પરવળના રોગો : પરવળને થતાં પાનનાં ટપકાં, ભૂકી છારો અને થડના કોહવારાના જેવા રોગો. પરવળ વેલાવાળી શાકભાજીના વર્ગનો ખૂબ જ કીમતી, આર્થિક રીતે ખૂબ સારી આવક આપતો પાક છે.
સર્કોસ્પોરાનાં ટપકાં : આ રોગ સર્કોસ્પોરા પ્રજાતિની ફૂગથી થાય છે. આ રોગ પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળે છે. ફૂગનું આક્રમણ થતાં પાનની ધારે અથવા બે નસો વચ્ચે પાણીપોચા જખમોથી થાય છે. આ જખમોથી પેશીના કોષોનું મૃત્યુ થતાં રાખોડી ભૂખરા રંગના મર્યાદિત ખૂણાવાળા પાનમાં ટપકાં અથવા ધીરેથી પાનનો સુકારો પેદા થાય છે. તીવ્ર આક્રમણ થતાં ટપકાં વિકસીને એકબીજાં સાથે ભેગાં થઈ પાનનો સુકારો પેદા કરે છે. આક્રમિત પાનના વેલા ચીમળાઈને સુકાઈ જાય છે, જેથી વેલાનો સુકારો જોવા મળે છે. તીવ્ર આક્રમણમાં વેલા, તેમને ગરમીની ઝાળ લાગી હોય તેવા સુકાયેલા જોવા મળે છે. વ્યાધિજનક ફૂગ રોગિષ્ઠ પાન અને વેલામાં પાકની ગેરહાજરીમાં જીવંત રહે છે, જે પાકની બીજી ઋતુમાં પ્રાથમિક ચેપ લગાડી રોગનો ફેલાવો કરે છે. ફૂલ અથવા કુમળાં નાનાં ફળ ઉપર આક્રમણ થતાં ફળ પીળું થઈ, મૃત્યુ પામી, ખરી પડે છે. રોગની શરૂઆત થતાં જ ઝીનેબ અથવા મેન્કોઝેબ અથવા કાર્બનડાઝિમ પ્રકારની દવાઓનો બે-ત્રણ વાર છંટકાવ કરવાથી તે કાબૂમાં રહે છે.
પાનનો ઑલ્ટર્નેરિયાનો સુકારો : આ રોગ ઑલ્ટર્નેરિયા પ્રજાતિની ફૂગથી પરવળ ઉગાડતા બધા જ પ્રદેશમાં જોવા મળેલ છે. ફૂગનું પાનમાં કે પાનની ધારે આક્રમણ થતાં પાણીપોચા જખમો પેદા થાય છે, જે વૃદ્ધિ પામી સફેદ ભૂખરા રંગનાં ધાબાં પેદા કરે છે. તે એમના પીળા આભાસથી તંદુરસ્ત ભાગથી અલગ પડે છે. સાનુકૂળ વાતાવરણમાં ફૂગનું આક્રમણ તીવ્ર થતાં આખું પાન સુકાઈ જાય છે. પાનનો સુકારો ઘેરા ઝાંખા ભૂખરા પટ્ટામાં વૃદ્ધિ પામતો જોવા મળે છે. રોગિષ્ઠ પાન, સુકાઈ જતાં ખરી પડે છે. રોગને અટકાવવા રોગ જણાય ત્યારે તુરત જ મેન્કોઝેબ અથવા કાર્બનડાઝિમ દવાનો છંટકાવ કરવામાં આવે છે. આ જ દવાના બે-ત્રણ છંટકાવ કરવા પડે છે.
ભૂકી છારો : આ ફૂગથી થતો રોગ ક્યારેક જ જોવા મળે છે. ફૂગનું આક્રમણ થતાં પાનની ઉપરની સપાટી પર સફેદ ફૂગ જોવા મળે છે, જેની ઉપર બીજાણુ પેદા થતાં પાન ઉપર ઝાંખી ભૂકી જોવા મળે છે. તે ભૂકી છારાના રોગ તરીકે ઓળખાય છે. રોગને કાબૂમાં લેવા કાલીક્ષીન અથવા સલ્ફરયુક્ત દવાનો છંટકાવ કરવો આવશ્યક ગણાય છે.
થડ અને વેલાનો સડો : આ રોગ સ્ક્લેરોશિયમ અને ફ્યુરિયમ પ્રકારની ફૂગથી થાય છે. આ રોગ કાળી નિતાર વિનાની અથવા પાણી સંગ્રહાયેલું રહેતું હોય તેવી જમીનમાં ખાસ જોવા મળે છે. થડમાં ફૂગનું આક્રમણ થતાં તે ભાગ પાણીપોચો થઈ સડી જાય છે. આ સડો થડમાંથી જમીન ઉપર વેલામાં જતાં વેલો સુકાઈને મૃત્યુ પામે છે. આ ફૂગ જમીનજન્ય હોવાથી પાણી મારફતે ફેલાઈને નજીકના બીજા થડમાં પ્રવેશ કરી રોગ પેદા કરે છે. આ રોગ બીજા છોડને નહિ લાગે તે માટે રોગિષ્ઠ થડ અને તેની આજુબાજુના બીજા થડમાં તાંબાયુક્ત દવા રેડવી જરૂરી બને છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ