવી હોય છે.

2. મૃદુપ્રવાળ (soft-coral) : આ પ્રવાળમાં મધ્યતંતુઓ હોતા નથી; પરંતુ ચીકાશવાળા મધ્ય શ્લેષ્મરસ (mesoglea) વડે જોડાતાં વસાહત બને છે.

3. પથ્થરપ્રવાળ : આ પ્રકારને સાચા પ્રવાળ તરીકે નિર્દેશી શકાય છે. પથ્થરની જેમ તે મજબૂત અને કઠણ હોય છે. આમાં પ્રાણીઓ દરિયાના પાણીમાંથી ચૂનાનું શોષણ કરી તેની પેશીની નીચે તે પાથરે છે. આ ટાપુઓ પથ્થર-પ્રવાળના બનેલા હોય છે.

4. અગ્નિ-પ્રવાળ : આ પ્રવાળનાં પ્રાણીઓ દશાંગો વડે ઝેરી પ્રવાહીનો સ્રાવ કરે છે. તેના સંપર્કથી માનવી બળતરાની પીડા અનુભવે છે. તેના કંકાલમાં ઝૂઝેંથિલા-શેવાળ વાસ કરે છે; તેથી કંકાલ કથ્થાઈ રંગનાં દેખાય છે. પરવાળાં, કલિકા-પદ્ધતિ વડે અલિંગી પ્રજનન કરે છે, જ્યારે આ સંતાનો લિંગી પ્રજનન-પદ્ધતિ વડે ફલિતાંડો નિર્માણ કરતાં હોય છે. તેઓ વિકાસથી પ્લૅન્યુલાં ડિમ્ભમાં ફેરવાય છે. આ ડિમ્ભો તરીને અન્ય સ્થળે પ્રયાણ કરી નવી વસાહતો બનાવે છે.

મ. શિ. દૂબળે