પરરૂપતા (pseudomorphism) : અન્ય ખનિજનું સ્વરૂપ ધારણ કરતી પરિવર્તન-ઘટના. કોઈ પણ સ્ફટિક કે ખનિજ કે જેનું બાહ્ય-સ્વરૂપ અન્ય કોઈ સ્ફટિક કે ખનિજ જેવું દેખાતું હોય તેને પરરૂપ (pseudomorph) કહેવાય અને અન્યનું સ્વરૂપ લેતી ઘટના પરરૂપતા કહેવાય; દા. ત., વ્યાઘ્રચક્ષુ (tiger’s eye). આ ખનિજ ક્વાર્ટ્ઝનો અર્ધકીમતી રત્નપ્રકાર છે, જેમાં ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસ(ક્રોસિડોલાઇટ)નું પરરૂપ ખનિજ બની રહે છે, અર્થાત્, ક્વાર્ટ્ઝ ઍસ્બેસ્ટૉસનું રેસાદાર સ્વરૂપ ધારણ કરે છે, જે સામાન્યત: ક્વાર્ટ્ઝમાં જોવા મળતું હોતું નથી.
પરરૂપતા નીચે મુજબની ક્રિયાઓને કારણે થાય છે :
(1) રાસાયણિક પરિવર્તન દ્વારા : એનહાઇડ્રાઇટ જલયુક્ત થવાથી ચિરોડીમાં કે ચિરોડીનું નિર્જલીકરણ થવાથી એનહાઇડ્રાઇટમાં પરિવર્તન આવે છે. પાયરાઇટ ઑક્સીભૂત અને જલયુક્ત થાય તો લિમોનાઇટ બને. ઑલિવીનમાંથી સર્પેન્ટાઇન અને બાયૉટાઇટમાંથી ક્લોરાઇટ થાય.
(2) કણશ: વિસ્થાપન દ્વારા : જેમ કે, અશ્મીભૂત કાષ્ઠ. તેમાં કાષ્ઠનું સિલિકામાં અશ્મીભવન થાય છે. ઉષ્ણજળજન્ય પ્રક્રિયા દ્વારા એક ખનિજનું અન્ય ખનિજમાં રૂપાંતર થાય છે. મૂળભૂત આકાર, રચના, કદ જળવાઈ રહે છે; દા. ત., સ્ફેલેરાઇટનું કોવેલાઇટમાં કણશ: વિસ્થાપન દ્વારા રૂપાંતર થાય છે :
ZnS + CuSO4 = CuS + ZnSO4
સ્ફેલેરાઇટ કોવેલાઇટ
(3) આચ્છાદન દ્વારા : એક ખનિજનું અન્ય ખનિજ ઉપર આચ્છાદન થવાથી કે પોપડી જામવાથી ખનિજ પરરૂપ બની રહે છે. ફ્લોરાઇટ ઉપર ક્વાર્ટ્ઝ, કૅલ્શાઇટ કે બૅરાઇટનું આચ્છાદન થાય તો આચ્છાદિત ખનિજ ફ્લોરાઇટનું સ્વરૂપ દર્શાવે છે. કોઈ કારણસર અંદરનું ખનિજ દ્રવીભૂત થઈ નીકળી જાય અને એ ખાલી બીબામાં કયારેય અન્ય ખનિજ ભરાઈ જાય તો મૂળ ખનિજનો આકાર ધારણ કરી પરરૂપ બની રહે છે.
(4) પૂરણી દ્વારા : સમુદ્રતટના ખુલ્લા ભાગોમાં ક્ષારીય દ્રાવણોનું બાષ્પીભવન થતાં સિંધવ કે ચિરોડી જેવાં બાષ્પાયનો (evaporites) તૈયાર થતાં હોય છે. સમય જતાં તેના ઉપર મૃદુ માટીના થર જામે છે. આ થર સુકાય ત્યારે દબાણથી અંદરનું ખનિજ દ્રાવણમાં ફેરવાઈ જાય, એ બીબામાં માટીની પૂરણી થતી જાય. બીબાઢાળ માટી સિંધવ કે ચિરોડીનું પરરૂપ સ્વરૂપ બની રહે. એ જ રીતે ઘન સ્વરૂપવાળા હેલાઇટ(Nacl)નું સ્થાન ઘન સ્વરૂપવાળી માટી લેતી હોવાથી માટીનું ઘન સ્વરૂપ હેલાઇટનું પરરૂપ ગણાય.
ગિરીશભાઈ પંડ્યા