પરમિયો (gonorrhoea) : નિસેરિયા ગોનોકોકાઈ નામના જીવાણુ(bacteria)થી થતો જાતીય સંસર્ગ વડે ફેલાતો ચેપી રોગ. પરમિયાના જીવાણુઓને યુગ્મગોળાણુ (diplococci) કહે છે. તે ગોળ છે અને બે-બેની જોડમાં જોવા મળે છે. તે ગ્રામ-પદ્ધતિથી અભિરંજિત થતા નથી માટે તેને ગ્રામ-અનભિરંજિત (gram-negative) જીવાણુ પણ કહે છે. સામાન્ય રીતે તેનો ચેપ લાગ્યા પછી 2થી 10 દિવસમાં ચેપનાં લક્ષણો અને ચિહ્નો ઉત્પન્ન થાય છે. આ સમયગાળાને જીવાણુનો ઉછેરકાળ (incubation period) કહે છે. સામાન્ય રીતે જનનમાર્ગના નીચલા અવયવો, મળાશય, ગળું તથા આંખને ચેપગ્રસ્ત કરે છે. અઘટિત જાતીય (લૈંગિક) સંબંધોને કારણે પરમિયાનો ચેપ ફેલાય છે. માટે તે વારંવાર મુસાફરી કરનારાઓ, વેશ્યાઓ, લશ્કરના માણસો, વેપારીઓ, ધંધાર્થે વિદેશગમન કે દેશાટન કરનારાઓ તથા મનોરંજન કરનારાઓમાં ખાસ જોવા મળે છે. ચેપગ્રસ્ત વ્યક્તિ સાથે જાતીય સંભોગથી તે ફેલાય છે. ચેપગ્રસ્ત જનનમાર્ગમાંથી જન્મ લેતા શિશુની આંખમાં પણ તેનો ચેપ ફેલાય છે. અગાઉ તે અંધાપાનું એક મહત્ત્વનું કારણ હતું.
પુરુષોમાં પું-ઇન્દ્રિય અથવા શિશ્ન(penis)માંથી પસાર થતી મૂત્રાશયનલિકા(urethra)માં ચેપજન્ય રોગ વિકસે છે. તેને અગ્રસ્થ મૂત્રાશયનલિકાશોથ (anterior urethritis) કહે છે. મૂત્રાશયમાંનો પેશાબ મૂત્રાશયનલિકા દ્વારા બહાર આવે છે. તેને કારણે પેશાબ કરતી વખતે બળતરા થાય છે તથા શિશ્નના છિદ્રમાંથી પીળું પરુ નીકળે છે. ક્યારેક કોઈ જ લક્ષણો થતાં નથી અથવા તો ઘણાં મંદ લક્ષણો જોવા મળે છે. સ્ત્રીઓમાં ગર્ભાશયના મુખ અથવા ગર્ભાશયગ્રીવા(uterine cervix)ના પોલાણ(ગ્રીવાનલિકા, cervical canal)માં ચેપ સ્થાપિત થાય છે. તેને ગ્રીવાંત:શોથ (endocervicitis) કહે છે. ક્યારેક (50 %) સ્ત્રીઓની મૂત્રાશયનલિકા અથવા મળાશયમાં પણ ચેપ લાગે છે. સામાન્ય રીતે પેશાબમાં બળતરા (દુ:મૂત્રતા, dysuria) થાય છે તથા યોનિમાંથી પ્રવાહી ઝરે છે (યોનિપ્રદર, vaginal discharge). સજાતીય સુખ મેળવતા પુરુષોને સમલૈંગિકો (homo-sexuals) કહે છે. તેમના મળાશયમાં પણ ચેપ લાગે છે. ઘણી વખતે તેનાં કોઈ ખાસ લક્ષણો ઉદ્ભવતાં નથી. આ બધામાં ક્યારેક ગળામાં ચેપ લાગવાથી ગ્રસની પરમિયો (pharyngeal gonorrhoea) થાય છે. ગળામાં પરમિયાનો ચેપ લાગે ત્યારે તેને ગ્રસનીય પરમિયો કહે છે. મોટેભાગે તેનાં પણ કોઈ ખાસ લક્ષણો હોતાં નથી, પરંતુ ક્યારેક ગળામાં વેળ ઘાલે છે. તેમાં ગળાની લસિકાગ્રંથિઓ (lymphnodes) મોટી થાય છે. પુરુષોમાં ચેપ ફેલાય તો તે અધિશુક્રપિંડશોથ (epididymitis) કે પુર:સ્થગ્રંથિશોથ (prostatitis) કરે છે. શુક્રપિંડ પરની નલિકાઓના ટોપચામાં ફેલાતા ચેપને અધિશુક્રપિંડશોથ કહે છે તથા પુર:સ્થ (prostate) ગ્રંથિમાં ફેલાતા ચેપને પુર:સ્થગ્રંથિશોથ કહે છે. સ્ત્રીઓમાં ચેપ ફેલાઈને બાર્થોલિન ગ્રંથિનું ગૂમડું કે અંડનલિકાઓનો ચેપ (અંડનલિકાશોથ, salpingitis) કરે છે. અંડનલિકાશોથને શ્રોણીય ચેપજન્ય રોગ(pelvic inflammatory disease, PID)ના નામે પણ ઓળખવામાં આવે છે. જો ચેપ લોહીમાં ફેલાય તો જીવાણુરુધિરતા (bacteraemia) થાય છે, જેમાં જીવાણુઓને લોહીમાં પરિભ્રમણ કરતા દર્શાવી શકાય છે. ત્યારબાદ તે ચામડી, સાંધા, સ્નાયુઓના (સ્નાયુ)બંધ(tendons)નાં આવરણોમાં, હૃદયની અંદરની દીવાલમાં કે મગજનાં આવરણોમાં ફેલાય છે. તેમને અનુક્રમે ત્વચાલક્ષી (cutaneous) પરમિયો, સંધિશોથ (arthritis), સ્નાયુબંધાવરણશોથ (tenosinuritis), હૃદયાંત:શોથ (endocarditis) તથા તાનિકાશોથ (meningitis) કહે છે. ક્યારેક સમગ્ર દેહમાં ફેલાઈ જતો દેહવ્યાપી પરમિયો (disseminated gonococcal infection, DGI) પણ થાય છે. ચામડીમાં થતા રોગવિસ્તારોને કારણે તેનું નિદાન સરળ બને છે; છતાં તેને વિવિધ સંધાનપેશીના રોગો(connective tissue disorders)થી તથા અન્ય ચેપથી અલગ પાડવો એ ઘણી વખત અઘરું પડે છે. જેઓ ગર્ભાશયની અંદર પહેરાતી ગર્ભનિરોધક સંયોજના વાપરે છે તેમનામાં શ્રોણીય ચેપજન્ય રોગ અથવા PIDનું પ્રમાણ વધુ રહે છે. જો દર્દી સગર્ભા હોય તો તેને હૉસ્પિટલમાં દાખલ કરીને સારવાર અપાય છે. PID થાય તો ગ્રીવાંત:શોથના વારંવાર હુમલા થાય છે. PID મટે ત્યારે અંડનલિકાઓમાં રૂઝપેશી જમા થાય છે, જે નલિકાને બંધ કરી દે છે. તેથી તેવી સ્ત્રીના અંડકોષો ફલિત થઈ શકતા નથી અને તેથી ગર્ભધારણ (conception) શક્ય બનતું નથી. તેને અફલિતા(infertility)નો વિકાર કહે છે. વળી જો ગર્ભ રહે તોપણ ગર્ભના અને માતાના મૃત્યુનું પ્રમાણ ઊંચું રહે છે.
પરમિયાનો ચેપ યકૃત તરફ ફેલાય તો તેને પરમીયકૃતશોથ (peri-hepatitis) કહે છે. તેને ફિટ્ઝ-હ્યુથ-ક્યુર્ટિસ સંલક્ષણ પણ કહે છે. તેમાં પેટના જમણા ઉપલા ખૂણે, પાંસળીઓની નીચે યકૃત પર દુખાવો થાય છે. તેથી જાણે પિત્તાશયનો સોજો આવ્યો હોય તેવું લાગે છે. જો તે સમયે પેટમાં દૂરબીન જેવી નળી નાંખીને પરિતનગુહાની નિરીક્ષા (peritoneoscopy) કરાય તો પેટની અંદરની દીવાલ અને યકૃત વચ્ચે વાયોલિનના તાર જેવા તાંતણાઓ જોવા મળે છે.
ગ્રીવાંત:શોથવાળી માતાનાં નવાં જન્મતાં શિશુઓની આંખ આવી જાય છે. તેને પરમિયાજન્ય નેત્રકલાશોથ (conjuctivitis) કહે છે. આંખમાં 1 % સિલ્વર નાઇટ્રેટ, ઍરિથ્રોસિન કે ટેટ્રાસાઇક્લિનનાં ટીપાં કે મલમ લગાવવાથી તે રોગ થતો અટકે છે. નવજાત શિશુના અન્ય અવયવો(ગળું, શ્વસનમાર્ગ, મળાશય)માં પણ પરમિયાનો ચેપ ફેલાઈ શકે છે. મૂત્રાશયનલિકામાંથી નીકળતા પરુ કે ગ્રીવાંત:નલિકા-(endocervical canal)માંથી નીકળતા પરુને ગ્રામ-અભિરંજનની ક્રિયા કરીને સૂક્ષ્મદર્શક વડે તપાસવાથી નિદાન થાય છે. આ પ્રકારનું નિદાન 90 %થી 98 % કિસ્સામાં શક્ય છે અને તે 95 %થી 98 % સાચું નીકળે છે. ક્યારેક ચૉકલેટ અગાર કે ઍન્ટિબાયૉટિકવાળા ચૉકલેટ અગારવાળું સંવર્ધન માધ્યમ વાપરીને તેના પર જીવાણુઓને ઉછેરાય છે. આ પ્રકારના સંવર્ધન માધ્યમને સુધારેલું (modified) જોયર-માર્ટિન માધ્યમ (medium) કહે છે.
સારવાર : જો કોઈ આનુષંગિક તકલીફ થયેલી ન હોય તો યોગ્ય ઍન્ટિબાયૉટિકની એક જ માત્રા (dose) વડે પરમિયો કાબૂમાં આવે છે. તે માટે વધુ માત્રાવાળું પ્રોકેઇન પેનિસિલીનનું સ્નાયુમાં ઇન્જેક્શન અને સાથે પ્રોબેનેસિડ મોં વાટે અપાય છે. પ્રોકેઇન પેનિસિલીનની ઍલર્જી નથી તે પહેલેથી ખાસ જોઈ લેવાનું સૂચવાય છે. પેનિસિલીનની ઍલર્જી હોય તેઓને ભારે માત્રામાં ઍમ્પિસિલીન અને પ્રોબેનેસિડ મોં વાટે અપાય છે, અથવા કોટ્રાઇમૅક્સેઝોલને ભારે માત્રામાં એક અથવા 2 માત્રામાં વિભાજિત કરીને અપાય છે. જો આ સારવાર નિષ્ફળ જાય તો સૌપ્રથમ પરમિયાનું નિદાન ફરીથી નિશ્ચિત કરાય છે. તેવા સમયે પ્રોકેઇન પેનિસિલીનની માત્રા વધારીને અથવા ઍમ્પિસિલીનની વધારેલી માત્રા અપાય છે. પેનિસિલીનની ઍલર્જીવાળા દર્દીઓમાં ભારે માત્રાવાળું સ્પેક્ટીનોમાયસિનનું ઇન્જેક્શન સ્નાયુમાં અપાય છે. જો પેનિસિલીનની સહેજ પણ અસરકારકતા ન બચી હોય તો સેફોટેક્ઝિમ, સિપ્રોફ્લૉક્સાકેન સ્પેક્ટિનોમાયસિન અપાય છે. જો આનુષંગિક તકલીફો હોય તો ઍમ્પિસિલીનની વધુ માત્રાઓ પણ આપવી પડે છે. હાલ સેફ્રિટ્રએક્ઝૉન, સિશૅક્સાઇમ, સિપ્રોપ્લૉક્સેસિન, ઑફ્લૉક્સેસિન, સ્પેક્ટિનોમાયસિનના વપરાશે વધુ અસરકારક સારવારની શક્યતા વધારી છે. PID થાય તો હૉસ્પિટલમાં દાખલ ન કરેલા દર્દીમાં સેફૉક્સિટિન કે ઑફૉક્સાસિન અપાય છે અથવા દાખલ કરેલા દર્દીને ડૉક્સિસાઇક્લિનનાં ઇન્જેક્શન અપાય છે. દેહવ્યાપી ફેલાયેલા રોગમાં સિફટ્રાયેક્ઝોન કે સ્પેક્ટિનોમાયસિનનાં ઇન્જેક્શનો અપાય છે. પરમિયાને મટાડવાના કાર્યમાં ચેપ ફેલાવતી જાતીય સંસર્ગકારી વ્યક્તિઓને શોધીને તેમની સારવાર કરાવવી પણ જરૂરી બને છે. પરમિયા સામેની રસી માટેના પ્રયોગો થઈ રહ્યા છે. ગર્ભનિરોધક સંયોજનાઓ દ્વારા પરમિયો અટકાવવાના પ્રયોગો પણ થયેલા છે.
શિલીન નં. શુક્લ
રામગોપાલ ર. ગુપ્તા