પરરોહી વનસ્પતિ

February, 1998

પરરોહી વનસ્પતિ : જમીનમાં મૂળ ન ધરાવતી અને જમીનથી ઊંચે અન્ય વનસ્પતિ કે જીવાધાર (substratum) પર થતી વનસ્પતિ. તે યજમાન (host) વનસ્પતિની શાખાઓ ઉપર, શાખાઓની ખાંચોમાં કે વૃક્ષની છાલ પર માત્ર ભૌતિક આધાર લઈને રહે છે. કેટલીક પરરોહી વનસ્પતિઓ ખડકો અને ટેલિગ્રાફના વાયર પર પણ થાય છે. તે હવામાંથી કે યજમાન પર રહી ગયેલા વરસાદના પાણી અને જૈવભંગાર(organic debris)માંથી પોષક દ્રવ્યો મેળવે છે. આવી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં હવાઈ મૂળ ધરાવે છે. તેના વડે તે વરસાદ, ઝાકળ અને વાતાવરણમાંથી ભેજનું શોષણ કરે છે. તે ખોરાક અને પાણીની જરૂરિયાતો માટે સ્વાવલંબી હોય છે. વૅનિલા અને ટીનોફાઇલમ જેવી ઑર્કિડની ઘણી જાતિઓ ઉષ્ણકટિબંધીય વર્ષા-જંગલો(tropical rain forests)ના છત્ર (canopy) હેઠળ થતી જોવા મળે છે. તેમનાં મૂળ ગૂંથાઈને હવામાં જાળ ઊભી કરે છે. તે ખરતાં-પડતાં પર્ણોને અને અન્ય જૈવ દ્રવ્યોને ઝીલે છે. તે બધાં તેને ખનીજ ક્ષારોનો સ્રોત પૂરો પાડે છે. આ ઉપરાંત, તેનાં મૂળિયાંની જાળ અને જૈવભંગાર વાદળીની જેમ કામ કરે છે અને પાણીને પકડી રાખે છે. વેન્ડા અને ડૅન્ડ્રોબિયમ જેવા ઑર્કિડની જાતિઓ હિમાલયમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. શેવાળ (mosses) અને શિલાવલ્ક (lichens) સમશીતોષ્ણ પ્રદેશોમાં થતી પરરોહી વનસ્પતિઓનાં ઉદાહરણો છે. બ્રોમેલિયેડ્સ મરૂદ્ભેદી (xerophytic) પરરોહી વનસ્પતિઓ છે. અન્ય વનસ્પતિનાં પર્ણો પર થતી પરરોહી વનસ્પતિઓને અધિપર્ણી (epiphyllous) કહે છે. રૉન્કિયરની વર્ગીકરણ-પદ્ધતિમાં તે એક વિશિષ્ટ જૂથ બનાવે છે.

આકૃતિ 1 : આંબા પર પરરોહી ઑર્કિડ

પરરોહી વનસ્પતિઓનાં કેટલાંક લક્ષણો આ પ્રમાણે છે : બીજાંકુરણ દરમિયાન જીવાધાર પર અપસ્થાનિક (adventitious) મૂળ દ્વારા સ્થાપન; અપસ્થાનિક મૂળ મજબૂતાઈથી વળગી શકે તેવાં (દા. ત., પોથોસ, સ્કિન્ડેપ્સસ, ટિલેન્ડીશિયા); આલિંગક (clasping), મૂળનું યજમાન વનસ્પતિ પર અત્યંત ઝડપી સ્થાપન, પાણીનું શોષણ અને સંગ્રહ કરવાની વિશિષ્ટ ક્ષમતા; ઑર્કિડમાં ભેજશોષણ માટે વૅલામેન પેશીનો વિકાસ; ટિલેન્ડીશિયામાં પ્રકાંડની સપાટી પર કેશાકર્ષણ દ્વારા એકત્રિત થયેલા પાણીનું શલ્કો દ્વારા શોષણ; પર્ણો જાડાં અને જલસંગ્રાહી (વૅનિલા); જલસંગ્રાહી જલવાહિનીઓ; વનસ્પતિઓ લીલી અને સ્વાવલંબી, શુષ્કતાનો પ્રતિકાર કરવા મટે મરૂદ્ભેદી લક્ષણોનો વિકાસ (દા. ત., નાના કદનાં અલ્પસંખ્યક પર્ણો અથવા શુષ્ક ઋતુમાં પર્ણવિહીનતા, જાડી રક્ષક ત્વચા (cuticle), નિમગ્નમુખ રંધ્રો; ઑર્કિડમાં નાનકડા પ્રાવર ફળમાં સૂક્ષ્મ બીજની મોટા જથ્થામાં ઉત્પત્તિ; પક્ષીઓ કે પવન દ્વારા બીજ-વિકિરણ.

આકૃતિ 2 : પરરોહી ઑર્કિડના હવાઈ મૂળનો આડો છેદ

કેટલીક પરરોહી વનસ્પતિઓનાં ઉદાહરણો પ્રમાણે છે : લીલ (પ્રોટોકૉક્સ, ટ્રૅન્ટીફોલિયા); દ્વિઅંગી (મૉસની કેટલીક જાતિઓ, પોરેલા); ત્રિઅંગી (ઍસ્પ્લેનિયમ નીડસ, ડ્રાયનેરિયા ક્વર્સીફોલિયા, પૉલીપોડિયમ ફીસમ અને લાયકોપોડિયમની જાતિઓ); આવૃત્ત બીજધારી (ઑર્કિડની જાતિઓ, બ્રોમેલિયેડ્સ, ડાયસ્કીડિયા ન્યુમ્યુલારિયા).

શિમ્પરે પરરોહી વનસ્પતિઓને ચાર વર્ગમાં વર્ગીકૃત કરી છે : (1) આદિ પરરોહી (protoepiphytes) : તે વાતાવરણમાંથી મળતા સેન્દ્રિય પદાર્થો અને યજમાન વનસ્પતિના ભાગો પર પોષણ માટે આધાર રાખે છે. તે જલસંગ્રહ અને શોષણ માટેનાં લક્ષણો ધરાવે છે; દા. ત., કેટલાંક હંસરાજ, પેપરોમિયા અને ઍસ્ક્લેપિયેડેસીની કેટલીક જાતિઓ. (2) અર્ધપરરોહી (Hemiepiphytes) : પ્રારંભમાં તે યજમાન વનસ્પતિ કે જીવાધાર પર જીવન વિતાવે છે; પરંતુ પાછળથી તે જમીનમાં મૂળ નાખી સ્થળજ વનસ્પતિ તરીકે જીવે છે. દા. ત., વડ. (3) આભાસી પરરોહી (pseudoepiphytes) : તે જમીન પર ઊગે છે. તેમનું પ્રકાંડ નીચેથી ઉપરની તરફ ક્રમશ: સુકાતું જાય છે; પરંતુ સૌથી ઉપરનો ભાગ સક્રિય જળવાઈ રહે છે અને આભાસી પરરોહી તરીકે અસ્તિત્વ જાળવે છે. આ સ્થિતિ કેટલીક કઠલતાઓ(lianes)માં જોવા મળે છે. (4) નીડ-પરરોહી (Nestepiphytes) : તે સેન્દ્રિય પદાર્થો અને પાણી પુષ્કળ જથ્થામાં એકત્રિત કરી શકે તે માટે અત્યંત જાળા જેવું ગૂંથાયેલું મૂળતંત્ર ધરાવે છે : દા. ત., ઑર્કિડની જાતિઓ. એસ્પ્લેનિયમની જાતિમાં સેન્દ્રિય પદાર્થો એકત્રિત કરવા માટે પર્ણો કોથળી જેવી રચનામાં ફેરવાઈ જાય છે.

ડાઇસ્કીડિયાની જાતિમાં કળશ જેવાં પર્ણો : ખુલ્લા કળશમાં શાખિત શોષક મૂળ દાખલ થયેલાં જણાય છે.

(5) જલસંચાયી પરરોહી (tank-epiphyes) : આ પ્રકારની પરરોહી જાતિઓમાં મૂળતંત્ર માત્ર સ્થાપનાંગ તરીકે જ કાર્ય કરે છે. અથવા ઘણી વાર તેની વૃદ્ધિ પૂર્ણપણે દબાય છે. પોષણની ક્રિયા વિવિધ રીતે રૂપાંતર પામેલાં પર્ણો દ્વારા થાય છે. તેનાં પર્ણો નીચેની તરફ ચમચાની જેમ પહોળાં બને છે અથવા ગળણી આકારનાં બને છે. તેના તલમાં રહેલાં છત્રાકાર શલ્કી રોમ દ્વારા પોષક તત્ત્વોના શોષણની ક્રિયા થાય છે.

વિનોદ સોની